ભારતીય જવાનોની કૅન્ટીનમાં કરીએ ડોકિયું

Published: 15th February, 2021 11:02 IST | Pooja Sangani | Mumbai

ભારતીય આર્મીએ તાજેતરમાં ‘રેજિમેન્ટલ ઝાયકાઝ’ નામનું એક પુસ્તક પ્રકાશિત કર્યું છે જેમાં આર્મીના કૅન્ટોન્મેન્ટ સેન્ટરમાં કેવું ખાણું પીરસાય છે એની ટેસ્ટી અને મસાલેદાર માહિતી છે

આર્મી મેસની કાશ્મીરી થાળી
આર્મી મેસની કાશ્મીરી થાળી

વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સૈન્યદળ ધરાવતા ભારતના સૈનિકો સતત દેશની સુરક્ષા માટે ખડેપગે રહે છે. આવા સમયે ઘણી વાર આર્મીમાં મળતા ભોજન વિશે વિવાદો પણ થયા છે ત્યારે ભારતીય આર્મીએ તાજેતરમાં ‘રેજિમેન્ટલ ઝાયકાઝ’ નામનું એક પુસ્તક પ્રકાશિત કર્યું છે જેમાં આર્મીના કૅન્ટોન્મેન્ટ સેન્ટરમાં કેવું ખાણું પીરસાય છે એની ટેસ્ટી અને મસાલેદાર માહિતી છે. ચાલો આ પુસ્તક થકી આર્મીની વિવિધ રેજિમેન્ટમાં મળતા ફૂડની દુનિયામાં મારીએ એક લટાર

food

તિબેટિયન થુક્પા સૂપ

લોકોને સાધારણ પ્રશ્ન થતો જ હશે કે સેનાના જવાનોને અને અધિકારીઓને રોજ ભોજનમાં શું મળતું હશે, એ ફૂડ કેવું હોય, કેવી રીતે બને? આર્મીમાં જવાનો બે રીતે કામ કરતા હોય છે, એક તો લશ્કરી છાવણી કે જેને આર્મી કૅન્ટોન્મેન્ટ કહેવામાં આવે છે એ એક પ્રકારની ટાઉનશિપ જેટલું વિશાળ હોય છે અને ત્યાં જવાનોનાં ઘર, ઑફિસ, ગોડાઉન અને સ્કૂલ સહિતની તમામ સગવડો હોય છે. અહીં રોજબરોજ સેનાના જવાનો એક નૉર્મલ ઑફિસનું કામ હોય એ પ્રમાણે રૂટીન ફૉલો કરે છે, કસરતો કરે છે, પરેડ કરે છે અને જે પણ કામગીરી સોંપવામાં આવી હોય એ કરે. જ્યારે બીજા સરહદ ઉપર કે અન્ય કોઈ સંવેદનશીલ સ્થળો કે જ્યાં આર્મી  જવાનો તહેનાત હોય છે ત્યાં સરહદો પર સતત નજર રાખતા હોય છે, દુશ્મન દેશોના જવાનો કે ઘૂસણખોરોની સાથે હાથોહાથની લડાઈની સાથે ગોળીબારનો જવાબ ગોળીબારથી દુશ્મન સમજે એ ભાષામાં આપે છે. સરહદ પરની આ જગ્યાઓએ પણ એક ખાસ કૅમ્પમાંથી ભોજન મોકલવામાં આવે છે.  

આજે આપણે આર્મી કૅન્ટોન્મેન્ટમાં પીરસાઈ રહેલા ભોજન અને એની ખાસિયતો વિશે વાત કરવી છે. ભારતીય સેનાની અલગ-અલગ રેજિમેન્ટમાં કેવું ફૂડ પીરસવામાં આવે છે એ વિશે  ભારતીય સેના દ્વારા સૌપ્રથમ વાર રેજિમેન્ટલ ઝાયકાઝ (Regimental Zaikas) નામનું પુસ્તક પ્રકાશિત કરાયું છે અને એમાં સેનાના ફૂડ વિશે ખૂબ રસપ્રદ માહિતી આપી છે.  આ પુસ્તકમાં ભારતની આર્મી મેસ એટલે કે સૈનિક ભોજનઘરમાં બનતી વિવિધ વાનગીઓ અને એની આસપાસ વણાયેલી પ્રાદેશિક, ઐતિહાસિક તેમ જ સાંસ્કૃતિક બાબતોની માહિતીનો સમાવેશ થાય છે. આજે આપણે એ પુસ્તકમાંથી જ કેટલીક વિગતો જાણીશું.

કૅન્ટોન્મેન્ટ વિસ્તારમાં આવેલી આર્મી મેસ જોવા જેવી હોય છે અને એમાં આપવામાં આવતા ભોજનમાં ખાસ ખ્યાલ રાખવામાં આવે છે કે જવાનોને પોતાના ઘર જેવું જ ભોજન લાગે. મેસના ડાઇનિંગ રૂમની ડિઝાઇનમાં પણ આર્મીની શૌર્યગાથાઓની ભવ્યતા વણાયેલી હોય છે અને એમાં જે-તે રેજિમેન્ટની બહાદુરીની ગાથા અને અધિકારીઓની કામગીરીની ઝલક ફોટોગ્રાફ્સ, ચિત્ર કે સ્મૃતિચિહ્નોરૂપે સજાવેલી હોય  છે.

આ આર્મીની મેસ છે એટલે અહીં તમને કૉલેજમાં જોવા મળે એવી ધિંગામસ્તી અને અહીં-તહીં પડેલી ખુરસીઓ જોવા નહીં મળે. અહીંની ભોજનવ્યવસ્થામાં પણ અદબ અને શિસ્ત ભારોભાર વણાયેલી જોવા મળશે. અહીં શિસ્ત સાથે જમતા જવાનો પોતાના ઉપરી અધિકારીઓનું માન-સન્માન જળવાય એનો ખાસ ખ્યાલ રાખે છે. તેમની જમવાની પદ્ધતિથી લઈ ભોજન માટે વપરાતી કટલરી અને સાધનો વાપરવાની એક ચોક્કસ પદ્ધતિ અને પ્રથા હોય છે. આર્મી મેસમાં અપરિણીત અધિકારીઓ અથવા ટ્રાન્સફર થયેલા સૈનિકો જે પરિવારથી દૂર હોય તેઓ જમે છે. એનું ભોજન ફાઇવસ્ટાર હોટેલ્સની રેસ્ટોરન્ટ્સને પણ ટક્કર મારે એવું હોય છે. એમાં જવાનો માટે સમય અને સંજોગોને અનુરૂપ પાર્ટીઓનું પણ આયોજન થયું હોય છે.

વીકલી મેનુ                                                                                           

દરેક મેસમાં સોમવારથી શનિવાર સુધીનું મેનુ ફિક્સ જ હોય છે જેમાં દૈનિક સવારનો નાસ્તો, લંચ, સાંજની ચા, પીણાં અને ડિનર મળે  છે. રવિવારના બ્રન્ચમાં ખાસ અને જાત-જાતની વાનગીઓ ઉપરાંત મીઠાઈ અને પીણાં પીરસાય છે. મેસમાં રોજેરોજ શું બનવાનું છે એનું વીકલી મેનુ પહેલેથી જ નક્કી હોય છે. સંતુલિત પોષણની સાથે વરાઇટીનું પર એમાં ધ્યાન રાખાય છે. ભોજનમાં સામાન્ય રીતે બે પ્રકારની શાક, એક કઠોળ, એક દાળ, ચપટી, ચોખા, કચુંબર, મીઠાઈ અને ફળો સામેલ હોય છે. જો કોઈ દિવસ પાર્ટી હોય તો ફાઇવસ્ટાર હોટેલ કક્ષાનું કૉન્ટિનેન્ટલ ભોજન પણ પીરસાય. 

ટ્રેઇન્ડ શેફ્સ

તો હવે રસોઇયા કોણ હોય છે? આર્મી મેસના શેફને ખાસ તાલીમ આપવામાં આવે છે અને જેમ જવાનો તાલીમના અલગ-અલગ તબક્કાથી પસાર થાય એ રીતે તેમને પણ ત્રિસ્તરીય તાલીમ આપીને એક ફાઇવસ્ટાર હોટેલના શેફની જેમ તૈયાર કરવામાં આવે છે. એમાં સ્વાદ અને સંતુલિત ભોજન ઉપરાંત પ્રેઝન્ટેશન પણ શીખવવામાં આવે છે. આર્મીના શેફ બનવું હોય તો એમાં પર એક અદબ અને શિસ્તની જાળવણી મસ્ટ છે. તેમને તમામ પ્રકારના ફૂડની તાલીમ મળે છે અને એવું કહેવાય છે કે આર્મીના શેફને પણ જરૂર પડ્યે રક્ષણાત્મક શૈલીથી લડવાની જરૂરી તાલીમ આપવામાં આવે છે.

જેવી રેજિમેન્ટ એવું ભોજન

ભારતના દરેક રાજ્ય કે રાજ્યોના સમૂહની એક રેજિમેન્ટ હોય છે અને તેમની ખાણીપીણીની આદત, પ્રથા, સ્વાદ અને સંસ્કૃતિ પ્રમાણેનું ભોજન દરેક રેજિમેન્ટમાં તૈયાર કરવામાં આવે છે. જો અલગ-અલગ રેજિમેન્ટની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીર અને ડોગરા રેજિમેન્ટ છે તો તે પ્રદેશની સ્થાનિક વાનગીઓ તૈયાર કરવામાં આવે છે જેમાં દમ આલૂ, ફિરની, રાજમા મસાલા, ગુલકંદ ગુલાબ જામુન, પેશાવરી છોલે, કાશ્મીરી પુલાવ અને બીજી ત્યાં સ્થાનિક ધોરણે ખવાતી વાનગીઓ તૈયાર કરીને પીરસવામાં આવે છે. લદ્દાખ સ્કાઉટ્સ અને આસામ રેજિમેન્ટમાં ઉત્તર પૂર્વના પ્રદેશમાં ખવાતી વાનગીઓ પીરસાય છે. રાજસ્થાન રેજિમેન્ટમાં મિરચી વડા, ગટ્ટા પુલાવ, દાળઢોકળી, કેર સાંગરી, પંજાબ રેજિમેન્ટમાં તમામ પ્રકારનું પંજાબી ફૂડ, મરાઠા રેજિમેન્ટ, ગઢવાલ રેજિમેન્ટ, મદ્રાસ રેજિમેન્ટમાં પણ તેમના પ્રદેશની ખાસિયતો પ્રમાણેના મસાલા અને પદ્ધતિ મુજબ વાનગી તૈયાર કરીને પીરસવામાં આવે છે.

જમ્મુ-કાશ્મીર રેજિમેન્ટમાં કાશ્મીર, જમ્મુ અને હિમાચલ પ્રદેશના જવાનો હોય છે. ભારતીય પાકશાસ્ત્રની આગવી કળા ગણાતી આ ક્ષેત્રની વાનગીઓ તમને આ રેજિમેન્ટની મેસમાં મળી જશે. જમ્મુની વાનગીઓ સુગંધીદાર ભાત અને શાકભાજી આધારિત હોય છે, જ્યારે કાશ્મીર ખીણનું ભોજન પરંપરાગત ‘વાઝવાન’ વાનગીઓ તરીકે પણ ઓળખાય છે. સૌથી મોંઘી સામગ્રી અહીંનું કેસર હોય છે. કેસરનો પાક કાશ્મીરમાં ઘણો થતો હોવાથી વાનગીઓમાં એનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે.

જમ્મુ-કાશ્મીરને અડીને આવેલા લદ્દાખના લદ્દાખ સ્કાઉટ દળમાં પણ એ પ્રદેશના ફૂડની ઝાંખી છે અને લદ્દાખનું ફૂડ તિબેટિયન ફૂડને મળતું આવે છે. થુક્પા એટલે કે નૂડલ્સનો સૂપ, સાંપા (Tsampa) એટલે કે જવનો શેકેલો લોટ હોય છે અને એ ટ્રેકિંગ ફૂડ તરીકે પ્રખ્યાત છે. ચા કે યાકના દૂધમાં ઉમેરીને એ આરોગવામાં આવે છે. નાની ઢોકળી અને અનેક પ્રકારનાં શાક નાખીને તૈયાર કરવામાં આવતું લદ્દાખની પ્રખ્યાત ડિશ સ્ક્યુ (Skyu) અહીંના રોજિંદા ખોરાકમાં હોય છે.

આસામ રેજિમેન્ટમાં આસામ અને અરુણાચલ પ્રદેશ સહિત ઉત્તર-પૂર્વનાં સાત ભગિની રાજ્યોના જવાનો હોય છે. આસામીઝ ભોજનમાં ખૂબ ઓછા પ્રમાણમાં તેલ હોય છે અને મરીમસાલા નાખવામાં આવતા નથી. તમામ આસામીઝ લોકો માંસાહારી હોય છે. જમ્યા પછી તેઓ  પાન પણ ખાય છે. ભોજન બનાવવા માટે મોટા ભાગે સરસિયાનો ઉપયોગ થાય છે અને બહુ ઓછી વાનગીઓમાં ઘી કે બટરનો ઉપયોગ થાય છે.

જો રાજસ્થાન રાઇફલ્સ, જાટ રેજિમેન્ટ અને રાજસ્થાન રેજિમેન્ટની વાત કરીએ તો એમાં રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના જવાનો હોય છે. જો રાજસ્થાની ફૂડની વાત કરીએ તો એ પ્રદેશમાં પાણીની અછત અને સૂકો પ્રદેશ હોવાથી એની અસર વાનગીઓમાં દેખાય છે. તેઓ લાંબો સમય ચાલે એવી વાનગીઓ બનાવે છે અને લીલી શાકભાજી વગરની અનેક વાનગીઓના વિકલ્પ છે. હરિયાણાના લોકો મુખ્યત્વે શાકાહારી હોય છે અને તેમનો મુખ્ય ખોરાક ઘઉં, બાજરો અને વિપુલ પ્રમાણમાં

દૂધ અને એનાં ઉત્પાદનો આધારિત હોય છે. રાજપૂતો માંસાહારી હોય છે અને માંસથી બનતી અનેક વાનગીઓ તેઓ આરોગે છે.

 ઉપરાંત રાજસ્થાની મિરચી વડા, ગટ્ટા પુલાવ, દાળ ઢોકળી જેવી શાકાહારી વાનગીઓ પણ મેસમાં તૈયાર કરાય છે.

સિખ અને પંજાબ રેજિમેન્ટમાં મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના જવાનો હોય છે અને તેઓ પંજાબ પ્રદેશના ફૂડ આરોગે છે. તેમની ભોજન બનાવવાની પદ્ધતિ અલગ હોય છે પરંતુ તંદૂરથી રોટી બનાવવી એ એક કૉમન પ્રથા છે. તેમની સબ્ઝી મસાલા અને ઘીથી ભરપૂર હોય છે. જ્યારે મદ્રાસ રેજિમેન્ટમાં દક્ષિણ ભારતનાં રાજ્યોની સંસ્કૃતિ, સ્વાદ અને બનાવટ પ્રમાણે હોય છે.

(લેખમાં અમુક માહિતી અને ફોટોગ્રાફ Regimental Zaikas પુસ્તકમાંથી આભાર સહ સાંકળી લેવામાં આવ્યાં છે)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK