Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > કાનથી તો બધા સાંભળે છે, શું તમે દિલથી સાંભળવા માગો છો?

કાનથી તો બધા સાંભળે છે, શું તમે દિલથી સાંભળવા માગો છો?

Published : 17 July, 2026 12:12 PM | Modified : 17 July, 2026 01:06 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

કાનથી તો બધા સાંભળે છે, શું તમે દિલથી સાંભળવા માગો છો? તો ટ્રૅમ્પોલિન લિસનિંગ શીખવું જોઈએ. સામેવાળાની વાતનો પડઘો પાડતાં શીખવું એ છે ખરી સાંભળવાની કળા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છેલ્લે ક્યારે એવું બન્યું હતું કે તમે કોઈની વાતને વચ્ચે રોક્યા વગર, સલાહ આપવાની ઉતાવળ કર્યા વગર અને જજમેન્ટલ થયા વિના અંત સુધી સાંભળી હોય? કદાચ બહુ ઓછા પ્રસંગે. આજના ઝડપી જીવનમાં આપણે વાતચીત તો ઘણી કરીએ છીએ, પરંતુ સાચા અર્થમાં સાંભળવાનું ધીમે-ધીમે ભૂલતા જઈ રહ્યા છીએ. આવતી કાલે વર્લ્ડ લિસનિંગ ડે છે ત્યારે સમજીએ સાંભળવાની કળાની નવી ઊંચાઈ વિશે. ટ્રૅમ્પોલિન લિસનિંગ એ ખરેખર વૈજ્ઞાનિક ટેક્નિક છે અને સંબંધોને સમૃદ્ધ કરવાની કળા પણ

આજના સમયમાં કમ્યુનિકેશનની કોઈ કમી નથી, પરંતુ સાચા સંવાદની જરૂરિયાત પહેલાં કરતાં વધુ વધી છે. દિવસભર આપણે અનેક લોકો સાથે વાત કરીએ છીએ, મીટિંગ્સમાં હાજરી આપીએ છીએ, ફોન પર કલાકો પસાર કરીએ છીએ અને સોશ્યલ મીડિયા પર સતત ઍક્ટિવ રહીએ છીએ. છતાં ઘણી વાર સંબંધોમાં ગેરસમજ, મતભેદ અને અંતર વધી જાય છે. એનું એક મોટું કારણ એ છે કે આપણે વાતચીત તો કરીએ છીએ, પરંતુ સાચા અર્થમાં એકબીજાને સાંભળતા નથી. આવા સમયે કમ્યુનિકેશનની એક રસપ્રદ ટેક્નિક ટ્રૅમ્પોલિન લિસનિંગ સંબંધોને વધુ મજબૂત અને સંવાદને વધુ અસરકારક બનાવવામાં મદદરૂપ બની શકે છે.



કોઈ પણ મજબૂત સંબંધનો પાયો માત્ર પ્રિયજનની વાતને સાંભળવામાં નથી પરંતુ સામેવાળાની વાતને સમજીને એને નવી દૃષ્ટિ, સ્પષ્ટતા અને વિશ્વાસ સાથે બાઉન્સબૅક કરવામાં એટલે કે પડઘો પાડવામાં રહેલો છે. ટ્રૅમ્પોલિન પર તમે કૂદો તો એ તમે ઊંચે ઉછાળે છે એમ ટ્રૅમ્પોલિન લિસનિંગ પણ સામેવાળાના વિચારોને વધુ સ્પષ્ટ અને સમૃદ્ધ બનાવે છે. આ ટેક્નિક શું છે અને પ્રૅક્ટિકલ જીવનમાં એને કઈ રીતે અપનાવી શકાય એ વિશે છેલ્લાં ૧૫ વર્ષથી લીડરશિપ મેન્ટર તરીકે કાર્યરત કલ્પેશ ​​ત્રિવેદી પાસેથી જાણીએ.


લિસનિંગનું મહત્ત્વ

ટ્રૅમ્પોલિન લિસનિંગ સમજતાં પહેલાં એ સમજવું જરૂરી છે કે જીવનમાં સાચી રીતે સાંભળવાની કળા કેટલી મહત્ત્વની છે. ખાસ કરીને આજના ઝડપી યુગમાં, જ્યાં દરેક વ્યક્તિ પાસે પોતાની વાત કહેવા માટે અનેક પ્લૅટફૉર્મ છે ત્યાં કોઈને ધ્યાનથી સાંભળનાર વ્યક્તિની કિંમત વધુ વધી ગઈ છે. કહેવાય છે કે કુદરતે આપણને બે કાન અને એક મોં આપ્યું છે કારણ કે જીવનમાં બોલવા કરતાં સાંભળવાની જરૂરિયાત વધારે છે, પરંતુ આજના હાઈ-સ્પીડ ડિજિટલ યુગમાં આપણે ખરેખર કોઈને સાંભળીએ છીએ ખરા? સોશ્યલ મીડિયા પર હજારો કનેક્શન, ફૉલોઅર્સ અને વર્ચ્યુઅલ મિત્રો હોવા છતાં આજે ઘણા લોકો અંદરથી એકલતા અનુભવે છે કારણ કે કનેક્ટેડ રહેવું અને કોઈને સાચા અર્થમાં સાંભળવું બન્ને અલગ બાબત છે. ઘણી વખત લોકોની સૌથી મોટી ફરિયાદ હોય છે કે મારી વાત સાંભળવા માટે કોઈ નથી. આ પરિસ્થિતિમાં કેટલાક લોકો પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે ટેક્નૉલૉજી-આધારિત પ્લૅટફૉર્મ્સ અને ચૅટબૉટ્સનો સહારો લેવા લાગ્યા છે, પરંતુ વ્યક્તિગત અને વ્યાવસાયિક સંબંધોને મજબૂત બનાવવા માટે હજી પણ માનવીય સાંભળવાની કળા સૌથી મહત્ત્વપૂર્ણ છે. આવી જ એક અસરકારક કમ્યુનિકેશન ટેક્નિક છે ટ્રૅમ્પોલિન લિસનિંગ, જે માત્ર સાંભળવા નહીં પરંતુ સામેવાળી વ્યક્તિની વાતને સમજીને યોગ્ય રીતે પ્રતિસાદ આપવાની કળા શીખવે છે.


ટ્રૅમ્પોલિન લિસનિંગ એટલે શું?

સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે ‘સારું સાંભળવું’ એટલે જ્યારે સામેવાળી વ્યક્તિ વાત કરે ત્યારે તેને શાંતિથી સાંભળવી, વચ્ચે વિક્ષેપ ન કરવો અને માત્ર ધ્યાનપૂર્વક હાજર રહેવું. આ ચોક્કસપણે લિસનિંગનો મહત્ત્વપૂર્ણ ભાગ છે, પરંતુ માત્ર શાંતિથી સાંભળવું પૂરતું નથી. આ પ્રકારના લિસનિંગને ઘણી વખત પૅસિવ લિસનિંગ કહેવામાં આવે છે. એમાં સામેવાળાની વાત સાંભળવામાં આવે છે, પરંતુ એમાં સક્રિય ભાગીદારી ઓછી હોય છે. ટ્રૅમ્પોલિન લિસનિંગ આનાથી આગળની પ્રક્રિયા છે. ટ્રૅમ્પોલિન પર જ્યારે કોઈ વ્યક્તિ કૂદકો મારે છે ત્યારે એ માત્ર શરીરનું વજન સહન કરતું નથી, પરંતુ એ ઊર્જાને પાછી આપીને વધુ ઊંચો ઉછાળો આપે છે. સાચું લિસનિંગ પણ કંઈક આવું જ છે. એમાં આપણે માત્ર માહિતી ગ્રહણ કરતા નથી પરંતુ સામેવાળાની વાતને સમજીને એમાં પોતાની સમજણ, યોગ્ય પ્રતિભાવ અને નવા વિચારોનો ઉમેરો કરીએ છીએ. કોઈ વ્યક્તિ જ્યારે પોતાની વાત રજૂ કરતી હોય ત્યારે તેના વિચારો અને લાગણીઓને આદરપૂર્વક સ્વીકારીને, યોગ્ય પ્રશ્નો પૂછીને, સમજણભર્યો પ્રતિભાવ આપીને સંવાદને વધુ અર્થપૂર્ણ બનાવવો એ જ ટ્રૅમ્પોલિન લિસનિંગ છે.

પાયામાં છે પ્રશ્ન પૂછવાની કળા

ટ્રૅમ્પોલિન લિસનિંગમાં માત્ર સામેવાળાની વાત ધ્યાનથી સાંભળવી જ નહીં પરંતુ યોગ્ય સમયે યોગ્ય પ્રશ્નો પૂછવાની કળા પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એક સારો લિસનર જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે તેનો હેતુ માત્ર માહિતી મેળવવાનો નથી હોતો; સામેવાળાની વિચારસરણી, લાગણી અને જરૂરિયાતને વધુ સારી રીતે સમજવાનો હોય છે. વ્યાવહારિક કમ્યુનિકેશનમાં 
પ્રશ્ન પૂછવાની પ્રક્રિયાને ૩ સ્તરે સમજી શકાય છે.

લેવલ ૧ - માહિતી મેળવતા પ્રશ્નો:  આ પ્રશ્ન પૂછવાનું પ્રાથમિક સ્તર છે જેમાં આપણે કોઈ વ્યક્તિ અથવા પરિસ્થિતિ વિશે બેઝિક માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. જેમ કે તમારી જરૂરિયાત શું છે? તમારી સમસ્યા ક્યાં છે? તમને કઈ બાબતમાં મદદ જોઈએ છે? આવા પ્રશ્નો સંવાદની શરૂઆત કરવા અને હકીકતો સમજવા માટે જરૂરી હોય છે.

લેવલ ૨ - સમજણ વધારતા પ્રશ્નો: ઘણી વખત વ્યક્તિને પોતાની સમસ્યા, લાગણી અથવા સાચી જરૂરિયાત સંપૂર્ણ રીતે સ્પષ્ટ હોતી નથી. તે વાતચીત દરમ્યાન પોતાના વિચારો રજૂ કરે છે, પરંતુ એની પાછળનો મૂળ મુદ્દો સમજવા માટે એક સજાગ લિસનર જરૂરી હોય છે. આપણે જ્યારે સામેવાળાની વાતને ધ્યાનથી સમજીને એને નવા દૃષ્ટિકોણથી રજૂ 
કરીએ છીએ, યોગ્ય સ્પષ્ટતા કરતા પ્રશ્નો પૂછીએ છીએ અને પોતાની જિજ્ઞાસા દર્શાવીએ છીએ ત્યારે વ્યક્તિને પોતાની સ્થિતિ વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે.

લેવલ ૩ - નવા વિચારો જગાવતા પ્રશ્નો: આ પ્રશ્નોનો હેતુ વ્યક્તિને માત્ર વર્તમાન પરિસ્થિતિ સુધી સીમિત ન રાખીને નવા વિચારો અને શક્યતાઓ વિશે વિચારવા પ્રેરિત કરવાનો હોય છે. જેમ કે જો પરિસ્થિતિ બદલાય તો તમે શું અલગ રીતે કરવા ઇચ્છશો? આગામી સમયમાં તમારી સૌથી મોટી પ્રાથમિકતા શું હોઈ શકે? આવા પ્રશ્નો સંવાદને વધુ ઊંડો બનાવે છે અને નવી સમજણના દરવાજા ખોલે છે.
એક ઉત્તમ કમ્યુનિકેટર બનવા માટે ત્રણેય સ્તરના પ્રશ્નો મહત્ત્વપૂર્ણ છે. શરૂઆતમાં માહિતી મેળવતા પ્રશ્નો જરૂરી છે; પરંતુ સંબંધોમાં વિશ્વાસ અને સમજણ ઊભાં કરવા માટે રિફ્લેક્શન, જિજ્ઞાસા અને વિચાર જગાવતા પ્રશ્નો વધુ અસરકારક સાબિત થાય છે. આ જ ટ્રૅમ્પોલિન લિસનિંગની મૂળ ભાવના છે - સામેવાળાની વાતને સ્વીકારીને એમાં નવી સમજણ અને મૂલ્ય ઉમેરવાં.

આ છે મોટો પડકાર

લિસનિંગમાં સૌથી મોટો પડકાર એ છે કે ઘણી વખત વ્યક્તિ સામેવાળાની વાત સાંભળતી હોવા છતાં મનમાં પોતાનો જવાબ તૈયાર કરતી રહે છે. મગજ ઝડપથી આગળની પ્રતિક્રિયા વિચારવા લાગે છે કે હવે મારો વારો ક્યારે આવશે? આ ઉતાવળમાં આપણે ખરેખર સાંભળવાનું ચૂકી જઈએ છીએ. આ સ્થિતિ ફૅમિલી અને ઑફિસ બન્ને જગ્યાએ જોવા મળે છે. ઘણી વખત માતા-પિતા સંતાનોની વાત પૂરી થાય એ પહેલાં જ સલાહ આપવાનું શરૂ કરી દે છે અથવા ઑફિસમાં સિનિયર પોતાના અનુભવના આધારે જુનિયરની વાત અધવચ્ચે રોકી દે છે. પરિણામે સામેની વ્યક્તિ પોતાની વાત સંપૂર્ણ રીતે વ્યક્ત કરી શકતી નથી અને સંવાદની શક્યતાઓ સીમિત થઈ જાય છે. ટ્રૅમ્પોલિન લિસનિંગ આપણને શીખવે છે કે જવાબ આપવા માટે નહીં પરંતુ સમજવા માટે સાંભળવું જોઈએ, કારણ કે સાચો સંવાદ ત્યારે જ શક્ય બને છે જ્યારે બન્ને વ્યક્તિને લાગે કે તેમની વાતને સ્થાન અને મહત્ત્વ મળી રહ્યું છે.
આજના હાઇપર-ઍક્ટિવ યુગમાં જો સૌથી મોટો કોઈ લાઇફમંત્ર હોય તો એ છે ‘સ્લો ડાઉન’ એટલે કે ધીમા પડો. કમ્યુનિકેશનમાં તમે જેટલી ધીરજ રાખશો, જેટલો વિરામ લેશો, સામેવાળાના વિચારોને અંદર ઊતરવાનો જેટલો સમય આપશો એટલા જ તમારા સંબંધો પ્રોફેશનલ અને પર્સનલ બન્ને મોરચે ગાઢ બનશે. સંવાદમાં આપણી ભૂમિકા કોઈ કઠોર જજ કે કમાન્ડર જેવી નહીં, એક અરીસા જેવી હોવી જોઈએ. સામેની વ્યક્તિ જ્યારે આપણી સાથે વાત કરીને રૂમની બહાર નીકળે ત્યારે તેનું હૃદય એકદમ હળવું હોવું જોઈએ, તેના મનની ગૂંચ ઉકેલાયેલી હોવી જોઈએ અને તેના વિચારો વધુ સ્પષ્ટ થયેલા હોવા જોઈએ. એ જ સાચા અર્થમાં ‘ટ્રૅમ્પોલિન લિસનિંગ’ની સફળતા છે.

શબ્દોની પાર જઈને સાંભળવું

સાચું લિસનિંગ માત્ર કાનથી સાંભળવાની પ્રક્રિયા નથી. અસરકારક સંવાદમાં શબ્દો સાથે અવાજનો લહેકો, ચહેરાના હાવભાવ અને શરીરની ભાષા પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઘણી વખત વ્યક્તિ જે શબ્દોમાં કહે છે એના કરતાં તેની લાગણી અને સ્થિતિ તેના અવાજ તથા બૉડી-લૅન્ગ્વેજમાંથી વધુ સ્પષ્ટ થાય છે. ૭-૩૮-૫૫ કમ્યુનિકેશન રૂલ અનુસાર કમ્યુનિકેશનમાં શબ્દો ૭ ટકા અસર છોડે છે, અવાજનો ટોન ૩૮ ટકા અસરકારકતા નક્કી કરે છે અને બૉડી-લૅન્ગ્વેજ સૌથી વધુ એટલે કે પંચાવન ટકા ભાગ ભજવે છે. જોકે આ આંકડા દરેક પ્રકારના સંવાદ માટે લાગુ પડતા નથી, પરંતુ એ એટલું જરૂર સમજાવે છે કે સંવાદમાં માત્ર શબ્દો જ નહીં પરંતુ એને કેવી રીતે રજૂ કરવામાં આવે છે એ પણ મહત્ત્વનું છે. આ જ કારણ છે કે સાચું લિસનિંગ ફુલ બૉડી લિસનિંગ છે. વ્યક્તિ હંમેશાં પોતાના મનની સ્થિતિ શબ્દોમાં વ્યક્ત કરે એવું જરૂરી નથી. ઘણી વાર કોઈ વ્યક્તિ મોંથી કહે છે કે હું ઠીક છું; પરંતુ તેનો ધીમો અવાજ, ચહેરાના ભાવ અથવા અસ્વસ્થ બૉડી-લૅન્ગ્વેજ તેની અંદરની સ્થિતિ વિશે અલગ સંકેત આપી શકે છે. એક સારો ટ્રૅમ્પોલિન લિસનર આવા સંકેતોને ધ્યાનથી સમજે છે. તે માત્ર શબ્દો સાંભળીને તરત સલાહ આપતો નથી, પરંતુ સામેવાળાની લાગણી અને સ્થિતિને સમજવાનો પ્રયાસ કરે છે. જેમ કે મને લાગે છે કે આ નિર્ણય વિશે તમે થોડા મૂંઝવણમાં છો, શું તમે આ વિશે થોડું વધુ શૅર કરવા ઇચ્છશો? આવા પ્રશ્નો સામેવાળી વ્યક્તિને ખુલ્લા મનથી વાત કરવાની તક આપે છે. ફુલ બૉડી લિસનિંગનો અર્થ છે માત્ર સાંભળવું નહીં; સામેવાળી વ્યક્તિની સંપૂર્ણ હાજરી, લાગણી અને સંદેશને સમજવાનો પ્રયાસ કરવો એ છે.

ટ્રૅમ્પોલિન લિસનિંગની પ્રૅક્ટિકલ ટેક્નિક

ટ્રૅમ્પોલિન લિસનિંગને રોજિંદા જીવનમાં અપનાવવા માટે માત્ર સાંભળવાની ઇચ્છા પૂરતી નથી, વાતચીત દરમ્યાન કેટલીક સરળ બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. કોઈ વ્યક્તિ સાથે સંવાદ કરતી વખતે ‘ધ ફોર A’ ટેક્નિક યાદ રાખવાથી લિસનિંગ વધુ અસરકારક બની શકે છે.

૧. ઍક્નૉલેજ : સામેવાળી વ્યક્તિ જ્યારે પોતાની વાત રજૂ કરે ત્યારે સૌથી પહેલાં તેને એ અહેસાસ કરાવો કે તેની વાતને તમે ધ્યાનથી સાંભળી રહ્યા છો. નાનો પ્રતિભાવ, આંખોનો સંપર્ક અથવા યોગ્ય પ્રશ્ન દ્વારા પણ તમે બતાવી શકો છો કે સામેની વ્યક્તિની વાત તમારા માટે મહત્ત્વ ધરાવે છે.

૨. અપ્રિશિએટ: જો સામેવાળાના વિચારો, પ્રયાસો અથવા દૃષ્ટિકોણમાં કોઈ સકારાત્મક બાબત જોવા મળે તો તેની દિલથી પ્રશંસા કરો. કદર કરવાથી વ્યક્તિ વધુ ખુલ્લા મનથી વાત કરી શકેછે અને સંવાદમાં વિશ્વાસ વધે છે.

૩. ઍક્સેપ્ટ : સામેવાળી વ્યક્તિની વાત સમજવી એટલે તેની સાથે હંમેશાં સહમત થવું એવું નથી; પરંતુ તે વ્યક્તિ કયા અનુભવ, વિચાર અથવા પરિસ્થિતિના આધારે આવું કહી રહી છે એને સમજવાનો પ્રયાસ કરવો જરૂરી છે. આપણે જ્યારે તરત જ નિર્ણય આપવાને બદલે સામેવાળાની વાતને સમજવા માટે ખુલ્લું મન રાખીએ છીએ ત્યારે સંવાદ વધુ સરળ અને અર્થપૂર્ણ બને છે.

૪. ઍગ્રી : જ્યાં સામેવાળાની વાતમાં તર્ક અને યોગ્યતા હોય ત્યાં ખુલ્લા મનથી સહમતી દર્શાવવી જોઈએ. આ ચર્ચાને તર્કસંગત અને સ્વસ્થ દિશામાં આગળ વધારવામાં મદદ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 01:06 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK