નવરાત્રિમાં માત્ર પહેરવેશ જ રંગીન કેમ? ભોજન પણ રંગબેરંગી હોવું જોઈએને?

Published: Oct 03, 2019, 16:19 IST | ફળાહાર - અલ્પા નિર્મલ | મુંબઈ

આસુરી શક્તિ પર વિજયની ઉજવણીરૂપે ઊજવાતા આ નવરાત્રિમાં મનના મલિન વિચારોનું શુદ્ધિકરણ કરવા સાથે તનનું પણ ડિટૉક્સિફિકેશન કરવું હોય તો હો જાએ નવરાત્રિ જેવા કલરફુલ અને મજેદાર જૂસ અને સ્મૂધીઝ

જૂસ અને સ્મૂધીઝ
જૂસ અને સ્મૂધીઝ

આરાસુરી અંબેમાની આરાધનાના પર્વમાં અલૂણા ઉપવાસનું મહાત્મ્ય છે. મીઠા વિનાના ઉપવાસમાં મુખ્યત્વે ફળો, દૂધ અને દહીં જેવી ચીજો જ વપરાય છે. આસુરી શક્તિ પર વિજયની ઉજવણીરૂપે ઊજવાતા આ નવરાત્રિમાં મનના મલિન વિચારોનું શુદ્ધિકરણ કરવા સાથે તનનું પણ ડિટૉક્સિફિકેશન કરવું હોય તો હો જાએ નવરાત્રિ જેવા કલરફુલ અને મજેદાર જૂસ અને સ્મૂધીઝ.

juice-05

કેસરી ઘટા

સામગ્રી

કેસરના ૨૫થી ૩૦ તાંતણા, બે ટેબલસ્પૂન સુખડ પાઉડર અથવા અડધી ચમચી તજ પાઉડર, સ્વાદ અનુસાર સાકર અથવા મધ.

બનાવવાની રીત

અડધો કપ ગરમ પાણીમાં વીસેક કેસરના તાંતણા અડધોથી પોણો કલાક માટે પલાળવા. બીજા અડધો લીટર પાણીમાં સુખડના પાઉડરની પોટલી બનાવી પાંચ-સાત મિનિટ માટે ઊકળવા દેવી. એક લીટર ચિલ્ડ વૉટરમાં સાકર, સુખડનું પાણી અને કેસરનું પાણી નાખી હૅન્ડ બ્લેન્ડરથી પ્રૉપરલી મિક્સ કરી દેવું. ફ્રિજમાં રાખી સર્વ કરવું અને ઉપરથી એકાદ તાંતણો કેસરનો નાખી કેસરી ઘટાને ડેકોરેટ કરવું. સુખડના પાઉડરના બદલે તજનો પાઉડર પણ વાપરી શકાય.

ટિપ

આ પીણું વધારે હેલ્ધી બનાવવા શુગરના બદલે ખજૂરનું સિરપ નાખી શકાય. ખજૂરનું સિરપ બનાવવા ચારથી પાંચ ખજૂરને પાણીમાં ત્રણ કલાક પલાળી રાખવી.  પછી એને બ્લેન્ડ કરી ગળણીથી ગાળી  લેવું, ડેટ સિરપ તૈયાર. આ ડેટ સિરપ મધ, સાકરની અવેજીમાં કોઈ પણ સ્મૂધી, મિલ્કશેકમાં નાખી શકાય છે નવરાત્રિના ઉપવાસ કરતા હો ત્યારે  પાણીના બદલે દિવસમાં કેસરી ઘટાના છથી સાત ગ્લાસ  એનર્જી તો આપે છે સાથે કેસર સ્કિનને ગ્લૉરિફાય કરે છે.

juice-01

યલો લીફ

સામગ્રી

એક પાકેલું પાઇનૅપલ, મીડિયમ સાઇઝનું૧ ઍપલ, મધ અથવા સાકર, થોડો મરીનો પાઉડર.

બનાવવાની રીત

પાઇનૅપલની છાલ, કાંટા વગેરે કાઢી એની ઊભી, લાંબી ચાર સ્લાઇસ કરો. ત્યાર બાદ પાઇનૅપલનો વચ્ચેનો કઠણ ભાગ કાઢી નાખી બાકીના અનાનસના નાના ટુકડા કરો.  સફરજનની છાલ કાઢી સમારી બી કાઢી નાના ટુકડા કરો. અનાનસ અને ઍપલને થોડું ઠંડું પાણી અથવા આઇસ ક્યુબ નાખી એકસાથે મિક્સરમાં પીસી નાખો. જરૂર પડે એ પ્રમાણે સાકર અથવા મધ નાખો. ગ્લાસમાં સર્વ  કર્યા બાદ ઉપરથી  મરીનો ભૂકો છાંટો.

ટિપ

સફરજન, અનાનસની ખટાશને માઇલ્ડ કરે છે  જેથી જૂસમાં શુગર ઓછી નાખવી પડે છે. તેમ જ એનો ગર જૂસને થિક કરે છે. ઉપરથી છંટાતો મરીનો ભૂકો ટેસ્ટમાં ચટાકો લાવે છે.

juice-02

પર્પલ પંચ

સામગ્રી

૨૫૦ ગ્રામ ફ્રેશ પર્પલ ગ્રેપ્સ, યોગર્ટ, સ્વાદ અનુસાર ખાંડ કે ડેટ સિરપ

બનાવવાની રીત

ગ્રેપ્સને  ધોઈ મિક્સરમાં પીસી લેવી. ત્યાર બાદ એના રસ અને પલ્પને ચાળણીથી ગાળી લેવો. ગાળેલી પ્યુરીમાં  યોગર્ટ અને સાકર અથવા ડેટ સિરપ નાખી બ્લેન્ડ કરી લેવું.

ટિપ

આમ તો આ સ્મૂધીમાં બ્લૅકબેરી અને બ્લુબેરી નંખાય છે પણ આપણે ત્યાં આ ફળો બહુ ઈઝીલી અવેલેબલ નથી. હા, બ્લુબેરીનો સ્ક્વૉશ અને સિરપ માર્કેટમાં મળે છે. ગ્રેપ્સના બદલે એ પણ વાપરી શકાય.

juice-06

હીમોગ્લોબિન બૂસ્ટર

સામગ્રી

બે કપ દાડમના દાણા,  એક સફરજન, એક ડ્રૅગન ફ્રૂટ, સ્વાદ અનુસાર સાકર, સંચળ ઑપ્શનલ).

બનાવવાની રીત

દાડમના દાણામાં અડધો કપ પાણી નાખી મિક્સરમાં ૭થી ૧૦ સેકન્ડ ફેરવી લેવા. યાદ રાખો, દાડમના દાણાનાં બીજ નથી પીસવાનાં. એની ઉપરનો લાલ ગર જ ગ્રાઇન્ડ કરવાનો છે. બીજ કડવા લાગે છે.દાડમના રસને ગળણીથી ગાળી લેવો. સફરજનની છાલ ને બીજ કાઢી ટુકડા કરવા. એમાં ડ્રૅગન ફ્રૂટના ટુકડા નાખવા અને અડધોથી પોણો કપ પાણી નાખી સાકર નાખી પીસી નાખવું. આ જૂસમાં દાડમનો રસ ભેળવી બરાબર બ્લેન્ડ કરવું. જો નવરાત્રિના ઉપવાસમાં મીઠું ખાતા હો તો થોડું સંચળ, મીઠું નાખવું.

ટિપ

દાડમના દાણાને મિક્સરમાં ન પીસવા હોય તો એ દાણાને મોટી સીલપૅક કોથળીમાં નાખો અને વેલણથી એ કોથળીને વણી નાખો. આમ રસ પણ નીકળી જશે  અને બીજ પણ નહીં પિસાય.

juice-03

પિન્ક બ્લૉસમ

સામગ્રી

અડધો કિલો કલિંગરના ટુકડા, ૩૦૦ ગ્રામ વૅનિલા આઇસક્રીમ, રોઝવૉટર કે સિરપ (ઑપ્શનલ), ડ્રાય ગુલાબની થોડી પાંખડીઓ.

બનાવવાની રીત

કલિંગરના ટુકડામાંથી બીજ કાઢી નાખવાં. કલિંગર અને વૅનિલા આઇસક્રીમને એકસાથે મિક્સરમાં બ્લેન્ડ કરી લેવું. ગુલાબ ના આશિક હો તો સ્વાદ અનુસાર ગુલાબનું શરબત કે રોઝવૉટર ભેળવવું. સર્વ કરતી વખતે ગ્લાસમાં ઉપરથી ગુલાબની સૂકી પાંદડીઓ નાખવી.

ટિપ

આ સ્મૂધીમાં વૅનિલા આઇસક્રીમને બદલે મોળું દહીં પણ વાપરી શકાય. રોઝ ફ્લાવરના દીવાના હો તો એક્સ્ટ્રા રોઝીનેસ માટે ગુલકંદ નાખવું.

green-juice

ગ્રીન સિગ્નલ

સામગ્રી
પાકેલું અડધું અવાકાડો, બે કિવી, એકકેળું, ખાંડ અથવા મધ, ફુદીનાનાં થોડાં ફ્રેશ પાન

બનાવવાની રીત

અવાકાડોને સુધારી ચમચી વડે એનો ગર કાઢી લેવો. કિવી અને કેળાની છાલ કાઢી ટુકડા કરવા. ત્રણેય ફ્રૂટ આઇસ ક્યુબ સાથે મિક્સરમાં  બ્લેન્ડ કરવા. સ્વાદ પ્રમાણે મીઠાશ ઉમેરવી. ગ્રીન સિગ્નલ પીરસતી વખતે ગ્લાસમાં ઉપરથી ફુદીનાનાં પાન નાખવાં. અવાકાડો અને કેળાં બેઉ ફળો પલ્પી હોય છે એથી જૂસ બહુ જાડો નીકળે છે. એ બહુ વૉટરી કે ગાઢો ન બને એ પ્રમાણે એમાં પાણી ઉમેરવું.

ટિપ

અવાકાડો અને કેળાની દૂધ અથવા દહીં સાથેની સ્મૂધી પણ બહુ યમ્મી લાગે છે. હા, એ બનાવતી વખતે કિવી અવૉઇડ કરવું. અવાકાડોનો સ્વાદ બધાને નથી ભાવતો એથી જ ખૂબબધાં વિટામિન્સથી ભરપૂર અવાકાડોના ટેસ્ટને સપ્રેસ કરવા કેળાં નાખવાં.

nutty-white

નટી વાઇટ

સામગ્રી

એક કપ બદામ,  ટેસ્ટ પ્રમાણે સાકર, સાત-આઠ ટીપાં વૅનિલા એસેન્સ.

બનાવવાની રીત

આમન્ડ મિલ્ક બનાવવા માટે બદામને આઠ કલાક માટે પાણીમાં પલાળી રાખો. પલળી જાય એટલે એની ઉપરનાં જેટલાં ફોતરાં નીકળે એટલાં કાઢી નાખો. બદામમાં એક ગ્લાસ પાણી નાખી મિક્સરમાં એકદમ બારીક પીસી નાખો. એક મલમલના કપડાના ટુકડામાં આ મિશ્રણ નાખી પોટલી  બનાવો અને હાથો વડે મસળીને એમાંથી બધું જ લિક્વિડ નિતારી દો. આ થયું આમન્ડ મિલ્ક તૈયાર. પછી એ મિલ્કમાં સ્વાદ પ્રમાણે સાકર અને વૅનિલા એસેન્સ નાખી દો.  બદામનું દૂધ અતિશય પાતળું ન હોવું જોઈએ. એ ફુલ ફૅટ દૂધ કરતાં પણ ગાઢું રહેવું જોઈએ.

ટિપ

આ આમન્ડ મિલ્કમાં કોઈ પણ ફ્લેવર નાખી શકાય; કોકો, કૉફી કે એની ફ્રૂટ ફ્લેવર. સ્મૂધી અને મિલ્કશેકમાં દહીં ને દૂધના બદલે આમન્ડ મિલ્ક વાપરી શકાય. આ જ રીતે કોકોનટ મિલ્ક પણ તૈયાર કરી શકાય. એમાં કોપરાને પલાળવાની જરૂર નથી. લીલા કોપરાના ટુકડા કરી ડાયરેક્ટ મિક્સરમાં પીસવાથી નારિયેળનું દૂધ રેડી થઈ જાય છે.

આ પણ વાંચો : ચાલો એવા કૅફેની સફરે જ્યાં ફૂડની સાથે ગાંધીવિચાર પણ મમળાવી શકાય

બચેલા બદામના પાઉડરને  તડકે સૂકવી એકદમ ડ્રાય કરી નાખવો. આ ડ્રાય પાઉડર પંજાબી શાકની ગ્રેવીમાં  ઉમેરવાથી અનેરો સ્વાદ આવે છે. એ જ રીતે કોપરાના છીણમાંથી પણ ચટણી કે કોપરાપાક બનાવી શકાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK