જામનગરી ડ્રાયફ્રૂટ સૂકી કચોરી આશિક બનાયા આપને

Published: Sep 20, 2019, 14:51 IST | ખૂશ્બુ ગુજરાત કી - રશ્મિન શાહ | મુંબઈ

એક કચોરીથી શહેર આખાનું અર્થતંત્ર અને સામાજિક વ્યવહાર ચાલે એવું બને ખરું? હા, બને. જો વાત જામનગરની ડ્રાયફ્રૂટ સૂકી કચોરીની હોય તો. વર્ષેદહાડે દોઢસો કરોડથી વધુનો વેપાર ધરાવતી જામનગરની આ જગવિખ્યાત કચોરીની દુનિયાની વાતો માણવા અને જાણવા જેવી છે

જામનગરી ડ્રાયફ્રૂટ સૂકી કચોરી
જામનગરી ડ્રાયફ્રૂટ સૂકી કચોરી

‘મોટા ભાગના શહેરની કોઈ ને કોઈ એવી વરાઇટી હોય છે જે દેશ-દુનિયામાં પ્રચલિત પણ થઈ હોય. લોકો આ શહેરમાં જાય એટલે અચૂક આ વરાઇટીનો સ્વાદ લે અને શક્ય હોય તો પોતાની સાથે લઈ પણ જાય, પણ આ બધામાં અમારા જામનગરની સૂકી કચોરીની વાત જુદી છે.’

જામનગરના રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા તેમના આલિશાન મહેલમાં બેઠાં ‘મિડ-ડે’ સાથે વાત કરી રહ્યા છે. સામે પડેલી ટીપાઈ પર નાસ્તો પડ્યો છે અને એ નાસ્તાની છ પ્લેટમાંથી એક પ્લેટમાં જામનગરની ફેમસ ડ્રાયફ્રૂટ સૂકી કચોરી પડી છે. ‘જામનગરની આ કચોરીની ખાસિયત એ કે એ છ મહિના સુધી બગડતી નથી. ભારતમાં બનતાં કોઈ પણ ફરસાણમાં સૌથી લાંબી આવરદા ધરાવતું ફરસાણ જો કોઈ હોય તો એ જામનગરની કચોરી છે. આ કારણે બીજાં ફરસાણો વચ્ચે પણ જામનગરની કચોરી દેશ-દુનિયામાં વધારે લોકપ્રિય છે. અમારા જામનગરના સાત ફરસાણવાળાએ તો મુંબઈમાં સૂકી કચોરી બનાવવાના યુનિટ પણ શરૂ કર્યા છે. એક ફરસાણવાળા ભાઈ ખાલી એક્સપોર્ટ માટે જ કચોરી બનાવે છે, જામનગરમાં તેની કચોરી ખાવા પણ ન મળે. એક ફરસાણવાળા વેપારીએ કચોરીનો ઍરકન્ડિશન્ડ શોરૂમ બનાવ્યો છે. જામનગર અને સૂકી કચોરી બન્ને એકબીજા સાથે જોડાઈ ગયાં છે. જામનગરવાસીનો એકપણ દિવસ એવો નહીં કે તેણે દિવસમાં ઓછામાં ઓછી બે-ત્રણ કચોરી ન ખાધી હોય.’

જૂજ લોકોને ખબર છે કે જામનગરમાં ત્રીસ હજારથી વધુ પરિવારો એવા છે જેની આજીવિકા ફક્ત ને ફક્ત કચોરી પર નિર્ભર છે. જામનગર, ડ્રાયફ્રૂટ સૂકી કચોરી અને કચોરીના આ અર્થકારણને સમજતાં પહેલાં જામનગરની સૂકી કચોરીનો ઇતિહાસ જાણી લેવો જોઈએ.

આ ડ્રાયફ્રૂટ સૂકી કચોરી બનાવવાનો જશ જો કોઈને મળતો હોય તો એ જામનગરના વિઠ્ઠલદાસ નારણજી જોષી છે. જામનગરમાં ‘ન્યુ જામવિજય ફરસાણ માર્ટ’ ધરાવતા હરીશભાઈ જોષીના પાલક પિતા સમાન ફુવા વિઠ્ઠલદાસ જોષીને અગાઉ જામનગરના હવાઈ ચોકમાં હોટેલ હતી. ચા અને ગાં‌િઠ‌યાનો વેપાર કરતા વિઠ્ઠલદાસભાઈ ખાવાના પણ શોખીન અને એના કારણે જ તે અલકમલકની નવી વરાઇટી પણ હોટેલ પર બનાવ્યા કરતા. ૧૯૪૦ના અરસાની આ વાત છે. વિઠ્ઠલદાસભાઈની ચાની હોટેલ પર ગાંઠ‌િયા આખો દિવસ મળે, પણ આ ગાંઠ‌િયાની સાથે દરરોજ નવી-નવી વરાઇટી ઉમેરાયા કરે. કોઈ દિવસ ચવાણું હોય, કોઈ દિવસ બટાટાપૌંઆ તો કોઈ વાર ફરાળી પૅટીસ ને કોઈ વાર વઘારેલા મમરા. લોકોને પણ વિઠ્ઠલબાપાની ‘પ્રકાશ હોટેલ’ની આ નવી-નવી વરાઇટી ચાખવાની આદત પડી ગઈ હતી, પણ વિઠ્ઠલબાપા આ બધાથી છ મહિનામાં કંટાળી ગયા. હરીશભાઈ જોષી કહે છે, ‘બાપુજીને નવી વાનગીનો શોખ હતો. ઘરમાં પણ તે ભાત-ભાતના અખતરા કરીને નવી-નવી વાનગી બનાવ્યા કરે. તેમના મનમાં એવું થયું કે હોટેલ પર મળતી બધી વાનગી બીજે બધી જગ્યાએ પણ મળે છે, હું કંઈક એવું બનાવું કે જે બીજે ક્યાંય મળતી ન હોય. આ વિચાર સાથે તેમણે કેટલાય અખતરા કર્યા અને એ અખતરામાંથી ડ્રાયફ્રૂટ સૂકી કચોરી જન્મી. બાપુજીએ બનાવેલી આ કચોરી સૌથી પહેલાં એ સમયના જામનગરના રાજવી દિગ્વિજયસિંહ જાડેજાએ ચાખી હતી.’

ટેસ્ટ અને ટકાઉનું કૉમ્બિનેશન

એવું નહોતું કે એ સમયે કચોરીનો ઉપયોગ નહોતો થતો. ઉપયોગ થતો, પણ એ રેગ્યુલર કચોરીનો ઉપયોગ થતો હતો. બીજું કે એ સમયે કચોરી શ્રીમંતોનું ફરસાણ ગણાતી. ચારથી છ કલાકમાં બગડી જતી કચોરી બનાવવા માટે તેલનો એટલો જ ઉપયોગ થતો જેટલો ફરસાણ બનાવવા માટે થતો હોય. જો ફરસાણ જેટલી જ સામગ્રી વપરાવાની હોય પણ એ સામગ્રી વાપર્યા પછી બનાવેલી આઇટમની આવરદા ટૂંકી હોય તો એનો કોઈ અર્થ નહોતો. કંઈક આવી માનસ‌િકતા વચ્ચે જ સામાન્ય લોકો કચોરી પ્રસંગોપાત્ત બનાવતા. વિઠ્ઠલદાસ જોષીએ કચોરી અને ફરસાણ વચ્ચેનું કોઈ કૉમ્બિનેશન બનાવવાનું શરૂ કર્યું. આ કૉમ્બિનેશન તૈયાર થતાં પહેલાં વિઠ્ઠલભાઈએ અનેક અખતરાઓ કર્યા, જે અખતરાઓના દોઢેક વર્ષ પછી આજની આ સૂકી કચોરી બની. હરીશભાઈ જોષી કહે છે, ‘કચોરી લાંબો સમય ટકી રહે અને એ સૂકા ફરસાણની જેમ જ ખવાય એ માટે બાપુજીએ એનું પડ મેંદાનું બનાવ્યું અને અંદરનો મસાલો ચણાના લોટમાંથી તૈયાર કર્યો. અંદર અલગ-અલગ કેટલાય મસાલા ઉમેર્યા અને પછી કચોરી તૈયાર કરી. પહેલી કચોરીનો જે ઘાણવો ઊતર્યો એમાંથી અડધોઅડધ કચોરી તેમણે અમારી પ્રકાશ હોટેલ પર બધાને મફત ખવડાવી અને બાકીની કચોરી એક ડબ્બામાં ભરીને પંદર દિવસ પછી બહાર કાઢી. પંદર દિવસ પછી પણ એનો સ્વાદ અકબંધ હતો. આવાં ચારેક વાર ટેસ્ટિંગ કર્યા પછી તેમણે છેલ્લે કચોરીનો ટેસ્ટ જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાને કરાવ્યો.’

kachori-02

આ બધું સાંભળ્યા પછી જામસાહેબે કચોરી ચાખી. તેમને મજા પડી ગઈ. જોકે તેમણે પોતાનો પ્રતિભાવ આપવાને બદલે કચોરીનો આખો ડબ્બો મહેલમાં રાખી લીધો અને પંદર દિવસ સુધી દરરોજ કચોરી ચાખવાનું ચાલુ રાખ્યું. આ દિવસોમાં કચોરીના સ્વાદમાં લેશમાત્ર ફરક ન આવ્યો એટલે જામસાહેબ સામેથી વિઠ્ઠલદાસ જોષીની ‘પ્રકાશ હોટેલ’ પર ગયા અને તેમને મળ્યા. રાજા સામે ચાલીને પોતાના આંગણે આવે એ વાત અત્યારે સામાન્ય લાગી શકે પણ એ દિવસોમાં રાજપરિવાર આંગણે આવે એ રૈયત માટે ભારોભાર ઉત્સવનો પ્રસંગ મનાતો. એ દિવસે જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાએ વિઠ્ઠલભાઈએ બનાવેલી સૂકી કચોરીને ‘રાજ્યનું સૌથી સ્વાદિષ્ટ ફરસાણ’ જાહેર કરી અને વિઠ્ઠલભાઈને સામેથી આમંત્રણ પણ આપ્યું કે હવાઈ ચોકની આ દુકાન છોડીને શહેરની મધ્યમાં આવેલી ચાંદીબજારમાં સ્થળાંતર કરે એટલું જ નહીં, તેમણે એ દુકાનનું નામકરણ પણ એ જ સમયે કર્યું. જામવિજય. હરીશ જોષી કહે છે, ‘જામસાહેબની જીભ પર વિજય મેળવવાના હેતુથી આ નામકરણ કરવામાં આવ્યું હતું.’

આ સૂકી કચોરી ટેસ્ટી હતી, ટકાઉ હતી એ તો એનો ફાયદો હતો પણ સૌથી મોટો ફાયદો એ થયો કે એ ગાં‌િઠ‌યા, સેવ કે ચવાણું જેવાં અન્ય ફરસાણો કરતાં પણ લાંબો સમય સુધી ટકી શકતી હતી. આ જ કારણે કચોરીની ડિમાન્ડ નીકળવા લાગી. ઘરમાં મહેમાન આવે ત્યારે ચટણી સાથે કચોરી ફટાક દઈને પીરસી શકાય, ચા બનાવવાની કોઈ કડાકૂટ નહીં કે તાજા નાસ્તો બનાવો અને મહેમાન ન જમે તો નાસ્તો બગડવાની કોઈ ચિંતા નહીં. જામવિજય ફરસાણ માર્ટ શરૂ થયા પછી સૂકી કચોરીનું ઑફિશ્યલ માર્કેટ ખૂલ્યું. એ સમયગાળામાં સૂકી કચોરી માત્ર જામવિજયમાં મળતી હતી, પણ આજે આ કચોરી આખા જામનગરમાં બનવા અને મળવા લાગી છે. કહી શકાય કે જામનગરમાં સૂકી કચોરી બનાવવાનો રીતસરનો ગૃહઉદ્યોગ શરૂ થઈ ગયો છે. જામનગરનાં સંસદસભ્ય પૂનમ માડમ કહે છે, ‘પંદરેક હજાર સ્ત્રીઓ જામનગરમાં પોતાના ઘરે જ કચોરી બનાવીને દુકાનદારોને સપ્લાય કરે છે. આ ઉપરાંત આટલી જ ફૅમિલી એવી છે જે જામનગરની સ્કૂલ, કૉલેજ અને પાનવાળાઓને સૂકી કચોરી બનાવીને વેચે છે. જામનગર શહેરની વાત કરીએ તો આ શહેરની વસ્તી અંદાજે નવ લાખની છે અને એવું કહેવાય છે કે દરેક જામનગરવાસી દિવસની ઓછામાં ઓછી બે કચોરી ખાય છે. એ હિસાબે ખાલી જામનગરમાં દરરોજ પંદરથી અઢાર લાખ નંગ કચોરીની ખપત છે.’

વિદેશમાં પણ જબરી માગ

આવો પ્રેમ ગણ્યાગાંઠ્યા લોકોને છે એવું નથી. જામનગરની સૂકી કચોરી માટેનો આ પ્રેમ દેશભરમાં અને દુનિયાભરના લોકોમાં છે અને એટલે જ જામનગરની કચોરી અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, આફ્રિકા, કૅનેડા, દુબઈ જેવા ચાલીસથી વધુ દેશોમાં એક્સપોર્ટ થાય છે. જામનગરના એક્સપોર્ટર ડી. કે. કૉર્પોરેશનના ડિરેક્ટર પ્રકાશ માણેક કહે છે, ‘જામનગરની અમુક પાર્ટીઓ સિવાયની મોટા ભાગની પાર્ટી બીજા એક્સપોર્ટ હાઉસ થ્રૂ ફૉરેન કચોરી મોકલે છે. વર્ષે ઓછામાં ઓછી ચાલીસેક હજાર કિલો કચોરી જામનગરથી ફૉરેન જાય છે પણ ઇન્કમ-ટૅક્સ અને બીજી પળોજણના કારણે કોઈ વેપારી સાચા આંકડા જાહેર કરવા તૈયાર નથી, પણ એવું કહી શકાય કે દર વર્ષે જામનગરમાંથી અંદાજે ત્રીસેક કરોડની કચોરી એક્સપોર્ટ થાય છે.’

જામનગરની પ્રખ્યાત એચ. જે. વ્યાસ મીઠાઈવાલાએ કચોરી એક્સપોર્ટ કરવા માટે મુંબઈમાં જ કચોરી બનાવવા માટેનું યુનિટ શરૂ કરી દીધું છે. એચ. જે. વ્યાસ મીઠાઈવાલાના માલિક જયંતભાઈ વ્યાસ માટે આ બિઝનેસ નથી, પણ તેમનો શોખ છે.

એચ. જે. વ્યાસ મીઠાઈવાલાએ જામનગરમાં કચોરીનો અલ્ટ્રામૉડર્ન શોરૂમ બનાવ્યો છે. તેમને ત્યાં ચારસો રૂપિયાથી માંડીને બે હજાર રૂપિયા સુધીની કચોરી મળે છે. ડ્રાયફ્રૂટ સૂકી કચોરીને જન્મ આપવાનું કામ જો જામવિજયના વિઠ્ઠલભાઈએ કર્યું હોય તો આ કચોરીને સ્ટેટસ સિમ્બૉલ બનાવવાનું કામ એચ. જે. વ્યાસ મીઠાઈવાલાના માલિક જયંતભાઈ વ્યાસે કર્યું છે. એકેક કચોરીને ઍલ્યુમિનિયમ ફોઇલમાં પૅક કરવી અને એકદમ ધ્યાનાકર્ષક બૉક્સ પૅકમાં એનું વેચાણ કરવું એ આઇડિયા જો કોઈએ આપ્યો હોય તો એ જયંતભાઈ છે. 

જામનગરની સૂકી કચોરી છેલ્લાં દસ વર્ષથી ગિફટ આપવાના ચલણમાં ગોઠવાઈ ગઈ છે. દિવાળી કે ન્યુ યર કે પછી અન્ય કોઈ પ્રસંગે મીઠાઈ અને ચૉકલેટ ભેટ આપવાને બદલે હવે જામનગરની કચોરી ભેટ તરીકે અપાય છે. એવું નથી કે કૉર્પોરેટ સેક્ટરમાં જ જામનગરની સૂકી કચોરી ફેમસ થઈ છે, સેલિબ્રિટીઓમાં પણ આ સૂકી કચોરી અનહદ વહાલી છે. અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચનનાં મૅરેજ હતાં ત્યારે મૅરેજમાં જામનગરની સૂકી કચોરી મેનુમાં ગોઠવી હતી. પ્રખર રામાયણકાર મોરારીબાપુ ગંગાજળમાંથી બનેલી આઇટમ આરોગતા હોવાથી તેમના માટે જ્યારે પણ કચોરી બનાવવામાં આવે છે ત્યારે એ કચોરીમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. મોરારીબાપુની કચોરી માટે જામનગરના જામવિજય ફરસાણ માર્ટમાં ગંગાજળ હંમેશાં તૈયાર હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગાંધીનગરના બંગલોમાં જામનગરની કચોરી કાયમ રહેતી.

દિલ્હી ગયા પછી હવે વારતહેવારે તેમને ત્યાં કચોરી જાય છે. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે જામનગરની ‘કુકુ’ બ્રૅન્ડની સૂકી કચોરી જાય છે.

શું હોય છે આ કચોરીમાં?

જામનગરની સૂકી કચોરીનું પડ મેંદાના લોટનું હોય છે, જ્યારે અંદરનો મસાલો બનાવવા માટે ચણાનો લોટ વાપરવામાં આવે છે. ચણાના લોટમાં ગરમ મસાલો, દળેલી ખાંડ, તેજાનો નાખવામાં આવે છે. તૈયાર કરવામાં આવેલા આ મિશ્રણને સાંતળી નાખવામાં આવે છે. સાંતળીને તૈયાર થયેલા આ મિશ્રણને મેંદાના લોટમાં પૂરણ તરીકે ભરી એની કચોરી વાળવામાં આવે છે, જે તળીને તૈયાર કરવામાં આવે. આ સૂકી કચોરી લુખ્ખી પણ ખાઈ શકાય તો ટમૅટો કેચપ કે ચટણીની સાથે પણ જમી શકાય.

આ પણ વાંચો : એવો એકેય કલાપ્રેમી નહીં હોય જે મુંબઈની આ ખાસ જગ્યાએ નહીં ગયો હોય

ડ્રાયફ્રૂટ કચોરીમાં રેસિપી આ જ રહે છે, પણ એમાં બેસન એટલે કે ચણાના લોટને બદલે કાજુ, બદામ અને પિસ્તાંનું પૂરણ બનાવવામાં આવે છે. રેગ્યુલર કચોરીના પૂરણમાં તેલનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ડ્રાયફ્રૂટ કચોરીનું પૂરણ સાંતળવા માટે શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવામાં આવે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK