દાર્જીલિંગનો દબદબો હવે કદાચ પહેલાં જેવો નથી રહ્યો, પરંતુ અહીંની દોઢસો-બસો વર્ષ જૂની વિન્ડમેર હોટેલ તમને એ જ જૂના બ્રિટિશકાળની અનુભૂતિ કરાવશે. બ્રિટિશ છાંટવાળી મહેમાનગતિ તમને ક્ષણભર માટે બ્રિટિશ લૉર્ડ અથવા તો રાણી એલિઝાબેથ જેવી ફીલ આપી શકે છે
દાર્જીલિંગ
ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશથી આ વખતે ચાલો ઉત્તર-પૂર્વ ભારતમાં. હિમાલયની ધારે-ધારે હવે આપણે વધી રહ્યા છીએ વિશ્વનાં ઉચ્ચતમ શિખરોના પ્રદેશમાં. નેપાલ, ભુતાન, સિક્કિમના પહાડોના સહવાસમાં આવેલા દાર્જીલિંગમાં. સામાન્ય જાણકારી મુજબ પહાડોની રાણીની વાત આવે એટલે બધાને મસૂરી યાદ આવે, પરંતુ આ શિરપાવ પણ પ્રાદેશિક છે એ મને પણ મારી દાર્જીલિંગની મુલાકાત દરમિયાન ખબર પડી. બેશક, ઉત્તર ભારતમાં મસૂરીને પહાડોની રાણી કહે છે. દક્ષિણ ભારતમાં પણ પહાડોની રાણી છે અને એ છે પ્રખ્યાત ઊટી એટલે કે ઉટાકામંડ અને કંઈક આવું જ છે ઉત્તર-પૂર્વનું. અહીંની પહાડોની રાણી છે દાર્જીલિંગ. આમ દરેક ક્ષેત્રમાં આવી રાણીઓનું વર્ચસ રહેલું છે. રાણી શું કામ? કારણ કે આ બધાં સ્થળોએ સુંદર, સૌંદર્યવાન ખીણપ્રદેશ અને શાલીન, સુરેખ પર્વતમાળાઓ છે. આ બંને કુદરતી પરિબળોનું સાયુજ્ય આ સ્થળોને એક નજાકત અને નમણાશ બક્ષે છે જે ફક્ત રાણીમાં જ હોય. રાજાઓના નસીબમાં આ બધું હોતું નથી એવું મારું માનવું છે. અહીં રાજા ફક્ત એક જ છે - પર્વતાધિરાજ હિમાલય. સાષ્ટાંગ.
અંગ્રેજોએ આમ તો અનેક સારાં કામો પણ કર્યાં હતાં; પરંતુ મારા મતે આવાં અનેક રમણીય સ્થળોને, ભલે પોતાના સ્વાર્થ માટે, શોધવાનું અને પછી વિકસાવવાનું સૌથી સરસ કામ કર્યું એમ કહેવાય. કદાચ તેમણે તેમના વતનની ઝાંખી અનુભવવા આ ભગીરથ કાર્યો કર્યાં હશે, પરંતુ આ કામો કાબિલે તારીફ છે એમાં કોઈ શક નથી. ઈસવીસન ૧૬૦૮માં ભારતમાં પ્રવેશનાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ૧૫૦ વર્ષમાં સારુંએવું વર્ચસ સ્થાપી દીધું હતું. ઈસવીસન ૧૭૫૭ સુધીમાં તો આખા ભારતમાં જાણે તેમની આણ પ્રવર્તતી હતી. અનેક રાજ્યોમાં તો તેમણે રાજકીય બાબતોમાં પણ પ્રવેશ કર્યો હતો. આ વર્ષો દરમિયાન તેમનું સમગ્ર વર્ચસ કેન્દ્રિત હતું કલકત્તામાં. કલકત્તા જ ભારતનું પાટનગર કહેવાતું. કલકત્તાનો અનેરો દબદબો હતો. બધા જ મહત્ત્વના હોદ્દેદારો અને અમલદારો કલકત્તામાં જ રહેતા અને સમગ્ર દેશનો વહીવટ કરતા. શિયાળામાં તો ઠીક, ઉનાળામાં કલકત્તામાં રહેવું દુષ્કર થઈ પડતું એટલે તેમણે નજર દોડાવી પહાડો પર. ૧૯મી સદીની શરૂઆતમાં અનેક સ્થળો શોધાયાં અને સ્થપાયાં પણ ખરાં. ઉત્તરપૂર્વીય ભારતના આ વિસ્તારમાં સિક્કિમના રાજાનું રાજપાટ હતું. આખો પ્રદેશ તેમને આધીન હતો. તમે બંગાળનો નકશો જોશો તો ખબર પડશે કે સિક્કિમ એટલે બંગાળનો સૌથી ઉત્તરીય વિસ્તાર પશ્ચિમે નેપાલ અને પૂર્વમાં ભુતાનની બરાબર વચ્ચે આવેલો છે. દક્ષિણમાં બંગાળ અને વધુ નીચે જતાં આવે અત્યારનું બંગલા દેશ. સિક્કિમથી વધુ ઉપર એટલે કે ઉત્તરમાં જતાં આવે તિબેટ અને પછી આવે ચીન. એટલે કલકત્તામાં રહીને રાજ ચલાવતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નજર ઠરી દાર્જીલિંગ પર. અહીંથી હિમાલયનાં લગભગ વીસેક ઉચ્ચતમ શિખરો નજરે ચડે છે અને આમ જુઓ તો દાર્જીલિંગ વિશ્વના ત્રીજા ઉચ્ચતમ શિખર કંચનજંઘાની ગોદમાં જ વસેલું છે એમ કહેવાય. અહીંથી આ શિખરનો નજારો જોઈને કોઈને પણ અહીં રહી પડવાની લાલચ થાય ખરી. આમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ પણ અપવાદ નહોતા. તેમને તો જાણે સ્કૉટલૅન્ડ અને ઇંગ્લૅન્ડના પહાડો મળી ગયા. ઠંડક પણ યુરોપ જેવી જ. તેમણે ઈસવીસન ૧૮૩૫માં સિક્કિમના તત્કાલીન રાજવીઓ જેઓ ‘ચોગ્યાલ’ કહેવાતા તેમની પાસેથી ૪૦૦ સ્ક્વેર કિલોમીટરનો પટ્ટો ભાડે લીધો. આમાં પણ અંગ્રેજોની ઘણીબધી ગણતરીઓ હતી.
ADVERTISEMENT
આ પર્વતીય વિસ્તારમાં કાયમ માટે વીજળીના કડાકા-ભડાકા, બર્ફીલા તોફાનો, વરસાદી વાવાઝોડાં થતાં રહેતાં. ટૂંકમાં, કુદરતી આફતો આવતી રહેતી અને એટલે જ આ વિસ્તાર ત્યારે દોરજે-લિંગ કહેવાતો. આ એક તિબેટિયન શબ્દ છે જેમાં દોરજે એટલે વીજળીના કડાકા-ભડાકા અને લિંગ એટલે પ્રદેશ થાય છે. કડાકા-ભડાકાનો પ્રદેશ દોરજે-લિંગ આગળ જતાં અપભ્રંશ થઈને દાર્જીલિંગ થઈ ગયો. બ્રિટિશ અમલદારોને અને વહીવટકારોને મજા પડી ગઈ. કલકત્તા આઠ મહિના પાટનગર રહેતું અને ઉનાળામાં પાટનગર થઈ જતું નવું-નવેલું દાર્જીલિંગ.
ખંધા અને વિચક્ષણ અંગ્રેજોની એક બીજી ગણતરી પણ હતી. ઈ.સ ૧૯૩૩માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ચીન સાથેની ચાના વેપાર માટેની યુતિ તૂટી ગઈ હતી. અત્યાર સુધી ચાના વેપાર પર બ્રિટિશ એકહથ્થુ ઇજારાશાહીનો અંત આવી ગયો હતો અને ચીન સાથેની બધી જ વાટાઘાટો પણ નિષ્ફળ ગઈ હતી. દાર્જીલિંગના પહાડો, એના ઢોળાવ અને આબોહવા ચાના પાક માટે સાનુકૂળ હોવાનું અંગ્રેજોનું અનુમાન હતું અને એટલે જ તેમણે આ મોટો વિસ્તાર ભાડે લઈને ઈસવીસન ૧૮૪૦માં જ જંગલો કાપીને ઢોળાવ પર ચાના બગીચાઓ બનાવવાનું શરૂ કરી દીધું હતું. આના માટે જોઈતા મજૂરો નેપાલ, ભુતાન, સિક્કિમથી લાવ્યા અને માનશો, આ અખતરો સફળ નીવડ્યો. દાર્જીલિંગની ચા તો ચીનથી પણ ચડિયાતી નીકળી. દુનિયાની સર્વશ્રેષ્ઠ ચાના ઉત્પાદક તરીકે દાર્જીલિંગ પ્રસ્થાપિત થઈ ગયું, પંકાઈ ગયું. દાર્જીલિંગના સુવર્ણકાળની આ તો હજી શરૂઆત જ હતી. અનેક અંગ્રેજ વેપારીઓ અહીં આવી ચડ્યા. ચાની ખેતી ધમધમાટ ચાલી નીકળી. તેમની કાર્યપદ્ધતિ મુજબ અંગ્રેજોએ મજૂરોનું શોષણ શરૂ કર્યું અને અમાનવીય રીતે ચાલુ પણ રાખ્યું. મજૂરો વિફર્યા અને વિદ્રોહ ફાટી નીકળ્યો, પરંતુ શાણા અને મુત્સદી અંગ્રેજોએ આ વિદ્રોહને તકમાં ફેરવી નાખ્યો અને ઈસવીસન ૧૮૪૯માં એટલે કે ફક્ત ૧૪ જ વર્ષમાં તેમણે ૧,૭૦૦ સ્ક્વેર કિલોમીટરના વિસ્તારની નોંધણી કંપનીના નામે કરી નાખી. રાજકીય કાવાદાવા અને કુનેહનો એક ઉત્તમ નમૂનો. દાર્જીલિંગ લોકપ્રિય થઈ પડ્યું. ઉચ્ચ હોદ્દેદારો અને અમલદારોના અહીં કાયમના ધામા થઈ પડ્યા. ચાના બગીચાના માલિકો પણ ખરા અને મજૂરો પણ ખરા. એક સમયે આ વિસ્તારમાં લગભગ ૬૪,૦૦૦ મજૂરો ચાના બગીચાઓમાં કામ કરતા. હા, ૬૪,૦૦૦. આખું દાર્જીલિંગ કોઈ બ્રિટિશ કૉલોની જ જોઈ લો. મકાનોની બાંધણી, બંગલાઓ, મૅન્શન્સ, ક્લબ્સ, હોટેલ્સથી દાર્જીલિંગ જીવંત થઈ ઊઠ્યું. દોરદમામ જાહોજલાલી વધતી ચાલી. આ બધા સાથે અંગ્રેજી શાળાઓ પણ આવી. આખા પૂર્વ ભારતની સર્વશ્રેષ્ઠ શાળાઓ દાર્જીલિંગમાં સ્થપાઈ. અંગ્રેજી એટલે કે બ્રિટિશ સંસ્કૃતિનો વ્યાપ વધતો ચાલ્યો. સમગ્ર ભારતનાં અનેક મોભાદાર કુટુંબોના નબીરાઓ, રાજવી વંશજો, અમલદારોનાં બાળકો આ પ્રતિષ્ઠિત શાળાઓમાં ભણતાં.
કલકત્તાનો સિતારો બુલંદ હતો. ચાના વેપાર સાથે ટ્રેનની જરૂરિયાત પણ વર્તાણી અને ઈસવીસન ૧૮૮૧માં તો રેલવે શરૂ પણ થઈ ગઈ. આ પર્વતો પર રેલવેમાર્ગ બાંધવાનું સરળ નહોતું, પરંતુ અંગ્રેજોની શિસ્ત અને આયોજનશક્તિ કમાલની હતી. રેલવેમાર્ગ બાંધ્યો અને ચાલુ પણ કર્યો, જે હજી સુધી ચાલુ છે. નાનકડી રેલગાડીને ત્યારે ટૉય ટ્રેન કહેતા અને હજી પણ આ તારીખ સુધી એને ટૉય ટ્રેન જ કહેવાય છે. હવે તો આ ટૉય ટ્રેન અને આખા રૂટનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્યારે દાર્જીલિંગનાં ચારથી પાંચ મુખ્ય આકર્ષણો છે. સૌપ્રથમ આવે માઉન્ટ કંચનજંઘા. અહીંનો સૂર્યોદય તથા પથરાયેલું અમાપ કુદરતી સૌંદર્ય. પછી આવે આ ટૉય ટ્રેન. આના બેથી ત્રણ રૂટ્સ છે. સૌથી લાંબો એટલે કે આઠ કલાકનો છે, જે ન્યુ જલપાઈગુડી સ્ટેશનથી થઈને ઘૂમ રેલવે સ્ટેશનનો છે. દાર્જીલિંગની ઊંચાઈ ૬,૭૦૦ ફુટ છે તો અહીં આવેલા ઘૂમની ઊંચાઈ છે લગભગ ૭,૪૦૦ ફુટ. બીજો રૂટ છે બે કલાકનો જે પ્રવાસીઓને આ યાત્રાનો આછેરો અંદાજ આપે છે. આ રૂટ છે દાર્જીલિંગ સ્ટેશનથી ઘૂમ સ્ટેશન અને પરત. આ ૧૪ કિલોમીટરનો જ રૂટ છે, પરંતુ આનું મુખ્ય આકર્ષણ છે બતાસિયા લુપ્સ. ટ્રેન એક સુંદર બગીચાની ફરતે ચક્કર મારીને આ જ ટ્રૅક્સ પર વિરુદ્ધ દિશામાં પ્રવાસ કરીને પાછી ફરે છે. સમયનો અભાવ હોય તો આ રૂટ પર એક અનોખા અનુભવ માટે ચક્કર મારવું ખરું. હવે વાત કરીશ મારા પ્રિય રૂટની. આ રૂટ જંગલ સફારી તરીકે ઓળખાય છે. કુલ ૫૬ કિલોમીટરનું અંતર કાપતો આ રૂટ છે સિલિગુડી જંક્શનથી રાંગતોંગ થઈને તીનધારિયા અને પરત. જોકે આ રૂટનો રોમાંચ અલગ છે. મહાનંદા વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરીમાંથી આરામથી હળવે-હળવે પસાર થતો આ પ્રવાસ તમને અંદરથી તરબતર કરી દેશે એ નક્કી. મહાનંદાનાં ગાઢ જંગલો જુઓ, અનેક પક્ષીઓ નિહાળો કે વરસાદ હોય તો વળી વરસાદી ધુમ્મસ માણો. આ એક મહામૂલો અનુભવ લેવા જેવો ખરો. બાળકો જો સાથે હોય તો તેમના માટે એક કાયમી સંભારણું. કુદરતી વૈભવ, મા પ્રકૃતિનો અસબાબ કોને કહેવાય એ આ રૂટ સમજાવે છે, અનુભવ કરાવે છે.
હવે એક એવા આકર્ષણની વાત જે રોમાંચક પણ છે અને જોખમી પણ; પરંતુ જોખમ ખેડ્યા વગર રોમાંચ, સફળતા મળે ખરા? જ્યારે હિમાલયની પર્વતમાળા તમારી સન્મુખ હોય, આંખોમાં અંજાઈ જાય એટલું નજીક કંચનજંઘાનું શિખર હોય, વિશ્વનાં ઉચ્ચતમ વીસ શિખરોને તમે નિહાળી શકતા હો, એમનું સાંનિધ્ય અનુભવી શકતા હો ત્યારે પર્વતારોહણની શાળાની જરૂર તો ખરી જને? સર એડમન્ડ હિલેરી અને તેન્ઝિંગ નોર્ગેના એવરેસ્ટના આરોહણને બિરદાવવા તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ ઈસવીસન ૧૯૫૪માં અહીં હિમાલય માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ (HMI)ની સ્થાપના કરી હતી. અહીં વિશ્વભરમાંથી અનેક સાહસવીરો પર્વતારોહણની કેળવણી લેવા આવે છે. તમે ક્યાંય પણ શીખેલા હો, કેટલા પણ અનુભવી હો; પરંતુ હિમાલયને જાણવા, પર્વતમાળાને સમજવા અહીં HMIમાં તાલીમ લેવી ઘણી ફળદાયી નીવડે છે એ હકીકત છે. હિમાલયનાં શિખરોના આરોહણ માટે આ સંસ્થામાં તાલીમ લેવી ખૂબ જ જરૂરી છે એ જાણશો. બીજાં પણ ઘણાં બધાં આકર્ષણો છે, મેં તો ફક્ત મુખ્ય આકર્ષણો વિશે લખ્યું.
આમ દાર્જીલિંગનો પોતાનો એક આગવો મિજાજ છે, અલ્લડપણું છે, રાજવીઓ જેવી તાસીર છે, ખૂબ જ સમૃદ્ધ ઇતિહાસ છે અને ભવ્ય ભૂગોળ છે. એક સમયે જેની પડઘમ ચોમેર વાગતી એ દાર્જીલિંગ કલકત્તાની જાહોજલાલીની સાથે જેમ વિકસ્યું એવી જ રીતે કલકત્તાની પડતી સાથે પડ્યું પણ ખરું. ભારતીય રાજકારણમાં, સ્વતંત્રતા-સંગ્રામમાં ઈસવીસન ૧૯૨૦ સુધી કલકત્તાનો જે સિંહફાળો હતો એ ધીમે-ધીમે ઓછો થતો ચાલ્યો. સ્વતંત્રતા પછી પણ સામ્યવાદી માનસિકતા, નક્સલાઇટ પ્રવૃત્તિઓ આ બધાએ કલકત્તાનો ભોગ લીધો અને એનું મહત્ત્વ ઘટતું ચાલ્યું.
દાર્જીલિંગનું આકર્ષણ છેક ૧૯૭૦-’૭૫ સુધી હતું; પરંતુ પછી અલગ ગોરખાલૅન્ડની ચળવળ, બંગાળના રાજકારણ આ બધાનો ભોગ દાર્જીલિંગ પણ બન્યું. અત્યારના દાર્જીલિંગનું બંગાળીઓ અથવા આજુબાજુના પ્રવાસીઓને આકર્ષણ હશે ખરું; પરંતુ પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તરના ભારતીયો માટે અત્યારનું દાર્જીલિંગ ખાસ મહત્ત્વ ધરાવતું નથી. અતિશય ગીચ, ગંદકી, પ્રવાસીઓની ગિરદી અને કોઈ અજબ જ ઉદ્વેગ અને આક્રોશ ધરાવતા દાર્જીલિંગનું આકર્ષણ ધીમે-ધીમે ઘટી રહ્યું છે એ સુવિદિત છે. સિક્કિમ હજી પણ ઘણા પ્રવાસીઓને આકર્ષે છે અને આ જ પ્રવાસના ભાગરૂપે તેઓ એક કે બે દિવસ કદાચ દાર્જીલિંગને ફાળવે પણ છે; પરંતુ દાર્જીલિંગનું જે પહેલાં આકર્ષણ હતું, ઘેલછા હતી એ અત્યારે રહી નથી એ હકીકત છે. હવે મારે વાત કરવી છે આ શ્રેણીના મુખ્ય વિષયની એટલે કે અહીં સ્થિત એક એવી હેરિટેજ પ્રૉપર્ટીની, હોટેલની જેણે હજી પણ દાર્જીલિંગનો ખરો મિજાજ સાચવીને રાખ્યો છે. કોઈ દાબડામાં મનગમતું મોતી કે ઘરેણું રાખે એમ, જે કાળના પ્રવાહને અતિક્રમીને, સમયની થપાટોને અવગણીને પણ અડીખમ છે. સમયને સંકોરીને, રાજના એ જ દિવસોના, સમયના તમને સાક્ષીદાર, હિસ્સેદાર બનાવે છે એ હોટેલની વાત આજે માંડવી છે. આગળ લખ્યા મુજબ ઈ.સ. ૧૮૩૫માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સિક્કિમના રાજા પાસેથી ૪૦૦ સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર ભાડે લીધો અને ધીમે-ધીમે આ વિસ્તારને વિકસાવવાનું શરૂ કર્યું.
વાચકમિત્રો, દાર્જીલિંગનું ત્યારનું સૌંદર્ય અપ્રતિમ હતું. નેપાલ, ભુતાન, સિક્કિમનાં જંગલો, પહાડો આ બધી ત્યારે સ્વર્ગભૂમિ કહેવાતી. અંગ્રેજ અમલદારો, કર્મચારીઓ, કુદરતના અભ્યાસીઓ, પ્રકૃતિપ્રેમીઓએ અહીં આવવા, રહેવા જાણે રીતસરની દોટ મૂકી હતી. અહીં દાર્જીલિંગમાં એક ઉચ્ચતમ ટેકરી હતી જેનો ઉપયોગ આકાશ-દર્શન, હિમાલય-દર્શન માટે થતો. આ ટેકરી ઑબ્ઝર્વેટરી હિલ તરીકે ઓળખાતી, લોકપ્રિય હતી. સરકારે આ ટેકરીનો ઉપયોગ આ બધા લોકોને સમાવવા, સાચવવા માટે કરવાનું નક્કી કર્યું અને ઈસવીસન ૧૯૪૧માં સ્થાપના થઈ અદા વિલાની જેનો અર્થ થાય છે ઉમદા રહેઠાણ. અહીં અદા કોઈ ઉર્દૂ શબ્દ નથી, ઉમદા કામ માટેનો જર્મન કે યુરોપિયન શબ્દ છે. અદા વિલા એક હૉસ્ટેલ હતી જ્યાં અમલદારો અને અધિકારીઓ રહેતા. સમય જતાં ચાના બગીચામાં કામ કરતા બ્રિટિશ કર્મચારીઓ પણ અહીં રહેતા. ઉચ્ચ બ્રિટિશ પરિવારોનું આ ધામ હતું. આમ આ હૉસ્ટેલ ખૂબ જ પ્રવૃત્ત રહેતી, ધમધમતી રહેતી. ઈસવીસન ૧૮૮૦માં આ વિલા વિસ્તરી. બીજાં થોડાં મકાનો ઉમેરાયાં. હૉસ્ટેલની પ્રસિદ્ધિ વધતી ચાલી. છેક કલકત્તા, મુંબઈ, ઉત્તર ભારતથી અમલદારો અહીં આવવા માટે રીતસર પડાપડી કરતા. બ્રિટિશ એટિકેટની ઓળખ હતી આ વિલા. શિસ્ત, આયોજન અને સંસ્કૃતિની છડીદાર જોઈ લો જાણે. આ હૉસ્ટેલને અડીને જ બીજો વિસ્તાર વિકસ્યો, જેને ચૌરસ્તા કહે છે. હજી સુધી આ દાર્જીલિંગનો મોટામાં મોટો ચોક છે. સાંજ પડે એટલે રહેવાસીઓ, પ્રવાસીઓ અહીં આવે, એકબીજાને હળે મળે, છોકરાઓ રમે ને એવુંબધું. અહીં પણ થોડી હોટેલ્સ આવી ગઈ. એકદમ જ નખશિખ અંગ્રેજ સંસ્કૃતિનું પાલન થતું રહ્યું. વર્ષો સુધી, સદીઓ સુધી, અત્યાર સુધી. હા, અત્યાર સુધી. માલિકો બદલાયા પરંતુ અહીંનો માહોલ, રીતભાત, રહેણીકરણી જરા પણ બદલાઈ નથી. છેને નવાઈની વાત? હવે જરા કલ્પના કરો. તમે હોટેલના ડાઇનિંગ રૂમમાં બેઠા છો જ્યાં હાફ પૅન્ટ અલાઉડ નથી, ચંપલ અલાઉડ નથી, લઘરવઘર દેખાવું અલાઉડ નથી. તમે બેઠા છો. હાથમાં ગ્લવ્ઝ પહેરેલો બટલર તમારી પાસે આવે છે. અભિવાદન કરી, તમારું તથા પરિવારના હાજર સદસ્યોનું પૂરું માન જાળવી, બ્રિટિશ છાંટવાળું અંગ્રેજી ઠપકારી, ગણગણતા હોય એટલી હળવી રીતે, જરા પણ ખોટો અવાજ કર્યા વગર તમારો ઑર્ડર લે, પીરસે, પૂરેપૂરી લગનથી, સભ્યતાથી તમને જમાડે. કેવું લાગે? જાણે તમે અચાનક કોઈ બ્રિટિશ અમલદાર નામે લૉર્ડ જેમ્સ ક્લાર્ક થઈ ગયા, સ્ત્રીઓ લેડી ઇઝાબેલ થઈ ગઈ હો એવું લાગેને? અદ્દલ આવી જ અનુભૂતિ મને મારી બંને વખતની મુલાકાત વખતે થઈ. બે મુલાકાતોમાં પંદર વર્ષનો સમયગાળો નીકળી ગયો, પરંતુ અહીં કોઈ જ બદલાવ નહોતો. એ જ ચોખ્ખાઈ, એ જ ચોકસાઈ, એ જ શિસ્તબદ્ધતા, કામ પ્રત્યેની એ જ કટિબદ્ધતા, એ જ આવકાર અને મુખારવિંદ પર એ જ આછેરું સ્મિત. કંઈ જ બદલાયું નહોતું.
સુંદર મજાનો પરિસર એ જ, યુરોપીય બાંધણી ધરાવતાં મકાનો એ જ, મકાનોની બહારનો તથા અંદરનો રંગ પણ એ જ, ફર્નિચર પણ એ જ, દીવાલો પરનાં ફોટો અને પેઇન્ટિંગ્સ પણ એ જ, ગાદલાં-ચાદરો બદલાયાં હશે પરંતુ ચાદરનો રંગ પણ એ જ. દોઢસો-બસો વર્ષથી આવી અડીખમ, અકબંધ, અખંડ, સંસ્કૃતિ. વાહ ભાઈ વાહ. આ હોટેલના નામનો પણ ખૂબ રસપ્રદ ઇતિહાસ છે એ જણાવું .
ઈસવીસન ૧૯૩૯માં જ્યારે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત હતી અને અહીં પણ આપણો સ્વતંત્રતા-સંગ્રામ ચરમસીમા પર હતો ત્યારે સમય વર્તીને ઘણા અંગ્રેજો પાછા જવા લાગ્યા. ટી એસ્ટેટ્સ વેચાવા લાગ્યા. બંગલાઓ-મકાનો વેચાવા લાગ્યાં. અદા વિલા પણ વેચાણ માટે આવી ત્યારે અહીં રહેતા થોડા અંગ્રેજોએ આ વિલાને સાચવી રાખવા માટે એને ખરીદવાનું નક્કી કર્યું. તેમણે આ વિલાને ઠીકઠાક કરીને હોટેલમાં પરિવર્તિત કરવાનું ઠરાવ્યું. આ બધામાં આગળ પડતાં એક મૅડમ હતાં - શ્રીમતી જેરટ્રુડ બેરપાર્ક. આ અંગ્રેજ બાનુ ઇંગ્લૅન્ડના લેક ડિસ્ટ્રિક્ટનાં મૂળ વતની હતાં. વિન્ડરમીઅર નામના સરોવરને લાગીને આવેલું તેમનું ગામ પણ વિન્ડરમીઅર અને વળી આ ગામમાં વિન્ડરમીઅર નામની હોટેલ પણ ખરી. બીજા બધાએ તેમને ખૂબ આગ્રહ કર્યો કે આ હોટેલનું નામ પણ આપણે વિન્ડરમીઅર રાખીએ, પરંતુ મૅડમના મગજમાં આ વાત બેઠી નહીં. એટલે બધાએ મળીને એક સરળ ઉપાય કાઢ્યો. હોટેલના નામના સ્પેલિંગમાં `er` ની બદલે `a` મૂકી દીધો અને નામ થઈ ગયું વિન્ડમેર. બધા પક્ષો ખુશ. આ શરૂઆત હતી આ હોટેલની. તમે માનશો, આ હોટેલનું રજિસ્ટ્રેશન એક પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે થયેલું છે. તારીખ છે ૮ માર્ચ ૧૯૩૯. આટલી જૂની ભારતની જૂજ કંપનીઓ જ હજી પણ અસ્તિત્વ ધરાવે છે. અંગ્રેજો જતા રહ્યા, આવતા રહ્યા, પ્રવાસીઓ બનીને આવતા ગયા, આપણે સ્વતંત્ર થઈ ગયા, એ પછી પણ ઍન્ગ્લો ઇન્ડિયન આવતા રહ્યા, અંગ્રેજ લોકો ઇંગ્લૅન્ડથી, સ્કૉટલૅન્ડથી ખેંચાતા રહ્યા, પોતાનાં મૂળિયાં સાથે જોડાયેલા રહેવાનો અનુભવ લેવા, વડવાઓના ઇતિહાસને ખોળવા-વાગોળવા અહીં આવતા રહ્યા. હજી પણ ત્રીજી પેઢી, ચોથી પેઢીના વંશજો આવે છે અહીં.
હોટેલ વિસ્તરતી રહી. ઈ.સ ૧૯૫૮માં હોટેલને અડીને જ આવેલો કૂચબિહારના રાજાનો બંગલો તથા નાની-નાની બંગલીઓ પણ ખરીદી લેવામાં આવી અને આ બધાનો હોટેલના પરિસરમાં ઉમેરો કરવામાં આવ્યો. કુલ ૩૮ રૂમ, વિલા, બંગલાઓ ધરાવતી આ હોટેલ અત્યારે આખી ટેકરી પર પથરાયેલી એકમાત્ર હોટેલ છે એમ કહી શકાય. બે મુખ્ય ભાગમાં આ હોટેલ વહેંચાયેલી છે. આમાંનો પણ એક ભાગ જે અદા વિલાવાળો છે એ વળી બે પેટા-વિભાગમાં વહેંચાયેલો છે. ઑબ્ઝર્વેટરી હાઉસ જેમાં દસ રૂમ છે અને એનાબેલ હાઉસ જેમાં આઠ રૂમ છે. કૂચબિહારના પરિવારના બંગલા તથા નાની-નાની બંગલીઓના વિભાગને સ્નગરી કહે છે. સ્નગરીમાં બધાં જ કૉટેજિસ તથા વિલા છે. આ ઉપરાંત અદા વિલાનું ખ્યાતનામ પ્રાંગણ તો ખરું જ. પ્રાંગણ સિવાય રસોઈઘરનું અલાયદું મકાન, લાઇબ્રેરીનું મકાન જેમાં દાર્જીલિંગ હિમાલયન રેલવે એટલે કે DHR ક્લબ આવેલી છે એ તથા બીજા અનેક બંગલાઓ. આ હોટેલની ખાસ વાત. અહીં નંબર નથી. દરેક રૂમ, વિલા, કૉટેજને નામ આપેલાં છે. પ્રખ્યાત વ્યક્તિઓ જે આ હોટેલમાં આવીને રહી ગઈ છે તેમના નામ પરથી.
આખી હોટેલનો સૌથી સુંદર બંગલો છે ‘ફરગેટ મી નૉટ’ નામનો અલાયદો બંગલો, જે હનીમૂન કપલ્સ અથવા આ હોટેલના એકાંતમાં પણ વધુ એકાંત વાંછતા પ્રવાસીઓ માટે આદર્શ છે. આ અલાયદા બંગલાની અગાસી પરનું દૃશ્ય તમને અહીં જ બેસી રહેવા તથા કુદરત સાથે એકાંત માણવા મજબૂર કરી નાખશે એ ચોક્કસ સમજશો. અમે બંને વખત ખાસ આગોતરું બુકિંગ કરાવીને ટિન્કર બેલ્સ કૉટેજમાં રહ્યા હતા. આ બે બેડરૂમ, સિટિંગ રૂમ તથા બહાર નાનો બગીચો ધરાવતું અલગ જ મકાન છે. આ કૉટેજનું લોકેશન એને ફરગેટ મી નૉટ પછીનું સૌથી પસંદગીનું સ્થાન બનાવે છે. લાઇબ્રેરીનો ખંડ, ડાઇનિંગ રૂમ અને અદા વિલાની પરસાળ, જ્યાં અંગ્રેજોના જમાનાનું પોસ્ટ-બૉક્સ છે એની વાત માંડીએ તો બીજાં પાનાંઓ પણ ઓછાં પડે. પોસ્ટ-બૉક્સ હજી પણ ચાલુ છે. મેં અહીંથી લખેલો અને આ પોસ્ટ-બૉક્સમાં પોસ્ટ કરેલો પત્ર લંડનમાં મારા મિત્રને સમયસર પહોંચી ગયો હતો. લાઇબ્રેરીમાં કેટલાંય અલભ્ય પુસ્તકો અહીંનું ખાસ આકર્ષણ છે. અવ્વલ દરજ્જાની રસોઈ માટે પણ આ હોટેલ પ્રખ્યાત છે. અહીંની ભીંડીફ્રાયનો સ્વાદ તો આ લખતી વખતે પણ મોંમાં પાણી લાવી દે એટલો દાઢે વળગેલો છે.
અહીંની ક્રિસમસની ઉજવણીની વાત કર્યા વગર આ લેખ અધૂરો ગણાશે. આખા અઠવાડિયાની આ ઉજવણી ખાસમખાસ અને વિદેશોમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે. વર્ષોથી એકસરખી થતી આવતી આ ઉજવણી રાજના દિવસોની ઝાંખી કરાવે છે. કેટલાંય યુગલો દર વર્ષે આ હોટેલની ક્રિસમસ માટે ખાસ ભારત આવે છે એ જાણીને હું નવાઈ પામી ગયો હતો. વધારે નવાઈ એ લાગી જ્યારે અહીંના મૅનેજરે મને કહ્યું કે એક વિદેશી યુગલ સતત ઓગણીસ વર્ષથી ક્રિસમસ અહીં જ ઊજવે છે. જતી વખતે જ આગલા વર્ષ માટે બુકિંગ કરાવતા જાય. પરસાળમાં બે-ત્રણ બેન્ચ લાગેલી છે જેના પર આ હોટેલમાં મળ્યાં હોય, હળ્યાં હોય અને પરણ્યાં હોય એવાં યુગલોનાં નામની તકતીઓ પણ તમને જોવા મળે છે. આમ અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પારિતોષકવિજેતા, કેટલીયે ફિલ્મોનો ભાગ બનેલી આ વિન્ડમેર હોટેલ એક સ્થગિત થઈ ગયેલો સમયકાળ છે, સાક્ષીભાવનો ઉત્તમ જીવતો-જાગતો દાખલો છે. દાર્જીલિંગના પહાડોની માફક અવિચળ છે જેના પર કાળચક્રની, ઋતુચક્રની અસર નહીંવત્ છે. વરસાદ પડે છે, બરફ પડે છે, તોફાની વાયરાઓ વાય છે છતાં એ છે - અડીખમ, અકબંધ. જેણે સમયને પણ માત આપી છે એવી આ હોટેલ ઇતિહાસનો એક નોખો-અનોખો અનુભવ છે, ત્રણ કે ચાર દિવસ અહીં રહીને દોઢસો-બસો વર્ષના સમયકાળને જીવવા માટેનો એક અનેરો અવસર છે, ઇતિહાસનો પડઘો છે, સમયની ગુંજ છે, હૃદયની ઊર્મિઓથી સ્પંદિત થઈને હળવી હલકથી ગવાતું ગીત છે, કુદરતથી આચ્છાદિત હળવું સંગીત છે. વિન્ડમેર હળવેથી ચગળવાની, મમળાવવાની વાત છે, સમયની સોનેરી ભાત છે. શ્રેણીના આગલા મણકાની વાત લઈને મળીશું આવતા અઠવાડિયે.


