Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું ફરીથી સમય આવી ગયો છે બકરીનું દૂધ પીવાનો?

શું ફરીથી સમય આવી ગયો છે બકરીનું દૂધ પીવાનો?

11 March, 2019 10:11 AM IST |
સેજલ પટેલ

શું ફરીથી સમય આવી ગયો છે બકરીનું દૂધ પીવાનો?

બકરીનું દૂધ ગુણકારી

બકરીનું દૂધ ગુણકારી


ગાંધીજીને બકરીનું દૂધ ભાવતું હતું અને હાલમાં ગાંધીજીનું ૧૫૦મું જન્મજયંતી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે મધ્ય પ્રદેશ સરકારે તાજેતરમાં ભોપાલ અને ઇન્દોરમાં સરકારી દુગ્ધાલયોમાં બકરીનું દૂધ વેચવાનું શરૂ કર્યું છે. આમ તો બકરીનું દૂધ ભારતના કોઈ પણ રાજ્યમાં મળી જ રહે છે, પરંતુ મધ્ય પ્રદેશમાં એ સરળતાથી લોકોને ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે એની વિશેષતાઓ શું છે એ જાણવી જોઈએ. પ્રાચીન ગ્રંથોમાં પણ બકરીના દૂધનાં બહુ ગુણગાન ગવાયાં છે, પણ એમ છતાં છેલ્લા કેટલાય દાયકાઓથી એની ઉપલબ્ધતા ઘટી છે અને મેઇનસ્ટ્રીમ મિલ્ક ઇન્ડસ્ટ્રીમાં એનો ફાળો ઘણો ઓછો રહ્યો છે. ગાય અને ભેંસના દૂધનું જે હદે કમર્શિયલાઇઝેશન થયું છે એની સરખામણીએ ગોટ-મિલ્કનું અસ્તિત્વ લગભગ નહીંવત્ જેવું છે.

કેમ અલભ્ય છે?



અનેક રીતે ગુણકારી ગણાતું હોવા છતાં બકરીનું દૂધ એટલું લોકપ્રિય નથી રહ્યું એનાં કારણો જણાવતાં આયુર્વેદ-નિષ્ણાત ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘માણસ પથ્થરયુગમાં હતો ત્યારે બકરીના દૂધનો વપરાશ કરતો હતો, પરંતુ બીજા પથ્થરયુગમાં (કૉન્ક્રીટ) યુગમાં આવ્યો એની વચ્ચે બકરી ક્યાંક ખોવાઈ ગઈ. ઉત્ક્રાંતિની દૃષ્ટિએ એનાં અનેક કારણો હોઈ શકે. જોકે મુખ્ય કારણો વિચારીએ તો પહેલું કારણ એ જણાય કે બકરીઓ પાળવાની હવે જગ્યા જ નથી રહી. બકરીને ખુલ્લામાં અહીં-તહીં કૂદાકૂદ કરીને ચરવા જોઈએ. એ જગ્યા હવે બહુ જ ઘટી ગઈ છે. બીજું, બકરીના દૂધમાંથી એક વિચિત્ર વાસ આવે છે અને એનો સ્વાદ પણ ગાય-ભેંસના દૂધ જેવો મીઠો નથી હોતો. ખારો-તૂરો સ્વાદ ધરાવતું દૂધ સ્વાભાવિકપણે એમ જ પીવાનું ગમતું નથી. બકરીનું દૂધ બહુ જલદી બગડી જાય છે અને ગરમ કરવાથી એની વાસ વધુ તીવþ બને છે. ત્રીજું, બકરીપાલન કમર્શિયલી એટલું વર્કેબલ નથી. બકરીની મૅક્સિમમ આયુ ૧૫થી ૧૭ વર્ષની હોય. એક-દોઢ વર્ષે તે પહેલી વાર ગર્ભવતી થાય. પાંચ મહિનાના ગર્ભાધાનકાળ બાદ બચ્ચાં પેદા થાય અને એ પછી બહુ ઓછા સમય માટે એ દૂધ આપી શકે. બકરી એક વારમાં બહુ ઓછું દૂધ આપી શકે છે. વળી એક કરતાં વધુ બચ્ચાં આપતી હોવાથી બચ્ચાંની દૂધની જરૂરિયાત પૂરી થયા પછી બહુ ઓછું દૂધ બચે. હા, બકરી અહીંતહીંથી કંઈ પણ ખાઈ લેતી હોવાથી અન્ય સસ્તન પ્રાણી કરતાં એનો નિભાવખર્ચ ઓછો છે, પણ સાથે જ દૂધનું પ્રોડક્શન પણ બહુ ઓછું હોય છે.’


ખાનપાનને કારણે ગુણકારી

હવે તો મૉડર્ન મેડિકલ સાયન્સ પણ સ્વીકારે છે કે બકરીનું દૂધ ગાયના દૂધ કરતાં પણ વધુ હેલ્ધી છે. એમાં પોષણ આપવા ઉપરાંત ઔષધીય ખજાનો પણ છે. બકરીના દૂધની ખાસિયત વર્ણવતાં ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘આપણે ત્યાં કહેવત છે ઊંટ મૂકે આકડો અને બકરી મૂકે કાંકરો. મતલબ કે ઊંટ આકડા સિવાયની કોઈ પણ ચીજ ખાઈ જાય છે અને બકરી કાંકરા સિવાયનું બધું જ ખાઈ જાય. કહેવાનો ભાવાર્થ એટલો કે બકરી હંમેશાં લીલોતરી ચાવતી હોય છે. પહેલાંના જમાનામાં એને ગામની ભાગોળે ચરવા માટે છૂટી મૂકી દેવામાં આવતી અને એ જંગલમાં કુદરતી રીતે ઊગેલા ઔષધીય છોડ ખાવાનું પ્રીફર કરે છે. આને કારણે ઔષધીય વનસ્પતિઓના સ્વાદ અને ગંધ પણ દૂધમાં ઉમેરાય છે.’


કયા-કયા રોગોમાં અક્સીર?

આયુર્વેદના ગ્રંથોમાં બકરીના દૂધના ગુણધર્મો અને ઔષધીય ઉપયોગો વિશે ખૂબ સવિસ્તર જણાવવામાં આવ્યું છે એ વિશે ડૉ. મહેશ સંઘવી પાસેથી જાણીએ.

રાજરોગ ટીબી : પહેલાંના જમાનામાં ટ્યુબરક્યુલોસિસ એ રાજરોગ ગણાતો. કુપોષણને કારણે શરીરે બહુ નબળાઈ આવી જતી. ટીબીનાં જંતુ ચેપી હોવાથી આ રોગના દરદીને અલાયદી હૉસ્પિટલોમાં સારવાર અપાતી. જે જમાનામાં અક્સીર ઍન્ટિ-બાયોટિક્સ નહોતાં શોધાયાં ત્યારે ટીબીના દરદીઓને માત્ર બકરીના દૂધ પર રાખવામાં આવતા અને એનાથી જ ક્યૉર થતા. એનું કારણ એ છે કે બકરીના દૂધની વાસ અને ગુણ એવાં છે જે ક્ષયના બૅક્ટેરિયાનો ખાતમો કરતાં હતાં. આજે ઍન્ટિ-બાયોટિક દવાઓની સાથે ક્ષયના દરદીઓને બકરી દૂધ આપવું જ જોઈએ. એ સુપાચ્ય હોવાથી ટીબીના દરદી માટે એ સરળતાથી પોષણ પૂરું પાડનારું બને છે.

ડેન્ગીનો વાવર : આયુર્વેદમાં જેને વિષમજ્વર એટલે કે વાઇરસના ચેપને કારણે ફેલાતા તાવના રોગોમાં પણ બકરીનું દૂધ બહુ જ ગુણકારી રહ્યું છે. હમણાં-હમણાં ડેન્ગીમાં પપૈયાના પાનનો રસ અને બકરીના દૂધનું સેવન કરવા બાબતે જાગૃતિ પણ આવી છે એ સારી બાબત છે. વિષાણુને કારણે આવતા જ્વર, જેવા કે મલેરિયા, ડેન્ગી અને ચિકનગુનિયાના તાવમાં દવાઓની સાથે બકરીનું દૂધ લેવાથી શરીરબળ ટકી રહે છે અને રોગપ્રતિકારક સુધરે છે.

હાર્ટડિસીઝ પ્રિવેન્શન : એમાં ખૂબ સારાં ફૅટીઍસિડ્સ રહેલાં છે જે શરીરમાં ખરાબ કૉલેસ્ટરોલનો ભરાવો થતો અટકાવે છે. એમાં પોટૅશિયમ ખનીજ સારીએવી માત્રામાં હોવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખવામાં મદદ થાય છે. આ દૂધમાં ખાસ વૅસોડાઇલેટર તત્વો હોય છે, જે રક્તવાહિનીઓને સાંકડી અને કડક થતી અટકાવે છે. મૉડર્ન મેડિસિનમાં જેને ઍથેરોસ્ક્લેરોસિસ કહે છે એ બકરીના દૂધથી પ્રિવેન્ટ થઈ શકે છે. એમાં સોજો ઘટાડનારાં તત્વો હોવાથી રક્તવાહિનીઓ તેમ જ આંતરડાંમાં પણ કોઈ પણ પ્રકારનું ઇન્ફ્લમેશન હોય તો ઘટાડે છે. રક્તવાહિનીઓની કડકાઈ અટકતી હોવાથી કાર્ડિયોવૅસ્ક્યુલર સિસ્ટમ લવચીક રહે છે.

રોગપ્રતિકારક શક્તિ: આજકાલ જન્ક-ફૂડના ચલણને કારણે યંગ એજથી જ વિટામિન A, D, B૧૨, Bની કમી જોવા મળે છે. આ વિટામિન્સને કારણે રોગો સામે લડવાની શરીરની આંતરિક ક્ષમતા ઘટી જાય છે. બકરી ખૂબ જ લીલોતરી ખાતી હોવાથી એના દૂધમાં વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો ભરપૂર હોય છે. વનસ્પતિજન્ય કૅલ્શિયમ અને સુપાચ્ય પ્રોટીન એમાં ખૂબ મોટી માત્રામાં છે, જેને કારણે શરીર અંદરથી રોગો સામે લડવા સક્ષમ બને છે.

અન્ય રોગો : ઉપદંશ એટલે કે ખાસ પ્રકારની ઍલર્જી, પોલિયો, કમળો, ખાંસી, હેડકી, આર્થરાઈટિસ, ગર્ભધારણમાં તકલીફ, કુપોષણ, પિત્તાશયની પથરી, કોરોનરી આર્ટરી ડિસીઝ, સિસ્ટિક ફાઇબ્રોસિસ તેમ જ પાચન સંબંધિત રોગોમાં બકરીનું દૂધ પોષણની સાથે દવાની ગરજ સારે છે.

બાળકોના વિકાસ : જે મમ્મીઓને બ્રેસ્ટ-ફીડ ઓછું આવતું હોય તેઓ બાળકને ગાયના દૂધમાં પાણી મેળવીને આપે છે. એના બદલે બકરીનું દૂધ આપી શકાય. એ ઓછી માત્રામાં વધુ પોષક છે. એ પચવામાં એટલું હલકું છે કે પ્રીમૅચ્યોર બેબીને પણ બકરીનું દૂધ આપી શકાય છે.

આ પણ વાંચો : પિરિયડ્સ એ કુદરતે સ્ત્રીને આપેલું વરદાન

કેવી રીતે લેવું?

રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય, ઉધરસ-ખાંસીને કારણે મોં વાટે લોહી પડતું હોય તો બકરીના દૂધમાં ખડી સાકર અને નાગકેસર મેળવીને પીવું.

બહેનોને વાઇટ ડિસ્ચાર્જની તકલીફ હોય કે વધુપડતું માસિક જતું હોય એમાં મોથરસ મેળવીને બકરીનું દૂધ પીવું.

આંતરડાંમાંથી લોહી પડતું હોય તો બકરીના દૂધમાં શતાવરી અને નાગકેસર નાખી ઉકાળીને લેવું.

ડેન્ગી, મલેરિયા જેવા વિષમજ્વરમાં બકરીના દૂધમાં સૂંઠ નાખીને લેવું.

ખાસ નોંધ
ગાય-ભેંસના દૂધમાં લેક્ટોઝ હોય છે અને કેટલાક લોકોને લેક્ટોઝની ઍલર્જી હોવાથી એ સદતું નથી. એવામાં બકરીનું દૂધ વિનાસંકોચે લઈ શકાય.

માત્રા કેટલી?
કોઈ રોગ કે સમસ્યા હોય તો જ બકરીનું દૂધ લેવાય એવું નથી. સ્વસ્થ રહેવા માટે પણ એનું નિયમિત સેવન ઉપયોગી છે. જોકે આપણી હાલની જીવનશૈલી જોતાં રોજ ૧૦૦થી ૨૦૦ મિલીલીટર જેટલું બકરીનું દૂધ લઈ શકાય.

Whatsapp-channel Whatsapp-channel

11 March, 2019 10:11 AM IST | | સેજલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK