એક છે સાદગી અને સૌંદર્યમાં તરબોળ કરી દે એવી હિન્દુ-મુસ્લિમના સોનેરી સાયુજ્યની ખરી છડીદાર સમદ આઇલૅન્ડ ઑફ પીસ અને બીજી છે ડોગરા વંશના રાજવી ઘરાનાની જાહોજલાલીને અકબંધ રાખનારી ૧૦૧ વર્ષના વારસાની છડીદાર ગુલાબ ભવન એટલે કે હાલની ધ લલિત ગ્રૅન્ડ પૅલેસ
ચોગાનના મધ્ય ભાગમાંથી દેખાતો હોટેલનો ભવ્ય નઝારો
ગયા અઠવાડિયે લખ્યા મુજબ અમે તો આઇલૅન્ડ હોટેલ પર જ રહી જવાનું નક્કી કરી લીધું. સામાન ગોઠવાઈ ગયો, ઇર્શાદચાચાને પણ તેમણે એક રૂમ ખોલી આપી. આમ પણ બધું ખાલી જ હતું, તો ચાચા શું કામ બાકાત રહી જાય? કર્મચારીઓ ઘણા અનુભવી અને પ્રેમાળ હતા. અમે સાંજે પહોંચ્યા હતા, તરત જ ગરમાગરમ કાશ્મીરી ‘કાવા’થી અમારું સ્વાગત કર્યું. અમને સધિયારો આપ્યો અને ફટાફટ જમવાની તૈયારી પણ આદરી દીધી.
અમારા આગલા ત્રણ દિવસની રૂપરેખા જાણવી છે? રાતે ફોટોગ્રાફી કરવી. એકાદ કલાક મસ્જિદમાં પરમના સાંનિધ્યમાં ગાળવો. અહીં નીરવતા હતી, એકાંત હતું અને કહો કે એક પ્રકારની પવિત્રતા હતી. આખો દિવસ શાતામાં જાય. બધું જ જંપેલું હતું. વહેલી સવારે ઊઠીને લૉનમાં બેસો. કમળના છોડવાથી ઘેરાયેલો આ ટાપુ કંઈક અલગ જ સૌંદર્યથી દેદીપ્યમાન ભાસતો રહેતો. લૉનમાંથી દેખાઈ રહેલી હિમાચ્છાદિત પર્વતમાળા, ખીચોખીચ લીલોતરીથી ભરેલું સરોવર અને સભર કરી મૂકતા ખાલી કલાકો.
ADVERTISEMENT
વાતાવરણમાં મસ્તમજાની ઠંડક. હૂંફાળો તડકો માણો, હળવે-હળવે શેકાતા જાઓ. મનગમતું પુસ્તક વાંચો, વિચારો, વાગોળો. પડ્યા રહો. ચિંતન-મનન ચાલતું રહે. પ્રકૃતિનો પરચો પૂર્ણપણે પામતા રહો. બીનાએ તો વળી કેટલાંયે ચિત્રો બનાવ્યાં હશે. કર્મચારીઓ સાથે વાતો કરો. સાચી પરિસ્થિતિ તેમના દૃષ્ટિકોણથી સમજવાની કોશિશ કરો. વહેલી સાંજે વળી ઇર્શાદચાચાનો લાભ અચૂક મળે. શિકારામાં રખડવા નીકળી પડો. નાની-નાની પાણીની કેટલીયે ગલીકુંચીઓ ફરી વળ્યા હોઈશું. રસ્તામાં આવેલા એક નાનકડા ગામની પણ મુલાકાત લીધી. હૂંફાળા લોકો. સીધાસાદા ભોળવાયેલા લોકો, પરંતુ મહેમાન કીધા એટલે ખલ્લાસ. બધું જ ક્ષુલ્લક. માથે બેસાડે તમને. છપાક-છપાક કરતા હલેસાના તાલે ઇર્શાદચાચાના ભારે અવાજમાં કેટલાંયે કાશ્મીરી ગીતો સાંભળ્યાં હશે. કેટલાંયે હિન્દી ગીતો સંભળાવ્યાં હશે.

અખરોટના લાકડાની છત તથા અદ્ભુત કલાકૃતિઓથી શોભાયમાન હોટેલની લૉબી
ચાલો એક સરસ ભાવુક પ્રસંગ કહું. અમે એક સાંજે થોડા મોડા નીકળ્યા હતા અને અનેક નાના-નાના જળમાર્ગો પર વિચરીને પાછા આવી રહ્યા હતા. અંધારું લગભગ ઘેરાઈ જ ગયું હતું, પરંતુ અહીં થોડા ભૂલા પડાય? ચાચા હોય એટલે ગફલતને અવકાશ જ નહોતો, પરંતુ દૂર નીકળી ગયા હોવાને કારણે હજી પણ આઇલૅન્ડ હોટેલ પહોંચતાં લગભગ અડધો કલાક લાગે એમ હતું. અમે તો શિકારામાં જ લંબાવ્યું. આકાશમાં પથરાયેલાં વાદળો અંધારું ઘેરાવાને કારણે વધુ ઘેરા થઈ રહ્યાં હતાં. એક જ લયમાં શિકારો ચાલી રહ્યો હતો. ખુલ્લી આંખે પડ્યા રહેવાનો, આવી કોઈ હોડીમાં કે શિકારામાં સરકવાનો આનંદ લીધો છે ક્યારેય? કેરલમાં પણ આવો લાભ મળે, પરંતુ ત્યાં ઑક્ટોબર-નવેમ્બરમાં વાદળો વધુ ન મળે. ચોખ્ખું નિરભ્ર આકાશ મળે, પણ આવા પર્વતીય વિસ્તારોનાં વાદળોનો લહાવો મળે તો ચૂકતા નહીં. મસમોટાં, તગડાં વાદળો. મિત્રો, આ અડધો કલાક સ્વર્ગીય અનુભૂતિનો હતો. પ્રિયજનનો હાથ વધુ હૂંફાળો લાગે, એક આછેરો થડકાર હૃદયને ઝંકૃત કરી નાખે, બન્નેનો એક જ ધબકાર. સહજ હળવા અવાજે સ્પંદિત થઈને હોઠેથી સરી આવતું કોઈ મધૂરું ગીત. ખુલ્લી આંખે જોવાઈ રહેલું કોઈ ધરબાયેલું સપનું. હથેળીનો પ્રસ્વેદ ક્યારેય માણ્યો છે? આમ તો હથેળીઓ કોરી જ લાગે, પરંતુ વહી રહેલા પવનને થોડી મોકળાશ આપો તો ખબર પડે પ્રસ્વેદની ઠંડક કેવી હોય? અંદર સુધી પલળી જવું કોને કહેવાય એ સમજાઈ જશે. ઉદય થઈ રહેલા ચંદ્રમાની સાક્ષીએ વિતાવેલો આ અડધો કલાક શાશ્વત હતો, છે અને રહેશે. આવા યોગાનુયોગ રોજ ન સર્જાય.
કુદરત ક્યારેક જ આવા કારસા ઘડી કાઢે. કારસ્તાન આદરે. મા પ્રકૃતિ હળવેકથી ઉપાડે, ઉઘાડે અને ભલભલા ટાંકા ઉધેડી નાખે. આપણી કોઈ વિસાત જ નહીં. એકદમ જ અસહાય કરીને પણ સહાય કરે, એ જ પરમનો પરચો. બધી ગૂંચ, બધી જ ગાંઠો છૂટી જાય અને પ્રજ્વળી ઊઠે, નક્કર, ભીની, પવિત્ર લાગણીઓ. બીજું કશું જ નહીં. આટલું જ જો જડી આવે તો બેડો પાર. મહોરી ઊઠવું આને જ કહેતા હશે. છપાક... છપાક... ચાલો આગળ વધીએ.

હોટેલની ડાબી તરફની વિન્ગ અને મુખ્ય આકર્ષણ ચિનારનાં વૃક્ષો
ત્રીજા દિવસે સાંજે એટલે કે અમારા નીકળવાના આગલા દિવસે એક વિશેષ જમણ થયું. અમારું ડિનર હતું આ હોટેલના તથા ટાપુના માલિક એવા શ્રી બશીર અહેમદ સાથે. તેઓ બપોરે જ બારામુલ્લાથી આવ્યા હતા અને ડિનરની સૂચના આપી દીધી હતી. અમેરિકન ભારતીય એવા શ્રી બશીર અહેમદ એટલે જાણવા જેવું વ્યક્તિત્વ. ૬ મહિના અમેરિકા અને ૬ મહિના કાશ્મીરમાં રહેતા બશીરભાઈ કાશ્મીરમાં શાંતિ માટેના પ્રખર હિમાયતી હતા. પ્રણેતા કહી શકો તેમને. કોઈનો ડર નહીં, નિરાભિમાની, સત્યના ઉપાસક એવા આ સંતનો સમાગમ ખૂબ ફળદાયી રહ્યો. અમેરિકન ઍરફોર્સને તેઓ મૅનેજમેન્ટની તાલીમ આપતા, એવી તેજસ્વી કારકિર્દી અને કાબેલિયત. તેમને મળો તો ડર તમારી નજીક ફરકે પણ નહીં. ૨૦૧૪માં આવેલા ભયાનક પૂરમાં આખી હોટેલ ખતમ, તણાઈ ગઈ હતી, પરંતુ મારી ૨૦૧૫ની મુલાકાત વખતે બધાને લઈને હું જ્યારે તેમને મળવા ગયો ત્યારે અમે બધા તાજ્જુબ પામી ગયા હતા. આખી હોટેલ તહસનહસ, પરંતુ લૉનમાં તંબુ તાણીને પડી રહેલા, ઝઝૂમી રહેલા બશીરભાઈનો જુસ્સો અકબંધ, બુલંદ. મળીને ખૂબ જ રાજી થયા. રોકાવાનો ખૂબ આગ્રહ કર્યો, પરંતુ સમગ્ર કુટુંબ સાથે હોવાને કારણે અને હોટેલની જે હાલત હતી એના હિસાબે અહીં રહેવાનું શક્ય જ નહોતું. ખૂબ પ્રેમપૂર્વક છૂટા પડ્યા. ફરી છેલ્લી મુલાકાત થઈ ઈસવી સન ૨૦૧૮માં. હું એકલો જ હતો અને તેમને મળવા ગયો હતો. એ જ ઉત્સાહ, એ જ શાંતિ માટેના પ્રયત્નો અને એ જ આશાવાદ. કદાવર કાઠીના સૌમ્ય બશીરભાઈને આ વખતે મળીને મેં તેમને જ્યારે સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફાર ખાનની ઉપમા આપી ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયાં હતાં. મારું કપાળ ચૂમીને કહેલું, ‘મનીષ, કૈસે હમ અલગ હો સકતે હૈં? સહી સમજ આવે તો સબ સહી હો જાયેગા.’ આ મારી તેમની સાથેની છેલ્લી મુલાકાત. પછીથી ઇર્શાદચાચા પાસેથી જાણવા મળ્યું કે ડિસેમ્બર ૨૦૧૯માં આ શાંતિદૂત નિર્માણ પામ્યા. ફક્ત ત્રણ જ વર્ષો વધુ કાઢ્યાં હોત તો કદાચ તેમની આંખોમાં જે શાંતિનું શમણું આંજ્યું હતું, એને સાકાર થતું જોઈને, તેમણે શાંતિપૂર્વક દેહ છોડ્યો હોત. ખેર, આવા નીડર શાંતિદૂતોને સો-સો સલામ. આગળ વધીએ.
સમદ આઇલૅન્ડ ઑફ પીસ એટલે ખરા કાશ્મીરની ઓળખ. ધરતી પરના આ સ્વર્ગનું સાચું સરનામું. ચાલો વધીએ સાદગીમાંથી સમૃદ્ધિ તરફ.

આખા પરિસરનું શ્રેષ્ઠતમ લોકેશન - બે કૉટેજિસ
lll
હવે વાત માંડું છું પાંચ એકરની આઇલૅન્ડ હોટેલ છોડીને ૩૫ એકરમાં પથરાયેલી ભવ્યતમ હિમાલયનાં શિખરોની ગોદમાં આવેલી ધ લલિત ગ્રૅન્ડ પૅલેસ - શ્રીનગરની, જે સર્વોચ્ચ છે. ડોગરા વંશના સામ્રાજ્યની, તેમની દોમ-દોમ સાહ્યબીની, અનેરી, અનોખી ગાથા છે. મુસ્લિમ બહુમતી હોવા છતાં સમગ્ર પ્રજાના હૃદય પર ૧૦૧ વર્ષો સુધી રાજ કરનાર રાજવી પરિવારની ખરી ઓળખ છે. હિન્દુ-મુસ્લિમના સોનેરી સાયુજ્યની ખરી છડીદાર છે.
વાચકમિત્રો, અહીં કોઈ સરખામણી નથી, પરંતુ હેરિટેજ શ્રેણીમાં શ્રીનગર સ્થિત બે હેરિટેજ હોટેલ્સની જ આ વાત છે. ૧૮૪૬માં મહારાજા ગુલાબસિંહનું શાસન જમ્મુ અને કાશ્મીરમાં સ્થપાઈ ગયું હતું. ડોગરા વંશનો સુવર્ણકાળ ચાલી રહ્યો હતો. ૧૯૧૦માં તત્કાલીન મહારાજ શ્રી પ્રતાપસિંહજીએ ઉનાળુ રાજધાની શ્રીનગરમાં સ્થાપવાનું વિચાર્યું અને દલ લેકની બરાબર સામે અને હિમાલયની પર્વતમાળાની વચ્ચોવચ આ વિચારે આકાર લીધો, આ અતિભવ્ય મહેલના રૂપમાં. ડોગરા વંશના દરેક રાજવીઓ વિચક્ષણ અને બાહોશ હતા. તેજસ્વી અને હોશિયાર તો ખરા જ, પરંતુ લશ્કરી કુનેહમાં પણ એટલા જ કાબેલ એવા આ રાજવીઓની મદદ તો અંગ્રેજો પણ અવારનવાર લેતા. દરેક વિશ્વયુદ્ધ વખતે ડોગરા વંશે અંગ્રેજ હકૂમતની મદદ કરી જ હતી અને એટલે જ અંગ્રેજોએ શરૂઆતથી જ તેમને મહારાજાનો દરજ્જો આપ્યો હતો અને સ્વીકૃતિ પણ. મહેલની ડિઝાઇનમાં યુરોપિયન નજાકત તથા કાશ્મીરી બાંધકામનું શ્રેષ્ઠ સંયોજન. આ મહારાજા શ્રી પ્રતાપસિંહના ભેજાની કમાલ હતી. ૧૯૧૦માં બાંધકામ શરૂ થયું અને મહારાજાએ આ મહેલને નામ આપ્યું ગુલાબ ભવન. તેમના દાદા શ્રી ગુલાબસિંહના નામ પરથી, પરંતુ ગુલાબ ભવનને વિસ્તારાયું અને વધુ સારી રીતે શણગાર્યું મહારાજ શ્રી હરિસિંહજીએ. આ ભગીરથ કાર્યમાં તેમને સાથ મળ્યો લંડનની કિંગ્સ કૉલેજમાંથી એન્જિનિયરની ડિગ્રી લઈ મૂળ વતન આવી વસેલા મુખ્ય રાજકીય એન્જિનિયર શ્રી જાનકીનાથ માદનનો. ઉત્કૃષ્ટ ગુણવત્તાનું બાંધકામ અને બાંધણીની બારીકીઓ માટે આજની તારીખે પણ ધ ગ્રૅન્ડ પૅલેસનો કોઈ મુકાબલો કરી શકે એમ નથી. ખરા અર્થમાં આ મહેલ ભારતીય મૂળનો કહી શકાય ખરો. શ્રીનગર ઍરપોર્ટથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલી આ હોટેલ ૧૯૫૪માં મહેલમાંથી હોટેલમાં પરિવર્તન પામી. મહારાજાએ મુંબઈ આવતાવેત જ મહેલ ઑબેરૉય ગ્રુપને આપી દીધો, જેમણે એને હેરિટેજ હોટેલ તરીકે પ્રસ્થાપિત કરી દીધો. અત્યારે આ હોટેલની માલિકી લલિત ગ્રુપ પાસે છે અને આખરી નામકરણ હોટેલ લલિત ધ ગ્રૅન્ડ પૅલેસ થયું ૨૦૦૮માં.
હવે હોટેલની ભૂગોળ વિશે. વિખ્યાત દલ લેકની સામે આવેલા આ પૅલેસ હોટેલનો લોખંડી પ્રવેશદ્વાર વટાવીને અંદર પ્રવેશો પછી તો તમારી આંખો સતત ચકળવકળ થયા જ કરશે. લગભગ એક કિલોમીટર વટાવ્યા પછી આ હોટેલનું બીજું મુખ્ય પ્રવેશદ્વાર આવે છે. આ બાંધણીને હિસાબે જ આતંકવાદ જ્યારે ચરમસીમાએ હતો ત્યારે પણ આ હોટેલ એકદમ જ સુરક્ષિત કહેવાતી. દલ લેકની સામેના પ્રવેશદ્વાર પર જ લશ્કરી થાણું અને સૈનિકોની ભારે જમાવટ રહેતી એટલે પૂર્ણ સલામતી. આ એક કિલોમીટર જ તમને બહારની દુનિયાથી તરત જ વિખૂટા પાડી દે છે. ગજબનાં સ્પંદનો અને ચોતરફ ફેલાયેલી હરિયાળી તમને મંત્રમુગ્ધ કરી નાખે છે. બીજું દ્વાર વટાવો અને ઊતરી પડો. બગી તમારી રાહ જુએ છે, પરંતુ તમારું સમગ્ર ધ્યાન સામે પથરાયેલી ભવ્ય ઇમારત પર ચુંબકની જેમ કેન્દ્રિત થઈ જાય છે. ચોપાટ ખબર છેને? આધુનિક સમયમાં લુડો તો ખબર જ હશે? બસ આ લુડોના બોર્ડના આકારનું ચોગાન તમારું સ્વાગત કરે છે. ફરક એ છે કે આખેઆખું ચોગાન અનેક પથ્થરના થાંભલાઓના સહારે નાનકડા તળાવ પર બનાવવામાં આવ્યું છે. ચાર ખૂણે ચાર વિભાગ અને વચ્ચેથી પસાર થતી ચાર પગથીઓ. રિસેપ્શન પર ચાલીને પણ જઈ શકાય, પરંતુ બગીનો આનંદ લેવા જેવો ખરો. બગી, ચોગાનની અડધી પ્રદક્ષિણા કરીને તમને મુખ્ય મકાનની સામે ઉતારે છે અને પછી આગળ વધી જાય છે. પૂર્ણ ચક્કર કાપીને બીજા મહેમાનોને લેવા માટે.
મહેલનું મુખ્ય મકાન તમારું મન મોહી લે છે. આ કોઈ બહુમાળી ઇમારત નથી. આ તો પથરાયેલી, વિસ્તરેલી એક જ માળની ભવ્ય તથા જાજરમાન ઇમારત છે. લૉબીમાં પ્રવેશો. ઝુમ્મર જોઈને જ, આભા થઈ જવું કોને કહેવાય એ સમજાઈ જશે? ૩૦૦ વર્ષો જૂના હાથવણાટના કાશ્મીરી ગાલીચાઓ પર પગ મૂકતાં પહેલાં પગરખાં સાફ કરી લેવાનો વિચાર આવે તો નવાઈ ન પામતા. કોઈને પણ ખચકાટ થાય એટલી સુંદર કારીગીરી છે આ ગાલીચાઓની. આ મુખ્ય મકાનને અડીને જ ડાબે જોડાયેલી છે હોટેલની નવી આધુનિક વિન્ગ. આ પણ એક જ માળની છે, પરંતુ આમાં રૂમ્સ આવેલી છે. આ હોટેલમાં કુલ ૧૧૩ રૂમ છે, જેમાં ૧૦ કૉટેજિસનો પણ સમાવેશ થાય છે. મહારાજા અને મહારાણી સ્વીટ્સ પણ ખરાં. એક વાત અહીં જરૂરથી કહીશ. એક દિવસ ઓછો રહેજો, પરંતુ બને તો રૂમમાં ન રહેતા, કૉટેજમાં જ રહેજો અને એમાં પણ લૉનની ડાબે આવેલાં બે કૉટેજમાંથી એક કૉટેજમાં અથવા વધુ સહયાત્રી હોય તો બન્ને કૉટેજ લઈ લેવાં. આખી હોટેલમાં સૌથી સુંદર લોકેશન આ બે કૉટેજનું છે. મહારાજા તથા મહારાણીનાં સ્વીટ્સ કરતાં પણ. બીજાં કૉટેજિસ પણ સરસ છે, પરંતુ એ પાછળની બાજુએ આવેલાં છે. કોશિશ કરીને પણ આ બે કૉટેજ આગોતરા બુક કરી લેવા. પ્રવાસ પાછો ઠેલવો પડે તો ઠેલી દેવો, એ ચાલશે. અહીં તમામ રજવાડી વૈભવ-સગવડો તમારી તહેનાતમાં હાજર છે.
અહીં પણ હોટેલનો અંગત ઇતિહાસ છે, હોટેલની હેરિટેજ વૉક પણ હોય છે. પાછળ દેખાતા હિમાચ્છાદિત પહાડો આખા પરિસરને કંઈક અલગ જ શાતા, અલગ જ સુંદરતા બક્ષે છે એ ચોક્કસપણે અનુભવી શકાય. આ હોટેલ બેઠા ઘાટની છે, વિશાળતામાં પથરાયેલી છે એમ કહી શકાય. આખો પરિસર હરિયાળો તો છે જ, પરંતુ કૉટેજિસ ઉપરાંત આ હોટેલનું મુખ્ય આકર્ષણ છે, હોટેલની વિશાળ લૉનમાં અડખેપડખે આવેલાં બે પૂર્ણ વિકસિત ચિનારનાં વૃક્ષો. આ ચિનારનાં વૃક્ષોનો તો કંઈક અલગ જ ઇતિહાસ છે. મહાત્મા ગાંધી અને લૉર્ડ માઉન્ટબેટનની અતિમહત્ત્વની રાજકીય મુલાકાતનાં આ વૃક્ષો સાક્ષી છે. જરા વિચારો, હોટેલમાં અંદર બેસવાને બદલે આ બન્ને મહાનુભાવોએ ચિનારના વૃક્ષની છાયા પસંદ કરી. અહીં બેઠક કરી અને કદાચ કોઈ મહત્ત્વના નિર્ણયો પણ લીધા હશે ખરા.
ચાલો, આ ચિનાર જોઈને મારા મનમાં જોરથી ઊમટેલા વિચારની વાત કરું. રાજકીય વાતો, ઇતિહાસ છોડીએ અને કાશ્મીર આવ્યા છે તો થોડી પ્રેમની વાતો કરીએ. આવી આ હરિયાળી લૉન અને આ ચિનારનાં વૃક્ષો જોઈને મારા મનમાં ઊઠેલા એક વિચારે જાણે કે મને ભરડો લીધો હતો. વધુ રહસ્ય ન ઘોળતાં ચાલો ૧૯૮૧માં આવેલી ફિલ્મ ‘સિલસિલા’ની વાત કરીએ. મહાનાયક અમિતાભ બચ્ચનના કંઠે ગવાયેલા આ અદ્ભુત ગીત ‘નીલા આસમાં સો ગયા...’ની પંક્તિઓ, એની ધૂન અને એના ફિલ્માંકનમાં એક લટાર મારીએ. રાતના સમયે ફિલ્માયેલું આ ગીત, અમારી પેઢીના દરેકના હૃદયમાં એક ચોક્કસ સ્થાન ધરાવે છે એ તો નક્કી છે જ. ના યાદ આવતું હોય, તો youtube પર જોઈ લેવું. નાયકના હોઠેથી ગવાઈ રહેલું આ અમર ગીત એકબીજાનો હાથ પકડીને બગીચામાં ટહેલતાં નાયક અને નાયિકા, એક વિશાળ વૃક્ષ નીચે બેસી પડે છે, બેસી રહે છે. સભર, તદ્દન અભાન, એકમેકમાં ઓતપ્રોત અને છેક વહેલી સવારે આંખ ખૂલે છે... બરાબર?
અહીં આ ચિનારના સાંનિધ્યમાં, અમે પણ આ સીનનું રીતસરનું અનુકરણ કર્યું. પ્રબળ લાગણીઓ અને અહીં હાજર રહેલાં તમામ કુદરતી પરિબળો તમારી અંદર રહેલા પ્રેમીને કે પ્રેમિકાને પણ આવું કરવા વિવશ કરે છે. કાશ્મીર હોય અને પ્રેમ ન પ્રગટે એવું ન બને. આ પૅલેસ હોટેલમાં ઘણું બધું ખૂબ સુંદર છે અને ખાસ પણ. સવારનો નાસ્તો લૉનમાં, ખુલ્લામાં જેને તેઓ ચિનાર ગાર્ડન કહે છે. આછેરો પીળો રંગ ધરાવતો ડાઇનિંગ હૉલ પણ એકદમ ભવ્ય છે.
હેરિટેજ વૉક દરમ્યાન મહારાજા અને મહારાણીનો સ્વીટ દેખાડવા લઈ જાય છે અને જો કોઈ ન હોય તો અંદરથી પણ દેખાડે છે. આ બન્ને સ્વીટ્સ પહેલા માળે છે અને સુંદર દાદર તમારું સ્વાગત કરે છે. અખરોટના લાકડાની બનાવેલી છત અનેક ચોરસ આકારમાં વિભાજિત કરેલી છે. દરેક ચોરસમાં અલગ-અલગ સુંદર રચનાઓ છતને વધુ આકર્ષક બનાવે છે. દાદર ચડતાં સામેની દીવાલ પર જ બે વ્યાઘ્રચર્મ અને વચ્ચોવચ મહારાજ કરણસિંહનું પેઇન્ટિંગ ખૂબ આકર્ષક લાગે છે. આ મુખ્ય મકાન એટલે હિમાચ્છાદિત અને હરિયાળા હિમાલયનાં પેઇન્ટિંગ્સની જાણે નાનકડી આર્ટ ગૅલરી જોઈ લો. કાશ્મીરી હાથવણાટના ગાલીચાઓ, લાકડાની સુંદર કોતરેલી કળાકૃતિઓનું એક નાનું શું વિશ્વ જોઈ લો. નાનું કાશ્મીર જ ઊભું કરી દીધું હોય એટલું સુંદર આ મુખ્ય મકાન છે.
અમને એક દિવસ મહારાણી સ્વીટ જોવાનો મોકો મળી ગયો અને શું લખું? એકની અંદર એક એવી ચાર રૂમ અને એકએકથી ચડિયાતા એવા પ્રાચીન વારસાના છડીદારો. યુરોપિયન કલાકૃતિઓ વળી છોગામાં.
મારા ત્રણ દિવસના રોકાણ દરમ્યાન લગભગ પચીસેક પ્રજાતિનાં પક્ષીઓ પણ નિહાળ્યાં આ ૩૫ એકર્સના પરિસરમાં. અમને પાછળનું કૉટેજ મળ્યું હતું એટલે ત્યાં પક્ષીઓનો ખાસ્સો એવો આવરોજાવરો હતો. દરબાર હૉલ કહેવાતા કૉન્ફરન્સ-રૂમની ભવ્યતા પણ માણવા જેવી ખરી. આમ આ પૅલેસ હોટેલ પોતાનામાં જ આખેઆખું કાશ્મીર સમાવીને બેઠી છે એમ કહી શકાય. પાછળ હિમાલય અને સામે દલ લેક, થોડા અંતરે આવેલા શંકરાચાર્ય ટેકરી પર આવેલા મંદિરની મુલાકાત અચૂક લેવી. અહીં વહેલી સવારે એટલાં બધાં પક્ષીઓ જોવા મળે છે કે કોઈ પણ પક્ષીનિરીક્ષકને જલસો થઈ જાય.
અહીં એક વિશેષ સ્થળની વાત સાથે આ પ્રકરણ પૂરું કરીશ. માનવામાં નથી આવતું, પરંતુ શ્રીનગરથી ફક્ત બાવીસ કિલોમીટરના અંતરે આવેલા આ સ્થળનો સમાવેશ કોઈ પણ ટૂર ઑપરેટરની સૂચિમાં નથી. આ સ્થળ એટલે અદ્ભુત અદ્ભુત દચીગામ નૅશનલ પાર્ક. ફક્ત ૧૪૧ સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલા આ નૅશનલ પાર્કનું મુખ્ય આકર્ષણ છે અતિદુર્લભ હાંગુલ ડિયર એટલે કે વિશાળ શિંગડાં ધરાવતું કાશ્મીરી હરણ. સાંભર હરણા કરતાં નાનું કદ, પરંતુ વધારે પ્રમાણમાં શીંગડાં ધરાવતું આ હાંગુલ પ્રજાતિનું હરણ મુખ્યત્વે કાશ્મીરમાં જ જોવા મળે અને દચીગામ એને માટે સર્વશ્રેષ્ઠ સ્થાન છે, એમ કહેવામાં કોઈ પ્રકારની અતિશયોક્તિ નથી. આ સિવાય બન્ને પ્રકારનારં રીંછ પણ અહીં જોવા મળે. ૧૪૫ પ્રજાતિઓનાં પક્ષીઓ ધરાવતો અને એક સમયે આંતકવાદીઓનો અજેય ગઢ ગણાતો આ નૅશનલ પાર્ક ખૂબ સુંદર અને સલામત પણ છે. અહીં ઇલેક્ટ્રિક કાર્ટ્સ ચાલે છે. સહેલાણીઓનો નહીંવત્ પ્રવાહ ધરાવનાર આ નૅશનલ પાર્કમાં એક સવાર ચોક્કસપણે ગાળવી એવું મારું નમ્ર સૂચન છે. આ મુલાકાત એક આગવો અનુભવ થઈ રહેશે એ ચોક્કસ સમજશો.

દચીગામ નૅશનલ પાર્કનું પ્રવેશદ્વાર
તો અહીં પૂરી કરું છું ‘મારા’ કાશ્મીરની વાત અને ‘મારા’ આગવા કાશ્મીરની ઓળખ. ધ ગ્રેટ હેરિટેજ સિરીઝનો એક નવો મણકો લઈ મળીશું આવતા અઠવાડિયે.


