Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > દર ત્રીજા ભારતીયને થાઇરૉઇડની સમસ્યા છે

દર ત્રીજા ભારતીયને થાઇરૉઇડની સમસ્યા છે

17 January, 2020 02:50 PM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

દર ત્રીજા ભારતીયને થાઇરૉઇડની સમસ્યા છે

થાઇરૉઇડ

થાઇરૉઇડ


કાં તો આ હૉર્મોન્સ ઘટી જાય છે કાં વધી જાય છે. છેલ્લા દોઢ દાયકામાં ઇન્ડિયામાં થાઇરૉઇડ હૉર્મોન્સને લગતી સમસ્યાઓમાં ધરખમ વધારો થયો છે ત્યારે આ જટિલ સમસ્યા માટે જાગૃતિ કેળવવા આખો જાન્યુઆરી મહિનો અવેરનેસ મન્થ તરીકે ઊજવાય છે. આજે જાણીએ અકળ કારણોસર લાખો લોકોને ભરડામાં લેતી હાઇપોથાઇરૉઇડની સમસ્યા અને એનું મુખ્ય કારણ ગણાતા હાશિમોતો થાઇરૉઇડાઇટિસ વિશે.

ગળામાં આવેલી એક પતંગિયા જેવડી ગ્રંથિમાં જો તસુભાર પણ ઊંચનીચ થઈ ગઈ તો શરીરની તમામ વ્યવસ્થાઓમાં એની માઠી અસરો દેખાવા લાગે છે. આ ગ્રંથિ એટલે થાઇરૉઇડ. આ ગ્રંથિ નિશ્ચિત માત્રામાં જ હૉર્મોન પેદા કરે એ જરૂરી છે. જરાક પણ વધુ પેદા થાય તોય તકલીફ અને ઓછો પેદા થાય તોય તકલીફ. એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે આ હૉર્મોન આપણા શરીરની લગભગ તમામ ક્રિયાઓને કન્ટ્રોલ કરે છે. છેલ્લા દોઢ દાયકામાં ભારતમાં થાઇરૉઇડ પેશન્ટ્સની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. દર ત્રીજી વ્યક્તિને થાઇરૉઇડને લગતી સમસ્યા છે. એમાંય હૉર્મોન્સની કમીને કારણે પેદા થતો હાઇપોથાઇરૉઇડ સૌથી વધુ જોવા મળે છે. ભારતભરમાં નેટવર્ક ધરાવતી એક પૅથોલૉજી લૅબોરેટરીના કહેવા મુજબ ભારતમાં ૧૧ ટકા લોકો હાઇપોથાઇરૉઇડ ધરાવે છે. યુકેમાં આ આંકડો લગભગ બે ટકા અને અમેરિકામાં ૪થી ૬ ટકા જેટલો છે.



હાઇપોથાઇરૉઇડનું નિદાન બહુ સરળ છે અને એની સારવાર પણ સિમ્પલ છે એમ છતાં ભારતમાં આ રોગના દરદીઓની સંખ્યામાં તેમ જ રોગીઓની સમસ્યાઓમાં કોઈ ખાસ ફરક જણાતો નથી. અનેક લોકો એવા છે જેમને ખબર નથી કે તેમને હાઇપોથારૉઇડ એટલે કે અન્ડરઍક્ટિવ થાઇરૉઇડની સમસ્યા છે. આવું કેમ છે? શું કામ પહેલી નજરે સહેલો અને સરળ દેખાતો રોગ કાબૂમાં નથી આવતો? એની પાછળનાં કારણો શું છે એ આજે સમજીએ.


આયોડીનની ઊણપ

પહેલાંના સમયમાં આ રોગ માટે આયોડિન ખનીજની ઊણપને જવાબદાર માનવામાં આવતી હતી. સામાન્ય રીતે બૉડીને ૧૫૦ માઇક્રોગ્રામ આયોડીનની જરૂર હોય. એક સમય એવો હતો કે વેજિટેરિયન લોકોને માત્ર પીવાના પાણીમાંથી જ આયોડીન મળતું. આ ખનીજની ઊણપને કારણે થાઇરૉઇડ ગ્રંથિની કાર્યક્ષમતા નબળી પડી જતી. જોકે ૧૯૮૩માં આયોડાઇઝ્ડ નમક દ્વારા એ કમી પૂરી કરવાની ઝુંબેશ હાથ ધરાઈ અને એ પછી તો હવે ડાયટમાં આયોડીનની કમીને કારણે આ રોગ પેદા થાય એવી સંભાવનાઓ ઘણી ઓછી થઈ ગઈ છે. છેલ્લા બે દાયકામાં આયોડીનયુક્ત નમકનું ઉત્પાદન નવ ગણું વધ્યું છે અને મોટા ભાગના લોકો એનું જ સેવન કરતા હોવા છતાં હાઇપોથાઇરૉઇડની સમસ્યા ઘટવાને બદલે વધી છે.


ઇન ફૅક્ટ, કેટલાક અભ્યાસો તો એવી ચેતવણી આપી રહ્યા છે કે વધુપડતું આયોડીન હવે થાઇરૉઇડ ગ્રંથિને પજવી રહ્યું છે. ઊંચા પર્વતીય વિસ્તારોને બાદ કરતાં આયોડીનની કમી બાકીના વિસ્તારોમાં ભાગ્યે જ જોવા મળે છે અને એટલે હાઇપોથાઇરૉઇડના દરદીઓને પણ આયોડાઇઝ્ડ નમક નથી અપાતું. બ્રિટનની કિંગ્સ કૉલેજ લંડનના નિષ્ણાતોનું હવે કહેવું છે કે જો ચોક્કસ માત્રા કરતાં વધુ માત્રામાં આયોડીન સપ્લિમેન્ટ્સ આપવામાં આવે તો એનાથી પણ થાઇરૉઇડની કામગીરી ખોરવાય છે  અને ગોઇટર (ગ્રંથિ પર સોજો) અને રોગપ્રતિકારક ક્ષમતામાં ગરબડ થઈ શકે છે.

હાશિમોતો થાઇરોડાઇટિસ

આયોડીનની ઊણપ ઉપરાંત હાઇપોથાઇરૉઇડની સમસ્યા પાછળનું મુખ્ય કારણ હવે હાશિમોતો થાઇરોડાઇટિસ છે એમ જણાવતાં જસલોક હૉસ્પિટલના એન્ડોક્રાઇનોલૉજિસ્ટ ડૉ. શૈવલ ચાંદલિયા કહે છે, ‘આ એક ઑટો ઇમ્યુન ડિસીઝ છે. જેમાં અકળ કારણોસર શરીરનું રક્ષણ કરતા કોષો પોતે જ થાઇરૉઇડ ગ્લૅન્ડ પર હુમલો કરે છે અને એને કારણે ગ્રંથિની કાર્યક્ષમતા ઘટી જાય છે. આ સમસ્યામાં શરીરમાં ઍન્ટિબોડીઝ પેદા થાય છે જે પોતે જ થાઇરૉઇડ ગ્રંથિને કનડે છે. જેટલા વધુ ઍન્ટિબોડીઝ એટલી કનડગત વધુ.’

તો શું હાશિમોતો થાઇરોડાઇટિસને કારણે હાઇપોથાઇરૉઇડની સમસ્યા હોય તો લક્ષણો જુદાં હોય? એ વિશે સ્પષ્ટતા કરતા ડૉ. શૈવલ કહે છે, ‘લક્ષણો લગભગ સરખા જ હોય, પરંતુ લોહીની કેટલીક ટેસ્ટ કરવાથી ખબર પડે કે થાઇરૉઇડ ગ્રંથિની કાર્યક્ષમતા ખોટકાવાનું કારણ શું છે. એમાં T3, T4 અને TSH ઉપરાંત ઍન્ટિબોડીઝની હાજરી માટેની ટેસ્ટ પણ કરવી પડે. શરીરમાં ઍન્ટિબોડીઝની હાજરી પણ હોય ત્યારે ખબર પડે કે આ હાશિમોતો થાઇરૉડાઇટિસ છે. હાલમાં હાઇપોથાઇરૉઇડના કુલ દરદીઓમાંથી ૬૦થી ૭૦ ટકાને આ સમસ્યા હોય છે. ચિંતાની વાત તો એ છે કે ૫૦ વર્ષથી મોટી વયની દર પાંચ મહિલામાંથી એકને આ સમસ્યા છે. કહો ને કે લગભગ ૨૦ ટકા મહિલાઓ આ સમસ્યાથી પીડાય છે. હા, પુરુષોમાં એની તકલીફ ઓછી છે, પણ સાવ નથી એવું નથી. આવો ભેદ કેમ છે એ પણ હજી સમજાયું નથી. ઑટો ઇમ્યુન સિસ્ટમમાં કેમ ગરબડ થાય છે એનાં કારણો  પાછળ સ્ટ્રેસ, જીવનશૈલી અને જનીનગત બાબતો સંકળાયેલી છે.’

સારવારમાં શું ધ્યાન રાખવું?

હાશિમોતો થાઇરૉડાઇટિસ એવી સમસ્યા છે જેની સારવાર દેખીતી રીતે બહુ સરળ છે, પણ દરેક વ્યક્તિને એનાથી એકસરખી રાહત મળે એવું જરૂરી નથી. શરીરમાં ઍન્ટિબોડીઝનું પ્રમાણ વધી જાય તો સમસ્યા વધી શકે છે એટલે લક્ષણો દેખાય ત્યારે વહેલાસર નિષ્ણાતને કન્સલ્ટ કરો એ જરૂરી છે. ડૉ. શૈવલ કહે છે, ‘જ્યારે અન્ડરઍક્ટિવ ગ્રંથિ હોય ત્યારે રોજ સવારે થાઇરૉક્સિન હૉર્મોન્સની ગોળી દરદીને આપવામાં આવે છે. દરદીના શરીરનું વજન અને ટીએસએચની માત્રા જોઈને ગોળીનો ડોઝ કૅલ્ક્યુલેટ કરવો પડે. શરૂઆતમાં દર ત્રણ મહિને બ્લડ-ટેસ્ટ કરીને ડોઝ કેટલો ઇફેક્ટિવ છે એ નક્કી થાય છે. મોટા ભાગે છથી નવ મહિનામાં બૉડીને માફક આવે એવા ડોઝની માત્રા સુનિશ્ચિત થઈ જાય છે.’

જોખમો શું ?

થાઇરૉઇડ હૉર્મોન્સ સૌથી પહેલાં તો મેટાબૉલિઝમને ડિસ્ટર્બ કરે છે એને કારણે શરીરમાં ફૅટનો ભરાવો થવા લાગે છે. કૉલેસ્ટરોલ વધે છે. આમ સરવાળે હાર્ટ ડિસીઝનું જોખમ પણ વધે છે. આ દરદીઓમાં ડાયાબિટીઝનું જોખમ પણ વધે છે. હવે તો કેટલાક સંશોધનો કહે છે કે હાઇપોથાઇરૉઇડનું નિદાન કે સારવાર બરાબર ન થાય તો વ્યક્તિ કોમામાં સરી જઈ શકે છે.

દવા લેનારાએ શું કાળજી રાખવી?

- સિન્થેટિક હૉર્મોન્સની ગોળી રોજ સવારે ઊઠીને ભૂખ્યા પેટે લેવી. એ ગોળી લીધા પછી પોણોથી એક કલાક કશું જ ન ખાવું. જો એમ નહીં કરવામાં આવે તો હૉર્મોન્સ બરાબર ઍબ્ઝોર્બ નહીં થાય અને દવા વેસ્ટ જશે.

- આ દવાની સાથે બીજી કોઈ જ મલ્ટિવિટામિનની ગોળીઓ ન લેવી. અન્ય કોઈ પણ દવા પણ દોઢ-બે કલાક પછી જ લેવી.

- એક્સરસાઇઝ એ પણ એક દવા જ છે. થાઇરૉઇડના દરદીઓ માટે બેઠાળુ જીવન એ સ્લો પૉઇઝન સમાન છે.

‍ક્યારે ચેતવું?

- અચાનક જ તમારું વજન વધી જાય અને ડાયટ કન્ટ્રોલ કરવા છતાં વજન વધ્યા જ કરે. એક્સરસાઇઝ કરવાનું શરૂ કરો એટલામાં તો થાકીને ઠૂસ થઈ જવાય

- ઠંડી સહન કરવાની ક્ષમતા ખૂબ ઘટી જાય. જરાક અમથી ઠંડીમાં હાથ-પગ ઠંડાં પડવા લાગે.

- કંઈ જ કામ કરવાનું મન ન થાય. કંઈ જ કર્યા વિના એકલા બેસી રહેવાનું મન થયા કરે છે

- ઊંઘીને ઊઠ્યા પછી પણ ખૂબ જ નબળાઈ, સુસ્તી અનુભવાય જાણે ઊંઘ્યા જ કરીએ એવું ફીલ થાય

- વાળ ખૂબ જ ખરે, સ્કિન ડ્રાય થાય અને નખ બરડ થવા લાગે

- કબજિયાતને કારણે સવાર બગડે છે કાં પછી ડાયેરિયા થઈ જાય છે

- વગરકારણે ચીડિયો સ્વભાવ થઈ જાય

- સ્નાયુઓ સ્ટિફ થઈ જાય છે, સાંધા દુખે છે અને શરીરમાં ઝીણી કળતર થયા કરે છે

- યાદશક્તિ અને સમજશક્તિ પણ ઘટી રહી છે એવું લાગે

- એકાગ્રતા જાળવવામાં મુશ્કેલી પડે

- માસિકચક્રમાં અનિયમિતતા આવે અને ખૂબ જ ઓછું કે વધુ બ્લીડિંગ થાય

- અવાજ ઘોઘરો થવા લાગે, જીભ જાડી થવાને કારણે ઉચ્ચારોમાં સ્પષ્ટતા ન રહે

- સવારે ઊઠીને ચહેરા અને હાથ-પગ પર સોજા આવે, આખું શરીર ફૂલેલું લાગે

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2020 02:50 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK