ચાલો એવા કૅફેની સફરે જ્યાં ફૂડની સાથે ગાંધીવિચાર પણ મમળાવી શકાય

Published: Oct 02, 2019, 13:56 IST | કૅફે કલ્ચર - દિવ્યાશા દોશી | મુંબઈ

અમદાવાદના નવરંગપુરાના નવજીવન પ્રેસના મકાનમાં આવેલા ‘કર્મ કૅફે’માં તમે ગાંધીજીનાં પુસ્તકો વિનામુલ્યે વાંચી શકો, ચરખો ચલાવતાં શીખી શકો અને ગાંધીજીના વિચારોને કારણે જેલના કેદીઓમાં આવેલું પરિવર્તન નજરોનજર નિહાળી શકો છો.

કૅફે
કૅફે

અમદાવાદના નવરંગપુરાના નવજીવન પ્રેસના મકાનમાં આવેલા ‘કર્મ કૅફે’માં તમે ગાંધીજીનાં પુસ્તકો વિનામુલ્યે વાંચી શકો, ચરખો ચલાવતાં શીખી શકો અને ગાંધીજીના વિચારોને કારણે જેલના કેદીઓમાં આવેલું પરિવર્તન નજરોનજર નિહાળી શકો છો. અહીં ગાંધીજી જે ખાતા હતા એ સાદી, શુદ્ધ અને સાત્વિક થાળી અથવા તો ખાખરા-સેવમમરા જેવા ઘરના નાસ્તા અને ભાખરી-પીત્ઝા જેવું ઇનોવેશન પણ માણી શકો છો

અમદાવાદ નવજીવન પ્રેસના મકાનમાં દાખલ થતાં જ થયા વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રેના સૂરો અમારા કાનમાં પડ્યા. સાંજના સાત વાગ્યા હતા. વરસાદ થોડો પડી ચૂક્યો હતો. નવજીવન મકાન ઉપર અને મુખ્ય દરવાજાની બાજુમાં કર્મ કૅફે વંચાતું હતું. મારા વહાલાને વઢીને કહેજો રે... કોઈ તીણા સૂરે ગાઈ રહ્યું હતું. એ ગણગણતાં મુખ્ય મકાનમાં દાખલ થયા. કર્મ કૅફેમાં શુક્ર, શનિ અને રવિવારે સાંજે ૭થી ૯ ગાંધી થાળી જમવા મળતી હોય છે. એ માટે ટોકન લઈને મુખ્ય દરવાજામાંથી દાખલ થઈને આખું નવજીવન ફરતાં તમારે કર્મ કૅફેમાં પ્રવેશવાનું હોય છે. બાકી કર્મ કૅફેમાં જવાનો રસ્તો મુખ્ય દરવાજાની બાજુમાં જ છે; પણ લોકો ગાંધી સ્થાપિત નવજીવન પ્રેસને જુએ, અનુભવે અને ગાંધીની સ્મૃતિ જીવંત કરે અને પછી સાદું ભોજન ભજન માણતાં જમે એવી વ્યવસ્થા છે.

thali-01

અંદર દાખલ થતાં જ નવજીવનનો ઇતિહાસ અમારી સામે ઊઘડવા માંડ્યો. સપ્ટેમ્બરની સાત તારીખે ૧૯૧૯માં નવજીવનનો પહેલો અંક અને ઑક્ટોબર ૮, ૧૯૧૯માં યંગ ઇન્ડિયાનો પહેલો અંક અહીંથી બહાર પડ્યો હતો. એના તંત્રી હતા મહાત્મા ગાંધી. અહીંથી અંગ્રેજ સરકાર સામે સ્વરાજની લડતમાં ગાંધીએ કલમ દ્વારા લોકોને જાગૃત કરવા માટે પત્રકારત્વનો માર્ગ શરૂ કર્યો હતો એવું કહી શકાય. ગાંધીજીએ સ્વરાજની લડતમાં અનેક મોરચાઓ ખેલ્યા હતા. એમાંનો આ પણ એક મોરચો હતો અંગ્રેજોની સામે. ગાંધીજી એક જ રસ્તે ભલે ચાલ્યા હોય, પણ મંઝિલ તરફ જવા માટે એના અનેક ફાંટાઓ તેમણે ખોલી આપ્યા છે. નવજીવનમાં પગ મૂકતાંની સાથે ૧૯૧૯ અને ૨૦૧૯ એમ બે જુદાં બૅકગ્રાઉન્ડ નજર સામે તરતાં હતાં. સો વરસ પહેલાં જે મશીન પર નવજીવનનો અંક છપાતો હતો એ પ્રકારનું ટ્રેડલ મશીન ઇતિહાસ બનીને અમારી સામે હતું.

મહાદેવભાઈએ જે ટાઇપરાઇટરનો ઉપયોગ કર્યો હતો એ ટાઇપરાઇટરનાં મૉડલ પણ અહીં જોવા મળે છે. જમણી બાજુ ગૅલરીમાં ચરખાનાં જુદાં-જુદાં સ્વરૂપોનાં પેઇન્ટિંગનું પ્રદર્શન જોઈ શકાય છે. બાજુમાં ડિઝાઇનર ખાદીનો સ્ટોર ચાલે છે જે કોઈ પણ બ્રૅન્ડને ટક્કર આપી શકે છે. અહીં પણ એક નાનકડા ગુનાસર જેલમાં જઈ આવેલી યુવતીને કામ પર રાખવામાં આવી છે. આ ખાદી જ છે, પણ એ માનવું અઘરું લાગે. 

આજે સો વરસ પછી બદલાવ તો જરૂરી છે. આધુનિક લાઇટ અને રંગોના ઉભાર વચ્ચે નવજીવનમાં ફરતાં સો વર્ષ પહેલાંના ઇતિહાસની કલ્પના જ કરવી રહી. સો વર્ષ પહેલાં ગાંધીજીએ જે કામ કર્યું એ કામ આજે કઈ રીતે થઈ શકતું હશે એવો વિચાર કરતાં કર્મ કૅફેમાં દાખલ થયા અને બાજુની સત્ય આર્ટ ગૅલરીમાં બેસીને ભજન ગાતા જેલના કેદીઓ દેખાયા. કર્મ કૅફેમાં થોડા પોલીસો પણ મોબાઇલ ફોનમાં મેસેજિસ ચેક કરતા આરામથી બેઠા હતા. કર્મ કૅફેમાં કેટલાંક ટેબલ પર યુવાનો ગાંધી થાળી જમી રહ્યા હતા. ભાખરી, પાલક, ટમેટા સેવ અને કેળાનું શાક, ખીચડી, કઢી, ગોળ અને લાપસી સાથેનું ભોજન માણી રહ્યા હતા. સો વર્ષ પછીનું આ દૃશ્ય જોતાં અમે પ્રશાંત દયાળ સાથે અને વિવેક દેસાઈ સાથે વાત માંડીએ છીએ. કોઈએ કહ્યું ન હોય કે આ ભજન ગાનારાઓ કેદી છે તો જરા પણ ખ્યાલ ન આવે. નવજીવનનાં સો વર્ષ થયાં એ પ્રસંગે આખું વરસ એટલે કે એપ્રિલ ૨૦૧૯થી એપ્રિલ ૨૦૨૦ સુધી દર અઠવાડિયાના ત્રણ દિવસ કેદીઓ જેલમાંથી નીકળીને અહીં આવશે. સાંજના છ વાગ્યા પછી કેદીઓને આ રીતે જેલની બહાર લઈ જવાની પરવાનગી કદાચ પહેલી જ વાર મળી હશે. આવો આઇડિયા કઈ રીતે આવ્યો એ વિશે નવજીવનના હાલના મૅનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ જણાવે છે, ‘ગાંધી દરેકના હૃદયમાં થોડેઘણે અંશે હોય છે. કોઈ પૂરું ગાંધી થઈ શકવાનું નથી, પણ જે એકાદો અંશ તેમનામાં હોય એ બહાર લાવી શકાય તોપણ ઘણું. ગાંધી સાથે આજની જનરેશનને જોડવા માટે અને લોકો અહીં આવીને બેસી શકે, થોડો સમય વિતાવી શકે ગાંધી સાથે એવું સંકુલ ઊભું કરવાની ઇચ્છા હતી એમાંથી આ બધું જ થાય. એક એવું પ્લૅટફૉર્મ ઊભું કરવું હતું જ્યાં લોકો આવીને જોડાઈ શકે, બેસી શકે, થોડો સમય વિતાવી શકે. એવું ક્યારે બને જ્યારે અહીં એક સહજ વાતાવરણ ઊભું થાય. ગાંધીને આજની યુવા પેઢી સુધી પહોંચાડવા માટે જોડવા માટેના પ્રયત્નો કરતાં વિચાર આવ્યો કે યુવાનો અહીં આરામથી બેસી શકે, ચા-કૉફી પી શકે અને સાથે ગાંધી વિચારોને વાંચી શકે. એ માટે શું થઈ શકે? એમાંથી આ કર્મ કૅફેની શરૂઆત થઈ. આર્ટ ગૅલરી શરૂ કરી એ વખતે પણ જ્યારે લોકો આવે અને આર્ટ ગૅલરી એટલે કે એને જોઈને ફક્ત જતા રહેવાનું ન હોય. કલાની વાતો થતી હોય ત્યારે પણ ચાપાણી તો જોઈએ જ એટલે પણ કર્મ કૅફે જરૂરી બન્યું. આ કોઈ નફો કમાવા માટેની હોટેલ નથી. અમારી પાસે ગાંધી વિચારો અને ગાંધી ઉપર લખાયેલાં ૧૪૦૦ પુસ્તકોની લાઇબ્રેરી છે. આ બધાં જ પુસ્તકો અહીં આવીને મફતમાં વાંચી શકાય છે. એના ફોટો પાડી શકાય છે, ફોટોકૉપી કરાવી શકાય છે. કોઈ જ બંધન નથી. ગાંધીજીએ પોતાનો કોઈ જ કૉપીરાઇટ રાખ્યો નથી તો અમે કેમ રાખી શકીએ? ‘હરિજન’ના વૉલ્યુમની કિંમત ૩૦,૦૦૦ રૂપિયા જેટલી છે જે બધાને ન જ  પરવડી શકે, પણ જેને અભ્યાસ કરવો છે કે વાંચવું છે એ લોકો એને અહીં મફતમાં વાંચી શકે છે; એના ફોટો પાડી શકે છે. આખોએ ઝોન વાઇફાઇ સાથે આવરી લેવાયેલો છે. આજના યુવાનો કૅફે કૉફી ડેમાં જાય ત્યારે તેમને મફતમાં વાઇફાઇ મળતું હોય છે તો પછી એ લોકો અહીં શું કામ આવે? અમને એમ હતું કે દાદા-દાદીઓ પોતાના પૌત્રને લઈને આવશે, પણ હવે યુવાનો પહેલાં અહીં આવે છે. કર્મ કૅફેમાં બપોરે ચાપાણી પીએ છે, મિત્રો સાથે બેસે છે, પુસ્તકો વાંચે છે અને એક જુદો અનુભવ લઈને જાય છે. પછી તેઓ પોતાનાં માતા-પિતા કે દાદા-દાદીને લઈને ગાંધી થાળી જમવા માટે આવે છે.’

cafe

અહીં ગાંધીનાં પુસ્તકો, ગાંધીનો ચરખો ખરીદી શકે એની પણ વ્યવસ્થા છે. વરસાદ ન હોય ત્યારે બહાર ખુલ્લામાં કલાકારો-પત્રકારો આવીને બેસે છે. ગરમીના દિવસોમાં વાતાનુકૂલિત કર્મ કૅફેમાં લોકો કલાકો સુધી વાંચતાં બેસી શકે છે કે પછી વાતો કરી શકે છે કે તેમનું પોતાનું કામ કરી શકે છે. આ કૅફેની શરૂઆત ૨૦૧૫માં થઈ હતી. એ સમયે ચા-કૉફી કે નાસ્તાની કોઈ જ કિંમત રાખવામાં આવી નહોતી. જેને જે મરજી પડે એ ડબ્બામાં નાખીને જઈ શકતા હતા. પરંતુ દુઃખ સાથે વિવેક દેસાઈ કહે છે કે લોકોએ એનો ગેરફાયદો ઉઠાવવા માંડ્યો. મોટા ભાગના લોકો પૈસા મૂક્યા વગર મફતમાં જ ખાઈપીને જતા રહેતા. એટલે આ પ્રવૃત્તિ ચાલુ રહી શકે એમ નહોતી. તેથી અમે એની કિંમત બિલરૂપે વસૂલવા માંડી. નફા માટે આ કૅફે નથી ચલાવતા. પહેલાં જ કહ્યું એમ અહીં લોકો ગાંધી વિચારો સાથે સંકળાઈ શકે, લોકો અહીં આવતા થાય એ જ અમારો આશય છે.

સવારના ૭થી સાંજના ૯ વાગ્યા સુધી કર્મ કૅફે ખુલ્લી હોય છે. અહીં પંદર રૂપિયામાં મસાલા ચા, ફ્રેશ બીન્સ કૉફી, ઉકાળો, લીંબુપાણી, ભાખરી પીત્ઝા, સેવમમરા ખાખરા, ઉપમા, ખીચું, હાંડવો, ઢોકળાં, પાપડનો ચેવડો, ખાખરા વગેરે મળે છે. મિની લંચમાં દાળઢોકળી, પરાંઠા-શાક વગેરે હોય. બે વ્યક્તિ પચાસથી સો રૂપિયામાં ચાપાણી, નાસ્તો કરી શકે. શુક્ર, શનિ અને રવિવારે સાંજે જ ફક્ત ભોજન મળે છે. ૧૨૫ વ્યક્તિઓને જ કૂપન વહેંચાય છે. થાળીના દોઢસો રૂપિયા અને અનલિમિટેડ. ભજન પૂરાં થયે કેદીઓ પણ જમીને પાછા જાય છે.

આ પણ વાંચો : ચૂરમાના લાડુ

ગાંધીજી અહીં યંગ ઇન્ડિયાના હૃદયને સ્પર્શે છે. સો વરસ પહેલાં પણ યંગ ઇન્ડિયા દ્વારા મહાત્મા ગાંધી યુવાનોને જાગૃત કરવા માગતા હતા. ગાંધીજીનાં દોઢસો વર્ષની ઉજવણી સમયે આ બદલાવ કદાચ જુનવાણી માનસને ન ગમે, પણ કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે પરિવર્તન સંસારનો નિયમ છે. આપણે પણ એ જ નથી રહ્યા. ટાઇપરાઇટર કોઈ આજે વાપરતું નથી, કમ્પ્યુટર-મોબાઇલ અનિવાર્ય બની ગયાં છે. એ છતાં ગાંધીજીનો પ્રિય ચરખો દર રવિવારે અહીં શીખવાડાય છે. યુવાનો ઉત્સાહથી ચરખાની મેકૅનિઝમ સમજે છે. મોબાઇલ મૂકી ચરખો ચલાવવાનો પ્રયાસ કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK