Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > સંતાનોનો મત જ્યારે જુદો પડે ત્યારે પેરન્ટ્સનો ઈગો શા માટે ઘવાય છે?

સંતાનોનો મત જ્યારે જુદો પડે ત્યારે પેરન્ટ્સનો ઈગો શા માટે ઘવાય છે?

Published : 30 July, 2026 07:14 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

સંતાન હંમેશાં માતા-પિતાની દરેક વાત માને એ જ યોગ્ય નથી. જ્યારે પેરન્ટ્સ બાળકોના વિચારોને પણ ખુલ્લા મનથી સાંભળે અને સંતાન જવાબદારીપૂર્વક પોતાનો મત રજૂ કરે ત્યારે પરિવારના સંબંધો વધુ મજબૂત બને છે.

સંતાનોનો મત જ્યારે જુદો પડે ત્યારે પેરન્ટ્સનો ઈગો શા માટે ઘવાય છે?

સંતાનોનો મત જ્યારે જુદો પડે ત્યારે પેરન્ટ્સનો ઈગો શા માટે ઘવાય છે?


કહ્યાગરું સંતાન બધાને ખૂબ ગમે છે. આપણે જેમ કહીએ એમ તે કરે તો આપણે ખુશ થઈએ છીએ, પણ જેવો તેનો મત વિપરીત થાય કે તે કોઈ દલીલ કરે તો પેરન્ટ્સને તકલીફ થાય છે. એ સમયે એવો વિચાર કેમ નથી આવતો કે બની શકે કદાચ બાળક પણ સાચું હોય? જ્યારે સંતાનનું અલગ મંતવ્ય સાંભળવા અને સમજવા જેટલું ખુલ્લાપણું પેરન્ટ્સમાં અને પોતાના મતને જવાબદારીપૂર્વક રજૂ કરવાની ધીરજ સંતાનોમાં આવશે ત્યારે બન્ને પક્ષોને એકમેક માટે સાચું માન થશે

અર્શદ વારસીએ એક પૉડકાસ્ટમાં જણાવેલું કે આપણે ત્યાં મમ્મી-પપ્પા ત્યાં સુધી જ બાળકને પ્રેમ કરે છે જ્યાં સુધી તેનો પોતાનો ઓપિનિયન કે મત હોતો નથી. જેવું બાળક મોટું થાય અને તેનો પોતાનો એક મત ઊભો થાય, તેની પોતાની બુદ્ધિ ચાલે એટલે આપણને તેની સાથે પ્રૉબ્લેમ થવા લાગે છે કારણ કે હવે તે તમને સાંભળતું નથી. આ સમયે મમ્મી-પપ્પા બાળક સાથે જે વર્તન કરે છે એ મુજબ તે બાળકને ઠીક કરવાની કોશિશ નથી કરતાં, તમે તેને તમારો પાવર બતાવવાની કોશિશ કરો છો. તમારાથી એ સહન નથી થતું કે તે ‘મારી’ વાત નથી સાંભળતું. ‘મારી’! પણ કોઈ એવું નથી વિચારતું કે તે એટલે નથી સાંભળી રહ્યું કારણ કે તમારી વાત ખોટી છે. અર્શદે કહ્યું હતું કે મને નથી લાગતું કે આપણે ત્યાં કોઈ પેરન્ટ્સ આ રીતે વિચારે છે કે મારો વાંક હોઈ શકે કે હું ખોટો હોઈ શકું. ત્યાં જ આપણી ભૂલ થાય છે. 
દરેક વ્યક્તિનો ઈગો કે અહમ્ જુદી-જુદી બાબતે ઊઠતો હોય છે. હું ખુબ સુંદર છું, હું વધુ કમાઉં છું, હું ખૂબ હોશિયાર છું કે મારામાં ફલાણી ટૅલન્ટ છે કે હું જવાબદારી ખૂબ સારી રીતે નિભાવું છું જેવા અહમ્ આપણે આપણી લાયકાત પર પાળ્યા-પોષ્યા હોય છે. જોકે અમુક અહમ્ પદવી મુજબ પણ આવતા હોય છે. જેમ કે દરેક બૉસને ‘બૉસ’ હોવાનો અહમ્ હોય છે, દરેક ઘરના વડીલને વડીલ હોવાનો. દરેક ઉંમરલાયક વ્યક્તિને પોતાના ‘મોટા’ હોવાનો પણ અહમ્ હોય છે. આ જ રીતે મમ્મી-પપ્પાને ‘મમ્મી-પપ્પા હોવાનો’ અહમ્ હોય છે. અમે બાળકને આ દુનિયામાં લાવ્યાં છીએ, અમે તેને મોટું કર્યું છે, અમે તેના માટે કેટલી મુશ્કેલીઓ વેઠી છે, આજે તે જે કંઈ પણ છે અમારે લીધે છે, અમે તેને આ શીખવ્યું, અમે તેને આટલું કાબેલ બનાવ્યું આ બધી બાબતે મમ્મી-પપ્પાને ગર્વ હોય છે ત્યાં સુધી બધું સરસ ચાલે છે; પણ એક પાતળી ભેદરેખા ઓળંગીને આ ગર્વ ઈગોમાં ક્યારે પરિવર્તિત થઈ જાય છે એ સમજાતું નથી.



માલિકીભાવનો ફાયદો


આ ઈગો પાછળનું મુખ્ય કારણ સમજવા માટે એક ઉદાહરણ સમજીએ. જો એક પિતા પોતાના પુત્રને ખોઈ બેસે છે, પુત્ર મરી જાય તો એના જેવું કોઈ મોટું દુખ જ નથી હોતું. પિતા ભાંગે છે. કંઈ પણ કરીને એ દુઃખનો પહાડ તેમનાથી ઊંચકાતો નથી હોતો. એ જ સમયે જ્યારે તેમને ખબર પડે કે આ પુત્ર જે મરી ગયો એ તેમનો હતો જ નહીં તો અચાનકથી એક ઝાટકો જરૂર લાગશે, પણ એની સાથે-સાથે એ અસહ્ય દુખ ઓછું થઈ જશે. એનો સીધો અર્થ એ થયો કે પિતાને તે વ્યક્તિ સાથે પ્રેમ ઓછો અને તે ‘મારો પુત્ર’ છે એ મારાપણા પર પ્રેમ વધુ હોય છે. કોઈ પણ સંબંધમાં આ ‘મારાપણું’ અતિ મહત્ત્વનું હોય છે. જો મારું છે તો મને મતલબ છે. પ્રેમ સાથે દરેક સંબંધમાં માલિકીભાવ જોડાઈ જાય છે. ખાસ કરીને મમ્મી-પપ્પા અને બાળક વચ્ચે તો ખાસ. એનું કારણ જ એ છે કે મમ્મી-પપ્પા બાળકને દુનિયામાં લાવે છે અને તેને મોટું કરવામાં પોતાનું જીવન ઘસી નાખે છે. એક સંતાન તરીકે તમને ખબર હોય છે કે મારાં મમ્મી-પપ્પાએ મારા માટે આટલું કર્યું! જોકે જ્યારે તે સંતાન પોતે પેરન્ટ બને અને તે ખુદ પોતાના બાળકને મોટું કરે ત્યારે પોતાનાં મમ્મી-પપ્પાની કદર વધુ કરવા લાગે છે, કારણ કે ત્યારે તેને એવું લાગે છે કે મારાં મમ્મી-પપ્પાએ મારા માટે ‘આટલું બધું’ કર્યું. આ પણ કર્યું! તે પણ કર્યું! આટલું બધું કોઈ માટે કરવું ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે તે વ્યક્તિને પોતાની માનતા હો. ભેંસને એનાં શિંગડાંનો ભાર એટલે નથી લાગતો કારણ કે એ એનાં પોતાનાં છે. આમ માલિકીભાવને કારણે જ વ્યક્તિ પોતાની લિમિટ ઓળંગીને બીજા માટે અઢળક કામ કરી શકે છે, પણ એ જ માલિકીભાવ તમારા સંબંધને સંપૂર્ણ રીતે ખરાબ પણ કરી શકે છે.

સ્વીકાર અઘરો કેમ છે?


બાળક નાનું હોય ત્યારે ઘણીબધી વસ્તુથી અનભિજ્ઞ હોય એ સહજ છે એટલે મમ્મી-પપ્પા સમજે છે કે તે બાળક છે અને તેને કશી ખબર નથી પડતી, પરંતુ આ સમજ તેઓ બાળક માટે જીવનભર ન ધરાવી શકે એમ જણાવતાં પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘જેમ-જેમ સંતાનો મોટાં થાય તેમનું મગજ ડેવલપ થતું જાય છે અને કારણ કે એ માતા-પિતાની આગલી પેઢી છે એને કારણે તેમનામાં ભરપૂર બુદ્ધિક્ષમતા હોય છે. હા, તેમની પાસે અનુભવો એટલા નથી જેટલા માતા-પિતા પાસે છે, પણ એક ઉંમર પછી માતા-પિતાના અનુભવોમાં પણ લિમિટેશન આવી જાય છે. માતા-પિતા જ્યારે તેમનાં કામોમાં વ્યસ્ત હતાં કે છે ત્યારે આગળ વધી ગયેલી દુનિયા બાળકો વધુ જોઈ રહ્યાં છે જેને કારણે બાળકોમાં જુદા પ્રકારની અને આગવી સમજ વિકસી છે જે ખૂબ સારી બાબત છે. બાળક એક ઉંમર સુધી પોતાનાં મમ્મી-પપ્પા પાસેથી શીખે છે, પરંતુ એક ઉંમર પછી તેણે પોતાના અનુભવો બનાવવા જરૂરી છે અને દુનિયા પાસેથી શીખવું જરૂરી છે, પોતાની અલગ સમજ ઊભી કરવી જરૂરી છે. એ સમજમાં માતા-પિતાના સંસ્કારોનું પ્રતિબિંબ જોવા મળે છે, પણ જેવા તમે છો કે જેવા વિચારો તમે કરો છો એવી જ પ્રતિકૃતિરૂપે જો તમે બાળકને તૈયાર કરવા માગતા હો તો એ ખોટું છે અને શક્ય પણ નથી. આમ સારો ઉછેર કર્યા પછી તમે એ ફરિયાદ કરો કે બાળક તો અમારાથી જુદું વિચારે છે તો એ ફરિયાદ યોગ્ય નથી. ઊલટું તમારે તમારી પીઠ થાબડવાની છે કે તમે તેનો ઉછેર સાચો કર્યો છે. પણ હા, એ સ્વીકારવું સરળ તો નથી.’

માલિકીભાવથી થતું નુકસાન

સંતાનો જેવાં મોટાં થાય અને મમ્મી-પપ્પા સાથે તર્ક-વિતર્ક કરવા લાગે એટલે આપણે ત્યાં માનવામાં આવે છે કે બાળકો બગડી રહ્યાં છે એ વિશે વાત કરતાં દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘આજ્ઞાકારી બાળકો બધાને પ્રિય છે. તમે કહો અને માની લે તેવાં બાળકોને આપણે ત્યાં સંસ્કારી માનવામાં આવે છે, પરંતુ એનાથી ઊલટું બાળકને એટલી ફ્રીડમ આપવી જરૂરી છે કે જેને કારણે તેના પોતાના વિચારો વિકસે, તેને ખુદને સાચા-ખોટાની પરખ થાય. એ સાચો ઉછેર ગણાશે. જે બાળકો તેમનાં મમ્મી-પપ્પા સાથે દલીલ નથી કરતાં કે તેમની વાત નથી માનતાં તે બાળકો પીઠ પાછળ મમ્મી-પપ્પાની બૂરાઈ કરતાં હોય છે. ખાલી તમારી સામે તમને માન આપે છે અને મનથી તમારા પર ગુસ્સે થાય છે. આવા ઉપરછલ્લા માનની જરૂર નથી હોતી. આ રીતે તમારો સંબંધ દેખાડાનો બને છે જે એક સમયે બાળક આત્મનિર્ભર બને પછી બદલાઈ જાય છે. આપણા સમાજમાં અનેક સંતાનો માતા-પિતાથી અળગાં થાય છે એનું એક મહત્ત્વનું કારણ આ પણ છે. એક ઉંમર પછી તમારે એ સ્વીકારવું રહ્યું કે હું જે માનું છું કે હું જે કહું છું એ કદાચ ખોટું પણ હોય. એના પર વિચાર કરી જુઓ. વ્યક્તિ જો એટલી ઓપન હોય તો તેના બધા સંબંધો મજબૂત રહેશે કારણ કે એ સંબંધો એકતરફી નહીં હોય, એમાં બીજી વ્યક્તિનું પણ એટલું જ મહત્ત્વ હશે.’

પેરન્ટ્સે શું કરવું?

૧. જે માણસને ઈગો છે તે ક્યારેય સમજી નથી શકતો કે જે પ્રૉબ્લેમ સામે આવ્યો છે એ ઈગોને કારણે આવ્યો છે. ઊલટું તે એમ જ સમજતો હોય છે કે સામેવાળો માણસ ખોટો છે. સંતાનો સાથે જ નહીં, ઘરની કોઈ પણ વ્યક્તિ સાથે તકલીફો ઊભી થાય ત્યારે તમારા એ અત્યંત નજીકના સંબંધો છે એમાં ઈગો આડે ન આવે એની સાવચેતી ચોક્કસ રાખો. 
૨. આપણે ત્યાં સંતાનોનાં બાળકો પણ આવી જાય તો પણ તેઓ માતા-પિતા માટે મોટાં ગણાતાં જ નથી. સંતાનો નાનાં છે, તેમને સમજ નથી પડતી એ વિચારમાંથી માતા-પિતાએ બહાર આવવું જરૂરી છે. 
૩. દરેક વાતને નિષ્પક્ષ રીતે જોતાં અને સમજતાં શીખવું જોઈએ. જો તર્ક સાથે ખોટા-સાચાની સમજ આવે તો એ લાંબી ટકે છે. ઇમોશન્સમાં વહીને માણસ હંમેશાં ખોટા નિર્ણયો લેતો હોય છે. બાળક થઈને મને કહે છે એવું ન સમજો. તે શું કહે છે એના પર વધુ ધ્યાન આપો. 
૪. સંતાન તમારી સાથે દલીલ કરે એમાં તમારું અપમાન છે એવું નથી જ એ વાત મનમાં દૃઢ કરો.

સંતાનોએ શું કરવું?

જ્યારે મતમતાંતર હોય, દલીલો થતી હોય ત્યારે વ્યક્તિ પોતાનો કાબૂ ગુમાવી દે છે. માતા-પિતા જ્યારે બાળકને સાંભળવા માટે કે તેના જુદા મતને સ્વીકારવા માટે બાળકને એક સ્પેસ આપે છે ત્યારે બાળકો શાંતિથી પોતાની વાત કરતાં હોય છે, પરંતુ જ્યારે ‘તને ખબર ન પડે અને તું નાનો છે કે તેં પહેલાં પણ આવી જ ભૂલો કરી છે...’ જેવા આક્ષેપો થાય ત્યારે બાળકો ગુસ્સે ભરાઈને બેફામ વર્તન કરી શકે છે જેમાં માતા-પિતા ઘવાઈ જતાં હોય છે. બાળકે એ વિચારવું જરૂરી છે કે પોતાના આવા સ્ટ્રૉન્ગ ઓપિનિયન બન્યા એ પાછળ પણ તેનાં માતા-પિતાએ આપેલો ઉછેર જ જવાબદાર છે. એટલે જ્યારે તમારો મત માતા-પિતા કરતાં જુદો હોય તો એ મત સ્પષ્ટ રીતે જણાવી શકાય, પણ એ મત જણાવવાની ભાષા ખરાબ ન હોવી જોઈએ, તમારો ટોન ઊંચો ન થવો જોઈએ. શાંતિથી અને પ્રેમથી તમે તમારી વાતને મૂકી શકો છો. ઊલટું વાત એ રીતે મૂકો જેથી માતા-પિતાને આ વાત અપમાનજનક ન લાગે. મત જુદો હોઈ શકે, માન અકબંધ રહેવું જરૂરી છે. જો વ્યવસ્થિત સમજાવ્યું છતાં તેઓ નથી સમજતાં કે સ્વીકારી શકતાં તો થોડી ધીરજ અને વધુ સમજ બાળકે દાખવવી, કારણ કે એક ઉંમર પછી નવી બાબતોનો સ્વીકાર એટલો સરળ નથી હોતો જેટલો તમને લાગે છે. એ તમને ત્યારે સમજાશે જ્યારે તમે એ ઉંમરે પહોંચશો.

Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 07:14 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK