હવેથી ચકરી બનાવવાની કોશિશ ક્યારેય નહીં કરું (મારા કિચનના પ્રયોગો)

Published: 6th December, 2012 08:44 IST

ભાઈંદર-વેસ્ટમાં રહેતાં જ્યોતિકા શાહે અનેક સુધારા કર્યા બાદ પણ એ સારી ન બની એટલે હાર માની લીધી
(અર્પણા ચોટલિયા)

‘બગડે એના કરતાં અખતરા કરવા જ નહીં’ આવા કૉન્સેપ્ટ સાથે જ રસોઈ કરવાનું પસંદ કરતાં મૂળ તલોદનાં દેરાવાસી જૈન જ્યોતિકા શાહ રસોડામાં એક્સપરિમેન્ટ કરવા કરતાં એક્સપર્ટાઇઝ સાથે રસોઈ કરવામાં માને છે. તેમણે આ રીત એટલે અપનાવી છે કે તેમનાથી કેટલીક ચીજો એક્સપરિમેન્ટ બાદ પણ સારી નથી બનતી. જોઈએ રસોડામાં શું છે તેમની સ્પેશ્યલિટી અને શેનાથી તેઓ દૂર રહે છે.

ચકરીની રીત

આ દિવાળીએ મેં બધું બનાવ્યું હતું, પરંતુ ચકરી નહોતી બનાવી અને હવે એ બનાવવાની ટ્રાય કરવાનું પણ છોડી દીધું છે. ઘઉંનો લોટ બાફીને હું ચકરી બનાવતી. પહેલાં એક-બે વાર ચકરી બનાવેલી ત્યારે ઘઉંના લોટનું પ્રમાણ ઓછું થઈ જવાથી એ લોટમાં છૂટી પડી જતી. એક વાર તેલમાં તળવા નાખીએ એટલે એ બહાર આખી તો ન જ નીકળે. ત્યાર બાદ એક વાર મેં લોટ બાંધ્યા બાદ પહેલાં જેવી ગરબડ ન થાય એટલે એમાં બીજો થોડો લોટ ઉમેયોર્. એ વર્ષે ચકરી બની તો ખરી પણ એટલી કઠણ બની કે તૂટે જ નહીં. ઘરમાં કોઈ એ ચકરી ખાવા નહોતું માગતું. ચા સાથે નાસ્તો કરવા બેસીએ ત્યારે એને ચામાં બોળીને થોડી નરમ પાડવી પડે અને પછી એ ખાઈ શકાય. આટલી બનાવેલી ચકરી વેસ્ટ તો ન જવા દેવાય એટલે મેં તો ચા સાથે ખાધી અને ઘરનાને પણ ખવડાવી અને ત્યાર બાદ મેં આજ સુધી ચકરી બનાવવાની ફરી ટ્રાય નથી કરી.

સિમ્પલ ગમે

મને વધુ ફેન્સી ચીજો બનાવતા નથી આવડતી, પરંતુ શોખ છે એટલે મારી દીકરીને કહું તો એ બનાવે. મને આપણી પરંપરાગત ચીજો બનાવવી ગમે છે. કારેલાની છાલનાં મૂઠિયાં, મકાઈનાં વડાં અને બાજરાના રોટલા વગેરે હું બનાવું. મને પંજાબી શાક બનાવવા પણ ગમે છે એટલે દીકરી સાસરેથી આવે ત્યારે તેને કહું કે તું બનાવ અને મને પણ શીખવાડ.

એક્સપરિમેન્ટલ નથી

મને વધુ એક્સપરિમેન્ટ કરવા નથી ગમતા. મારા મતે ચીજો બનાવવા જઈએ, એ બગડે અને વેસ્ટ જાય એનાં કરતા જો કૉન્ફિડન્સ ન હોય તો એ ટ્રાય જ ન કરવી. જોકે ક્યારેક કોઈ સારી આઇટમો હોય તો મને પણ એ ઘરે બનાવવાનું મન થઈ જાય. હું પહેલાં સુખડી બનાવતી ત્યારે એ ખૂબ કડક બનતી અને હું જોતી કે બીજાની સુખડી સૉફ્ટ બને છે. પછી મેં બીજાની પાસેથી રેસિપી જાણી સુખડી બનાવી તો સારી બની. આ જ રીતે મેં આ દિવાળીમાં મેંદાની ખારી બિસ્કિટ ટ્રાય કરેલી. અમારા પાડોશીએ બનાવેલી અને સરસ બનેલી, પરંતુ મારા હાથે એમાં થોડો ફરક થયો અને એટલી સારી ન બની. હું સૂપ, સૅલડ વગેરે પણ બનાવું છું. હવે શિયાળામાં અડદિયા પણ બનશે.

સજાવટ કરતાં સ્વાદ મહત્વનો

મને ગાર્નિશિંગ કરવું નથી ગમતું એવું નથી, પરંતુ મને એટલું વધુ ન આવડે એટલે દીકરીને કહું તો એ કરી આપે, તેને એવું બધુ સારું આવડે. મારા હિસાબે રસોઈનો સ્વાદ સારો હોય તો પછી એમાં સજાવટ ન પણ કરીએ તો ચાલી જાય.       

તસવીર : નિમેશ દવે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK