દોરડા કૂદો અને હેલ્ધી રહો

રૂચિતા શાહ | Mar 12, 2019, 12:26 IST

વૈશ્વિક સ્તરે જમ્પિંગ રોપ્સ એ પોપ્યુલર એક્સરસાઇઝ બની રહી છે અને વેઇટલૉસથી લઈને ઓવરઑલ હેલ્થ માટે ફિટનેસ એક્સપર્ટ્સ આ કસરતનાં ઓવારણાં લઈ રહ્યા છે ત્યારે તેના લાભ અને ગેરલાભ વિશે થોડુંક જાણી લઈએ

દોરડા કૂદો અને હેલ્ધી રહો
દોરડા કૂદો અને રહો હેલ્ધી

થોડાક સમય પહેલાં પોલૅન્ડમાં યોજાયેલી એક ટુર્નામેન્ટમાં ૪૮ કિલોની કૅટેગરીમાં ભાગ લેવા પ¥શ્રી અને પાંચ વખત વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતી ચૂકેલાં બૉક્સર મૅરી કૉમે પોતાનો એક મહત્વપૂર્ણ અનુભવ શૅર કર્યો હતો. આ સ્પર્ધામાં મૅરી કૉમનું એક્સપેક્ટેડ વજન ૪૮ કિલો અથવા એનાથી ઓછું હોવું જોઈતું હતું. જોકે એ બે કિલો વધારે હતું. જો વજન ઘટે નહીં તો મૅરી કૉમ ટુર્નામેન્ટમાંથી ડિસ્ક્વૉલિફાઇડ થઈ જાય અને ટુર્નામેન્ટ પહેલાંના લગભગ ચાર કલાક દોરડા કૂદીને તેમણે બે કિલો વજન ઘટાડી દીધું હતું.

દોરડા કૂદવાથી વજન ઘટે છે એવું આગળ ઘણાં સંશોધનોમાં સાબિત થઈ ચૂક્યું છે. અમેરિકન કૉલેજ ઑફ સ્પોર્ટ્સ સાયન્સના એક અભ્યાસ મુજબ લગભગ એક કલાક દોરડા કૂદવાથી ૧૩૦૦ કૅલરી બર્ન થાય છે. દસ મિનિટ દોરડા કૂદવાથી થતો ફાયદો લગભગ અડધો કલાક દોડવાથી થતા ફાયદા બરાબર છે. એટલે એવું કહી શકાય કે નાનપણમાં મજા કરવા માટે થતી સ્કિપિંગ ઍક્ટિવિટી ખરેખર બેસ્ટ કાર્ડિયો અને ઍરોબિક્સ એક્સરસાઇઝ છે અને ઘણા બધા સેલિબ્રિટીઝની ફેવરિટ બુકમાં પણ તેને સ્થાન છે. એક્સરસાઇઝ જ નહીં, પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી તરીકે પણ રોપ સ્કિપિંગનું મહત્વ અનેક ઘણુ છે. અત્યારે વૈશ્વિક સ્તરે ઇન્ટરનૅશનલ રોપ સ્કિપિંગ ફેડરેશન અને વર્લ્ડ જમ્પ રોપ ફેડરેશન અંતર્ગત વર્લ્ડ ચૅમ્પિયનશિપ યોજાય છે, જેમાં લગભગ બારથી તેર ટેક્નિકથી રોપ સ્કિપિંગ કરાતું હોય છે. દુનિયાભરમાં રોપ જમ્પિંગની અલાયદી કૉમ્યુનિટીઓ ચાલે છે, તેના પર રિસર્ચ કરનારી ઇન્સ્ટિટ્યૂટ્સ પણ છે. ફૉરેનમાં તો પાછું ઘણાં જિમમાં રોપ સ્કિપિંગના વિશેષ ટ્રેઇનિંગ પ્રોગ્રામ્સ પણ ઇન્ટ્રોડ્યુઝ કરવામાં આવ્યા છે. આખી વાતનો સાર એટલો જ કે હૉલીવુડ, બૉલીવુડ અને સ્પોર્ટ્સના ચમકતા સિતારાઓમાં અત્યારે રોપ જમ્પિંગ ફેવરિટ એક્સરસાઇઝ બનતી જાય છે એટલે ધારો કે બીજી કોઈ એક્સરસાઇઝ માટે સમય ફાળવવો અઘરો પડતો હોય તો દોરડા કૂદવાનો આઇડિયા પણ ખોટો નથી. ફરહાન અખ્તર, હૃતિક રોશન, પ્રિયંકા ચોપરા અને રાની મુખરજી જેવી સેલિબ્રિટીઝને ટ્રેઇન કરી ચૂકેલા ફિટનેસ ટ્રેઇનર સમીર જૌરા પાસેથી આ એક્સરસાઇઝ વિશે વિગતવાર જાણીએ.

સીધું અને સરળ

‘ભાગ મિલ્ખા ભાગ’ ફિલ્મ માટે ફરહાન અખ્તરની ફિટનેસ ટ્રેઇનિંગમાં સ્કિપિંગ રોપ્સ મહત્વની એક્સરસાઇઝ હતી એમ જણાવીને સમીર કહે છે, ‘સ્કિપિંગ રોપ્સ જેટલી ફ્લેક્સિબલ એક્સરસાઇઝ આજ દિવસ સુધી મને એકેય લાગી નથી. કોઈ પણ અફૉર્ડ કરી શકે અને પ્રોપર ટેક્નિક આવડી ગઈ હોય તો કોઈના મોનિટરિંગ વગર ઓછા ખર્ચે કરી શકો એવી આ કસરત છે. મારી ટ્રેઇનિંગમાં આ એક્સરસાઇઝ હોય જ. દોરડા કૂદવામાં તમારે તમારું આખું શરીર અને માઇન્ડ એમ બન્ને કમ્પલ્સરી એન્ગેજ રાખવાનાં છે. તમે દોડતી વખતે વિચારે ચડી જાઓ એ ચાલે, પણ દોરડા કૂદતી વખતે તમારે તમારું ફોકસ રસ્સી પર રાખવું જ પડે. માઇન્ડ અને બૉડીના કો-ઑર્ડિનેશન માટે આ એક અદ્ભુત એક્સરસાઇઝ છે. એમાં વરાઇટી પણ ઘણી ડેવલપ થઈ છે, જેથી બોર્ડમનો તો સવાલ જ નથી. હેવી રોપ્સ લો તો એ વેઇટ લિફ્ટિંગની જેમ બૉડી સ્ટ્રેન્ગ્થ વધારવામાં ઉપયોગી સાબિત થાય છે. બીજું, તમે સ્પોટ સ્કિપિંગ એટલે કે એ જ જગ્યાએ ઊભા રહીને દોરડા કૂદતા રહી શકો તો ગ્રાઉન્ડમાં આંટો મારવાની ઇચ્છા હોય દોડતાં દોડતાં પણ સ્કિપિંગ કરી શકો છો. હવે તમે જ કહો કે આટલી વર્સેલિટી બીજી કઈ કસરત આપી શકશે? શરીરની સ્ટ્રેન્ગ્થ, એન્ડ્યુરન્સ અને ફ્લેક્સિબિલિટી એમ ત્રણેયને બહેતર કરવા માટે રોપ સ્કિપિંગ મારી દૃષ્ટિએ તો અદ્ભુત ઑપ્શન છે.’

હાર્ટની હેલ્થ માટે ઉપયોગી

અમેરિકાની યુનિવર્સિટી ઑફ કનેક્ટિકટ હેલ્થ સેન્ટરના કાર્ડિયોલોજી વિભાગના અસોસિયેટ પ્રોફેસર પીટર સ્કુલમેન સ્કિપિંગ એક્સરસાઇઝના સંદર્ભમાં કહે છે, ‘આ કસરત તમારા હૃદય માટે ખૂબ ઉપયોગી છે. હાર્ટનું પમ્પિંગ સુધરે છે અને બ્લડ સક્યુર્લેશન વધુ બહેતર બને છે. બીજું, તમારી અપર અને લોઅર બૉડી બન્નેને બળવાન બનાવે છે. ઓછા સમયમાં વધુ કૅલરી બર્ન કરવામાં પણ દોરડા કૂદવાની કસરત અક્સીર છે.’

આપણા દેશના મોટા ભાગના સેલિબ્રિટીઝથી લઈને ફિટનેસપ્રેમીઓ દોરડા કૂદવાને મજા સાથે પરિણામ આપનારી એક્સરસાઇઝમાંની એક કસરત ગણાવે છે. શું કામ? જવાબમાં સમીર કહે છે, ‘હાર્ટની હેલ્થની સાથે ઓવરઑલ ફિટનેસ માટે પણ તે ઉપયોગી છે. સૌથી પહેલાં તો દોરડા કૂદવા માટે તમારે જિમમાં જવાની જરૂર નથી. ઑસ્ટિયોપોરોસિસ જેવી હાડકાં બટકણાં થવાની બીમારીમાં પણ પ્રિવેન્ટિવ ધોરણે આ એક્સરસાઇઝ કામ કરે છે. બ્લડ સક્યુર્લેશન સુધરવાથી સ્વાભાવિક રીતે જ તમારા ચહેરાની સુંદરતાને ચાર ચાંદ લગાવવાના જ. તમારી એકાગ્રતા વધારે છે. દોરડા કૂદવાથી શરીરમાં કો-ઑર્ડિનેશન એટલે કે સંતુલન અને ચપળતા વધે છે. હિપ્સના મસલ્સને સ્ટ્રૉન્ગ બનાવે છે. ઇનફૅક્ટ રનિંગ કરતાં સ્કિપિંગ પગના જૉઇન્ટ્સ પર ઓછો માર આપે છે અને વધુ રિઝલ્ટ આપે છે. હાઈ બ્લડપ્રેશરના દરદીઓ પણ જો સાચી રીત સાથે ધીમે-ધીમે સ્કિપિંગ કરે તો તેમની હાર્ટ હેલ્થને બહેતર જ કરશે. અફ કોર્સ, એમાં ડૉક્ટરની પરવાનગી પહેલી શરત છે.’

આટલું ધ્યાન રાખવું

દોરડા કૂદવા એક ઇન્ટેન્સ વર્કઆઉટ પણ ગણાય છે એટલે તમે હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ, વર્ટિગો, ઘૂંટણની તકલીફ, હાડકાંમાં નબળાઈઓ જેવી સમસ્યાઓ ધરાવતા હો તો ડૉક્ટરની સલાહ અનિવાર્ય છે. ૧૦૦ કિલોથી વધુ વજન ધરાવતા લોકોએ પણ પહેલાં પોતાની ક્ષમતાને સમજીને ધીમે ધીમે દોરડા કૂદવાની કસરતમાં આગળ વધવું જોઈએ.

દોરડા કૂદવા માટે કઈ દોરીનો ઉપયોગ કરી રહ્યા છો એ જોવું મહત્વનું છે. જો તમારી હાઇટ છ ફૂટ કરતાં ઓછી હોય તો નવ ફૂટની લંબાઈવાળું દોરડું વાપરવું અને છ ફૂટથી પણ લાંબા હો તો દસ ફૂટનું દોરડું વાપરવું. યાદ રહે કે દોરડું અતિ નાનું હશે તો તમારી એડી સાથે અથડાશે. આજકાલ વાયરવાળા વેઇટ સાથેના સ્કિપિંગ રોપ્સ પણ ઉપ્લબ્ધ છે.

દોરડા કૂદો છો એ જગ્યા એટલે કે સર્ફેસ કેવું છે એ જાણવું પણ મહત્વનું છે, કારણ કે એમાં તમારા ઘૂંટણને ઈજા થવાની શક્યતા વધુ રહે છે. સિમેન્ટની લાદી અથવા માર્બલની લાદી પર દોરડા કૂદવા કરતાં માટી અથવા ઘાસવાળી પ્રમાણમાં સૉફ્ટ હોય એવી જમીન પર દોરડા કૂદવા સલાહભર્યા છે.

દોરડા કૂદતી વખતે તમારાં કપડા વચ્ચે ક્યાંય નડે નહીં એવાં હોવાં જોઈએ. હુડીવાળુ ટી-શર્ટ કે ઝૂલતા દુપટ્ટા કે સ્કાર્ફ પહેરવા જમ્પિંગ રોપ્સ માટે સ્ટિÿક્ટ મનાઈ છે.

સીધેસીધા ઝડપ સાથે દોરડા કૂદવાની એક્સરસાઇઝ કરતાં પહેલાં શરીરને વૉર્મ-અપ કરવું જરૂરી છે. થોડીક પ્રારંભિક એક્સરસાઇઝ કરીને શરીરમાં ગરમાટો લાવ્યા પછી આ એક્સરસાઇઝ કરવી જોઈએ.

બને ત્યાં સુધી ઉઘાડા પગે દોરડા કૂદવાને બદલે સ્પોર્ટ્સ શૂઝ પહેરીને કૂદશો તો પગની સેફ્ટી વધુ જળવાશે.

આ પણ વાંચો : શું ફરીથી સમય આવી ગયો છે બકરીનું દૂધ પીવાનો?

હાર્ટની હેલ્થની સાથે ઓવરઑલ ફિટનેસ માટે પણ તે ઉપયોગી છે. સૌથી પહેલાં તો દોરડા કૂદવા માટે તમારે જિમમાં જવાની જરૂર નથી. ઑસ્ટિયોપોરોસિસ જેવી હાડકાં બટકણાં થવાની બીમારીમાં પણ પ્રિવેન્ટિવ ધોરણે આ એક્સરસાઇઝ કામ કરે છે. બ્લડ સક્યુર્લેશન સુધરવાથી સ્વાભાવિક રીતે જ તમારા ચહેરાની સુંદરતાને ચાર ચાંદ લગાવવાના જ. તમારી એકાગ્રતા વધારે છે. દોરડા કૂદવાથી શરીરમાં કો-ઑર્ડિનેશન એટલે કે સંતુલન અને ચપળતા વધે છે. હિપ્સના મસલ્સને સ્ટ્રૉન્ગ બનાવે છે.

- સમીર જૌરા

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK