શિયાળામાં આ 10 વસાણાં ખાવાનું ચૂકતા નહીં

Published: Jan 15, 2020, 17:08 IST | Alpa Nirmal | Mumbai

આ તમામ વસાણાં કઈ રીતે લેવાં જોઈએ એ વિશેની ટિપ્સ આપતાં વૈદ્ય સૂર્યા ભગવતી કહે છે, ‘આ તમામ વસાણાં મુંબઈ અને એનાં ઉપનગરોમાં આવેલી આયુર્વેદિક ઔષધિઓની દુકાનમાં મળી રહે છે.

વસાણા
વસાણા

ઠંડીના ફૅન મુંબઈગરાઓને નૉર્થ ઇન્ડિયા અને ગુજરાતના રહીશોની એક વાતે ઈર્ષા જરૂર થાય કે અહીં ત્યાંના જેવી કડાકાની ઠંડી પડતી જ નથી, એથી તાપણાની મજાય ન ભોગવી શકાય કે ન  તો ગરમી પેદા કરે એવો ખોરાક અને પીણાં પીવાની જયાફત લઈ શકાય. આપણા મેટ્રો સિટીમાં તો વહેલી સવારે ને મોડી રાત્રે બાઇક પર કે ટ્રેનમાં થોડી શીત લહેર લાગે એટલું જ.

જોકે અહીં આવી સાવ પાતળી ઠંડીમાં પણ શિયાળો આવ્યો એટલે અડદિયા, જાતજાતના શક્તિવર્ધક પાક, ચ્યવનપ્રાશ વગેરે ખાવા જ પડે એવો વણલખ્યો નિયમ ઘણા સ્વાદ અને સ્વાસ્થ્યપ્રેમીઓ નિભાવે છે ખરા. ખાઓ, જરૂર ખાઓ, પણ આ શિયાળુ પાકને  વધુ શક્તિવર્ધક બનાવવા આયુર્વેદનાં અદ્ભુત એવાં આ વસાણાં નાખીને ખાઓ જેથી આખું વરસ સ્વાસ્થ્ય, શક્તિ અને સ્ફૂર્તિ જળવાઈ રહે. ચર્ની રોડની સૈફી હૉસ્પિટલનાં આયુર્વેદિક  કન્સલ્ટન્ટ ડૉ. સૂર્યા ભગવતી કહે છે, ‘આયુર્વેદ ખૂબ ગહન શાસ્ત્ર છે. આપણા ઋષિ-મુનિઓએ આપણા જ જંગલમાં થતી વનસ્પતિઓ વિશેનું ઊંડું સંશોધન કરી આપણને તંદુરસ્ત રહેવાનો કુદરતી માર્ગ ચીંધી દરેક સીઝન પ્રમાણે ખોરાક તેમ જ જડીબુટ્ટીઓ ખાવાના નિયમો આપ્યા છે. એ મુજબ શિયાળામાં અષ્ટવર્ગ, દશમૂળ, જાવંત્રી, કેસર, અશ્વગંધા, સફેદ મૂસળી, શતાવરી, સૂંઠ, ગંઠોડા, કાળાં મરી, ગુંદર જેવાં વસાણાંને આમળાના ચ્યવનપ્રાશ સાથે કે અડદિયા, મેથીપાક, ગુંદરપાક જેવી અન્ય શિયાળુ મીઠાઈમાં નાખીને  કે ઍટ લીસ્ટ રોજ સવારે ગોળવાળી રાબમાં નાખીને અચૂક ખાવાં જોઈએ.’

આ વસાણાંના ફાયદા શું?

અષ્ટવર્ગ ઃ આ અષ્ટવર્ગ શું છે? કાકોલી, ક્ષીર કાકોલી, જીવક, મેદ, મહામેદ, રીસ્ભક, રિદ્ધિ,  વૃદ્ધિ (જે હિમાલયના પહાડોમાં  મળી આવે છે). આ ૮ વનસ્પતિઓના વિવિધ ભાગના સંયોજનથી અષ્ટવર્ગ બને છે. વૈદ્ય સૂર્યા ભગવતી કહે છે, ‘અષ્ટવર્ગ તૈયાર જ મળે છે. જુદી- જુદી જડીબુટ્ટીઓને આપણે ભેગી કરવાની જરૂર પડતી નથી. આ ઔષધિમાં ઍન્ટિ-એજિંગ પ્રૉપર્ટીઝ છે જે શરીરના આંતરિક ભાગોને ચુસ્ત-તંદુરસ્ત રાખવા સાથે તાવ, યુરિનરી પ્રૉબ્લેમ્સ પણ દુરસ્ત કરે છે.’

દશમૂળ ઃ સુવાવડ પછી ખવાતી  દશમૂળ અસ્થમા, સંધિવા, જીર્ણજ્વર, એનિમિયા, કફ, થાક  દૂર કરવા સાથે બૉડી સ્ટ્રેન્ગ્થ વધારે છે, નર્વસ સિસ્ટમને શાંત કરે છે. કિડની, લિવરને શુદ્ધ કરે છે.  તેમ જ ઑસ્ટિયોપોરોસિસથી હાડકાંનું રક્ષણ કરે છે. દશમૂળમાં  બિલ્વા, અગ્નિમાંથા, શ્યોનાક,  પતાલા, ગોક્ષુરા કાશ્મરી, બૃહતી, કંટકારી, શાલપર્ણી, પૃશ્નિપર્ણીનું મિશ્રણ છે. આ વસાણું પણ મિક્સ જ મળે છે.

અશ્વગંધા : એના ગુણોથી  કોણ અજાણ હશે? ઔષધિ રૂપે વપરાતું અશ્વગંધા એનર્જી લેવલ વધારવા સાથે સોજા, કૉલેસ્ટરોલ અને બૉડીમાંથી શુગર લેવલ ઓછું કરે છે. નૅચરલ હીલર હોવા સાથે અશ્વગંધા શરીર અને મગજ બેઉને ફાયદો કરે છે. એ કૉન્સન્ટ્રેશન પણ વધારે છે અને બ્રેઇનનું ફંક્શન  પ્રૉપર રાખે છે.

સફેદ મૂસળી ઃ આ દ્રવ્ય આયુર્વેદ, યુનાની  અને હોમિયોપથી મેડિસિનમાં પણ વપરાય છે આર્થ્રાઇટિસ, કૅન્સર, ડાયાબિટીઝ જેવા રોગોમાં સફેદ મૂસળી સુંદર પરિણામ આપે છે. આ રોગોથી બચવા માટે પણ મૂસળી ખાવી જ જોઈએ.

શતાવરી ઃ આ એક ટૉનિક છે. ઍન્ટિઑક્સિડન્ટ, ઍન્ટિઇન્ફ્લમૅટરી ગુણધર્મ ધરાવતી શતાવરી અલ્સર અને કિડની સ્ટોનમાં ખૂબ રાહત આપે છે. એ ગુણધર્મે ઠંડી હોવા છતાં કફ અને ઝાડા   નાબૂદ કરી શકે છે.

સૂંઠ : આદુંનું ડ્રાય ફૉર્મ સૂંઠ. એ તો રોજિંદા વપરાશમાં લેવી જોઈએ. પાચનશક્તિ વધારતી સૂંઠ ચક્કર અને વૉમિટિંગમાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. માસિક ધર્મ વખતે થતો દુખાવો, વાનો દુખાવો મટાડવા સાથે એ વેઇટલૉસ માટે પણ અકસીર છે.

ગંઠોડા ઃ ડેઇલી ડાયટમાં ઉમેરવાની ઔષધિ છે ગંઠોડા કે પીપરીમૂળ. દરેક વ્યક્તિ જાણે છે કે  પીપરીમૂળ પેટનો આફરો, ઇન્ફેક્શન, કૉલેરા, શ્વાસની બીમારી, કફ મટાડવા સાથે એ શરીરની તોડ દૂર કરે છે. ઘણી વખત કોઈ પણ ખાસ કારણ વગર આખું શરીર તૂટતું હોય છે. શરીરનાં હાડકાં, મસલ, નસોમાં કળતર થયા કરતું હોય તેમણે કાયમી ધોરણે ગંઠોડા ખાવા જોઈએ.

કાળાં મરી : આ ભલે સ્વાદ એન્હાન્સ કરતી પ્રૉપર્ટી કહેવાય, પણ એનો ઔષધીય ગુણ લાજવાબ છે. શરીરમાં ગરમાવો લાવતાં મરી અપાચન, શરદી, કફ દૂર કરે છે. વેઇટલૉસ, સ્કિન હેલ્થ સુધારવા સાથે ખોરાકમાં રહેલાં પોષક તત્ત્વો ઍબ્સૉર્બ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

કેસર ઃ એ રિચ ઍન્ડ ફેમસની કૅટેગરીમાં આવે. કલર અને સુગંધમાં સો માર્ક મેળવતું આ હર્બ બૉડી  પ્યૉરિફિકેશન કરે છે.

જાવંત્રી  ઃ આમ તો તેજાના તરીકે જાણીતી આ ચીજ સ્વાદ અને સુગંધનો રાજા છે એ સાથે જ એ શરીરના વિવિધ અવયવો પર હિતકારી છે. સ્વભાવે કૂલ ગુંદર શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બૉડીનું ટેમ્પરેચર ઠંડું કરવા સાથે કબજિયાત અને યુરિનરી ટ્રૅક્ટના રોગો દૂર કરી શકાય. કરોડરજ્જુને લવચીક અને સ્ટ્રૉન્ગ બનાવવા સાથે ગુંદર સ્કિનને પણ ચુસ્ત રાખે છે. 

ગુંદર સાથેનું સંયોજન

આ તમામ વસાણાં કઈ રીતે લેવાં જોઈએ એ વિશેની ટિપ્સ આપતાં વૈદ્ય સૂર્યા ભગવતી કહે છે, ‘આ તમામ વસાણાં મુંબઈ અને એનાં ઉપનગરોમાં આવેલી આયુર્વેદિક ઔષધિઓની દુકાનમાં મળી રહે છે. જો બની શકે તો આ વસાણાં પાઉડર ફૉર્મમાં લેવાને બદલે આખાં લેવાં અને ઘરે  પીસી એનું બારીક ચૂર્ણ બનાવવું. આમ કરવાથી ભેળસેળથી બચી શકાશે. બીજું, દરેક ઔષધિ  ઑથેન્ટિક દુકાનોમાંથી જ લેવી, જડીબુટ્ટીઓના નામે રસ્તા પર વેચતા ફેરિયાઓ પાસેથી નહીં. શતાવરી સિવાયનાં બધાં  વસાણાંની પ્રકૃતિ ગરમ છે. આ ઔષધીઓનો ગરમાવો અને ગુંદરની ઠંડકનું કૉમ્બિનેશન શરીરને સુદૃઢ રાખે છે. આ બધાં જ વસાણાં દરેક ઉંમરનાં સ્ત્રી-પુરુષ ખાઈ શકે. હા, એની માત્રામાં પ્રમાણભાન રાખવું અત્યંત જરૂરી છે.’

કૌંચાપાક  વૈદ્યના કન્સલ્ટેશન સિવાય નહીં

શિયાળાની ઋતુમાં દરેક છાપાંમાં અશ્વ જેવી શક્તિ આપતા કૌંચાપાકની અઢળક જાહેરખબરો હોય છે. વૈદ્ય કહે છે, ‘શક્તિ અને સ્ફૂર્તિ માટે જાહેરખબર વાંચીને કૌંચાપાક ન ખવાય.  કૌંચ બીજ બહુ જ  ઉષ્ણ છે. એના સેવનથી શરીરના આંતરિક ભાગોમાં સોજા થઈ જાય છે, ચાંદાં પડી જાય છે. આ બીજથી માથાનો દુખાવો તેમ જ ભ્રમણા, કન્ફ્યુઝન જેવું પણ થાય છે જે મુશ્કેલી ઊભી કરી શકે. આથી જ વૈદના કન્સલ્ટેશન સિવાય  કૌંચાપાક ખવાય નહીં.’

ગ્રીન વેજિટેબલ્સ સદાબહાર

વસાણાયુક્ત શિયાળુ પાક તો ખરા જ સાથે આ ઋતુમાં આમળાં, કાચી હળદર, ગાજર, પાલકની ભાજી, મેથીની ભાજી અને સરસવની ભાજી અચૂક ખાવી જોઈએ. ડૉ. ભગવતી કહે છે, ‘લીલી શાકભાજી ગ્રીન બ્લડ છે. તેમ જ એ દરેકને પરવડે  એવી કિફાયતી હોય છે. આપણે ત્યાં સરસવનું બહુ ચલણ નથી, પરંતુ આ ભાજી ખૂબ ગુણકારી છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK