Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > કુદરતની ગોદમાં લપાયેલા કાશ્મીરનું ખરું સૌંદર્ય છે પાનખરમાં

કુદરતની ગોદમાં લપાયેલા કાશ્મીરનું ખરું સૌંદર્ય છે પાનખરમાં

Published : 03 September, 2023 12:05 PM | IST | Mumbai
Manish Shah | writermanishshah@gmail.com

કાશ્મીરે આપણા ભારતની જેમ અનેક તડકા-છાંયા જોયા છે. કેટલાય આક્રમણખોરોએ આ સ્વર્ગને રગદોળ્યું છે. શિયાળાના હિમાચ્છાદિત કે ઉનાળામાં હરિયાળા કાશ્મીરની મુલાકાત તો ઘણાએ લીધી હશે, આજે કાશ્મીર જોઈએ જરા જુદી નજરે

કાશ્મીરી પાનખરનો સોનેરી વૈભવ

શ્રી કુદરત શરણમ્ મમ:

કાશ્મીરી પાનખરનો સોનેરી વૈભવ


આપણા દેશના આધાર, મહામૂલા મહેમાન વરસાદને વધાવીને, મહારાષ્ટ્રને ધમરોળીને, પાંચ અઠવાડિયાં સુધી પલળીને, ચાલો હવે પાછા ફરીએ ધ ગ્રેટ હેરિટેજ સિરીઝને માણવા. વરસાદી ફોરાને પોરો આપીએ અને આપણા મહાન દેશ ભારતના ઇતિહાસને ફંફોળીએ, સંસ્કૃતિના એક અમૂલ્ય પાસાને ઉજાગર કરીએ. ઉત્તર પૂર્વમાં દાર્જીલિંગસ્થિત હોટેલ વિન્ડમિયરનાં ઇતિહાસ-ભૂગોળ જાણ્યા પછી પાછા વળીએ ઉત્તરમાં. એલગીન હૉલ, ડેલહાઉઝી, હિમાચલ પ્રદેશ, આનંદ રિસૉર્ટ, હૃષીકેશ, ઉત્તરાખંડ પછી હવે વધુ ઉત્તરમાં જઈએ, ઉપરની તરફ. એક નોખું-અનોખું સ્થળ જે સૌથી વધુ પ્રખ્યાત પણ છે અને કુખ્યાત પણ. મહાન ઉર્દૂ કવિ અમીર ખુસરોની પંક્તિઓથી આ સ્થળની ઓળખ આપીશ. તેમણે જ્યારે આ સ્થળની મુલાકાત લીધી ત્યારે કહેવાય છે કે આ અમર પંક્તિઓ લખાઈ નહોતી; સરી પડી હતી, સ્ફૂટી હતી. ખુસરોસાહેબ લખે છે...

ગર ફિરદોસ બર રુંએ ઝમી અસ્ત... 



હમી અસ્તો, હમી અસ્તો, હમી અસ્ત


(અર્થાત્ પૃથ્વી પર જો સ્વર્ગ હોય તો એ અહીં છે, અહીં છે, અહીં જ છે)

હાજી, જાણકાર મિત્રો તો સમજી જ ગયા હશે. આ વખતે વાત માંડવી છે આપણા ભારતના અભિન્ન અને સૌથી લોકપ્રિય સ્થળ કાશ્મીરની, જે એક સમયે પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાતું હતું. એની પોતાની આગવી ઓળખ હતી. એક સજ્જડ માન્યતા - જે લગભગ સાચી છે - પ્રમાણે આપણા મહાન કવિ કાલિદાસની જન્મભૂમિ પણ કાશ્મીર જ હતી. આ ઉપરાંત અનન્ય મહાનુભાવો આપનાર આ સ્વર્ગનો ઇતિહાસ પણ ખાસ્સોએવો રસપ્રદ છે. આમ તો કાશ્મીર વિશે ઘણું જ લખાયેલું છે, બોલાયેલું પણ છે; પરંતુ ચાલો થોડો ઇતિહાસ ઉલેચીએ અને આ સ્વર્ગની ચડતી-પડતી વિશે જાણીએ.


ઘણા વાચકોને મારી જેમ ઉત્કંઠા, ઉત્સુકતા હશે અહીંની સંસ્કૃતિ વિશે જાણવાની. મારી લગભગ પાંચેક વારની મુલાકાતો વખતે વાંચ્યું પણ ખરું અને અભ્યાસ પણ કર્યો જે તમારી સાથે ટૂંકમાં વહેંચું છું, જરૂરથી ગમશે. કાશ્મીરે પણ આપણા ભારતની જેમ અનેક તડકા-છાંયા જોયા છે. સદીઓથી કેટલાય આક્રમણખોરોએ આ સ્વર્ગને રગદોળ્યું છે તો વળી કેટલીયે સંસ્કૃતિઓના મહાન કવિઓએ, સાહિત્યકારોએ, કલાકારોએ એને પંપાળ્યું છે, બિરદાવ્યું છે, પૂજ્યું છે. મહર્ષિ કશ્યપના નામ પરથી જેનું નામકરણ થયું છે એ આપણા લાડકા કાશ્મીરનો ૨૦૦૦ વર્ષનો ઇતિહાસ એકદમ જ ભવ્ય રહ્યો છે. છઠ્ઠી સદીથી સનાતન હિન્દુ સંસ્કૃતિનો દબદબો, પ્રભાવ કાશ્મીર પર હતો. અનેક ઋષિઓ, સંતો, સાહિત્યકારોથી કાશ્મીર ધમધમતું હતું છેક ૧૪મી સદી સુધી, ઈસવીસન ૧૩૩૯ સુધી. ઈસવીસન ૧૩૩૯માં કાશ્મીરને એના પ્રથમ મુસ્લિમ રાજવી મળ્યા શાહ મીરના રૂપમાં. શાહ મીર કદાચ ટર્કિશ હતા અથવા પર્શિયન, પરંતુ તેઓ તત્કાલીન રાજા સુહાદેવના રાજમાં અતિ મહત્ત્વના સ્થાન પર હતા અને રાજાના જતાંવેંત જ ઈસવીસન ૧૩૩૯માં તેઓ કાશ્મીરના રાજા થઈ ગયા. કાશ્મીરને બધા રાજાઓએ, રાજવી વંશોએ લાડ લડાવ્યાં છે એ વધુ અભ્યાસ કરતાં જણાઈ આવે. ૧૩૩૯માં શાહ મીર વંશનું શાસન ચાલુ થઈ ગયું અને પછીનાં પાંચસો વર્ષો સુધી કાશ્મીરને મુસ્લિમ શાસકો જ મળ્યા. કાશ્મીર તેમની આંખનો સિતારો હતો, તેમના મુગટની એક કલગી. આ મુસ્લિમ શાસકોમાં પર્શિયન્સ પણ આવી ગયા, મોગલો પણ આવી ગયા અને અફઘાનિસ્તાનના દુર્રાની પણ આવી ગયા. ૧૪મી અને ૧૫મી સદીમાં પર્શિયન સંસ્કૃતિ કાશ્મીરમાં એટલી બધી વિકસી કે કાશ્મીર મિની ઈરાન તરીકે ઓળખાવા લાગ્યું. એ સમયકાળમાં ઈરાનમાં આરબોનું વર્ચસ વધતું ચાલ્યું અને હજારો પર્શિયન્સ આવી પહોંચ્યા કાશ્મીરમાં. પર્શિયન સાહિત્યના એક-એકથી ચડિયાતા દિગ્ગજ કલાકારો, સાહિત્યકારો, કવિઓના પ્રભાવથી કાશ્મીર ધમધમવા લાગ્યું હતું. હાથવણાટના ગાલીચા, ભરતકામ, ચિનારનાં વૃક્ષો આ બધું આભારી છે પર્શિયન્સને. તેમણે તો જાણે કાશ્મીરને ખોળે લીધું હતું. મુસ્લિમ શાસકોને અહીંથી ભગાડ્યા, પછાડ્યા મહાન રાજવી રણજિતસિંહજીએ. ઈસવીસન ૧૮૧૯થી ૧૮૪૬ સુધી સિખ સામ્રાજ્ય રહ્યું. પછી આવ્યા અંગ્રેજો. ઈસવીસન ૧૮૪૬માં અંગ્રેજો અને સિખો વચ્ચેની લડાઈમાં સિખો હારી ગયા.

કાશ્મીર અંગ્રેજોના કબજા હેઠળ આવ્યું. અહીં પ્રવેશ થાય છે પ્રખ્યાત બહાદુર ડોગરા કુળનો. રણજિતસિંહના અતિવિચક્ષણ સેનાપતિ અને તેમના શાસનકાળમાં કાશ્મીરના સૂબા એવા બહાદુર ડોગરા વંશના પ્રથમ રાજવી ગુલાબસિંહજીએ અંગ્રેજો પાસેથી એ વખતના ૭૫ લાખ રૂપિયા આપીને સમગ્ર જમ્મુ અને કાશ્મીર ખરીદી લીધું અને બધા હક પણ લઈ લીધા. અંગ્રેજોના વફાદાર એવા ગુલાબસિંહ અતિશય ઉમદા રાજવી નીવડ્યા. બહુમતી મુસ્લિમ પ્રજાજનોમાં પણ તેઓ અત્યંત પ્રિય હતા. ગુલાબસિંહ પછી તેમના પુત્ર મહારાજ રણબીરસિંહે સત્તાની કમાન સંભાળી અને કાશ્મીરનો વિસ્તાર કરી નાખ્યો. તેમણે અત્યારના પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરના મુખ્ય પ્રદેશો જીતીને રચી કાઢ્યું અખંડ કાશ્મીર. સમગ્ર કાશ્મીરમાં ડોગરા વંશની લોકપ્રિયતાના સિક્કા પડતા. અતિશય લોકપ્રિય એવા આ રાજવીઓ પ્રજાકલ્યાણનાં અનેક કાર્યો કરતા અને સમગ્ર કાશ્મીરની જનતાનું ખૂબ જ ધ્યાન રાખતા. ડોગરા વંશના છેલ્લા રાજવી હરિસિંહે કાશ્મીર સંભાળ્યું ઈસવીસન ૧૯૪૭ સુધી. પછીનો ઇતિહાસ તો લગભગ બધાને જ ખબર હશે. આમ કાશ્મીર સતત ઘર્ષણમાં, તનાવમાં રહ્યું છે, હજારો વર્ષોથી. હિન્દુ, મુસ્લિમ, પર્શિયન્સ, મોગલો, અફઘાનો, ફરી પાછા હિન્દુ અને છેલ્લે ફરી મુસ્લિમો. આ સ્વર્ગની તાસીર અને તસવીર બન્ને દુઃખજનક છે, કોઈને પણ દુઃખ થાય એવી. જોકે અત્યારે આશાનો સૂરજ ઊગ્યો છે જાણે. કાશ્મીર ફરીથી એની ખ્યાતિ, ગૌરવ, ઓજસ પ્રાપ્ત કરી રહ્યું છે, પ્રસરાવી રહ્યું છે અને ભારત સાથે ભાવનાત્મક રીતે પણ ભળી રહ્યું છે. લાખો પ્રવાસીઓ કોઈ પણ પ્રકારના ભય વગર કાશ્મીરને માણી રહ્યા છે, જાણી રહ્યા છે. નવાં-નવાં સ્થળો, સ્થાનો વિકસી રહ્યાં છે, પ્રખ્યાત થઈ રહ્યાં છે. પહેલગામ, ગુલમર્ગ અને સોનમર્ગથી કુંઠિત કાશ્મીર ખીલી રહ્યું છે, નવીનીકરણની હવા લાગવાથી. કાશ્મીર અતિશય ઝડપથી લોકપ્રિયતા હાંસલ કરી રહ્યું છે, વિસ્તરી રહ્યું છે. મેં બધી જ ઋતુઓમાં કાશ્મીરની મુલાકાત લીધી છે. શિયાળામાં અને ઉનાળામાં તો કાશ્મીર જાણે નિતનવા રૂપે તમારી સામે પ્રગટ થાય છે, ભવ્યાતિભવ્ય લાગે તમને. ગજબનું સૌંદર્ય છે. જોકે આજે મારે આટલા જાણીતા કાશ્મીરની ઓછી જાણીતી કે પછી કદાચ અજાણી એવી ઓછામાં ઓછી ત્રણ બાબતો વિશે વાત કરવી છે, વાચકો સાથે રસની ગોઠડી માંડવી છે.

શિયાળાના હિમાચ્છાદિત કાશ્મીર કે ઉનાળામાં હરિયાળા ખીલેલા કાશ્મીરની મુલાકાત તો ઘણાએ લીધી હશે; પરંતુ આજે મારે વાત કરવી છે પાનખરના કાશ્મીર વિશે, જે નવેમ્બર મહિનાની શરૂઆતથી ડિસેમ્બર મહિનાના મધ્ય સુધી રહે છે. ત્યારે મસમોટા મહાકાય ચિનારનાં પર્ણો લીલામાંથી પીળો અને રાતો એટલે કે લાલ રંગ ધારણ કરી, વૃક્ષનો સાથ છોડી ધરતીને લાલચટક રંગોથી ભરી દે છે. આ ઘટના એક અદ્ભુત લહાવો છે જે છોડવા જેવો નથી. બરફ તો તમને ભારતમાં ઘણા ઠેકાણે માણવા મળે છે, પરંતુ પાનખરનો ભવ્ય નજારો જોવો હોય તો આ સમયગાળા દરમ્યાન કાશ્મીરની મુલાકાત લેવી. ચિનારનું વિલીન થતું સૌંદર્ય કઈકેટલુંય સમજાવી જાય છે; સર્જન, વિસર્જન અને નવસર્જન આ પ્રક્રિયાનું જીવનમાં શું મહત્ત્વ છે એ તમને શીખવાડી જાય છે. વિદાય વખતે જ પર્ણોનો શ્રેષ્ઠ રંગ નિખરીને બહાર આવે છે. લીલા રંગનાં પર્ણનું આંતરિક સૌંદર્ય આટલું સુંદર હોઈ શકે? શ્રીનગર યુનિવર્સિટીમાં આવેલાં જૂનામાં જૂનાં સેંકડો વર્ષોનું આયુષ્ય ભોગવતાં ચિનારનાં વૃક્ષોનાં ચરણોમાં બેસીને હું આ બધું વિચારી રહ્યો હતો. પરમ સાથે જાણે-અજાણે એક સંવાદ રચાઈ ગયો અને એક માગણી પણ મુકાઈ ગઈ.  

અરજી તમ ચરણે ધરી છે, વા’લા, 

અંત સમયે આવું જ પ્રજવાળજો હોં, વા’લા

વાચકમિત્રો, ખીજે ન ભરાતા. હેરિટેજ સિરીઝમાં હું આ કઈ વાત માંડીને બેઠો છું; પરંતુ મેં જાણેલું કાશ્મીર, એની સુંદરતા અને એક અનોખી સંસ્કૃતિ, આ પરિબળોનાં અજાણ્યાં પાસાં તમારી સાથે નહીં વહેંચું તો કદાચ આ તક ચુકાઈ જશે એવી ભીતિ ઊંડે-ઊંડે હૃદયપટ પર ઊપસી આવે છે.

હેરિટેજની વાત પણ છે, પરંતુ આ એક અલગ કાશ્મીરની વાત પણ કરી લઈએ આજે. 

પાનખર ઋતુનું કાશ્મીર અલગ છે, હટકે છે. સૌપ્રથમ તો ચિનારનાં પર્ણોનું અનુપમ સૌંદર્ય અને ફોટોગ્રાફીની મળી રહેતી અગણિત તકો. સહેલાણીઓનો પ્રમાણમાં ઓછો રહેતો ધસારો વળી છોગામાં. આ સિવાય આ જ સમય છે વિશ્વવિખ્યાત કાશ્મીરી કેસરની ખેતીનો. રાતા સોના તરીકે ઓળખાતું કાશ્મીરી કેસર પહેલગામ જતા રસ્તામાં પમ્પોર ગામ આવે છે એ વિસ્તારમાં જ થાય છે. વિસ્તાર જાણવો છે? ફક્ત પંચાવન સ્ક્વેર કિલોમીટર, પરંતુ અહીં કુદરતની મહેર છે. વાતાવરણ, આબોહવા એટલું બધું અનુકૂળ છે કે આ કેસર સ્વર્ગીય ભેટ છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. ઘેરા જાંબુડી રંગનાં કેસરનાં ફૂલો જુઓ તો આંખો ખુલ્લી જ રહી જશે. નિષ્પલક તાક્યા જ કરો તમતમારે. મારી હાલત જોવા જેવી હતી. એટલાં નાજુક અને સુંદર ફૂલો કે નજર ન લાગી જાય એવો જ ખ્યાલ મગજમાં આવે. ખેતરના એક છેડેથી, પહેલાં ઝળૂંબીને અને પછી ચત્તાપાટ સૂઈને લીધેલા ફોટો હજી પણ નજર સામે તાજા છે, તરવરે છે.

ચિનાર, કેસર અને કાશ્મીરનાં ખાસમખાસ એવાં અખરોટની ખેતીનો પણ આ જ સમય છે. અખરોટનાં વૃક્ષો ઊંચાં હોય છે - લગભગ ૫૦થી ૬૦ ફુટ ઊંચાં. એમાં લીલાં ફળ ઊગે અને આ ફળની અંદર હોય કૂણાં-કૂણાં અખરોટ. અનુભવી, હોશિયાર કારીગર જ ઝાડ પર ચડે અને અખરોટથી લદાયેલી ડાળીઓને લાકડીથી ઠપકારીને અખરોટના પાકને જમીન પર બિછાવેલી ચાદરમાં પાડી દે. આ ભેગાં થયેલાં સેંકડો અખરોટને કુદરતી સૂર્યપ્રકાશમાં સાતથી લઈને દસ દિવસ સુધી સૂકવે અને આમ તૈયાર થાય તમારાં ભાવતાં અખરોટ. આમ કાશ્મીર આ ઋતુમાં ફરવા જેવું ખરું. મારો કાશ્મીરનો સૌથી યાદગાર અનુભવ એટલે આ પાનખરમાં કરેલો પ્રવાસ. હવે હેરિટેજની વાત કરું. કાશ્મીરમાં આમ તો ઘણી હેરિટેજ પ્રૉપર્ટી છે અને હું તમને સૌથી પ્રખ્યાત, સૌથી સુંદર, સૌથી ભવ્ય પ્રૉપર્ટીની વાત તો કરીશ જ; પરંતુ આ ઉપરાંત સૌથી અજાણી, સૌથી ‘અછૂત’, સૌથી કુદરતી એવી એક પ્રૉપર્ટીની વાત પણ કરીશ. ચાલો, મારી આદત મુજબ પ્રથમ હું તમને કુદરતની ગોદમાં લપાયેલી અછૂત સૌંદર્ય ધરાવતી, કાશ્મીરનું ખરું રૂપ છતું કરતી આ હેરિટેજ પ્રૉપર્ટી વિશે કહું.

છેક ઈસવીસન 1864માં, હાજી, 1864માં એટલે કે ૧૫૯ વર્ષ પહેલાં સ્થપાયેલી આ હોટેલની વાત જ ન્યારી છે. અહીં રહેવા માટે કુદરતમાં અખૂટ શ્રદ્ધા અને પરમને સંપૂર્ણ શરણે જવાની તૈયારી રાખવી જરૂરી છે; કટ્ટરતા, કટિબદ્ધતા અને પ્રતિબદ્ધતા જરૂરી છે. મારા અનુભવની વાત તો આગળ જતાં આવશે જ, પરંતુ અહીં થોડાં જૂનાં પેઇન્ટિંગ્સ અને થોડી કલાકૃતિઓ સિવાય કુદરત જ સદીઓથી હાજરાહજૂર છે એમ કહી શકાય. ફક્ત ૧૧ જ રૂમ ધરાવતી આ હોટેલ વરસના છ મહિના જ ખૂલે છે, કારણ કે બાકીના છ મહિના ઠંડી અને બરફને કારણે થોડું આકરું થઈ પડે છે. જોકે દોસ્તો, આ જ ખરું કાશ્મીર છે. નિતાંત, નિરભ્ર, સનાતન સૌંદર્ય જે અહીં રહીને અનુભવી શકાય છે એ અદ્વિતીય છે, અણમોલ છે, અજોડ છે એમાં કોઈ બેમત નથી. અહીં આવેલાં ચિનારનાં વૃક્ષોનું આયુષ્ય છે ૪૫૦ વર્ષ! અમરપટો લખાવીને જાણે આવ્યું હોય એવું આ વૃક્ષ આટલાં વર્ષો પછી પણ એકદમ જ તંદુરસ્ત છે, પૂર્ણ વિકસિત.

આ વૃક્ષની છાયામાં પસાર કરેલા એ ચાર દિવસ અમારા જીવનનાં સૌથી યાદગાર સંભારણાંઓમાં કદાચ પ્રથમ ૧૦ સ્થાનમાં આવે એ ચોક્કસ સમજવું. વૃક્ષને લાગીને જ આવેલી છે સમગ્ર જમ્મુ-કાશ્મીરની બે અંગત મસ્જિદોમાંની એક મસ્જિદ. કોઈની અંગત માલિકીની મસ્જિદ પણ હોઈ શકે એ મને ત્યારે જ ખબર પડી હતી. હવે વધુ રહસ્ય ન ઘોળતાં હું પડદો હટાવી જ લઉં છું. આ હેરિટેજ હોટેલનું નામ છે સમદ આઇલૅન્ડ ઑફ પીસ, જે પ્રખ્યાત દલ લેકના એક વિસ્તાર કહો કે એક ફાંટો કહો એવા નગીન લેકના અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે. નામ પ્રમાણે જ આ હોટેલ નગીન લેકમાં આવેલો એક ટાપુ છે. પાંચ એકરમાં ફેલાયેલો અંગત ટાપુ. નગીન લેકના અનેક પૉઇન્ટમાંના એક અશાહી બાગ બ્રિજના પૉઇન્ટ પરથી શિકારા કરો અને કહો કે સમદ આઇલૅન્ડ ઑફ પીસ જવું છે. જેવો સામાન ગોઠવશો એવો શિકારાવાળો કંઈક અચરજથી તમને નીરખ્યા કરશે. કદાચ ઘેલા માણસો કેવા હોય એની વ્યાખ્યામાં તમે બંધબેસતા છો કે નહીં એ નક્કી કરતો હશે. આ ટાપુ પર શિકારાથી જ પહોંચાય છે અને એ પણ વળી પેલો મોટો શિકારા નહીં, નાનકડી હોડીથી થોડા મોટા કદનો શિકારા જે તમે દલ લેકમાં ટહેલવા માટે ઉપયોગ કરો છો એ. શિકારામાં બિરાજો અને આજુબાજુનું સૌંદર્ય માણતાં-માણતાં આગળ વધો. કમળના છોડવાઓથી ખીચોખીચ ભરાયેલા લેકના આ ભાગનું સૌંદર્ય બેમિસાલ છે. ખીલેલાં કમળ જુઓ કે તમને જોઈને જ પાણી પર કમર લચકાવતી છપાક-છપાક ભાગી છૂટતી જળમરઘીને જુઓ કે પછી તમને પસવારતી ઠંડા પવનની લહેરખીઓ માણો; આનંદની માત્રાનો ગુણાકાર થતો જશે એ પાકું. શહેર, શિકારાઓ, કોલાહલ બધું જ દૂર થતું જાય છે. રહે છે ફક્ત શિકારામાં ધબકી રહેલાં બે તમારાં અને ત્રીજું શિકારાવાળાનું એમ ત્રણ હૃદય અને એમાં ઊમટી રહેલાં સ્પંદનો, હોઠેથી ફૂટી રહેલું કોઈ ગીત, આંખોથી અશ્રુ વાટે વહી રહેલો આવિર્ભાવ કે પછી પ્રિયજનના હાથના અનુભવાઈ રહેલા ધબકારા. અલૌકિક. અવર્ણનીય. બાજુમાંથી એક-બે નાનાં ગામ પણ પસાર થાય છે . થોડા આગળ વધશો એટલે એકદમ નીચો લાકડાનો બનેલો એક પુલ આવે છે જે સમાંતર આવેલાં બે ગામને જોડે છે. તમારો શિકારા પુલની નીચેથી આગળ વધી રહ્યો છે. થોડું ઝૂકી જવું સારું. આમ પણ પ્રકૃતિ અને કુદરત તમને ઝૂકી જવાનું જ શીખવાડે છે. કોઈ ગામવાસી પોતાની અંગત હોડી અથવા તરાપા જેવું કંઈક લઈને ક્યારેક ડોકાઈ જાય તો ઠીક, ન દેખાય તો પણ ઠીક.

સરોવરની નિર્મળતા હવે સમજાય છે. લગભગ અડધો કલાક પછી જમણી તરફ નાની બંગલી જેવું કંઈક દેખાય છે. એ જ છે આપણી હોટેલ. શિકારા થોડોક આગળ વધીને જમણે ફંટાય છે અને થોડોક જ આગળ વધતાં તમારી જમણી તરફ દૃશ્યમાન થાય છે સમદ આઇલૅન્ડ ઑફ પીસ. શિકારાનો આગળનો ભાગ પકડીને લંબાઈ રહેલી તમારી નજરે ચડે છે ઘાસની લૉન અને લૉનને છેડે દેખા દે છે સફેદ રંગની ગોળાકાર હોટેલ. ડાબે છેડે પૂર્ણ વિકસિત ચિનાર તો જાણે તમારી નજરને જકડી લે છે. ચિનારના એક છેડે આવેલી મસ્જિદ એટલે જાણે પરમ સાથેના સંધાન માટેની કોઈ નાનકડી, સ્વચ્છ, સુઘડ પ્રાર્થનાની ઓરડી જોઈ લો. એકાકાર થવા માટે કોઈ ચોક્કસ સ્થૂળ આકારની જરૂર ખરી? નિરાકાર શબ્દ ક્યાંથી આવ્યો એનું મૂળ કદાચ અહીં આવીને તમને સમજાય છે. સરસ મજાનું નાનું મકાન, પાંચ કે છ જણનો કર્મચારીગણ. બધા જ મૅનેજર અને બધા જ કર્મચારી. આ હોટેલ કંઈક અલગ છે એ પાકું. હવે મારા અનુભવની વાત કરું. કૉલેજમાં એક કાર્યક્રમ દરમિયાન મળેલા એક કાશ્મીરી મિત્રે આ હોટેલની ખાસ ભલામણ કરી હતી. એ પછીની બે મુલાકાતોમાં તો અહીં આવી નહોતો શક્યો, પણ મનના કોઈક ગોપિત ખૂણે આ વાત કોતરાયેલી હતી ખરી. આ તક મળી લગભગ પંદરેક વર્ષ પછી મારી પાનખરની મુલાકાત દરમ્યાન. અમે બે એકલા જ હતા એટલે ચાર દિવસ આ હોટેલમાં રહેવાનું નક્કી કર્યું. શ્રીનગર ઊતરીને પહોંચી ગયા નગીન લેકના પૉઇન્ટ પર. શિકારા પકડીને સીધા આ હોટેલ પર. નસીબ કહો કે કમનસીબ, પણ ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે ૧૧ રૂમમાંથી ફક્ત એક જ રૂમ ભરેલી હતી અને એ રૂમ-નંબર એક એટલે અમારી રૂમ. ટૂંકમાં, આખી હોટેલમાં ફક્ત અમે બે જ સહેલાણીઓ અને પાંચ કર્મચારીઓ. બસ. વાચકમિત્રો, ઈસવીસન 2012નું વર્ષ અને કાશ્મીર. જોખમ ખરું, પાકું. કર્મચારીઓ ભલા લાગ્યા, પરંતુ મારા કરતાં વધારે વિચારવાનું બીનાએ હતું. આખા ટાપુ પર અત્યારે તો તે જ એકમાત્ર સ્ત્રી હતી. અનેક વર્ષોના જંગલો અને પહાડોના અનુભવો પરથી મને ફક્ત એક જ વાંધો હતો, એ હતો માણસજાતનો. બીજો કોઈ વાંધો નહોતો, ના કોઈ ડર હતો. બીનાને સાઇડ પર લઈ જઈને પૂછ્યું અને તેણે જે કહ્યું, મજા પડી ગઈ. તેણે કહ્યું, આવો લાભ ક્યારે મળવાનો? આમાં વિચારવાનું શું? થવાનું હશે એ થઈને જ રહેશે. અહીં શું કે શ્રીનગરમાં શું? રહી પડીએ. હવે આનાથી રૂડું શું? ફક્ત એક જ પગલું લીધું, શિકારાવાળાને અમારી સાથે રોકાવા માટે સમજાવી લીધો. ચારેચાર દિવસના પૂરા પૈસા આપીશું, પરંતુ તમારે અહીં જ રહેવાનું. આધેડ ઉંમરના ઇર્શાદચાચા માની ગયા, રોકાઈ ગયા અને અમે પણ તેમને માની ગયા, હજી પણ માનીએ છીએ. વર્ષે બે વાર તો અચૂક ઇર્શાદચાચા સાથે વાત કરીએ જ છે, હજી પણ. આ બધા ઋણાનુબંધ કેવી રીતે પ્રગટે છે, ક્યાંથી ક્યાં-ક્યાં સંધાન સધાય છે, પરમને જ ખબર! આપણો તો એક જ મંત્ર : શ્રી કુદરત શરણમ્ મમ.

આઇલૅન્ડ હોટેલ અને મારા કાશ્મીરના અનુભવોની વાતો લઈને મળીશું આવતા અઠવાડિયે.

Whatsapp-channel Whatsapp-channel

03 September, 2023 12:05 PM IST | Mumbai | Manish Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK