તામિલનાડુ રાજ્યના તિરુનેલવેલી જિલ્લાનું કુટ્રાલનાથર મંદિર ભગવાન શિવને સમર્પિત લોકપ્રિય મંદિરોમાંનું એક છે. અહીં વિષ્ણુ ભગવાન પણ લિંગ સ્વરૂપે બિરાજે છે
મંદિરની તસવીર
૧૯૨૯ની ૩૦ સપ્ટેમ્બરે ધ બીબીસી (BBC)એ બ્રિટિશ ઑડિયન્સ માટે ટેલિવિઝન પર લાઇવ ટ્રાન્સમિશન રજૂ કર્યું, જે વિશ્વનું સૌપ્રથમ લાઇવ ટેલિકાસ્ટ કહેવાયું. એ પછી ૧૯૫૧ની ૪ સપ્ટેમ્બરે અમેરિકાના નાગરિકોએ પ્રથમ વખત ટેલિવિઝનનો લાઇવ કાર્યક્રમ જોયો. ભારતમાં એનાં આઠ વર્ષ બાદ એટલે ૧૯૫૯9માં ઇડિયટ બૉક્સનું પદાર્પણ થયું અને ૧૫મી સપ્ટેમ્બરે દિલ્હીના મંડી હાઉસથી એક જીવંત કાર્યક્રમ પેશ થયો, જે દેશનાં અન્ય શહેરોમાં પણ પ્રસારિત થયો.
ખેર, એ સમયે ટેક્નૉલૉજીની દૃષ્ટિએ આ બેઉ મહાસત્તાઓ સામે આપણે ઘણા ઊણા હતા, મોળા હતા. પરંતુ આધ્યાત્મિક અને સાધનાશક્તિનાં ક્ષેત્રોમાં આપણી સનાતની સંસ્કૃતિ હજારો વરસ આગળ હતી. જુઓને, શિવજીએ ગણેશજીના ધડ પર હાથીનું માથું ચોંટાડી જગતને પ્લાસ્ટિક સર્જરીનું વિજ્ઞાન શીખવ્યું. તો લંકાધિપતિ રાવણ વાહનવ્યવહાર માટે પુષ્પક વિમાનનો ઉપયોગ કરતા જ હતાને!
ADVERTISEMENT
વેલ, તીર્થાટનના આ એપિસોડનો આવો ઇન્ટ્રો બાંધવાનું કારણ એ છે કે આજે આપણે જે શિવાલયની માનસ યાત્રા કરવાના છીએ એ જ સ્થળે મહાદેવે અગસ્ત્ય મુનિને પાર્વતી દેવી સાથે થયેલાં પોતાનાં લગ્નનું જીવંત પ્રસારણ બતાવ્યું હતું. ‘લાઇવ ફ્રૉમ ત્રિયુગી નારાયણ ધામ - હિમાલય....’
યસ, ગૌરી-મહાદેવની વેડિંગ ઍનિવર્સરી (મહાશિવરાત્રિ) આવતા અઠવાડિયે જ છે એટલે આજે જઈએ તામિલનાડુના કોર્ટાલમ ગામે આવેલા કુટ્રાલનાથર શિવમંદિરે, જે બે હજાર વર્ષ પ્રાચીન છે અને ભગવાન શિવ અહીં કુટ્રાલનાથર તેમ જ માતા પાર્વતી કુઝલવોઈ મોઝિયામ્મઈ નામે ઓળખાય છે.
વેદિક ગ્રંથો અનુસાર અગસ્ત્ય મુનિ સપ્ત ઋષિઓમાંના એક જેમણે ચિકિત્સા, ભાષા, વ્યાકરણ, અધ્યાત્મના વિકાસમાં અગ્રણી ભૂમિકા નિભાવી છે. પુલસ્ત્ય દેવ અને અપ્સરા ઉવર્શીના સંતાન અગસ્ત્યએ જંગલમાં રહી ખૂબ કઠિન તપસ્યા કરી અને વિદ્વત્તા પ્રાપ્ત કરી (એક કિંવદંતી અનુસાર તેઓ વશિષ્ઠ ઋષિના જોડિયા ભાઈ હતા). રાજકુમારી લોપામુદ્રા સાથે તેમના વિવાહ થયા અને તેમના પુત્ર દૃઢસ્યુ માટે કહેવાય છે કે જેણે માતાના ગર્ભમાં રહીને માતા-પિતા પાસેથી વેદો શીખ્યા અને જન્મતાંની સાથે મંત્રોનું પઠન કરવા લાગ્યો હતો. અગસ્ત્ય મુનિએ અનેક ગ્રંથો, સ્તોત્રો, શ્લોક, ભજનોની રચના કરી છે જે આજે પણ બોલાય છે, ગવાય છે. એમાંય તામિલો અગસ્ત્ય મુનિ તામિલ ભાષાના જનક અને વ્યાકરણના સંકલનકર્તા હોવાનું માને છે અને તેમના આ પ્રદાનને કારણે આ કલ્ચરમાં અગસ્ત્યને સિદ્ધ જ્ઞાની માનવામાં આવે છે.
હવે આવા મહાન જ્ઞાની પુરુષ પણ જગતમાં ઘટનાર દિવ્ય ઘટનાના સાક્ષી બનવા હિમાલય પહોંચ્યા. અહીં કૈલાસ પતિ અને હિમાલય પુત્રીના વિવાહ થવાના હતા. ત્રણેય લોકના સર્વે દેવતાઓ, ઋષિમુનિઓ, તપસ્વીઓ, સાધકો હિમાલય ખાતે પધારી ચૂક્યા હતા એટલું જ નહીં, પાતાલ લોકમાંથી ભૂતો ને અઘોરીઓ પણ આ પ્રસન્ન પ્રસંગ માણવા અહીં પહોંચી ગયા હતા. ‘ભાઈ, પ્રસંગ જ એવો પાવન હતો.’
હવે એમાં થયું એવું કે પૃથ્વીના ઉત્તર ભાગમાં આવા એક સે બઢકર એક મહાનુભાવોનો મેળાવડો થવાથી પૃથ્વી તેમના ભારથી એક તરફ ઝૂકી ગઈ અને ધરતી ભૂતલથી એટલી બધી અંદર ધસી ગઈ કે છેક પાતાલ લોક સુધી પહોંચી ગઈ. બીજી બાજુ દક્ષિણી ક્ષેત્ર બહુ હલકો થઈ ગયો. એની ઉપર બોજ ન હોવાથી એ અધ્ધર થઈ ગયો. આથી મનુષ્યો ખૂબ ભયભીત થઈ ગયા.
પૃથ્વીની આવી સ્થિતિની જાણ થતાં મહેશ્વરે અગસ્ત્ય મુનિને બોલાવ્યા અને કહ્યું કે ‘ભૂતોના અહીં આવવાથી ધરા એના ભારથી અંદર ને અંદર ગરક થઈ રહી છે ત્યારે હું આપના જેવા તેજસ્વી, બળવાન અને બુદ્ધિમાન મુનિને વિનંતી કરું છું કે આપ પૃથ્વીને સમતોલ કરો. આ સમસ્યા દૂર કરવા આપના સિવાય અન્ય કોઈ સક્ષમ નથી. આથી હું ઇચ્છું છું કે આપ દક્ષિણી ક્ષેત્ર તરફ જાઓ અને પૃથ્વીનું બૅલૅન્સ જાળવો.’ એ સાથે શંભુનાથે પ્રૉમિસ કર્યું કે અગસ્ત્ય મુનિ જ્યાં પણ હશે ત્યાં તેઓ પાર્વતી સહિત વિવાહના રૂપમાં પ્રગટ થશે. અગસ્ત્ય ઋષિએ ભોળેનાથની વિનંતી માન્ય રાખી અને સપત્ની વિંધ્ય પર્વત પાર કરી આ સ્થળ પાસે પહોંચ્યા. અહીં આવતાં જ પૃથ્વી ‘જૈસે થે’ની સ્થિતિમાં આવી ગઈ.
પછી તો વિશ્વેશ્વરને ‘જો વાદા કિયા થા વો નિભાયા.’ શિવજીએ માયાથી ઋષિમુનિને પોતાના પરિણયની ઝલક દેખાડી તેમ જ વિષ્ણુમાંથી શિવ સ્વરૂપે પ્રગટ થઈ અહીં જ સ્થાપિત થઈ ગયા. આ એક્સક્લુઝિવ જેસ્ચરથી અગસ્ત્ય મુનિ એટલા અહોભાવિત થઈ ગયા કે તેમણે આ સ્થળે રહેલું વિષ્ણુનું મંદિર પોતાની શક્તિથી શિવાલયમાં પરાવર્તિત કરી દીધું અને વિષ્ણુના હાથમાં રહેલું ચક્ર શિખરમાં રૂપાંતર પામ્યું. કહે છે લિંગ પર આજે પણ અગસ્ત્ય ઋષિની આંગળીઓનાં નિશાન દેખાય છે.
જોકે અગસ્ત્ય ઋષિના અહીં વસવા પાછળ સ્કંદ પુરાણના ચોથા કાશી ખંડમાં કહેવાયું છે કે ઋષિ વિંધ્ય પર્વતનું અભિમાન તોડવા દક્ષિણ તરફ આવ્યા. એની કથા મુજબ વિંધ્યાચળ પોતાનું કદ એટલું વધારી રહ્યો હતો કે એક વખત એ સૂર્યથી પણ વિરાટ બની ગયો અને સૂર્યદેવના માર્ગમાં અંતરાય રૂપ બની ગયો. આ ઘટનાથી પૃથ્વીલોકમાં અંધકાર વ્યાપી ગયો અને સમસ્ત સૃષ્ટિ પર ભય વ્યાપી ગયો. આથી અગસ્ત્ય ઋષિ પત્ની લોપામુદ્રા સાથે વિંધ્યાચળ આવ્યા. વિંધ્ય પહાડના વિંધ્ય મુનિ અગસ્ત્ય ઋષિને પ્રણામ કરવા ઝૂક્યા અને ઋષિએ તેમને આદેશ આપ્યો કે તેઓ જ્યાં સુધી અહીં પરત ન ફરે ત્યાં સુધી વિંધ્ય ઝૂકેલી મુદ્રામાં જ રહે. આથી અગત્સ્ય મુનિ ક્યારેય ઉત્તર દિશા તરફ ન ફર્યા અને વિંધ્ય તેમના સન્માનમાં આજે પણ નતમત્સક ઊભેલો છે. આમ અતિ બળવાન અને બુદ્ધિશાળી અગસ્ત્ય ઋષિએ ચતુરાઈથી સૂર્ય તેમ જ ભૂલોકના માથે આવેલી વિપદા ટાળી.
નાઓ, મંદિરની વાત કરીએ તો ત્રિકુદામલાઈ પર્વતની તળેટીમાં સાડાત્રણ એકરમાં વિસ્તારિત આ દેવમંદિર નટરાજનાં પાંચ નૃત્ય ભવનમાંનું એક છે. દેવ નિર્મિત આ મંદિરનું પુનઃ નિર્માણ અને જીર્ણોદ્ધાર અહીંના રાજા ચૌલ દ્વારા કરાયું હતું. ત્યાર બાદ પાંડિયન શાસનકાળ દરમિયાન અહીં વિવિધ મંડપો, અનેક દેવીઓનાં મંદિર વગેરે બન્યાં. અદ્વિતીય પેઇન્ટિંગ્સ અને અદ્ભુત સ્ટોન કાર્વિંગ ધરાવતા આ ટેમ્પલ પરિસરમાં શિવ-પાર્વતી સાથે વિષ્ણુજી, કાશી વિશાલાક્ષી મા, તેનકાશી વિશ્વનાથ સ્વામી, ઉલગમ્મઈ, અંબા માતા, નવગ્રહો, ગણપતિ તેમ જ ભગવાન મુરુગન તેમની બેઉ પત્નીઓ સાથે બિરાજમાન છે. પરિસરથી અડધો કિલોમીટરના અંતરે પ્રાચીન, સુંદર ચિત્રો ધરાવતો એક હૉલ છે જેમાં શિવજીની નટરાજ રૂપની મૂર્તિ પણ છે. તહેવારો અને ઉત્સવો દરમ્યાન આ મૂર્તિને પણ મુખ્ય મંદિરમાં લવાય છે.
દક્ષિણ ભારતીય પંચાગ અનુસાર, તામિલ પરંપરા અનુસાર અહીં ઓચ્છવો થાય છે તો ભગવાનની પૂજાઅર્ચના પણ એ જ પદ્ધતિએ કરાય છે. સવારે ૬થી બપોરના ૧૨ અને સાંજે સાડાચારથી રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ મંદિરે તામિલનાડુ, કેરળના ભક્તો સહિત વિદેશોમાં વસતા દક્ષિણ ભારતીયો અને દેશભરના શિવભક્તો બારે મહિના દર્શનાર્થે આવે છે.
આમ તો કોર્ટાલમ ગામ તામિલનાડુ રાજ્યમાં આવેલું છે પણ એ કેરળના ત્રિવેન્દ્રમથી ૧૦૯ કિલોમીટર અને ફેમસ ટૂરિસ્ટ સ્પૉટ કોલ્લમથી હન્ડ્રેડ કિલોમીટર છે, જ્યારે પાટનગર ચેન્નઈથી ૬૦૦ કિલોમીટર છે. તિરુનેલવેલી જિલ્લો તામિલનાડુનો મોસ્ટ બ્યુટિફુલ ડિસ્ટ્રિક્ટ છે. એમાંય અહીંનું તેનકાશી ગામ આ જિલ્લાનું સેકન્ડ લાર્જેસ્ટ ગામ છે. વળી આ આખો વિસ્તાર અહીંના ધબધબા (ધોધ) માટે જગપ્રસિદ્ધ છે. આથી રહેવાનું - જમવાનું તેનકાશી ખાતે જ રખાય. એ જ રીતે અહીં જવા મુંબઈથી ત્રિવેન્દ્રમ બાય રેલ ઓર હવાઈ યાત્રા. ને ત્યાંથી પછી રોડ પરિવહન મારફત વહેલું આવે તેનકાશી.
ધવલ ધોધ
૮૦-૯૦ના દશકની તામિલ, તેલુગુ ફિલ્મોમાં હીરો-હિરોઇન લીલીછમ ટેકરી ઉપર કોઈ લવ સૉન્ગ ગાતાં હોય, નજીકમાં ટિપિકલ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મંદિર હોય અને એની સાવ પડખે દૂધ જેવો ધવલ પણ મારફાડ ધોધ પડતો હોય એવાં દૃશ્યો ફિલ્મને હિટ કરાવવા જરૂરી હતાં. કુટ્રાલમ મંદિર અને એની બાજુનો કુટ્રાલમ વૉટરફૉલ એવું જ લોકેશન છે. આ ધોધ અને ઝરણાની જંગમ રાશિ જોવા ઑગસ્ટ ટુ ઑક્ટોબર ઇઝ બેસ્ટ ટાઇમ.
પૉઇન્ટ ટુ બી નોટેડ
તેનકાશીનો અર્થ છે દક્ષિણનું કાશી. આ ટાઉનમાં પણ કાશી વિશ્વનાથનું મંદિર છે જે ઓરિજિનલી પાંડિયન રાજવીઓએ બનાવડાવ્યું હતું પણ એના પર વીજળી પડતાં એ ખંડિત થઈ ગયું હતું. જોકે ૧૯૯૦ના દશકમાં એનો જીર્ણોદ્ધાર થયો. હાલમાં રંગરોગાનથી ચકચકિત થયેલા આ મંદિરના મુખ્ય દેવ દેવોં કા દેવ મહાદેવ છે. એ ઉપરાંત તિરુનેલવેલી પાસે આવેલું પાપનાસમ મંદિર, શિવશૈલમ મંદિર, શંકર નારાયણ સ્વામી મંદિર પણ બેમિસાલ છે. તો અહીં આવેલો કરૂપ્પનધિ બંધ, કલક્કડ ટાઇગર રિર્ઝવ મસ્ટ વિઝિટ પ્લેસ છે.

