Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



રબને બના દી રાબ

24 September, 2019 04:11 PM IST | મુંબઈ
રાબ સ્પેશ્યલ - અલ્પા નિર્મલ

રબને બના દી રાબ

રબને બના દી રાબ


જો કે કોઈ પુરાણોમાં ઈશ્વરે રાબ ખાધાનો ઉલ્લેખ નથી, પણ વિવિધ ધાન્યોના લોટ, ઘી, દૂધ, સાકર, ગોળ કે મીઠું, છાશમાંથી બનતું આ ખારું કે ગળ્યું પ્રવાહી સદીઓથી આપણા દેશના વિવિધ પ્રાંતોમાં પીવાતું આવ્યું છે. અંગ્રેજો પોતાની સાથે શાકભાજીના સૂપની પ્રથા લાવ્યા જેથી રાબ દેશી ડિશ બની ગઈ અને ફક્ત બીમારીમાં ખાવા-પીવાની આઇટમ બનીને રહી ગઈ. બટ, બિલીવ મી, રાબ એવું સત્વશાળી પીણું છે જે તબિયત ટનાટન કરવાની સાથે તાકાત અને તાજગી પણ આપે છે. આજે પણ ભારતના દેહાતી વિસ્તારોમાં પરંપરાગત રીતે રાબ પીવાય છે.  કેટલાક પ્રાંતોમાં તો ઉનાળામાં ઠંડક માટે પીવાતું આ પીણું છે. આજે પીરસું છું, રેગ્યુલર અને અવનવી ટેસ્ટી-ટેસ્ટી રાબની રેસિપી...

અસેરિયાની રાબ



સામગ્રી (એક સર્વિંગ માટે)


બે ટેબલ-સ્પૂન અસેરિયો, દોઢસો એમએલ ગરમ દૂધ સ્વાદ અનુસાર, સાકર, એલચી અથવા જાયફળનો ભૂકો. ત્રણથી ચાર ખારેકના ટુકડા, બદામ-પિસ્તાના મીડિયમ સાઇઝના ટુકડા.

રીત - સૌપ્રથમ અસેરિયાને ચાળી, બરાબર સાફ કરી, નૉર્મલ ટેમ્પરેચરના પાણી અથવા દૂધમાં બે કલાક માટે પલાળવો. એ તકમરિયાની જેમ ફૂલી જશે. થીક બૉટમવાળા તપેલામાં દૂધ ગરમ કરવું.  ઊકળે એટલે એમાં પલાળેલો અસેરિયો અને ખાંડ નાખી  પાંચથી છ મિનિટ માટે ઉકાળવું અને સતત હલાવતા રહેવું. અસેરિયો અને દૂધ એકરસ થવા માંડે ત્યારે ખારેક, બદામ, પિસ્તાના ટુકડા નાખવા. બીજી બે-ત્રણ મિનિટ પછી એલચી નાખી ગૅસ બંધ કરવો. ખારેકના ટુકડાને બદલે એની પેસ્ટ અથવા ખજૂર પણ નાખી શકાય. આ જ રીતે દૂધને બદલે પાણી અને ગોળવાળી રાબ પણ બનાવી શકાય.


ટિપ - હિન્દીમાં હલીમ, મરાઠીમાં અળીવ અને અંગ્રેજીમાં ક્રેસ સીડ્સ તરીકે ઓળખાતો અસેરિયો આપણે ફક્ત પ્રેગ્નન્સી પછીની ઔષધિ તરીકે ખાવામાં વાપરીએ છીએ, પરંતુ આ હલીમ જાદુઈ હર્બ છે, એમાં મોટી માત્રામાં આયર્ન, પ્રોટીન, કૅલ્શિયમ, વિટામિન A, C, E છે જે શરીરમાં લોહીની ઊણપ દૂર કરવા સાથે ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રૉન્ગ કરે છે. કૅન્સર, ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, સંધિવાત, કબજિયાત, ગૅસ જેવી તકલીફો માટે વિદેશીઓ પણ તેમના ડાયટમાં વિવિધ રૂપે મોટા પ્રમાણમાં લે છે. હા, ઉષ્ણ પ્રકૃતિનું હોવાથી પ્રેગ્નન્ટ મહિલાઓએ અસેરિયો ખાવો નહીં.

મકાઈની રાબડી

સામગ્રી (ચાર સર્વિંગ માટે)

બે ફ્રેશ મકાઈના ભુટ્ટા, ૩૦૦ ગ્રામ તાજું દહીં, રાઈ-જીરું, સ્વાદ અનુસાર મીઠું.

રીત - સૌપ્રથમ મકાઈના દાણાને ધોઈ નાખવા. ધોવામાં એના ઉપરનાં ફોતરાં નીકળે એટલાં કાઢી નાખવાં. પછી એને મિક્સરમાં બારીક પીસી લેવી. પીસેલી મકાઈ કડાઈમાં કાઢી એમાં દહીં ભેળવવું. જો મિશ્રણ જાડું લાગે તો પાણી ભેળવવું. રાબ જેવી કન્સિટન્સી થઈ જાય એટલે ગૅસ પર મૂકવું. સાતથી આઠ મિનિટ સુધી મધ્યમ આંચે પકાવવું અને હલાવતા રહેવું. રાઈ અને જીરાને તવા પર  શેકી લેવાં અને અધકચરાં વાટી લેવાં. વાટેલું રાઈ-જીરું રાબડીમાં નાખી દેવું અને ગૅસ બંધ કરી દેવો. આ રાબ જ્યારે પીવી હોય ત્યારે મીઠું ભેળવવું, કારણ કે દહીંમાં પહેલેથી મીઠું નાખી દેવામાં આવે તો દહીં ખાટું થઈ જાય છે અને રાબ સ્વાદમાં ખાટી લાગે છે.

ટિપ - રાજસ્થાનના શહેર અને ગામડામાં બારેમાસ ખવાતી આ રાબ મકાઈના ફાડામાંથી પણ બનાવી શકાય છે. આપણે ત્યાં જેમ ઘઉંના ફાડા તૈયાર મળે છે એવી રીતે ત્યાં મકાઈના ફાડા મળે છે. મકાઈના ફાડામાં ત્રણગણું પાણી નાખી કુકરમાં સાતથી આઠ વ્હિસલ વાગે એટલે ૨૦ મિનિટ જેવું પકાવવું અને લાપસી ઠંડી થાય એટલે એમાં દહીં ભેળવી ઉપરની રીત પ્રમાણે રાબ બનાવવી.  

ઘઉં, બાજરી, નાચણીના લોટની ‍રાબ

સામગ્રી (એક સર્વિંગ માટે)

મીઠી રાબ માટે - બે ચમચી ઘી, દોઢ ચમચી ઘઉં, બાજરી-નાચણીનો લોટ, એક ટેબલ-સ્પૂન કેમિકલ-ફ્રી ગોળ, એક ચપટી કાચો અજમો.

દૂધવાળી રાબ માટે - દોઢ ચમચી ઘી, એક ચમચી ઘઉં અથવા નાચણીનો લોટ, ૧૫૦ એમએલ ગરમ દૂધ, દોઢ ટેબલ-સ્પૂન ખાંડ, એક ચપટી એલચીનો ભૂકો.

ખારી રાબ માટે - દોઢ ચમચી ઘી, એક ચમચી બાજરી અથવા નાચણીનો લોટ, ૧૫૦ એમએલ  ગરમ પાણી, સ્વાદ અનુસાર મીઠું, ફ્લેવર માટે એક ચપટી સૂંઠ પાઉડર.

રીત - દરેક રાબ બનાવવાની રીત એકસરખી છે. જાડા તળિયાવાળા પહોળા વાસણમાં ઘી ગરમ કરી લોટ નાખવો અને ધીમા તાપે શેકવો. બીજી બાજુ પાણી અથવા દૂધ જે નાખવું હોય એ ગરમ કરવા મૂકવું. લોટ શેકાઈ જાય એટલે ગૅસ બંધ કરી જે રાબમાં અજમો કે સૂંઠ પાઉડર નાખવાનો છે  એ ગરમ લોટમાં નાખીને હલાવવું. આ તેજાનાઓની સુગંધ આવવા માંડે એટલે એમાં ધીમે-ધીમે ગરમ પાણી અથવા દૂધ નાખવું અને એ સાથે જ ગોળ કે ખાંડ નાખી દેવાં. આખું મિશ્રણ ઊકળે અને  એકરસ થાય એટલે ગૅસ બંધ કરી દેવો. દૂધવાળી રાબમાં છેલ્લે એલચી નાખવી. લ્યો, થઈ ગઈ ટિપિકલ રાબ તૈયાર.

ટિપ -  માંદગીમાં જ્યારે પાચનશક્તિ નબળી હોય ત્યારે આ રાબ ટોનિકનું કામ કરે છે. અજમો, સૂંઠ ફ્લેવર આપવાની સાથે શરીરમાં ગરમાટો પણ ઉત્પન્ન કરે છે જે કફ, શરદી, વાયુ ઘટાડે છે.  દૂધની રાબ પણ એટલી જ પૌષ્ટિક છે અને નાનાં બાળકો માટે એ શક્તિવર્ધક છે.

આમ તો આ રાબ ગળી વધુ સરસ લાગે છે, પરંતુ જેને ગળ્યો ટેસ્ટ ન ભાવે તેઓ મીઠાવાળી રાબ પણ બનાવી શકે છે. હા, દૂધ સાથે મીઠા કે ગોળનું કૉમ્બિનેશન ક્યારેય કરવું નહીં. સાવ પાણી જેવી રાબ કે પોરીજ જેવી જાડી રાબ ન બને એનું ધ્યાન રાખવું. જો રાબ પાતળી બની ગઈ હોય તો એ વધુ સમય ઊકળવા દેવી અને જો જાડી બની જાય તો એમાં બીજું ગરમ પાણી કે દૂધ ઉમેરી યોગ્ય બનાવવી. ઇમ્પોર્ટન્ટ પૉઇન્ટ એ ધ્યાનમાં રાખવો કે લોટમાં પાણી કે દૂધ ઉમેરતી વખતે એમાં ગાંઠા ન પડી જાય.

ગૂંદરની રાબ

સામગ્રી (એક સર્વિંગ માટે)

એક ટેબલ-સ્પૂન ખાવાના ગૂંદરના મીડિયમ સાઇઝના ટુકડા, દોઢ ટેબલ-સ્પૂન ઘી, દોઢ ટેબલ-સ્પૂન સાકર, ૨૦૦ એમએલ પાણી, ખમણેલું લીલું અથવા સૂકું ટોપરું દોઢ ચમચી, એક ચમચી બદામની કતરણ, સૂંઠ-પીપરીમૂળ પાઉડર.

રીત - સૌપ્રથમ જાડા તળિયાવાળા વાસણમાં ઘી ગરમ કરો. એમાંથી ધુમાડા નીકળવા માંડે એટલે  ગૅસ બંધ કરી થોડો-થોડો ગૂંદર એમાં નાખો. ગૂંદર તળાઈને ફૂલી જશે. બધો ગૂંદર કાઢી લઈ ફૂલેલા ગૂંદરને ચમચાથી ભાંગીને ભૂકો કરો. એ વાસણમાં જ પાણી ઊકળવા મૂકો. પાણી ઊકળે એટલે  ગૂંદરનો ભૂકો નાખી ઓગળે એટલી વાર હલાવતા રહો. પછી આ મિશ્રણમાં સાકર, સૂંઠ-પીપરીમૂળનો ભૂકો, બદામ અને નારિયેળનું ખમણ નાખી બેથી ત્રણ મિનિટ માટે ગૅસ પર મૂકો. રેડી છે ગૂંદરની રાબ.

ટિપ - આ રાબ જૈનધર્મીઓ ઉપવાસના પારણામાં અચૂક પીએ છે. ઉપવાસ બાદ શરીરના મસલ વીક થઈ ગયા હોવાથી બૉડીમાં એક પ્રકારનું કળતર થાય છે. ગૂંદર તેમ જ સૂંઠ-પીપરીમૂળ મસલને સ્ટ્રેન્થ આપી સ્ટ્રૉન્ગ બનાવે છે. ગૂંદરમાં કૂલિંગ પ્રૉપર્ટી છે એ શરીરની ગરમી એસિડીટી પણ ઓછી કરે છે એ સાથે જ કૉન્સ્ટિપેશન અને યુરિન ફંક્શન રેગ્યુલર કરે છે. ઘણા લોકો ઘઉંનો લોટ અને સાકરને બદલે ગોળ નાખે છે. જોકે સાકર પણ શરીરની દાહને શાંત કરે છે એટલે ગરમીની રાહત માટે પીતા હો તો લોટ, ગોળ અવૉઇડ કરવો.

ફક્ત ઉપવાસ બાદ જ નહીં, આ રાબ ગરમીમાં પણ પી શકાય. હા, એમાં સૂંઠ-પીપરીમૂળ ઓછું  અથવા ન નાખવું.

ખાટે કી રાબડી

સામગ્રી (ચાર સર્વિંગ માટે)

અડધો કપ બાજરો, અડધો કપ ઘઉં, અડધો કપ ચણાની દાળ, ત્રણ કપ છાશ, એકકપ બાજરીનો લોટ, બેથી ત્રણ લીલાં મરચાં, સ્વાદ અનુસાર મીઠું, શેકેલું જીરું.

રીત - ઘઉં, ચણાદાળ, બાજરો ચાળીને સાફ કરી સાતથી આઠ કલાક માટે અલગ-અલગ પલાળી દેવાં. પોચાં થઇ ફૂલી જાય એટલે એમાંથી એક્સેસ પાણી કાઢીને મિક્સરમાં બારીક પીસી લેવાં. ધોકો કૂંડી વડે પણ પીસી શકાય. એક મોટા વાસણમાં બાજરાના લોટને મોળી, પાતળી છાશમાં ઓગાળી ગૅસ પર પાકવા દો. ત્રણથી ચાર મિનિટમાં પાકી જાય એટલે ત્રણેય ધાન એમાં નાખી ફરી ત્રણ-ચાર મિનિટ પકાવો. મીઠું, પીસેલું મરચું, શેકેલું જીરું નાખો.

ટિપ - આ રાબ રાજસ્થાન અને હરિયાણામાં ઉનાળામાં બહુ પીવાય છે. તેઓ આ રાબને માટીના વાસણમાં પકાવી આખી રાત માટલામાં ભરી રાખે છે અને બીજા દિવસે ઠંડી જ પીએ છે. ગરમીમાં જ્યારે કાંઈ ખાવાનું મન નથી થતું ત્યારે આ રાબ ફુલ મીલની ફીલિંગ આપવા સાથે એમાંનાં વિવિધ ધાન્ય એનર્જી પણ આપે છે. ખાટે કી રાબડી બહુ જાડી કે અતિ પાતળી નથી હોતી. ગ્લાસમાં પી શકાય એવી હોય છે. આમાં ફુદીનાનાં પાનનું ફ્લેવર પણ ટેસ્ટી લાગે છે.

આ પણ વાંચો : બનાવો ટેસ્ટી મકાઈ વડાં

આ સેમ મેથડ વડે કુટેડી રાબડી પણ બનાવી શકાય જેમાં ફક્ત બાજરો નખાય છે. તો જુવારની રાબડીમાં છાશમાં જુવારનો લોટ ભેળવવાનો અને પલાળેલી બાજરી અને ચણાની દાળ આખેઆખી નાખીને પકાવાય છે. આ રાબ હરિયાણામાં ખૂબ લોકપ્રિય છે.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2019 04:11 PM IST | મુંબઈ | રાબ સ્પેશ્યલ - અલ્પા નિર્મલ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK