Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ ખાઉગલી જાઓ તો ખાલી પેટ જજો

આ ખાઉગલી જાઓ તો ખાલી પેટ જજો

23 July, 2019 12:05 PM IST | મુંબઈ ડેસ્ક
દિવ્યાશા દોશી

આ ખાઉગલી જાઓ તો ખાલી પેટ જજો

લકી સેન્ડવિચમાં એકસાથે વીસ-પચ્ચીસ સેન્ડવિચીઝ બનતી જોવા મળે છે. (તસવીરો : સ્નેહા ખરાબે)

લકી સેન્ડવિચમાં એકસાથે વીસ-પચ્ચીસ સેન્ડવિચીઝ બનતી જોવા મળે છે. (તસવીરો : સ્નેહા ખરાબે)


ખાઉ ગલી

મુંબઈમાં અનેક ખાઉગલી છે, પણ એક જ દિવસે દરેક ખાઉગલીની વાત કરીને સ્વાદની મજા નથી બગાડવી. વિલે પાર્લે (વેસ્ટ) એટલે દરિયો, પૃથ્વી થિયેટર અને સેલિબ્રિટીઝ. પાર્લા એટલે કંઈક નવીન ન હોય તો જ નવાઈ. વિલે પાર્લે (વેસ્ટ) સ્ટેશનથી થોડે દૂર આવેલી ખોખા માર્કેટ પછીના કૉર્નર પર આખો દિવસ ઢોસા, સૅન્ડવિચ અને જૂસ તો મળશે જ પણ સાંજ પછી તો અહીં મેળો જ લાગે. ખરા અર્થમાં ખાઉગલી. અહીં મળતી દરેક વાનગી મજેદાર તો છે જ પણ એને ખાવા માટે સેલિબ્રિટીઝ પણ રાત્રે આંટા મારે. ખેર, હવે તો હોમ સર્વિસ આપતી માર્કેટિંગ ઍપનો જમાનો છે એ છતાં અહીં ઊભા રહીને ભીડમાં ખાવાની મજા જ કંઈ ઓર હશે નહીં તો આટલી ભીડ અહીં ન થાય.
ટિપિકલ બમ્બૈયા સ્ટ્રીટ ફૂડ અહીં મળે, પણ પાઉંભાજીની લારીની ખોટ હોવા છતાં એ પણ વિસરાઈ જાય પાઉંભાજી ઢોસા ખાઈને. લકી સૅન્ડવિચની મસાલા ચીઝ ટોસ્ટ કે િગ્રલ સૅન્ડવિચનો પોતાનો આગવો સ્વાદ છે, જેને ખાધા સિવાય સમજી શકાય નહીં. સ્વાદ ભારે તો એની પ્રાઇસ પણ ભારે જ છે. અનેક વરાઇટીની સૅન્ડવિચીઝ, તમને ગમે તે ખાઓ પચાસ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધીમાં. હેલ્થ કૉન્શિયસ હો તો બ્રાઉન બ્રેડ, પનીર ચિલી ટોસ્ટ પણ ટ્રાય કરી શકાય. એની સાથે ફ્રૅન્કીવાળો પણ છે. અને સ્વામી સમર્થ ઢોસાવાળો પણ. પચાસેક જાતના ઢોસાની વરાયટી છે અને એકસાથે ચારથી પાંચ તવા પર ફટાફટ ઢોસા ઊતરે છે. એની બરાબર બાજુમાં ભેળપૂરી અને ચાટવાળો. આ ખાઉગલીમાં અમને જે હટકે લાગ્યું એના વિશે વધુ વાત થશે એ સ્વાભાવિક છે.
આપણા ભારતીયોની બે ખાસિયતો નોંધનીય છે. એક તો ચૅટિંગ એટલે વાતો કરવી અને બીજું ચાટ ખાવું. ચિટચૅટ કરતાં-કરતાં ખાધેલું ચાટ સ્વાદિષ્ટ હોય કે ન હોય તો પણ ચાલે. ગલીના નાકે ઊભા રહીને ‘ભૈયા, ઔર ચટની ડાલો’ની બૂમો સહજ પડાઈ જાય. પણ ભલા માણસ, તીખું તમતમતું એક જ સ્વાદ ખાવાનો શું અર્થ? લ્યો આ ચૅટ ચાટની વાત આવી કે હુંય તમારી સાથે ચૅટિંગ કરવા બેસી ગઈ તો ચાટની વાત ભુલાઈ જ ગઈ. ગોપાલકૃષ્ણ ભેળપૂરીવાળાને ત્યાં સાંજે મોડેથી કે રવિવારે રાતના જશો જ નહીં, ગિરદીમાં ખાવાની મજા શું? પણ આ તો અમારો મત છે. તમે રાતના દસ વાગ્યા સુધી ક્યારેય પણ વરસના ૩૬૫ દિવસમાંથી કોઈ પણ દિવસ જઈ શકો. બપોરના ચાર વાગ્યાથી તેની લારી લાગી જાય છે. છેલ્લાં પચાસ વરસથી અહીં તે બેસે છે. આ લારીની ખાસિયત છે તેની ચાટ, ચટણીઓ, રગડા-પૅટીસ... ભેળ માટે જુદી આમલીની ચટણી. પાણીપૂરી, ચાટ માટે ખજૂરની જુદી ચટણી. પણ ભેળ-પાણીપૂરી તો આપણે ઘણી વાર ખાઈએ... અહીં જઈને તમે દહીંચાટ અને રગડા-પૅટીસ ખાજો. દહીંચાટમાં અડદની દાળનાં વડાં, બટાટા, કાંદા, પૂરી, તીખી-મીઠી ચટણી, સેવ અને મોળું ઠંડું દહીં. મોઢામાં ચમચી ભરીને ચાટ ખાતાં જ ચૅટિંગ બંધ, ફક્ત ઊમમમમ... હમમમ અવાજો જ નીકળે. કોઈ પણ ભોજનનો સ્વાદ માણવો હોય તો ચૅટિંગ બંધ કરીને ધીમેથી કોળિયો મોઢામાં મૂકી એના સ્વાદને દરેક રીતે માણવો જોઈએ, બાકી ખાવાનું ઝાપટી જઈએ તો એનો સ્વાદ ઝપટમાં ઊડી જાય. આ ચાટને જો કોઈ ફાઇવસ્ટાર હોટેલમાં પીરસવામાં આવે તો એની ડેલિકસી બેવડાઈ જાય. ખટમીઠો, આછો તીખો છતાં મુલાયમતાનો સ્વાદ મોઢામાં જઈને ચટ દઈને ઓગળી જાય. અહીં રગડા-પૅટીસ ખાઈને અમને ખૂબ નવાઈ લાગી. રસ્તા પર મળતી રગડા-પૅટીસમાં પૅટીસનો સ્વાદ કંઈ નથી હોતો, પણ અહીં પૅટીસ શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે. આ રગડા- પૅટીસ ખાતાં જ અમને એક જમાનામાં તાડદેવ, નવજીવન સોસાયટી પાસે આવેલી ગીતા રેસ્ટોરન્ટની છોલે-પૅટીસ અને મરીન લાઇન્સ પારસી ડેરીની બાજુમાં આવેલા ગીતા રિફ્રેશમેન્ટની રગડા-પૅટીસ યાદ આવી ગઈ. વાચકોની જાણ ખાતર એ બન્ને ફૂડ જૉઇન્ટ વરસોથી બંધ થઈ ગયાં છે અફસોસ, પણ આ ગુપ્તાજીની રગડા-પૅટીસે એ જૂનો અસલી સ્વાદ યાદ કરાવ્યો. કાંદા, ચટણી, રગડો અને પૅટીસ. વરસાદમાં ગરમાગરમ રગડા-પૅટીસ, વાહ ક્યા બાત હૈ... રગડા-પૅટીસ આમ તો દિલ્હી, પંજાબની છોલે-પૅટીસનું મુંબૈયા વર્ઝન છે. રગડાવાળી પાણીપૂરી સાથે રગડા-પૅટીસ પણ મળે જ. પણ શુદ્ધ ઘીની પૅટીસનો સ્વાદ એ જ અસલી સ્વાદ હોય છે. આ ચાટ ચૅટની વાતે અમને બીજો વિચાર આવ્યો કે મુંબઈમાં જ નહીં, ભારતભરમાં ભેળ વેચનારા ઉત્તર પ્રદેશના ભૈયાજી જ હોય છે. આમ કેમ? ગુપ્તાજી પાસે આ સવાલનો જવાબ પણ નથી અને ચૅટ કરવાનો સમય પણ નથી. એટલે અમે ચાટ તથા રગડા-પૅટીસનો સ્વાદ મમળાવતા વિદાય લઈએ છીએ. તીખું તમતમતું ખાધા પછી બાજુમાં જ ઊભેલા જૂસવાળા પર નજર ગઈ.
જુલાઈમાં પણ ગરમી લાગે છે એટલે ગરમીમાં પાણી અને પ્રવાહી પીણાં પીવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. એટલે  હરિઓમ જૂસ સેન્ટર પાસે જઈને ઊભા રહ્યા. તેનું મેનુ કાર્ડ જોઈને દસ મિનિટ સુધી ઑર્ડર ન આપી શકાયો. ૬૦ જાતનાં જૂસ અને ૧૩ જાતના મિલ્કશેક અને બ્લૉસમ્સ એટલે કે ફળની સાથે વૅનિલા આઇસક્રીમની મજા. મન તો થયું સાદો અને સસ્તો જો કહી શકાય તો મોસંબી જૂસ કે વૉટરમેલન (કલિંગર) જ પી નાખીએ. પણ સમર (ડિલાઇટ) કૂલ અને ગ્રીન કૂલ શું છે એ પૂછી જોઈએ. ત્યાં તો પિન્ક રંગના ડ્રૅગન ફ્રૂટ પર નજર પડી. થાઇલૅન્ડનું પિતાયા નામે ઓળખાતું આ ડ્રૅગન ફ્રૂટ મુંબઈમાં કિવીની જેમ દેખા દે છે. દેખાવમાં એ કાપ્યા પછીય આકર્ષક લાગે છે. સફેદ પારદર્શક ગરમાં કાળા-કાળા તલ જેવાં બી. પણ એનો સ્વાદ થોડોક તાડગોળા જેવો પણ ગળ્યો નહીં ન્યુટ્રલ હોય છે. તરત જ પુછાઈ ગયું ભૈયા... ઇસકા જૂસ કૈસે બનાતે હૈ? સુરેશ ગુપ્તાએ જૂસ બનાવવાનું પોતાનું કામ અવિરતપણે ચાલુ રાખતાં જવાબ આપ્યો, ગ્રીન ડિલાઇટ (કૂલ) કિવી કે સાથ મિક્સ કરકે બનાતે હૈં... મૈડમ આ ફ્રૂટ ડેન્ગીમાં ફાયદેમંદ છે. અમારી પાસે એક ગ્રાહક આ ફળ ખરીદવા આવ્યો, કારણ કે તેને પોતાના કોઈ સગા માટે ડૉક્ટરે ખાવાનું કહ્યું હશે. ગ્રીન ડિલાઇટ ઓછી સાકર સાથેનો ઑર્ડર આપ્યો ત્યાં કોઈએ ગ્રીન કૂલ સાકર વગરનો ઑર્ડર આપ્યો. એટલે એને પણ ચાખવાનું નક્કી કર્યું અને એની ખાસિયત પૂછી. સરળતાથી પોતાનું ટ્રેડ સીક્રેટ કહી દેતાં સુરેશ ગુપ્તા બોલે છે, ‘લીલી દ્રાક્ષ, ફુદીનો, આદું અને લીંબુ....’ કૂઉઉઉલ કહીને અમે એ ચાખ્યો. અંદર- બહાર ઠંડક પ્રસરી ગઈ. મિક્સરની ઘરઘરાટી વચ્ચે મોટેથી બોલતાં ગુપ્તાજી કહે છે કે ‘સબ નૅચરલ હૈ. પેટ કે લિએ ભી યહ અચ્છા હૈ. હમને બતાયા વો ઘર પર ભી બના સકતે હો... સારો જૂસ બનાવવો હોય અને પીવો હોય તો  ફળની ગુણવત્તા સારી જ વાપરવી જોઈએ. વાશી જઈને હું સારામાં સારા ફળો લઈ આવું છું. ભલે મોંઘાં હોય. હમણાં આફુસ મોંઘી છે પણ મારે ત્યાં મળશે. દરેક સીઝનનાં ફળ બજારમાં મળે એ લાવવાનાં, પણ ગ્રાહક નિરાશ થઈને પાછો ન જવો જોઈએ. લગભગ ત્રીસ વરસથી હું જૂસ બનાવું છું. આજે મારું નામ છે.’ કહેતાં તેણે ગ્રીન કૂલનો ગ્લાસ અમારા હાથમાં મૂક્યો... કીવી મને ભાવતાં નથી, પણ આ કીવી અને ડ્રૅગન ફ્રૂટનો સ્વાદ જુદી જ જાતનો લાગ્યો. ભાવ્યો. એક ગ્લાસ પીતાં જ હૃદય અને પેટ ભરાઈ ગયાં. સનસેટ, ગોલ્ડન ગ્લો, સમરકૂલ, પિન્ક પૅમ્પર વગેરે નામો વાંચીનેય જૂસ પીવાનું મન થાય. પ્લાસ્ટિકના નાના કપમાં જો જૂસ તૈયાર હોય તો શૉટ ગ્લાસમાં ચાખવા પણ મળે. ૬૦ રૂપિયાથી લઈને ૩૨૦ રૂપિયા સુધીના જૂસ અને મિલ્કશેક મળે છે. લીચી અને જાંબુની સીઝનમાં લીચી–જાંબુનો જૂસ પીવા આવવાની તેણે ભલામણ કરી. ગુપ્તાજી કહે છે કે અમારા એ જૂસમાં લીચી અને જાંબુ બન્નેનો સ્વાદ જુદો-જુદો અનુભવાશે. ડાયાબિટીઝવાળા અનેક લોકો એ પીવા આવે છે. પાર્લા છે તો કોઈ સેલિબ્રિટી આવે છે? પૂછતાં જ આછું હસતાં ગુપ્તા કહે છે કે બહોત... પણ તેઓ મોડા આવે અને કાળા કાચની ગાડીમાં આવે એટલે ઓળખાય નહીં. સિરિયલોના તો અનેક કલાકારો આવે છે. અમે તો ઓળખતા નથી, પણ લોકો વાતો કરે છે.



આ પણ વાંચો : ઝટપટ બની જાય એવા ગુજરાતી નાસ્તા, તમે પણ કરો ટ્રાય


...અને હા, ડ્રૅગન ફ્રૂટમાં ભરપૂર વિટામિન સી હોય છે. અને એ સહેલાઈથી પચી જાય છે. એટલે માંદા માણસ માટે પણ એ ખાવું સારું. 
ખાઉગલીમાં ચા અને ભજિયાં પણ મળે છે, પણ બધું જ અમે જ ખાઈએ એ કેમ ચાલે? તમે પણ એક્સપ્લોર કરો તમારા સ્વાદ અનુસાર.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2019 12:05 PM IST | મુંબઈ ડેસ્ક | દિવ્યાશા દોશી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK