Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > કુદરત જ જ્યારે સેટ બની જાય પછી કાંઈ બાકી રહે?

કુદરત જ જ્યારે સેટ બની જાય પછી કાંઈ બાકી રહે?

Published : 29 October, 2023 02:47 PM | IST | Mumbai
Manoj Shah

ક્વીન્સ ટાઉન ખૂબ સુંદર છે, પરંતુ શહેર માનવનિર્મિત તો ખરુંને? એમ છતાં અહીં તો કુદરત ભરપૂર ઠલવાયેલી હતી. સાહસિક પ્રવૃત્તિઓથી આખો દિવસ ધમધમતું રહેતું આ શહેર સાંજે છ વાગ્યે બધું જ સંકેલીને નિજાનંદમાં મસ્ત થઈ જાય

કૅરિટેન ગામનાં ચરણો પખાળતાં પૅસિફિકનાં તૂટતાં મોજાંનું સૌંદર્ય.

શ્રી કુદરત શરણમ્ મમ:

કૅરિટેન ગામનાં ચરણો પખાળતાં પૅસિફિકનાં તૂટતાં મોજાંનું સૌંદર્ય.


પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય એ સમજવું હોય, અનુભવવું હોય તો ક્વીન્સ ટાઉન પહોંચી જાઓ. પ્લેનમાંથી બહાર પગ મૂકતાં જ નજર ભરાઈ ગઈ, કહો કે ઠરી ગઈ. કુદરતે છુટ્ટા હાથે વેરેલા સૌંદર્યની પ્રથમ ઝલક. પહાડોની ગોદમાં વસેલા કામણગારા ક્વીન્સ ટાઉનના ઍરપોર્ટે મને લેહ ઍરપોર્ટની યાદ અપાવી દીધી. લેહ જોશભેર ખાબક્યું મારા પર. લદાખનું શાશ્વત સૌંદર્ય માનસપટ પર છવાઈ રહ્યું. ક્યાં આ એક હજાર ફુટની ઊંચાઈએ આવેલું ક્વીન્સ ટાઉન અને ક્યાં સાડાઅગિયાર હજાર ફુટની ઊંચાઈએ આવેલું લેહ! કેટલું બધું સામ્ય? પણ એક વાત, લેહ ચડી જાય. હૃદયપૂર્વક. આગળ વધીએ. 

અભિભૂત કરી નાખતું સૌંદર્ય નિહાળતાં-નિહાળતાં અમે બહાર નીકળ્યા. અહીં કોઈ પણ નડતર નહીં. બહાર નીકળ્યા. ફોટો પાડવાનું શરૂ થઈ ગયું હતું. મન કેમેય કરીને માને જ નહીં. પછી ટપાર્યું. આગલા ૧૭ દિવસ આ જ કરવાનું છે. ધીરા પડો બાપલિયા. નવ જણનો રસાલો બહાર નીકળ્યો. ઍરપોર્ટની બાજુમાંથી જ વૅન લેવાની હતી. સામાન સાથે બધાને એક તરફ ઊભા રહેવાનું કહીને હું અને મંજય (નાનો ભાઈ) વૅન લેવા બાજુમાં જ આવેલા પાર્કિંગ લૉટમાં ગયા. કાઉન્ટર પર કંપનીનો કર્મચારી અમારી રાહ જોઈને જ બેઠો હતો. મર્સિડીઝની ૧૨ સીટર વૅન તૈયાર હતી અને એ પણ વળી બે પ્રકારની. એકની ડિકી થોડી નાની લાગી. અમારી અને સામાનની સંખ્યા વિચારીને મોટી ડિકીવાળી વૅન લેવાનું નક્કી કર્યું. શિયાળાની શરૂઆત જ હતી એટલે સારી પકડવાળાં આ નવાં ટાયર્સ ચાલી જશે, એમ કર્મચારી ભાઈએ જણાવ્યું. નહીં તો શિયાળાની ઋતુમાં વળી સાંકળ પણ લેવી પડે, ટાયર પર વીંટાળવા. વૅન ઑલ વિલ ડ્રાઇવ હતી એટલે જો સંભાળપૂર્વક ચલાવશો તો જરા પણ વાંધો નહીં આવે એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું. બધું પેપરવર્ક પતાવ્યું. સૌથી પ્રથમ જીપીએસ સિસ્ટમ લઈ લીધી. આ કોઈ પણ આવા પ્રવાસનું એક અવિભાજ્ય અંગ છે. યાદ રાખીને બધું જ પૂછી લીધું. ફ્યુઅલ ટૅન્ક કેવી રીતે ખૂલે એ સમજી લીધું. બે-ત્રણ વખત ખોલ-બંધ કરીને ચેક પણ કરી લીધું. બધાં બટન્સ સમજી લીધાં. વાઇપર્સ, લૉકિંગ સિસ્ટમ, ટાયર્સની કન્ડિશન જોઈ લીધી. વિન્ડ-સ્ક્રીન ખાસ તપાસી લીધી. બધું બરાબર હતું. ગાડી પણ ફક્ત ૧૦,૦૦૦ કિલોમીટર ચાલી હતી એટલે ટિપ ટૉપ કન્ડિશનમાં હતી. એસીનાં બટન્સ સમજી લીધાં. આવી શરૂઆતમાં લીધેલી નાની-નાની કાળજી આગળ જતાં અનેક અડચણને ટાળી દે છે એ મારો અનુભવ છે. એ ભાઈ તો ડ્રાઇવિંગના નિયમો પણ સમજાવવાના મૂડમાં હતા, પરંતુ મેં રોક્યા. પાણીમાં પડો એટલે તરવાનું આવડી જાય, એવું જ ગાડી ચલાવવાનું છે. અનુભવ હોય અને શાંતિથી ઠંડા મગજથી ચલાવો એટલે બધું બરાબર સાંગોપાંગ પાર ઊતરે. આમ પણ સમગ્ર કુટુંબ સાથે હોય એટલે કોઈ પણ પ્રકારના અળવીતરાવેડા ટાળવા જ પડે. વૅન લીધી. ભાઈનો આભાર માની નીકળ્યા અને કાફલા પાસે પહોંચ્યા. 




ફળોની મોટી પ્રતિકૃતિઓથી અલગ તરી આવતું સુંદર ગામ.

સાંજ પડી રહી હતી. ઠંડો પવન અને ઝીણો વરસાદ શરૂ થઈ ગયો હતો. બધાને બેસાડ્યા અને બૅગ ભરવાનું શરૂ કર્યું. આગળ લખ્યું હતું એમ ૧૭ મોટી બૅગ અને ઘણી બધી નાની હૅન્ડબૅગ વળી અલગથી. ચાલો, ગોઠવો ફટાફટ. અરે યાર, બધું ગોઠવ્યા પછી ત્રણ બૅગ વધી ગઈ. ફરી ખાલી કરો. બેસાડવી તો પડશે જ. મંજયનું ઇજનેરી દિમાગ કામ પર લાગી ગયું. કેટલી વાર લાગી હશે? અનુમાન લગાવો જરા. પચીસ મિનિટની મથામણ, અલગ-અલગ કૉમ્બિનેશન્સ, અંદર-બહાર, ઉપર-નીચે બૅગની ગોઠવણી કરી. આખરે બધી બૅગ ગોઠવાઈ ગઈ. દરવાજો બંધ કરીને, ફરી ખોલીને, બે-ત્રણ વખત જોઈ લીધું. બધું બરાબર. ત્યાં જ એક વિચાર ઝબક્યો. હોટેલ પર જઈને સામાન કાઢવાનો જ છે. ચાર રાતના રોકાણ પછી આ જ સામાન પાછો ભરવો પડશે અને ત્યારે પણ આટલી મથામણ? ના ભાઈ, હવે ન પોસાય. કૅમેરા કાઢ્યો અને ફટાફટ બે ફોટોગ્રાફ પાડી લીધા. આ જ પ્રમાણે બૅગ ગોઠવવાની. રામબાણ ઇલાજ! અને માનશો વાચકમિત્રો, દરેક વખતે આ ફોટો કામ આવ્યો. ફોટો પ્રમાણે જ બૅગ ગોઠવતા જાઓ અને તમે પાંચ મિનિટમાં તૈયાર. આવું સુઝાડવા બદલ પ્રભુ તમારો ખૂબ-ખૂબ આભાર. આવા ઝબકારા-ચમકારા દેખાડતા રહેજો. સૂઝ પાડતા રહેજો. 


કૅરિટેન ગામનાં ચરણો પખાળતાં પૅસિફિકનાં તૂટતાં મોજાંનું સૌંદર્ય.

અહીં અમારો ઉતારો હિલ્ટન હોટેલમાં હતો. આ અમારો આગલા ચાર દિવસનો અડ્ડો બની રહેવાનો હતો. અહીં બેઝ રાખીને ક્વીન્સ ટાઉન અને આજુબાજુના પ્રદેશ ખેડવાના હતા. હોમવર્ક કરેલું હતું એટલે આછી રૂપરેખા તો તૈયાર હતી, પરંતુ આખરી રૂપરેખા હોટેલના કર્મચારીનું માર્ગદર્શન લઈને જ બનાવવાનું નક્કી કર્યું હતું. સરસ ખૂબ જ સુંદર પરિસર છે આ હોટેલનો. અહીં રૂમ્સ પણ છે અને કૉટેજિસ પણ ખરાં. સખત ભૂખ લાગી હતી એટલે સીધા જ ડાઇનિંગ હૉલમાં પહોંચીને નાસ્તો કરી લીધો. 

આગળ લખ્યું એમ, આ સાહસિકોની નગરી ક્વીન્સ ટાઉનમાં અલગ-અલગ ૨૦૦ પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે. બધી જ પ્રવૃત્તિઓ કરવા બેસો તો ૬ મહિના પણ ઓછા પડે. બધા સભ્યોને પૂછીને પ્રાથમિકતા નક્કી કરવાનું શરૂ કર્યું. વાતો ચાલી, દલીલો થઈ, સૂચન અપાયાં, પરંતુ આ બધી મથામણનો એક સુંદર નિષ્કર્ષ નીકળ્યો. બધી જ સાહસિક પ્રવૃત્તિઓને આખા પ્રવાસના દિવસોમાં વહેંચી દેવામાં આવી. ક્વીન્સ ટાઉનમાં બધું હતું, પરંતુ આ વિભાજનને હિસાબે પ્રવાસનો રસ ટકી રહેશે. આનંદને સંપૂર્ણપણે માણી શકાશે અને દરેક પ્રવૃત્તિનો મહત્તમ લાભ મળી રહેશે એ ચોખ્ખું દેખાઈ રહ્યું હતું. જે ફક્ત અહીં જ કરવા મળે એ કરી લેવાં, પરંતુ બાકી ઘણાં બધાં સાહસો જે બીજેથી પણ માણી શકાતાં હોય એ પછીથી કરવાં એમ નક્કી કર્યું. બધી પ્રવૃત્તિઓ એકસામટી કરી લઈએ તો થોડા દિવસોમાં રસ ઓછો થઈ જાય અને પ્રવૃત્તિનો સંપૂર્ણ આનંદ લઈ ન શકાય એટલે આવા નિષ્કર્ષ ફળદાયી નીવડે એ ચોક્કસ. આ ઉપરાંત રખડપટ્ટી તો ખરી જને?  

સરોવર સંગ સાઇક્લિંગનો આનંદ.

બનાવેલા પ્લાન મુજબ એ દિવસે થોડા વહેલા સૂઈને સવારે આઠ વાગ્યે બ્રેકફાસ્ટ કરીને અમારે નીકળવાનું હતું, ન્યુ ઝીલૅન્ડના સાતમા નંબરના અને સાઉથ આઇલૅન્ડના ક્રાઇસ્ટ ચર્ચ પછીના બીજા નંબરના શહેર ડનેડિનની મુલાકાતે. આમ તો સીધેસીધું ગણીએ તો અહીંથી ડનેડિનનું અંતર થાય લગભગ ૨૮૦ કિલોમીટર, પરંતુ અમે થોડાં અંતરિયાળ ગામો આવરી લીધાં હતાં અને થોડા અંદરના રસ્તા લેવાની ગણતરી હતી એટલે અમારું અંતર થતું હતું લગભગ ૩૫૦ કિલોમીટર.  પાછા વળતાં બીજો રસ્તો લેવાનો હતો એટલે બીજાં ૩૦ કિલોમીટર વધી રહ્યાં હતાં. કુલ લગભગ ૭૫૦ કિલોમીટર ગાડી ચલાવવાની હતી. આ ઉપરાંત નાના-નાના વિરામ પણ ખરા. દિવસ વહેલો શરૂ કરવો જ હિતાવહ રહેશે એટલે તૈયાર થઈને સીધા બ્રેકફાસ્ટ માટે આવી જવું અને તરત જ નીકળી જવું એમ નક્કી કર્યું. અત્યારે અહીં ડિનર બહાર લેવાનું નક્કી કર્યું અને બધાં ફ્રેશ થઈને ક્વીન્સ ટાઉનની મુખ્ય બજારમાં આવેલી એક ઇન્ડિયન રેસ્ટોરાંમાં પહોંચી ગયાં, બૉમ્બે પૅલેસ.  સરસ સ્વાદિષ્ટ વાનગીઓ હતી. અહીં મારો બીજો સિદ્ધાંત કોરાણે મુકાયો. બને ત્યાં સુધી ભારતની બહાર ભારતીય ભોજન ન ખાવું, પરંતુ સ્થાનિક વાનગીઓને ન્યાય આપવો એવો મારા કુટુંબનો એક વણલખ્યો નિયમ ખરો, પરંતુ બધાં ભેગાં હોય ત્યારે આવી મમત ન રાખવી. થોડી ઘણી બાંધછોડ જરૂરી થઈ જાય છે. 

ઘેટાં, ઘેટાં, ઘેટાં.... વાહ ન્યુ ઝીલૅન્ડ.
 

ક્વીન્સ ટાઉનનું મુખ્ય બજાર ખૂબ જ સુંદર છે. હોટેલ્સ અને દવાની દુકાનો સિવાય અહીં બધું જ સાંજે સાડાછ વાગતા સુધી બંધ થઈ જાય છે. સહેલાણીઓની મોસમ હોય તો અલગ વાત છે, પરંતુ સામાન્ય દિવસોમાં સાંજે ૬ વાગ્યાની આજુબાજુ બધું બંધ. ઠપ થઈ જાય. સાહસિક પ્રવૃત્તિઓથી આખો દિવસ ધમધમતું રહેતું આ શહેર સાંજે છ વાગ્યે બધું જ સંકેલીને નિજાનંદમાં મસ્ત થઈ જાય છે. ખૂબબધો અંગત સમય અહીં તમને મળી રહે છે. જમીને પાછા હોટેલ પર પહોંચ્યાં અને સવારે સમયસર મળવાનું નક્કી કરી છૂટાં પડ્યાં. ક્વીન્સ ટાઉન સાઉથ આઇલૅન્ડના પશ્ચિમ ભાગમાં આવેલું છે તો ડનેડિન એકદમ જ પૂર્વમાં એમ કહી શકાય. ડનેડિનથી દરિયો ઘણો નજીક છે  એટલે અમે પશ્ચિમથી નીકળી પૂર્વના છેડે જઈ અને વળી પાછા પશ્ચિમમાં આવી જવાના હતા. મોડું તો થવાનું જ હતું, પરંતુ અહીં કોઈ પણ પ્રકારનો ડર નહોતો. આ આખો દેશ ખૂબ સલામત છે. આ વર્ષે એટલે કે ઈસવી સન ૨૦૨૩માં પણ આ દેશ આખા વિશ્વમાં સલામતી માટે બીજા નંબરે આવે છે. સિંગાપોર છેક ૧૧મા નંબરે છે, બોલો. એટલે અહીં જરાય ડર રાખવો નહીં. માણસો ઓછા છે, પરંતુ માનવો ઘણા છે. હૂંફાળા, સંસ્કારી, પ્રેમાળ માનવો. પ્રથમ નંબરે વર્ષોથી આઇસલૅન્ડ આવે છે એ વાચકોની જાણ ખાતર. ચાલો આગળ વધીએ. સવારે એકદમ જ સમયસર નીકળી ગયા અને આગળ વધ્યા.૧૦ કિલોમીટર વધ્યા હોઈશું એટલે ગાડી ઊભી રાખી, ઊભી રાખવી પડી. આમ થોડી ચાલે?! આટલું બધું થોડી વરસી પડાય? કુદરત! ઓહોહો આટલી બધી મહેરબાની? ડાબે મોટું સરોવર, બરાબર બાજુમાં સરોવરની સમાંતરે નાનકડો રૂપકડો રસ્તો, વાદળો, વૃક્ષો અને જમણે નાના-નાના ટેકરાઓ પર ગોઠવાયેલાં મકાનો. મગજ બહેર મારી ગયું હતું. ક્વીન્સ ટાઉન પણ સરસ જ છે. ખૂબ સુંદર છે, પરંતુ શહેર માનવનિર્મિત તો ખરુંને? અહીં તો કુદરત ભરપૂર ઠલવાયેલી હતી, સંપૂર્ણપણે છવાયેલી હતી. ઊતરી પડ્યા. બે સાઇકલસવાર, સંપૂર્ણ મસ્તીમાં, પેલા નાનકડા રસ્તા પર સાઇકલ ચલાવી રહ્યા હતા. અદ્ભુત નઝારો હતો. ફોટોસેશન ચાલુ. કુદરત જ જ્યારે ‘સેટ’ બની જાય પછી કાંઈ બાકી રહે? પંદરેક મિનિટ થઈ એટલે નીકળ્યાં.  હવે આગલા પડાવ સુધી ક્યાંય ઊભાં રહેવું નથી એમ નક્કી કર્યું. થોડાં કિલોમીટર વટાવતાં નજરે ચડે એમ ફળોની વિશાળ પ્રતિકૃતિ ધરાવતા નાનકડા ગામને વટાવ્યું. સુંદર બાંધણી, સુરેખ મકાનો વટાવ્યાં. ચાલતી ગાડીએ ફોટો પાડવા હોય તો પાડો, ગાડી ઊભી નહીં રહે. આગલો પડાવ હતો ૫૦-૬૦ કિલોમીટર પછી. પચાસેક કિલોમીટર તો ‘વાહ વાહ’, ‘આહ આહ’, ‘અહીં જો, ત્યાં જો’ના ઉદ્ગાર સાથે વટાવ્યાં અને જમણે ક્રૉમવેલ ગામ નજરે ચડ્યું. આ જ પડાવ હતો? હા,  લખેલી માહિતી પ્રમાણે જમણે સરોવરને કાંઠે વસેલા ક્રૉમવેલ ગામનું પાટિયું દેખાય એટલે ગાડી ઊભી કરી દેવી એવી સૂચના હતી. નઝારો માણવાલાયક છે અને ખરેખર, સવારના કુમળા પ્રકાશમાં ક્રૉમવેલ ઝળાહળા થઈ રહ્યું હતું. નમણા, નાજુક, અદ્ભુત વળાંકો ધરાવતું આવું ગામ પડાવ માટે ન હોય. અહીં તો રોકાણ રખાય. ખરેખર સર્વે સર્વનામો ઓછાં પડે, ખરી પડે એવું અદ્ભુત છે આ ગામ. જોયા જ કરો, જોયા જ કરો. અપલક. વળી વધુ લલચાવવા, લાકડાની બેન્ચ પણ મુકાઈ છે. અલગ-અલગ સ્થળનાં દિશાસૂચનો માટેની તકતીઓ એક થાંભલા પર લાગેલી હતી અને એ પણ એટલી જ આકર્ષક. ફોટો-સેશન નંબર-2 ચાલુ. મજા પડી ગઈ. જલસો જ જલસો. ચાલો ચાલો, આગળ વધીએ. અમારા બધામાં અલગ પ્રકારનો ઉત્સાહ છવાઈ ગયો હતો. માણી રહ્યા હતા. હવે અંતરિયાળ રસ્તા શરૂ થઈ ગયા હતા. બન્ને બાજુ લીલીછમ ધરતી અને વચ્ચેથી સુંદર બનેલા રસ્તા પર સરકી રહેલી અમારી ગાડી. ડાબી બાજુના ખૂણે લીલા રંગમાં એકાદ સફેદ ટપકું દેખાયું અને પછી ટપકાં દેખાયાં. ઘેટા! ઓહોહો! સેંકડો ઘેટાં આરામથી નિરાંતે લીલુંછમ ઘાસ ચરી રહ્યાં હતાં. સફેદ ઊનના દડા જોઈ લો જાણે. ગજબનાક સુંદર દૃશ્યનું આંખો સમક્ષ અનાવરણ થઈ રહ્યું હતું. મક્કમ મન રાખીને ગાડી ઊભી ન રાખી. આ દેશ અમને ઘેલા કરી મૂકશે એ પાકું હતું. સહજપણે ગીતો સ્ફુરી ઊઠ્યાં. એક પછી એક હિન્દી, ગુજરાતી, અંગ્રેજી પણ ખરાં. હૉલીવુડ, બૉલીવુડ, ઢોલીવુડ બધાનો નંબર લાગી રહ્યો હતો. ગાડી સડસડાટ સરકી રહી હતી. સુંદર રસ્તા ડ્રાઇવિંગને વધારે આનંદિત કરી રહ્યા હતા. ડ્રાઇવિંગના નિયમો પણ સમજાઈ રહ્યા હતા. ગમે ત્યારે, ગમે ત્યાંથી ઓવરટેક ન કરી શકાય, રાહ જોવાની, ધીરજ રાખવાની. દર પાંચ કે સાત કિલોમીટરના અંતરે સિંગલ રસ્તો પહોળો થાય, ડબલ રસ્તો બને ત્યારે જ તમે ઓવરટેક કરી શકો, પરંતુ આ બધું ખૂબ સરળતાથી થયા કરે. ખોટી હાયવોય શું કામ રાખવી? આરામથી ગાડી જઈ રહી હતી. આજુબાજુ ડાફોળિયાં મારતાં-મારતાં, હસતાં-હસાવતાં, ગાતાં ગવડાવતાં અમે લગભગ બીજાં ૧૫૦-૨૦૦ કિલોમીટર વટાવ્યાં અને દૂર ક્ષિતિજ પર પરિચિત ખાલીપો ડોકાયો. દરિયાકિનારાના આગમનનાં આવાં એંધાણ આપણા મુંબઈગરા માટે અજાણ્યાં નથી. દરિયાઈ આકાશ આપણું પોતીકું છે. મુંબઈની ઓળખ છે. ખબર પડી ગઈ કે દરિયાઈ ગામ નજીક આવી રહ્યું હતું. જીપીએસમાં જોયું કૅરિટેન ગામ આવી રહ્યું હતું.

આ એક માછીમારોનું ગામડું છે, પરંતુ લાગે જ નહીં. એકદમ જ આધુનિક અને સૉફિસ્ટિકેટેડ. નાની-નાની નૌકાઓ દેખાઈ. અરે આ શું? આંખો બે વાર ચોળી. આભમાં મેઘધનુષ રચાયેલું હતું. પેઇન્ટિંગ જોઈ લો જાણે. ઇન્દ્રધનુષના રંગોના લસરકા આકાશને વધુ સભર, વધુ સુંદર બનાવી રહ્યા હતા. એક નાનકડી ફાટક આવી. ખુલ્લી હતી, પરંતુ અહીં બધું જ સુંદર હતું. આ પણ સુંદર લાગી રહ્યું હતું. ફાટક વટાવીને થોડા આગળ વધ્યા ત્યાં તો નજર ભરાઈ ગઈ. આજના દિવસે આવી સુખદ ઘટના ત્રીજી વાર ઘટી. આછા બ્લુ રંગના પાણીને લીધે દરિયો ખીલી ઊઠ્યો હતો. આંખો સમક્ષ અફાટ ફેલાયેલો દરિયો, દરિયાની વચ્ચોવચથી નીકળી રહેલું ઇન્દ્રધનુષ, જાણે કોઈ ઈશ્વરી પીંછીથી રચાઈ રહેલી કૃતિ,  લખાઈ રહેલી કવિતા. આ દૃશ્ય હટકે હતું. ગાડી ડાબે-જમણે, ડાબે-જમણે વળતી-વળતી પહોંચી ધાતુની તકતી લાગેલા છેવાડાના એક મેદાનમાં. ગાડી ઊભી રહી ન રહી કે લોકો કૂદી પડ્યા. છોકરાઓ તો નાચી રહ્યાં હતાં. કાળી માટીનું નાનુંશું મેદાન. મેદાનને લાગીને જ પથરાયેલી લીલા ઘાસની બિછાત અને બિછાતના અંતિમ છેડેથી તમારી નજરને અપહરણ કરીને,  પોતાની તરફ ખેંચી રહેલો, સંમોહિત કરી રહેલો પૅસિફિક મહાસાગર. અગાધ, અગૂઢ અર્ણવ. કૅરિટેન ગામનાં ચરણ પખાળી રહેલાં,  દૂધ સમ ભાસતાં, તૂટી રહેલાં દરિયાઈ મોજાં. અલૌકિક કલ્પનાતીત દૃશ્ય, સૌંદર્ય! શું કહું? કેવી રીતે કહું? શું કામ કહું? ભાવવિભોર, વિવશ, બેસી પડેલો, હું. કુદરતની લીલાઓ સામે લાચાર, વામણો, યાચક બની ઘૂંટણિયે બેસી પડેલો હું. હું વગરનો હું. અત્ર, તત્ર, સર્વત્ર અણુ-અણુમાં વ્યાપી રહેલો હું. સકળ સૃષ્ટિને પામી રહેલો હું. વિચ્છેદ શબ્દનો સાચો અર્થ અહીં અત્યારે આ ક્ષણે સમજાઈ રહ્યો હતો. એક જ  ઉદ્ઘોષ  ચોમેર, શ્રી કુદરત શરણમ‍્ મમ.                           
પ્રવાસ આગળ વધારીશું, આવતા અઠવાડિયે.

વૅનમાં બૅગની ગોઠવણીનો ફોટો.

Whatsapp-channel Whatsapp-channel

29 October, 2023 02:47 PM IST | Mumbai | Manoj Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK