Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > જ્યારે પ્રેગ્નન્સીમાં બ્લડ-પ્રેશર વધી જાય

જ્યારે પ્રેગ્નન્સીમાં બ્લડ-પ્રેશર વધી જાય

24 September, 2019 03:22 PM IST | મુંબઈ
લેડીઝ સ્પેશ્યલ - વર્ષા ચિતલિયા

જ્યારે પ્રેગ્નન્સીમાં બ્લડ-પ્રેશર વધી જાય

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હાઈ બ્લડ-પ્રેશર એક ગંભીર સમસ્યા છે. આજકાલ યંગ જનરેશનમાં પણ આ રોગ સામાન્ય થતો જાય છે. એવામાં પ્રેગ્નન્ટ મહિલામાં હાઈપર ટેન્શનની સમસ્યા માતા અને આવનારા બાળક, બન્નેના જીવને જોખમમાં મૂકી શકે છે. વિશ્વમાં દર વર્ષે દસ ટકા પ્રેગ્નન્ટ મહિલાઓમાં હાઈ બીપી જોવા મળે છે. યુએસના જનરલ હાઈપર ટેન્શનમાં પ્રકાશિત હેલ્થ રિપોર્ટ પ્રમાણે છેલ્લાં ત્રણ દાયકામાં ગર્ભસ્થ મહિલામાં હાઈ બીપીનો દર ઊંચો ગયો છે તેમ જ ક્રોનિક હાઈપર ટેન્શનના કેસમાં દર વર્ષે છ ટકાનો વધારો થઈ રહ્યો છે. નેશનલ હૅલ્થ પોર્ટલ ઓફ ઇન્ડિયાના આંકડા કહે છે કે ભારતમાં ત્રણથી ચાર ટકા મહિલાઓમાં પ્રિક્લેમ્પસિઆ (ગર્ભાવસ્થા દરમ્યાન બ્લડ-પ્રેશરથી જીવનું જોખમ) હોય છે.

છેલ્લાં કેટલાંક વર્ષથી પ્રેગ્નન્ટ મહિલાઓમાં હાઈ બ્લડ-પ્રેશરની સમસ્યામાં વધારો થયો છે, એ સંદર્ભે ગાયનેકોલોજિસ્ટ ડૉ. સુરભિ સિદ્ધાર્થા કહે છે, ‘આજે લગ્નની ઉંમર વધી ગઈ છે. પરિણામે મિડલ એજમાં માતા બનનારી મહિલાઓની સંખ્યા વધુ છે. ૩૨થી ૩૫ની વચ્ચેની વયમાં જુદી જુદી શારીરિક તકલીફોની શરૂઆત થાય છે. એવામાં તમે કન્સિવ કરો છો. તેથી હાઈ બ્લડ-પ્રેશરના ચાન્સિસ વધી જાય. સામાન્ય રીતે દર મહિને સગર્ભાનું વજન એક કિલો જેટલું વધવું જોઈએ. એસ્ટિમેટ વેઇટ કરતાં વધુ વજન વધવા લાગે તો સમજી જવું કે કોઈ સમસ્યા છે. રિડિંગ ઉપરમાં ૧૩૦ અને નીચેનું ૯૦ રહેવું જોઈએ. એમાં વધ-ઘટ થાય એને પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ્ડ હાઈપર ટેન્શન (પીઆઇએચ) કહે છે. લગભગ વીસ અઠવાડિયા પછી આ પ્રકારનું હાઈપર ટેન્શન સ્ટાર્ટ થાય છે. આમાં બીપીની સમસ્યાને કન્ટ્રૉલમાં રાખવામાં ખાસ મુશ્કેલી નડતી નથી. સગર્ભાએ નિયમિતપણે બીપી મપાવવું જોઈએ અને ડૉક્ટરે લખી આપેલી ગોળીઓ સમયસર લેવી જોઈએ. ડિલિવરી બાદ એક અઠવાડિયાથી ચાળીસ દિવસ સુધીમાં બધું નોર્મલ થઈ જાય છે. પ્રેગ્નન્સીમાં ડાયાબિટીઝ આવે એને જસ્ટેશનલ ડાયાબેટિક કહે છે. આ પણ ટેમ્પરરી કન્ડિશન હોય છે.’



દર સો પ્રેગ્નન્ટ મહિલા (હાઈ બીપીના કેસ)માંથી ત્રણ મહિલામાં ક્રોનિક હાઈપર ટેન્શન જોવા મળે છે. ઘણી વાર મહિલાઓને પોતાને જ ખબર હોતી નથી કે તેમને અગાઉથી બીપીની સમસ્યા છે. કન્સિવ કર્યા પછી નિદાન થાય એને ક્રોનિક હાઈપર ટેન્શન કહેવાય. આવી મહિલાઓએ સતત ડૉક્ટરની દેખરેખ હેઠળ રહેવું પડે. રેગ્યુલર ચેકઅપ અને મૉનિટરિંગ મસ્ટ છે. તેમને દવાના હાયર ડોઝ આપવા પડે છે. ક્રોનિક હાઈપર ટેન્શનમાં કિડની અને લીવરના ફંક્શન પર અસર થઈ શકે છે. યુરિનમાં પ્રોટીનની માત્રા વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.


 હાઈ બીપીના કારણે સગર્ભાની બ્લડ વેસલ નેરો (સાંકડી) થઈ જાય. તેથી ગર્ભસ્થ શિશુને બ્લડ સપ્લાય કરવાની પ્રક્રિયા પણ ધીમી પડે. જે સમયે બેબીનું વજન બે કિલો હોવું જોઈએ, એ સમયે ૧.૩ કિલો જેટલું જોવા મળે. આ પરિસ્થિતિમાં અલ્ટ્રા સાઉન્ડ સિસ્ટમથી બેબીના ગ્રોથ અને ફ્લ્યુઇડ (પાણી) પર સતત મૉનિટરિંગની જરૂર પડે છે. બ્લડ વેસલ નેરોઇંગથી સગર્ભાના હાર્ટ પર પ્રેશર આવે તેથી તેને કાર્ડિઆક એસેસમેન્ટ (હૃદય સંબંધિત પરીક્ષણો)માંથી પસાર થવું પડે. ક્રોનિક હાઈપર ટેન્શન ધરાવતી મહિલાને ડિલિવરી બાદ લાઇફટાઇમ મેડિસિન લેવી પડે છે. એ જ રીતે થાઇરોઇડની અસર પણ મોટા ભાગે કાયમ માટે રહી જાય છે.

પ્રિક્લેમ્પસિઆ માતા અને બાળક બન્ને માટે જોખમી છે. ઘણી મહિલાઓને છેલ્લા અઠવાડિયામાં ફિટ આવી જાય છે. ફિટ આવવી, સખત માથું દુખવું, આંખે અંધારા આવવા, પેટમાં દુખાવો, બ્લિડિંગ વગેરેને વોર્નિંગ સાઇન સમજવી. કેટલાક કિસ્સામાં માતાના વિઝનને અસર થાય છે, જેને રેટિનલ ડિસઑર્ડર કહેવાય. ઘણી વાર માતા અને બાળકને ઉગારી લેવા ૩૨થી ૩૪ અઠવાડિયામાં જ ડિલિવરી કરાવવાની ફરજ પડે છે. આવા સમયે પરિસ્થિતિ આઉટ ઓફ કન્ટ્રૉલ થઈ જાય છે અને જીવ બચાવવો મુશ્કેલ બને છે. જોકે, આવા કેસ બહુ ઓછા બને છે.


ઇન્ડ્યુસ અને ક્રોનિક હાઈપર ટેન્શન ઉપરાંત હાઈ રિસ્ક પ્રેગ્નન્સીના કેસમાં પણ વધારો થયો છે, એમ જણાવતા ડૉ. સુરભિ આગળ કહે છે, ‘વર્તમાન સમયમાં આપણી લાઇફસ્ટાઇલ ઘણી બદલાઈ ગઈ છે. વર્કિંગ મહિલાઓની સંખ્યા વધતાં સ્ટ્રેસ લેવલ વધ્યું છે. ડાયાબિટિઝ, ઑબેસિટી જેવા લાઇફસ્ટાઇલ ડિસિસ કોમન થઈ ગયા છે. આવા રોગ ધરાવતી મહિલાને બાળક રહે છે ત્યારે માતા અને ગર્ભસ્થ શિશુ બન્નેના જીવનું જોખમ વધી જાય છે, જેને હાઇ રિસ્ક પ્રેગ્નન્સી કહેવાય. ૩૪ વર્ષ પછીની ગર્ભાવસ્થા આ શ્રેણીમાં આવે છે. હાઈ રિસ્ક પ્રેગ્નન્સીમાં મહિલાઓએ શક્ય હોય ત્યાં સુધી રેસ્ટ લેવો. માતા બનવું એટલે નવો જન્મ પ્રાપ્ત થવો. આમ તો સામાન્ય પ્રેગનન્સીમાં પણ તમામ પ્રકારની દેખભાળ રાખવી જ જોઈએ, પરંતુ ઉપરોક્ત કન્ડિશનમાં પ્રેગનન્ટ મહિલાઓએ એક્સ્ટ્રા કૅર લેવાની આવશ્યકતા છે.’

ડાયટ અને એક્સરસાઇઝથી થશે ફાયદો

પ્રેગ્નન્સીમાં ડાયટ અને એક્સરસાઇઝ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આ સંદર્ભે વાત કરતાં ન્યુટ્રિશનિસ્ટ એન્ડ ફિટનેસ કન્સલટન્ટ મુનમુન ગનેરીવાલ કહે છે, ‘પહેલેથી કોઈ બીમારી હોય તો રોગને કન્ટ્રૉલમાં કર્યા પહેલાં માતા બનવાનો વિચાર કરવો ન જોઈએ. પ્રેગ્નન્સી એ નવ મહિનાનો પ્રોજેક્ટ છે અને સંતાનના ઉછેરમાં બીજાં પાંચ વર્ષ આપવાનાં હોય. બીમારી સાથે આટલા લાંબા પ્રોજેક્ટમાં પડવાની સલાહ નથી. માતા બનવાનો પ્લાન કરતાં પહેલાં કેટલાક હૅલ્થ ચેકઅપ કરાવી લેવા હિતાવહ છે. તેમ છતાં જો પ્રેગ્નન્સી હોય અથવા કન્સિવ કર્યા બાદ સમસ્યા ઊભી થઈ હોય તો નીચે પ્રમાણે ટિપ્સ અનુસરવાથી લાભ થશે.’

નોર્મલ પ્રેગ્નન્સી હોય ત્યારે...

ડાયટ : ગર્ભાવસ્થાનો સૌથી પહેલો નિયમ છે ઘરનું જમવાનું રાખો. બહારનું ખાવાથી કોન્ટિસિપેશન (કબજિયાત)ની તકલીફ આમેય થતી હોય છે ત્યારે પ્રેગ્નન્ટ મહિલાએ તો અવોઇડ જ કરવું જોઈએ. પેટમાં કોઈ સમસ્યા ઊભી થાય તો રિસ્ક વધી જાય. ઘરના આહારમાં ઇન્ગ્રિડિયન્સ આપણી પસંદના અને ઉચ્ચ ગુણવત્તાવાળા હોય છે તેથી હેલ્થ સારી રહે છે. ઘરમાં બનાવેલી તમામ રસોઈ ખાવાથી તબિયત સારી રહેશે.

એક્સરસાઇઝ  : નોર્મલ પ્રેગ્નન્સીમાં જો તમે પહેલેથી કોઈ એક્સરસાઇઝ કરતાં હોવ તો એને તમારા કમ્ફર્ટ ઝોન અથવા લૉ ઇન્ટેનસિટીમાં રહીને કરી શકો છો. આ સમય દરમ્યાન નવી એક્સરસાઇઝ કરવાની સલાહ નથી. કોઈના કહેવાથી નવું કરવા કરતાં ચાલવાનું રાખો અને ઘરના કામમાં એક્ટિવ રહો.

હાઈપર ટેન્શન હોય ત્યારે...

ડાયટ : કોઈ પણ સ્થિતિમાં બહારનું ન ખાઓ, એ બેસ્ટ છે. પ્રેગ્નન્સીમાં હાઈ બ્લડ-પ્રેશર આવે તો પૅકેજ્ડ ફૂડ બિલકુલ ન ખાઓ. પૅકેજ્ડ ફૂડમાં પ્રિઝર્વેટિવ્સ તરીકે સોડિયમનો ઉપયોગ કરવામાં આવે છે. બીપીના પેશન્ટ માટે સોડિયમ હાનિકારક છે. હાઈ બીપીમાં કોર્ન ફ્લેક્સ અને પોપકોર્ન જેવાં ફૂડ પણ ન ખવાય. ટૂંકમાં, ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ ફૂડ ટોટલી અવોઇડ કરો તેમ જ ઘરની રસોઈમાં પણ સામાન્ય મીઠું વાપરવાની જગ્યાએ સિંધવ મીઠું વાપરો.

એક્સરસાઇઝ : હાઈ બીપીમાં યોગ અને મેડિટેશન કરી શકાય. ક્મ્ફર્ટ ઝોનમાં બૉડી સ્ટ્રેચ કરવાથી લાભ થશે. જમીન પર સૂઈ જાઓ અને બન્ને પગને દીવાલ પર થોડી વાર ટેકવી રાખો. બ્લડ-પ્રેશર વધે ત્યારે બ્લડનો ફ્લો પગ તરફ હોય છે. તેથી પગમાં સોજા વધી જાય છે અને હાર્ટને અસર થાય છે. આ એક્સરસાઇઝથી બ્લડનો ફ્લો રિવર્સ જશે. તેથી હાર્ટને પૂરતા પ્રમાણમાં લોહી પહોંચશે.

ડાયાિબટિઝ હોય ત્યારે...

ડાયટ : સામાન્ય રીતે ડાયાબિટિઝમાં ફેટ્સ પર વધુ ફોકસ કરવાનું હોય છે. પ્રેગ્નન્ટે મહિલા આહારમાં ફેટ્સ પર ધ્યાન તો આપે છે, પરંતુ એની ગુણવત્તા પર ધ્યાન નથી આપતી. પરિણામે ગ્લુકોઝનું લેવલ વધી જાય છે. આહારમાં કાછી ઘાણીનું તેલ અથવા દેશી ઘીની માત્રા વધારવી. એનાથી સારી ક્વૉલિટીનું ફેટ્સ શરીરમાં જશે અને શુગર લેવલ પણ કન્ટ્રાળલમાં રહેશે.

આ પણ વાંચો : રોજ એક જ આઇટમ ખાવાનું હેલ્ધી છે ખરું?

એક્સરસાઇઝ : ડાયાબેટિક પેશન્ટ માટે સર્વાંગાસન અને હલાસન શ્રેષ્ઠ છે. જોકે, યોગનું નોલેજ ન હોય અને પહેલાં કદી કર્યા ન હોય તો તકેદારી રાખવી. પ્રેગ્નન્સીમાં આ આસનો કરતી વખતે દીવાલ, ખુરશી, સ્ટૂલ વગેરેનો સપોર્ટ લેવો જોઈએ. થાઇરોઇડ હોય એ લોકોએ પણ આ બન્ને આસનો કરવા જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2019 03:22 PM IST | મુંબઈ | લેડીઝ સ્પેશ્યલ - વર્ષા ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK