નખત્રાણા તો ઔષધીય વનસ્પતિઓની ખાણ છે

Published: Aug 18, 2020, 14:42 IST | Mavji Maheshwari | Kutch

નખત્રાણાનો ડુંગરાળ વિસ્તાર ઔષધીય વનસ્પતિઓની ખાણ છે. સ્થાનિક લોકોને આ વનસ્પતિની ખરી ઓળખ ન હોવાથી તેનો ઉપયોગ અને સાચવણી કરી શકતા નથી

જંગલી મારવો
જંગલી મારવો

કચ્છ જેમ તેની વિલક્ષણ ભૂગોળ માટે જાણીતું છે તેમ વિષિષ્ઠ વનસંપદા થકી પણ નોખું પડે છે. જોકે કચ્છમાં વનસ્પતિજગતમાં જયકૃષ્ણ ઇન્દરજી પછી કોઈએ ખાસ સંશોધન કર્યું નથી, પરંતુ જો આ દિશામાં વૈજ્ઞાનિક પદ્ધતિએ કામ કરવામાં આવે તો કચ્છની ઔષધીય વનસંપદાનાં ઉપયોગી તથ્યો બહાર આવી શકે. ખાસ કરીને ચોમાસામાં થતાં કેટલાંક કંદ, વેલી-વેલા તેમ જ ઘાસ ભલે સામાન્ય લાગતું હોય, પરંતુ તે ઉપયોગી ઔષધીય ગુણો ધરાવે છે. ખાસ કરીને નખત્રાણાનો ડુંગરાળ વિસ્તાર ઔષધીય વનસ્પતિઓની ખાણ છે. સ્થાનિક લોકોને આ વનસ્પતિની ખરી ઓળખ ન હોવાથી તેનો ઉપયોગ અને સાચવણી કરી શકતા નથી. હવે કચ્છમાં કુદરતી વનસંપદાનું સંવર્ધન અને રક્ષણ કરવાનો સમય આવી ગયો છે.

કચ્છમાં ચોમાસામાં સારા વરસાદને પગલે જ્યારે વનશ્રી તેનો અસલી રંગ ધારણ કરે છે ત્યારે આ પ્રદેશનું કુદરતી સૌંદર્ય દર્શનીય હોય છે, ઉપરાંત કેટલીક એવી વનસ્પતિ છે જેનું ઔષધીય મૂલ્ય છે તે વનસ્પતિ પણ ચોમાસામાં જ જોવા મળે છે. અહીં એવી કેટલીક વનસ્પતિનો પરિચય કરીએ.

કુદરતી કંદ : કચ્છમાં કુદરતી રીતે ચોમાસામાં ફૂટી નીકળતાં કંદ ત્રણ પ્રકારનાં છે. જેને સ્થાનિક ભાષામાં કુંધેર, વિરથ અને એકલકંઢો કહે છે. કુંધેર આખાય કચ્છમાં ચોમાસામાં જોવા મળે છે. જે ત્રણ જાતનાં હોય છે અને સુઈયો, કારેલ અને ફરસીનાં નામે ઓળખાય છે. બટાકા જેવાં જ લાગતાં કંદનો સ્વાદ એકસરખો હોય છે, પણ તેનાં પાનની રચના જુદી હોય છે. સુઈયોનાં પાન મોટા સોયા જેવાં હોય છે. કારેલ અને ફરસીનાં પાનનો આકાર એકસરખો હોય છે, પરંતુ કારેલનાં પાન કાળાશ પડતાં લીલાં હોય છે જ્યારે ફરસીનાં પાન આછાં લીલાં રંગનાં હોય છે. કુંધેરની વિશેષતા એ છે કે વહેલી સવારે એનાં પાન એકદમ ખાટાં હોય છે જ્યારે તડકો પડ્યા પછી તેની ખટાશ જતી રહે છે. વિરથ ડુંગળી જેવી રચના ધરાવતું ચમકીલા સફેદ રંગનું કંદ છે. તે ખુલ્લી જમીન અને પથરાળ વિસ્તારમાં વિશેષ જોવા મળે છે. જમીનને અડીને ફૂટેલાં ચમકીલા લીસ્સા આકર્ષક પાનની રચના અને તેમાંથી નીકળતી સીધી દાંડીને કારણે દેખાવમાં બહુ જ સુંદર લાગે છે. એ દાંડી ઉપર આછા સફેદ રંગનાં ફૂલોની સેર બેસે છે. સ્થાનિક ભાષામાં તેનાં પાનને કુરલી કહે છે. વિરથ એટલું કડવું હોય છે કે જીભ ઉપર તેનો રસ પડે તો ઊલટીઓ થવા માંડે છે. તેનો ઉપયોગ વણકરો કાપડ ઉપર કાંજી ચડાવવા કરતા. ઉપરાંત તે ચામડીના દર્દ મટાડતું હોવાનું કહેવાય છે. એકલકંઢોને કંદ કહેવું કે કેમ તે એક પ્રશ્ન છે, પરંતુ તેની શાખાઓ ચોમાસામાં ફૂટી નીકળે છે. તે આસપાસની વનસ્પતિ ઉપર ચડી જાય છે. તેનાં સરુનાં વૃક્ષ જેવાં ઘેરા લીલાં રંગનાં પાન કારતક માસ સુધી રહે છે, પછી ખરી જાય છે. આ વનસ્પતિનાં કંદ કોઈ દેશી દવા બનાવવામાં વપરાય છે જેના કારણે કચ્છમાં ગ્રામીણ લોકો મૂળ ખોદી કાઢવા માંડ્યા છે. 

કેટલાંક વેલી-વેલા ચોમાસામાં વરસાદ પછી ખાસ કરીને ફાંગના વેલા ચોમેર જોવાં મળે છે. આ વેલની શાખાઓ મજબૂત હોય છે તથા પુષ્કળ પાન ફૂટે છે. આ વનસ્પતિમાં સાંજે સફેદ ફૂલો ખીલે છે જેમાંથી મીઠી સુગંધ હવામાં વહેવા માંડે છે. ફાંગને લખોટી જેવડું ફળ લાગે છે, જેના બી વાજીકરણની દવામાં વપરાય છે. ધોધા તરીકે ઓળખાતી વનસ્પતિની વેલ ચોમાસામાં જ દેખાય છે. તેમાં માછલી આકારનાં ફળ લાગે છે. ગ્રામીણ વિસ્તારોનાં બાળકોનું આ પ્રિય ફળ છે. પગમાં કાંટો વાગવાના કારણે થતા વિકારને મટાડવા આ વનસ્પતિનાં પાન લસોટીને ચોપડવામાં આવે છે. કારો પીંગાલો નામની વેલ ખાસ કરીને ખીજડા અને બાવળનાં વૃક્ષની આસપાસ જોવા મળે છે.  ચામડીનો વિકાર મટાડવા આ વનસ્પતિનો ઉપયોગ થાય છે. કદાચ કોઈ શહેરીજનને એ ખબર નહીં હોય કે નવી જાતનું શાક ગણાતા કંટોલા એ માત્ર ચોમાસામાં જ શા માટે મળે છે? વાસ્તવમાં કંટોલાનું મૂળ જમીનમાં વર્ષો સુધી પડી રહે છે અને ભેજ મળતાં ફૂટી નીકળે છે. કચ્છમાં હજી સુધી આ વનસ્પતિનો વ્યાવસાયિક ધોરણે વાવવાનો પ્રયોગ થયો નથી. કચ્છની વનસ્પતિ તરીકે ઓળખાતી ગોલાડો નામની વેલ ચોમાસામાં ફાલે છે અને તેના પાંચ ખૂણાવાળા પાન આખાય વૃક્ષને ઢાંકી દે છે. તેનું ફળ ટીંડોરાને મળતું આવે છે. તે કાચું હોય છે ત્યારે લીલું અને પાકે છે ત્યારે એકદમ લાલ બની જાય છે. પાકેલું ફળ ગળચટા સ્વાદનું હોય છે. આ વનસ્પતિના મૂળનું ચૂર્ણ હાડકું સાંધવા માટે વપરાય છે. કોટીંબા તરીકે ઓળખાતી આ વેલ ખેડવાણ ખેતરમાં ખૂબ જ થાય છે. તેમાં ચીભડા આકારનું નાનું ફળ લાગે છે, જે પહેલાં કાચું અને તે પછી ખાટો સ્વાદ ધારણ કરે છે. સ્થાનિક લોકો તેનું અથાણું બનાવવા ઉપયોગ કરે છે. આ ઉપરાંત ડુધરવલ, ડુઈવલ, તીખીવલ, ચીનકચીભડી જેવા વેલા થાય છે જેનો વનસ્પતિક અભ્યાસ થયો નથી.

ઘાસ આમ તો ચોમાસામાં ધરતીની શોભા વધારે છે, પશુઓને નવું લોહી આપે છે. એ જ ઘાસ ખેડૂત માટે માથાનો દુખાવો પણ હોય છે. ખેડવાણ ખેતરોમાં બિનજરૂરી ઘાસ કાઢવા માટે નીંદણ તેમ જ આંતરખેડ કરવી પડે છે, પરંતુ સામાન્ય જણાતું ઘાસ કેવા કેવા ઔષધીય ગુણો ધરાવે છે તેની માહિતી ઓછા લોકો પાસે હોય છે. કચ્છમાં માત્ર ચોમાસામાં થતાં ઘાસના છોડ બહુ જ ઉપયોગી છે. માંધાણું નામે ઓળખાતું ઘાસ ખેડવાણ ખેતર અને કાંપવાળી જમીનમાં ખૂબ થાય છે. તેમાં નાના ડૂંડા લાગે છે, જેમાં રાઈથી પણ નાના બીજ હોય છે. આ બીજનો ઉપયોગ શુક્રાણુઓની માત્રા વધારવા માટે થાય છે. ઉપરાંત એનો શીરો બનાવીને ખવડાવવાથી ઊંચાઈ વધે છે તેવું કહેવાય છે. બડબોઆરો દોઢેક ફૂટ ઊંચું વધતું એક મજબૂત ઘાસ છે. તેની મજબૂતાઈને કારણે જ તેનો ઉપયોગ સાવરણા તરીકે થાય છે. ચિરોડી જેવાં તેના બીજ અત્યંત કઠણ હોય છે. આ બીજનો ઉપયોગ પણ શારીરિક અશક્તિ દૂર કરવા વપરાય છે. ખટુંબડી નામે ઉગતી વનસ્પતિનાં પાન આંબલી જેવાં ખાટાં હોય છે. તેનો રસ કૅફી પીણાંની અસર ઉતારવા થતો હોવાનું કહેવાય છે. લાંપડી નામનું ઘાસ ચારેક ફૂટ ઊંચું વધે છે. તેને મુલાયમ સફેદ રંગના ડૂંડા બેસે છે. જેમાં ચમકીલા કાળા રંગના બી હોય છે. એનો ઉપયોગ પથરીની દવા તરીકે થાય છે. કચ્છમાં સપાટ જમીન અને રસ્તાની ધારે જંગલી મરવો નામનું ઘાસ થાય છે. આ વનસ્પતિનાં પાનમાં તીવ્ર ગંધ હોય છે. એને લાંબી સેરવાળું ડૂંડું બેસે છે જેમાં ભાદરવાની આસપાસ આછા કાળા રંગના બી થાય છે. આ બીને પાણીમાં થોડીવાર રાખવાથી તેના ઉપર મલાઈ જેવું આછું પારદર્શક પડ જામી જાય છે. એ  પલાળેલાં બી એસીડીટીની અકસીર દવા હોવાનું જાણકારો કહે છે. કચ્છમાં ચોમાસામાં ગોખરુ પુષ્કળ થાય છે, જેને સ્થાનિકો એકોંઢી કહે છે. ઇન્દ્રોણી નામની વેલમાં થતું ફળ નખના વિકાર મટાડવા તેમ જ પટ કાંઢેરીના બી દાંતનો સડો રોકવામાં વપરાતાં હોવાનું જાણવા મળ્યું છે.

કચ્છમાં ચોમાસામાં જળાશયોમાં પોયણી ખૂબ જ થાય છે, જેને સ્થાનિક લોકો કુમ્મ તરીકે ઓળખે છે. તેના માટલા અને ભમરડા આકારના ફળ બજારમાં દવા તરીકે વેચાય પણ છે. માટલા આકારનાં ફળના બી રતાશ પડતાં અને સહેજ કડવા હોય છે. બાળકોને અતિસારમાં તેના બી દવા તરીકે અપાય છે. ભમરડા આકારનાં ફળ શ્યામ રંગનાં હોય છે. તે મોંમા નાખવાથી મેન્થોલની જેમ ઠંડક લાગે છે. આ બીજ એસીડીટીનો પ્રકોપ ઓછો કરવા વપરાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK