જ્યાં તમે વર્તમાનકાળમાંથી પ્રવેશો છો અને ભવ્ય ભૂતકાળનું એક પાત્ર બનીને એક કાળખંડની જાત્રા આદરો છો. આ કોઈ મહેલ નહીં પરંતુ એક અજાયબ ઘર છે જ્યાં દરેક વળાંકે, દરેક દીવાલે, દરેક ઓરડે અને દરેક દાદરે અલગ ઇતિહાસની ગાથા ખુદ જાણે જીવંત થયેલી છે
દુનિયાનું લાંબામાં લાંબું ડાઇનિંગ ટેબલ ધરાવતો ભવ્ય ડાઇનિંગ રૂમ
ગયા અઠવાડિયે લખ્યા મુજબ ફલકનુમા પૅલેસ તો નિઝામ વંશના અનેક ભવ્ય મહેલોમાંનો ફક્ત એક મહેલ હતો. મૂળભૂત રીતે તો મોગલ સામ્રાજ્યના દક્ષિણના સૂબા એવા આ વંશની દોમ-દોમ સાહ્યબીનું રહસ્ય જાણવું છે? જગતના ધનવાન લોકોની યાદીમાં આગવું સ્થાન ધરાવતા આ વંશની સાહ્યબી અને જાહોજલાલીનું ફક્ત એક જ કારણ હતું અને એ કારણ એટલે ગોલકોંડાની હીરાની ખાણો.
મોગલ શહેનશાહ ઔરંગઝેબનું ઈસવીસન ૧૭૦૭માં મૃત્યુ થયું અને ઈસવીસન ૧૭૨૪માં મોગલો વિરુદ્ધ બળવો કરી, યુદ્ધ જીતીને નિઝામવંશ સતારૂઢ થયો તે છેક ઈસવીસન ૧૯૪૭ એટલે કે ભારતની આઝાદી સુધી. નિઝામ વંશે ૨૨૪ વર્ષ સુધી રાજ કર્યું. શરૂઆતનાં સો-સવાસો વર્ષ સુધી આખા જગતમાં અહીંથી જ હીરા વેચાતા હતા. ગોલકોંડાના હીરા એટલા પ્રસિદ્ધ હતા કે હીરાની ગુણવત્તાના માપદંડ માટે સદીઓ સુધી ગોલકોંડા હીરા આ શબ્દોનો વપરાશ થતો હતો. વિશ્વના અત્યાર સુધીના સૌથી પ્રખ્યાત હીરા આ ગોલકોંડાની ખાણોમાંથી નીકળેલા જ હીરા છે. જેકબ ડાયમન્ડ, જે અધધધ કહી શકાય એવો ૧૮૩ કૅરૅટનો, આ હીરો તો તત્કાલીન નિઝામ પેપરવેઇટ તરીકે વાપરતા હતા. આવી તો જાહોજલાલી હતી નિઝામ વંશની. આ ઉપરાંત અહીંથી મળેલા પ્રખ્યાત હીરાઓની જરા યાદી જોઈએ? કોહિનૂર, બ્લુ હોપ, ગુલાબી ઝાંય ધરાવતો દરિયા-એ-નૂર, વાઇટ રીજન્ટ, તદ્દન રંગહીન ઓરલોવ, અકબર શાહ, નિઝામ અને ગ્રેટ મોગલ હીરો... આ યાદી હજી લાંબી બની શકે, પરંતુ અત્યારે આ આપણો વિષય નથી. હજી પણ નિઝામનાં અમૂલ્ય ઝવેરાતોનું અદમ્ય આકર્ષણ આખી દુનિયાને છે ખરું. નિઝામનું ઝવેરાત આવી એક અલગ જ શ્રેણી છે ઝવેરાતોની દુનિયામાં એ સુવિદિત છે.
ADVERTISEMENT

વેનિસનાં ઝુમ્મરો અને યુરોપિયન કારીગરીની કમાલ
ખેર પૅલેસની વાત કરીએ. મે ૨૦૧૪માં મારી પ્રથમ મુલાકાત અને ડિસેમ્બર ૨૦૨૧માં બીજી વારની મુલાકાત, પરંતુ મહેલની ભવ્યતામાં કોઈ જ ફરક નહીં. ૨૦૨૧માં પણ ૨૦૧૪ જેવું જ તાજું સૌંદર્ય. ભવ્યતાની મિસાલ. જોકે હું ૨૦૧૪ના મારા પ્રથમ અનુભવની જ વાત કરીશ; કારણ કે ત્યારે બધું જ નવું હતું, તાજું હતું. અને પ્રથમ અનુભૂતિ તો અલગ જ હોયને? બેમાપ ઐશ્વર્યનો આવિષ્કાર હતો આ મુલાકાત. ખૂબ જ વાંચ્યું હતું એટલે ઉત્સુકતા તો હતી જ. આ ઉપરાંત મુંબઈથી ગાડી લઈને હૈદરાબાદ ગયા હતા, કારણ કે ફલકનુમાની મુલાકાત હતી. વટ તો રાખવો જ પડેને? ના રે મિત્રો, મજાક કરું છું. લૉન્ગ ડ્રાઇવની મજા જ કંઈ ઑર હોય છે એટલે ભારતમાં ઘણી જગ્યાઓ પર લગભગ ગાડી લઈને જતો હોઉં છું. એથી વિશેષ કંઈ જ નહીં .
સૌથી સુંદર પાસું જો હોય તો એ આ મહેલનું લોકેશન છે. હૈદરાબાદથી આમ નજીક પણ ખરું અને આમ દૂર પણ. આખેઆખી ટેકરી જ પોતાની છે અને ટોચ પર પૅલેસ. રાજમહેલના તોતિંગ દરવાજા પર ગાડી પાર્ક કરી. બે પડછંદ દરવાનોએ સલામ ભરી. ચાવી આપી દીધી અને હજી થોડા આગળ વધ્યા કે એક સુંદર બગી આવીને ઊભી રહી. વાહ, નવાબી સ્વાગત. અહીંના બધા ઠાઠમાઠ જ અલગ હતા. બગીમાં ગોઠવાયા અને અમારી સવારી પૅલેસ તરફ આગળ વધી. શું પરિસર! અદભુત. ડાબે-જમણે કરતાં-કરતાં, અંતરિયાળ રસ્તા વટાવતા બગી મહેલના પ્રાંગણમાં ઊભી રહી. અમે ઊતર્યા. બે સીડીઓ ડાબે અને જમણેથી ઉપર જઈ રહી હતી. કારભારી જેવા લાગતા એક સજ્જને અમને ડાબેના દાદરેથી ચડવાનું કહ્યું અને ઉમેર્યું ‘નિઝામસાહેબ હંમેશાં ડાબેનો જ દાદર વાપરતા.’ ચાલો આપણે પણ ડાબેથી. હજી ચડવાનું શરૂ કર્યું કે ઉપરથી વાજિંત્રો વાગ્યાં અને અમારા પર ગુલાબની પાંખડીઓનો અભિષેક થયો. દેશી ગુલાબની કોમળ પાંખડીઓથી રાજવી સ્વાગત! ખરેખર મહેમાનોને ખાસ લાગવું જોઈએને? મહેલની ભવ્યતા જોઈને જ અમે તો આભા થઈ ગયા હતા. મહેલની બહારની દીવાલોનો રંગ પણ આછેરો વાદળી અથવા કહો કે આછો ગ્રે હતો. અમને પછીથી ખબર પડી કે આ દીવાલોને ફલકનુમા એટલે કે આકાશની આરસી બનાવવા માટે પંદરેક વખત રંગવામાં આવી હતી. આટલી ચોકસાઈ? બારીકી? વાહ! અમે અંદર દાખલ થયા અને જાણે ઠરી જ ગયા. તાજુબ પામી ગયા. હવે તો વાહ નીકળવાનું પણ બંધ થઈ ગયું હતું. બધાં સર્વનામો પણ અહીંની ભવ્યતા સામે ફિક્કાં લાગે. ખરેખર રાજવી ઠાઠમાઠ કોને કહેવાય એ બરાબર સમજાઈ ગયું. શું ઠસ્સો હશે નિઝામસાહેબનો? ગજબ.
થોડો વખત તો લૉબીમાં જ બેસી રહ્યા. આજુબાજુ ડાફોળિયાં મારતા રહ્યા. એક જુઓ ને એક ભૂલો. જાણે અમે બઘવાઈ જ ગયા. થોડું બેઠા ત્યારે માંડ-માંડ ફલકનુમા ગળે ઊતર્યો. મગજને ટપાર્યું કે હજી તો ત્રણ દિવસ અહીં જ રહેવાનું છે. શાંતિથી માણીશું આ જાહોજલાલીને, આ મહેલને, ઇતિહાસને. વેલકમ લેટર સાથે આખા દિવસ દરમિયાન અહીં ચાલતી રહેતી અનેક પ્રવૃત્તિઓનો પણ ચિતાર આપેલો હતો. આમાં સૌથી વધારે ધ્યાન ખેંચ્યું હેરિટેજ વૉક એટલે કે આખા મહેલની ટૂર પ્રવૃત્તિએ. અને માનશો, મેં બંને દિવસ આ ટૂર કરી. ક્યાંય બહાર પગ જ ન મૂક્યો. જરૂર જ નહોતી. બીજા કશા માટે ન સમય હતો, ન કોઈ પણ પ્રકારની રુચિ હતી. ફલકનુમા એક ટાપુ છે જાણે. અલગ જ વિશ્વ તમારી સમક્ષ જોઈ લો. સ્વાગતના પત્ર સાથે આખા મહેલનો નકશો પણ આપ્યો હતો, જે મેં હજી પણ સાચવી રાખ્યો છે. મેં રિસેપ્શન કાઉન્ટર છોડતાં પહેલાં ફોટોગ્રાફી વિશે પણ પૂછી લીધું. ‘Allowed’ આ શબ્દ આટલો મધુરો ક્યારેય લાગ્યો નહોતો કાનને, મનને અને અંદરના ફોટોગ્રાફરના આત્માને. એટલી શાતા વળી છે કે ન પૂછો વાત. ત્રણ વાગી ગયા હતા એટલે બપોરના ભોજનનો રૂમમાં જ પ્રબંધ કરી આપ્યો. હેરિટેજ વૉકનો સમય સાડાત્રણ વાગ્યાનો હતો અને આ મોકો છોડવો નહોતો એટલે જમવાનું ફટાફટ પતાવીને બહાર નીકળી ગયા. દસેક મિનિટ મોડા હતા, પણ તેમણે અમારા જોડાવાની રાહ જોઈ. વાહ તાજ! અદભુત સામૈયું! વૉક શરૂ કરતાં પહેલાં મહેલનાં ઇતિહાસ, ભૂગોળ, લોકેશન વિશે ઘણીબધી માહિતી આ મહેલના ખાસ ઇતિહાસકારે આપી, જે આગલા અઠવાડિયે લખ્યું હતું. જેમ-જેમ ચાલતા ગયા, ફરતા ગયા, જાણે કોઈ કીમતી ખજાનો ખૂલી ગયો. ખૂલ જા સિમ સિમ! કોઈ જાદુઈ પટારો ખૂલી ગયો. અચરજ, કુતૂહલ, કૌતુક આગળ જતાં અહોભાવમાં પલટાઈ ગયાં. મહેલ જાણે કોઈ મહેલ નહીં પરંતુ એક અજાયબ ઘર સમજી લો. દરેક વળાંકે, દરેક દીવાલે, દરેક ઓરડે, અરે... દરેક દાદરે અલગ-અલગ ગાથા, ઇતિહાસ ખુદ જાણે જીવંત થઈને સમજાવી રહ્યો હતો. પડળો ખૂલી રહ્યાં હતાં, આવરણો હટી રહ્યાં હતાં. કેટલાંય વર્ષો આળસ મરડીને સજીવ થઈ ઊઠ્યાં હતાં. બેજોડ સૌંદર્ય અનાવૃત થઈ રહ્યું હતું. ફોટો ન પાડવાનું નક્કી કર્યું હતું, કારણ કે એના માટે સમય જોઈએ, શાંતિ જોઈએ. અહીં ઉતાવળને અવકાશ નહોતો એટલે અત્યારે ફક્ત જાણવાનું નક્કી કર્યું. ફોટોગ્રાફ્સ બીજા દિવસે, વહેલી સવારે, બપોરે, સાંજે અને રાત્રે લીધા હતા એ જણાવી દઉં.

ગાલીચા તથા અનોખા ફર્નિચરની કમાલ ધરાવતો ગોળાકાર બેઠકખંડ.
નિઝામની દરિયાદિલી કહો કે મજબૂરીની વાત વગર આમાં આગળ નહીં વધાય. મહેલના ફર્નિચર પર, ક્યાંક-ક્યાંક કાર્પેટ પર, લાકડાની કમાનો પર, અરીસાઓ પર ‘ VO’ લખેલા મોનોગ્રામ તમારું ધ્યાન ખેંચ્યા વગર રહે નહીં. પૂછતા જણાવ્યું કે VO એટલે આ મહેલનું સપનું સેવનાર અને સપનાને સાકાર કરનાર કૈસર-એ-હિન્દ, સર વિકાર-અલ-ઉમરાના નામના પ્રથમ અક્ષરો જોડીને બનાવેલો મોનોગ્રામ. વિકારનો V અને Oomraનો O... થઈ ગયું VO. નિઝામસાહેબે આ કોઈ પણ જગ્યા પર બદલાવ્યું નહીં એ તેમનો બનેવી તરફનો આદર ગણો કે પછી દરિયાદિલી ગણો, એક હકીકત છે. મહેલની મરામત અને મૂળભૂત સ્વરૂપને પુનર્જીવિત કરવા માટે અનેક દેશી-વિદેશી નિષ્ણાતો અને પેઢીઓની સેવા લેવામાં આવી હતી. જેમ કે ડિઝાઇન માટે લંડનસ્થિત WATG નામની પેઢી. લૅન્ડસ્કેપિંગ માટેનું નામ જાણીને થોડી નવાઈ લાગે, પરંતુ બાલીસ્થિત P. T. Wijiya નામની પેઢી. અનેક પ્રકારના કાપડના નિષ્ણાત માર્કંડસિંઘનો અમૂલ્ય ફાળો કેમ ભુલાય અને આખા મહેલની ફરતે ટેરાકોટાની થાંભલીઓની હરોળ માટે તો એ વખતના જે કારીગરો હતા તેમના વંશજોને ગોતી-ગોતીને એકદમ જ અદલોઅદ્દલ કામ કરાવ્યું હતું. આ બધા ઉપર ફરી રાણીસાહેબા તો ખરાં જ જેમણે આ મહેલને એના મૂળભૂત રૂપમાં પૂર્ણ કળાએ ખીલેલી અવસ્થામાં જોયો હતો અને એક નવોઢા તરીકે માણ્યો હતો. મહેલમાં બિછાવેલા ગાલીચાઓની પણ પ્રતિકૃતિ એટલે કે ત્યારના મૂળભૂત રંગો પામવા ગાલીચાઓને અને કાર્પેટને કેટલીયે વખત ડાય કર્યાં અને સફળતા પણ મેળવી ખરી. આગળ વધીએ.

દરબાર હૉલ ગ્રૅન્ડ બૉલરૂમદરબાર હૉલ ગ્રૅન્ડ બૉલરૂમ
લૉબી વટાવીને અમે પ્રવેશ્યા ડાઇનિંગ હૉલમાં. દુનિયાનું લાંબામાં લાંબું ડાઇનિંગ ટેબલ, જેનો ઉપયોગ એક સમયે ૧૦૧ લોકો કરી શકે એવડું મોટું. લગભગ ૮૦ ફુટ લાંબું ડાઇનિંગ ટેબલ અને બંને તરફ ગોઠવેલી ખુરશીઓ એ વખતની જાહોજલાલીની ગાથા માંડે છે. ડાઇનિંગ રૂમની દીવાલો પર અલગ-અલગ ખાસ વાનગીઓનાં ૨૮ પેઇન્ટિંગ લાગેલાં છે. નિઝામસાહેબને જે વાનગી ખાવી હોય એના તરફ ઇશારો કરે એટલે એ વાનગીની તૈયારી શરૂ થઈ જાય. વળી આ રૂમમાં એવી તકનીકી કરામત છે કે એક છેડે બેઠેલી વ્યક્તિ છેક સામે છેડે બેઠેલી વ્યક્તિ સાથે પણ એકદમ જ સહજતાથી વાત કરી શકે. મોટેથી બોલવાની કે બરાડો પાડવાની જરૂર જ નહીં. ખરું કૌશલ. નિઝામસાહેબના જૂના સાચવી રાખેલા ફોટો જોઈ-જોઈને ફરીથી ખાસ ઇંગ્લૅન્ડથી જ બનાવેલી કટલરી જુઓ તો આભા બની જવાય. આખા મહેલમાં તમને વેનિસ અને ઇટલીમાં બનાવેલાં વિશાળકાય ઝુમ્મરો, બેલ્જિયમના અરીસાઓ, ઇટાલિયન માર્બલથી બનાવેલી કલાકૃતિઓ, ફ્રેન્ચ ઘડિયાળો, યુરોપિયન પેઇન્ટિંગ્સનું પ્રભુત્વ નજરે ચડ્યા વગર રહે જ નહીં. મહેલના ઉપરના માળે લઈ જતા દાદરની વાત કરવી જ રહી. એક વિશાળ સીડી, ગાલીચાજડિત પચીસેક આરસનાં પગથિયાં, દર દસ પગથિયે અલગ-અલગ અદામાં માથે લૅમ્પ રાખીને તમને આકર્ષિત કરતી નાજુક-નમણી લલનાઓની કલાકૃતિઓ, જમણી દીવાલને શોભાવતા અનેક મહાનુભાવોના ફોટોગ્રાફ્સ. સીડીના પહેલા પડાવે પહોંચતા જ સામેની દીવાલને શોભાવતું સોનેરી ઢોળ ચડાવેલી ફ્રેમમાં નિઝામ છઠ્ઠા શ્રી મીર મેહબૂબ અલી ખાનનું વિશાળકાય પેઇન્ટિંગ તમને કોઈ અલગ જ વિશ્વમાં દોરી જાય છે. મહેલના દરેક ભાગમાં ઐશ્વર્ય છલકતું અનુભવાય.

અદ્ભુત મુખાકૃતિ ધરાવતી સ્ટેઇન ગ્લાસ વિન્ડો
સાંજની ચાનો સમય થઈ ગયો અને તમે પ્રવેશો છો મહેલના કદાચ સુંદરતમ સ્થાને, જેને જેડ રૂમ કહેવાય છે. આ એક રૂમ નહીં, એક વિશાળ ખંડ કહો કે એક વિશાળ વિભાગ છે. અદભુત રાચરચીલું, ટીકવુડની બેઠકો અને અનેક કાચનાં કબાટો તમારું સ્વાગત કરે છે. જેડ રૂમમાં નિઝામસાહેબે એકત્રિત કરેલી અનેક અદભુત કલાકૃતિઓને આ કાચનાં કબાટોમાં પ્રદર્શિત કરી છે. આ તો કદાચ તેમના સંગ્રહનો દસમો ભાગ પણ નહીં હોય, પરંતુ કાબિલે તારીફ કલેક્શન. આછા લીલા રંગે રંગાયેલા જેડ રૂમમાં રત્નોથી બનેલી અનેક કલાકૃતિઓનો પણ એક વિશેષ સંગ્રહ છે. હાઈ ટીને ન્યાય આપીને, જેડ રૂમને માણીને પહોંચો તમે રોઝવુડની કોતરણીવાળી છત, વિશાળકાય ઝુમરો અને ભવ્ય યુરોપિયન કમાનોવાળા પડદા ધરાવતા દરબાર હૉલ એટલે કે બૉલરૂમ, ગ્રૅન્ડ બૅન્ક્વેટ હૉલમાં. આ હૉલ કદાચ આખા મહેલનો સૌથી ઠસ્સાદાર હિસ્સો હશે.

મહેલની પ્રખ્યાત સીડી, કલાકૃતિઓ અને ફોટોગ્રાફ્સ
દરબાર હૉલ વળોટો અને પ્રવેશો મારા પાગલપણા અને ઝનૂનમાં વધારો કરતી લાઇબ્રેરીમાં. શું લખું? કેટલું લખું? આ લાઇબ્રેરી એટલે કોઈ પૂજાખંડ જોઈ લો. મા સરસ્વતીનું મંદિર, જ્યાં મહિનાઓ વિતાવી શકાય. લગભગ ૬,૦૦૦ ખાસમખાસ પુસ્તકો અહીં વસાવેલાં છે. આમાં પણ ખાસ તો નિઝામસાહેબે વ્યક્તિગત પસંદ કરેલા અનેક અલભ્ય કુરાન પાકના ગ્રંથોનો સંગ્રહ વિશેષ છે. આ ઉપરાંત કેટલાંય દેશી, વિદેશી પ્રાચીન પુસ્તકોની પ્રથમ આવૃત્તિઓ તમને ઘેલા-ઘેલા કરી મૂકે છે. એક જુઓ ને એક ભૂલો... અને મેં ખરેખર વૉક છોડી દીધી, રહી પડ્યો અહીં જ. બાકીના હિસ્સાની યાત્રા બીજા દિવસે કરી હતી. આ કેમ કરીને છોડાય? અનેક પુસ્તકોને તો મેં ફક્ત પસવાર્યા જ કર્યાં. અનોખી શાતા, અદભુત શીતળતા. આ ખંડ એટલે સૌથી પાક જગ્યા. પવિત્ર જ્ઞાનની ગંગોત્રી જ સમજો. લાઇબ્રેરીની છત અખરોટના ઝાડના લાકડામાંથી બની છે. આ લાઇબ્રેરી બ્રિટિશ રાજવી કુટુંબના વિન્ડસર કૅસલની લાઇબ્રેરીની પ્રતિકૃતિ છે એ વાચકોની જાણ ખાતર.

કલાકૃતિઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન ધરાવતો જેડરૂમ
આ મહેલનાં બીજાં અનેક આકર્ષણોમાં, સૌંદર્યમાં વધારો કરે છે અનેક ખ્યાતનામ યુરોપિયન ચિત્રકારોનાં પેઇન્ટિંગ્સ. દુનિયાનું એકમાત્ર અધધધ કહી શકાય એવું બે ટન વજન ધરાવતું, હાથ વડે ચાલતું નેવું પાઇપ્સ ધરાવતું, પાઇપ ઑર્ગન એટલે કે એક પ્રકારનું હવાથી ચાલતું વાદ્ય અથવા કહો કે વાજિંત્ર. આ ઉપરાંત અહીંના બિલિયર્ડ્સ ટેબલની પણ વાત કરું. ખાસ ઑર્ડરથી આ પ્રકારનાં બે જ ટેબલ ઇંગ્લૅન્ડમાં બનાવ્યાં હતાં. એક ટેબલ બ્રિટનના શાહી બકિંગહેમ પૅલેસમાં છે અને બીજું અહીં છે ફલકનુમામાં. અલગ-અલગ કેટલીયે મુખાકૃતિઓ ધરાવતી સ્ટેઇન્ડ ગ્લાસ વિન્ડોઝની અદભુત કારીગરી જોઈને લગભગ દરેકેદરેક મુલાકાતી દંગ રહી જાય છે. આ મહેલનો એક હિસ્સો જે ગોલ બંગલો કહેવાય છે ત્યાં રાત્રિભોજન કરવું. હૈદરાબાદ શહેરનો આનાથી વધુ સુંદર નજારો ક્યાંય જોવા નહીં મળે એ મારી ગૅરન્ટી છે. છેને જલસો? આમ ફલકનુમા સાચા અર્થમાં એક ટાઇમ મશીન છે જેમાં તમે વર્તમાનકાળમાંથી પ્રવેશો છો, ભવ્ય ભૂતકાળના એક પાત્ર બનીને એક કાળખંડની જાત્રા આદરો છો. એક ચોક્કસ સમયકાળને જીવો છો, માણો છો અને આ યાત્રાને આત્મસાત્ કરીને ફરી પાછા વર્તમાનમાં હાજર થઈ જાવ છો. ફલકનુમા એટલે આકાશની નહીં પણ ઇતિહાસની આરસી, હૃદયનો ધબકાર.

યુરોપિયન લૉબી અને આરસની બેન્ચિસ
હેરિટેજ શ્રેણીનો બીજો મણકો લઈને જઇએ છીએ ભાવનગર... તો મળીએ આવતા અઠવાડિયે.


