બહુત હુઆ ઘર કા ખાના અબ કુછ બાહર કા ખાના હો જાએ

Published: 27th October, 2020 15:29 IST | Bhakti Desai | Mumbai

હજી રેસ્ટોરાંમાં ડાઇનિંગ શરૂ થયાને ઝાઝા દિવસો નથી થયા, પણ લગભગ છ મહિનાના અંતરાલ બાદ રેસ્ટોરાં શરૂ થઈ કે કેટલાય એવા સ્વાદરસિયાઓ હતા જેમણે પોતાની મનપસંદ જગ્યાઓએ જઈને જીભના ચટકારા લઈ જ લીધા

 સ્વાદરસિયાઓએ આ સમય દરમ્યાન રેસ્ટોરાંને કેટલી મિસ કર્યું અને છૂટ મળ્યા પછી ઈટિંગ આઉટની મજા માણી
સ્વાદરસિયાઓએ આ સમય દરમ્યાન રેસ્ટોરાંને કેટલી મિસ કર્યું અને છૂટ મળ્યા પછી ઈટિંગ આઉટની મજા માણી

હજી રેસ્ટોરાંમાં ડાઇનિંગ શરૂ થયાને ઝાઝા દિવસો નથી થયા, પણ લગભગ છ મહિનાના અંતરાલ બાદ રેસ્ટોરાં શરૂ થઈ કે કેટલાય એવા સ્વાદરસિયાઓ હતા જેમણે પોતાની મનપસંદ જગ્યાઓએ જઈને જીભના ચટકારા લઈ જ લીધા. સ્વાદરસિયાઓએ આ સમય દરમ્યાન રેસ્ટોરાંને કેટલી મિસ કર્યું અને છૂટ મળ્યા પછી ઈટિંગ આઉટની મજા માણી કે નહીં એ વિશે જાણીએ..

લૉકડાઉન પહેલાં રેસ્ટોરાંમાં જમવાનું ન ભાવે અથવા કોઈ આઇટમ સારી ન મળે તો લોકો એની ટીકા કરતા હતા અને કહેતા, સમય અને પૈસા બન્ને એળે ગયા. પણ સચ્ચાઈ આપણો દૃષ્ટિકોણ એક વાત જોવા અસમર્થ હતો કે ફક્ત જમવાનું સારું ન મળ્યું, પણ માહોલ, સાથે રહેવાનો સમય અને ઘરના જમવાના કરતાં જુદો સ્વાદ તો મળ્યો જ. લૉકડાઉનમાં એક વાત વિચારવાનો મોકો મળ્યો કે આ રેસ્ટોરાં કે ક્લબમાં જમવા જેવી સામાન્ય બાબત ફક્ત ખાવાનો આનંદ નથી આપતી, ગૃહિણીને રસોડામાંથી છુટકારો આપે છે, બાળકોને મનગમતું ભોજન આપે છે, યંગસ્ટર્સને ફાસ્ટ ફૂડ, જૂસ, મૉકટેલ અને મિત્રો સાથે કોઈ પણ રોકટોક વગર શોર મચાવવાનો અને પાર્ટી કરવાનો આનંદ અર્પે છે, ઘરની બહાર ન નીકળતા વડીલોને તૈયાર થઈને બહાર જમવા જવાનો મોકો અને રોજના જમવાનાથી કંઈ જુદો સ્વાદ આપે છે અને પુરુષોને પણ મીટિંગ અને ચર્ચા માટે હાઈ-ટી અથવા ચા-નાસ્તા સાથેનાં એક ટેબલ-ખુરશી આપે છે, લવબર્ડ્સ માટે ડેટિંગ-સ્પૉટ અને પરિવારોના ગેટ-ટુગેધરનું સૌથી સુગમ સ્થાન છે. આજે જાણીએ છેલ્લા છ મહિનામાં લોકોએ ઈટિંગ આઉટને કયાં કારણોસર મિસ કર્યું અને રેસ્ટોરાં ખૂલતાંની સાથે જ ફૂડની લહેજત માણવા તેમણે શું કર્યું.

ઘણી વાર વિચારતી કે રોજ-રોજની રસોઈમાંથી એકાદ દિવસનો બ્રેક ક્યારે મળશે?: અરુણા ગાલા

અંધેરીમાં રહેતાં અરુણા ગાલા મહિનામાં ચાર-પાંચ વખત રેસ્ટોરામાં જતાં. તેઓ કહે છે, ‘અમે પરિવાર સાથે હાલમાં જ પાર્લાની એક રેસ્ટોરાંમાં જઈને આવ્યાં, પણ કોવિડને કારણે ક્યાંક મનમાં થોડો ખચકાટ હોવાથી અમે રોટી-સબ્ઝી જ મંગાવ્યાં. અમે આટલા સમયથી સાદું ઘરનું ખાવાનું ખાઈને કંટાળી ગયાં હતાં. જોકે આ વખતે રેસ્ટોરાંમાં પણ જાણે એકદમ તીખાશ વગરનું અને ઘર જેવા મસાલા નાખીને ભાજી બનાવી હોય એવો સાદો જ સ્વાદ લાગ્યો. પહેલાંની વાત કરું તો અમે દર શનિવારે અને રવિવારે ડિનર બહાર લઈએ અને સાથે જ કોઈની પાર્ટી હોય તો પણ રેસ્ટોરાંમાં મનાવીએ. લૉકડાઉન દરમ્યાન એક રેસ્ટોરાંનાં ચાહક અને એક ગૃહિણી તરીકે મેં રેસ્ટોરાંને ખૂબ યાદ કરી. ઘરની સાફસફાઈના કામ થઈ ગયા પછી એમ થતું કે આ રસોઈ બનાવવામાંથી ક્યારે એકાદ દિવસનો છુટકારો મળશે? ક્યારે પહેલાંની જેમ નિરાંતે બહાર પરિવાર અને મિત્રો સાથે સ્વાદિષ્ટ ભોજન ખાવા મળશે? સાચે હવે એક વાત કહી શકું છું કે રેસ્ટોરાં આ એક સ્ત્રી માટે એવું બ્રેકરૂપી વરદાન છે જે ખૂબ જરૂરી છે. રેસ્ટોરાં ખૂલી ગઈ છે એ વાતથી પણ માત્ર હૃદયને ધરપત થઈ ગઈ છે.’

મારી ફેવરિટ રેસ્ટોરાંમાં જમ્યા પછી લાગ્યું જાણે એક અરસા પછી આવો આનંદ માણ્યો : મેહુલ પંચાલ

ક્યારેય જીવનમાં વિચાર્યું નહોતું કે રેસ્ટોરાં આટલા લાંબા સમય માટે બંધ થઈ જશે એમ જણાવતાં મલાડમાં રહેતા મેહુલ પંચાલ કહે છે, ‘મારો આખો પરિવાર અને હું બહાર જમવાના શોખીન છીએ અને અમે દર રવિવારે રેસ્ટોરાંમાં જતા. સાથે જ મલાડ, કાંદિવલી અને બોરીવલીમાં જ્યાં જે પ્રચલિત વ્યંજનો મળે ત્યાંથી એ આઇટમ્સ ઘરે પણ ઑર્ડર કરતા. લૉકડાઉનનો સમય એટલો મુશ્કેલીભર્યો આવ્યો કે રેસ્ટોરાંમાં જવું અને બહારનું ફાસ્ટ ફૂડ ખાવું આ એક સપનું બની ગયું હતું. કોરોનાની મહામારી આજે જશે, કાલે જશે અને જીવનની ગાડી ફરી પાટે ચડી જશે એવો દિલાસો મનને આપતાં તથા કેટલાય મહિનાઓ ઘરના સાદા ભોજનનો મજબૂરીમાં આસ્વાદ માણતાં-માણતાં પસાર થઈ ગયા. મારી બહેનો નવી-નવી વાનગીઓ બનાવતી, પણ મને તો મનમાં તો એમ થતું હતું કે હવે ક્યારે રેસ્ટોરાં ખૂલે અને ક્યારે બહાર જઈએ. પાર્સલ સર્વિસ શરૂ થઈ કે તરત જ અમે ઘરે જમવાનું મંગાવવાની શરૂઆત કરી દીધી. ડાઇનિંગ શરૂ થયા બાદ મલાડની અમારી હંમેશાંની એક રેસ્ટોરાંમાં ગયા અને પછી ગુજરાત પ્રવાસ કરતી વખતે વચ્ચે બે-ત્રણ રેસ્ટોરાંમાં ખાવાનો આનંદ લીધો. હવે મનમાં શાંતિ થઈ અને મારા આખા પરિવારે પણ એક અરસા પછી જાણે બહાર જમવાની મજા માણી.’

લૉકડાઉન પછી પાંચ રેસ્ટોરાં અને બે રિસૉર્ટ્સમાં ફરી આવી ત્યારે ચેન પડ્યું : ભવ્યા છેડા બાંદેરકર

બોરીવલીમાં રહેતાં ભવ્યા છેડા બાંદેરકર, તેમના પતિ મયૂર અને દીકરી અર્ના વિવિધ રેસ્ટોરાંમાં જ નહીં પણ રિસૉર્ટમાં પણ જવાનાં શોખીન છે. ભવ્યા કહે છે, ‘જ્યારથી રેસ્ટોરાં ખૂલવાની ખબર પડી, અમારા જીવનમાં જાણે બહાર આવી ગઈ. અત્યાર સુધીમાં અમે પાંચ રેસ્ટોરાંમાં અને પનવેલ તેમ જ લોનાવલા એમ બે રિસૉર્ટમાં જઈને આવ્યા. હવે રેસ્ટોરાંમાં પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. પાંચમાંથી ચાર રેસ્ટોરન્ટ્સમાં મેનુ હાથમાં ન આપતાં એક QR કોડ સ્કૅન કરવાનો હોય છે, જેનાથી આખી યાદી આપણા મોબાઇલ પર દેખાય છે અને ઑર્ડર પણ ઑનલાઇન જ આપવાનો રહે છે. અન્ય જગ્યાએ ટેક-અવે મેનુ આપે છે અને વારેઘડીએ હાથ અને જગ્યા સૅનિટાઇઝ કરવાનું ધ્યાન તેઓ રાખે છે. આપણું જીવન રેસ્ટોરાં પર એટલું નિર્ભર થઈ ગયું છે કે કોઈક વધારાનું કામ આવે અથવા કોઈ ખુશી મળે તો બહાર જમવા નીકળી જઈએ. નવું ખાવાનું મન થાય તો નીકળી જવાનું. આજકાલ તો છોકરા-છોકરીઓને જોવા માટે પણ હવે લોકો એકબીજાના ઘરે નથી જતા અને રેસ્ટોરાંમાં ભેગા થાય છે. લૉકડાઉનમાં રેસ્ટોરાં બંધ થઇ ગઈ અને બહારનું જમવાનું નહીં મળે એ વાતનો માનસિક રીતે ખૂબ ત્રાસ થયો હતો. વિવિધતા સિવાય જીવન અધૂરું છે અને રેસ્ટોરાં ટેસ્ટબડ્સને વિવિધતા આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.’


રેસ્ટોરાંમાં જે માહોલ મળે છે એ બીજે ક્યાંય નથી મળી શકતો : કુશ મહેતા

કૉલેજમાં ભણતો બોરીવલીનો કુશ મહેતા કહે છે, ‘હું મારા ફ્રેન્ડ્સ સાથે કમ સે કમ ત્રણ વાર રેસ્ટોરાંમાં જાઉં અને પરિવાર સાથે મહિનામાં બે-ત્રણ વાર. હું વર્ણવી નથી શકતો કે લૉકડાઉન દરમ્યાન મારા મિત્રો અને હું રેસ્ટોરાં વગર કેટલા પરેશાન રહ્યા. અમે લૉકડાઉન દરમ્યાન બોરીવલી કોરા કેન્દ્ર પાસે મળતા, સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે ઊભા રહેતા અને અલગ-અલગ રેસ્ટોરાંમાં માણેલા મજાના દિવસો યાદ કરતા. હું હાલમાં પાંચ વાર રેસ્ટોરાંમાં જઈને આવ્યો. હવે અહીં એક ટેબલ છોડીને બીજા ટેબલ પર લોકોને બેસાડવામાં આવે છે તેથી પહેલાં જેવી ચહલપહલ અહીં નથી. રેસ્ટોરાં કરતાં વધારે ભીડ હું પાણીપૂરી અને અન્ય ચાટ આઇટમ્સના સ્ટૉલ પર જોઉં છું અને મને તેમને જોઈને એવું લાગે છે કે બધા રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે બહારનું ખાવાનો મોકો મળે. યસ, રેસ્ટોરાં અને સ્ટ્રીટ ફૂડ આ બન્નેનો સ્વાદ ઘરના જમવાનામાં નથી મળતો, સાથે જ રેસ્ટોરાંમાં જે માહોલ મળે છે એ બીજે ક્યાંય નથી મળી શકતો.’

આખા લૉકડાઉનમાં રેસ્ટોરાં અને ક્લબને મેં બહુ મિસ કર્યાં : સ્મિત શાહ
બોરીવલીનો કેમિકલ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ સ્મિત શાહ કહે છે, ‘હવે એવું લાગે છે કે જાણે અમારા જીવનની રોનક ફરી પાછી આવી ગઈ. હું હાલમાં જ મિત્રો સાથે રેસ્ટોરાંમાં જઈને આવ્યો. લૉકડાઉનમાં હાઉસ પાર્ટી થઈ હતી, પણ રેસ્ટોરાંમાં જવાની મજા મળી ન શકી. આખા લૉકડાઉનમાં રેસ્ટોરાં અને ક્લબને મેં બહુ મિસ કર્યાં. કૉલેજ બંધ થઈ ગઈ, બહાર જવા-આવવાનું બંધ થયું. મારી કૉલેજ વિલે પાર્લેમાં છે તેથી ત્યાં જોઈએ એ પ્રકારની રેસ્ટોરાં અને ખાવાનું આખો દિવસ મળ્યા કરતું અને મિત્રો સાથે તો અઠવાડિયામાં બે-ત્રણ વાર રેસ્ટોરાં અને ક્લબમાં જવાનું થતું જ. અમને કંટાળો આવે તો અમે બહાર ખાવા જઈએ, મૂડ બદલવા અહીં જઈએ, કોઈનો બર્થ-ડે હોય તો પણ એ બહાર જ મનાવીએ. અમારી જીવનશૈલીનો આ એક એવો અભિન્ન હિસ્સો રહ્યો છે કે રેસ્ટોરાં અમારી યુવા પેઢીના અડ્ડા માટેનું એક સરનામું છે. મન થાય ત્યારે જે જોઈએ એ ઑર્ડર કરાય અને એ ન ભાવે તો બીજું કંઈ મંગાવાય. આમ અમુક મિનિટની અંદર સ્વાદની વિવિધતાઓ ઉપલબ્ધ થઈ જાય. આ આદત અચાનક છૂટી જતાં એવું લાગ્યું કે હવે આ દિવસો પાછા ક્યારે આવશે? અમારી પેઢી માટે પાર્ટી શબ્દ પીત્ઝા હટ, મૅક ડી, ક્લબ આ બધાં સિવાય અધૂરો છે. હવે લાગ્યું કે થોડું જીવન નૉર્મલ થઈ રહ્યું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK