જનરેશન-ઝીની લવ-ડિક્શનરીને સમજીએ
જનરેશન-ઝીની લવ લૅન્ગ્વેજ બહુ ડિફરન્ટ
જનરેશન-ઝીની લવ લૅન્ગ્વેજ બહુ ડિફરન્ટ છે. પહેલાં તો કોઈના પ્રેમમાં હો કે પછી રિલેશનશિપમાં હો તો ડેટ, બૉયફ્રેન્ડ, જસ્ટ ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ જેવા શબ્દો વપરાતા; પણ હવેની જનરેશન તો માય ગૉડ! તેઓ કેટકેટલી ટર્મિનોલૉજી વાપરે છે અને દરેક શબ્દ એટલે ડિફરન્ટ રિલેશનશિપ સ્ટેટસ. વૅલેન્ટાઇન્સ વીક ચાલી રહ્યું છે ત્યારે જેન-ઝીની ડિક્શનરીમાંના અલગ જ દુનિયાનું વર્ણન કરતા અઢળક શબ્દોનો મતલબ સમજીએ
‘દોસ્તી કા ઉસૂલ હૈ નો સૉરી નો થૅન્ક યુ’થી ‘પ્યાર દોસ્તી હૈ’ એમ પ્રેમની પરિભાષા દરેક દાયકાઓમાં બદલાઈ છે. પછી યુવાનોમાં પશ્ચિમી સંસ્કૃતિ પ્રમાણે ડેટનો રિવાજ પણ શરૂ થયો. એટલે તું મને ગમે છે તો આપણે ડેટ કરીએ એટલે કે ડિનર કે મૂવી માટે જઈએ. ત્રણ કે ચાર ડેટથી વધારે થાય હોય તો સંબંધમાં બૉયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડનો ટૅગ લાગી ગયો હોય કાં તો જસ્ટ ફ્રેન્ડ કે બેસ્ટ ફ્રેન્ડનો ટૅગ લાગી ગયો હોય. જોકે સંબંધો આનાથી વધારે જટિલ બનતા ગયા અને આ સદીની શરૂઆતથી રોમૅન્ટિક ફિલ્મોનાં મુખ્ય પાત્રો સંબંધોને લઈને સ્પષ્ટતા નહોતાં ધરાવતાં કાં તો મૂંઝવણમાં હતાં જેના માટે શબ્દો નહોતા. પછી એવી ફિલ્મો આવવાની શરૂઆત થઈ જેમાં મુખ્ય પાત્રો પાસે આ જ મૂંઝવણભર્યા સંબંધો માટે શબ્દો હતા. એવા શબ્દો જે મિલેનિયલ્સ (૧૯૮૧થી ૧૯૯૬માં જન્મેલા)ને કદાચ સમજ ન પડે. કૅટરિના, કરીના, દીપિકા જેવી સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યુમાં જેન-ઝીની ભાષાના આ શબ્દોના જવાબ આપવા માટેના રૅપિડ ફાયર રાખવામાં આવે છે, જે બહુ રસપ્રદ લાગે છે. એટલે આજે આપણે જનરેશન-ઝીનો એટલે કે ૧૯૯૭થી ૨૦૧૨ દરમ્યાન જન્મેલા લોકોનો લવ વિશેનો શબ્દકોશ સમજવાની કોશિશ કરીએ. મોટા ભાગના શબ્દોની સંધિ છૂટી પાડીને લિટરલ સેન્સમાં સમજશો તો એનો અર્થ સમજાઈ જશે, કાં તો શબ્દોના મૂળ પર જઈએ તો પણ સમજવું બહુ જ સરળ છે.
ADVERTISEMENT
સિચુએશનશિપ
સિચુએશનશિપ સંબંધો અસ્તિત્વમાં તો હતા પરંતુ વ્યાખ્યાયિત નહોતા. આ શબ્દ સોશ્યલ મીડિયાને કારણે ૨૦૧૦માં વધુ પૉપ્યુલર બન્યો. બન્ને પાર્ટનરને એકબીજાની કંપની ગમે છે અને તેઓ સાથે સમય વિતાવે છે પરંતુ તેમને કોઈ ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ જેવું લેબલ લગાવીને લાગણીમાં બંધાવું નથી. આ સિચુએશન પર ૨૦૧૦ બાદ ઘણી ફિલ્મો બનવાનું શરૂ થયું હતું. એમાં હૉલીવુડની ફિલ્મ નો સ્ટ્રિંગ્સ અટૅચ્ડ (૨૦૧૧) અને ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ (૨૦૧૫) બહુ જ જાણીતી છે જે ભારતીય યુવાનોમાં પણ લોકપ્રિય છે. હિન્દી ફિલ્મોમાં પણ એવી પરિસ્થિતિ દર્શાવવામાં આવી છે જેમાં આવી જ પરિસ્થિતિને હીરો બનાવવામાં આવી છે. અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂરની ‘હાફ ગર્લફ્રેન્ડ’ની થીમ કંઈક આવી જ છે. ‘હાફ ગર્લફ્રેન્ડ’ જેવું કંઈ હોતું જ નથી. એ સિવાય ગયા વર્ષે જ ઍમૅઝૉન મિની પર રિલીઝ થયેલી ‘દિલલૉજિકલ’ સિચુએશનશિપની થીમ પર જ બનેલી છે.
સિચુએશનશિપ- બન્ને પાર્ટનરને એકબીજાની કંપની ગમે છે અને સમય વિતાવે છે પરંતુ તેમને કોઈ ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ જેવું લેબલ લગાવીને લાગણીમાં બંધાવું નથી. અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂરની ‘હાફ ગર્લફ્રેન્ડ’ની થીમ કંઈક આવી જ છે. ‘હાફ ગર્લફ્રેન્ડ’ જેવું કંઈ હોતું જ નથી. આ પરિસ્થિતિ સિચુએશનશિપ તરીકે સમજી શકાય.
સૉફ્ટ લૉન્ચ અને હાર્ડ લૉન્ચ
શબ્દો એવા લાગે કે જાણે કોઈ નાની કે મોટી કંપનીના ઉદ્ઘાટનની વાત થઈ રહી હોય, પરંતુ સોશ્યલ મીડિયા પર પોતાના સંબંધોને છતા કરવા માટેના આ શબ્દો છે. ‘ફેસબુક’ ફિલ્મ જોઈ હોય તો ખ્યાલ આવે કે સોશ્યલ મીડિયા પર શું ગેમચેન્જર સાબિત થઈ શકે છે. પર્સનલ પ્રોફાઇલમાં રિલેશનશિપ સ્ટેટસનો ઉમેરો કરવાથી ફેસબુક આજ સુધી અન્ય સોશ્યલ મીડિયાના ઇનોવેશનમાં પણ ટકી રહ્યું છે. હવે સૉફ્ટ લૉન્ચ સમજીએ. તમે તમારા પાર્ટનરને, તમારા મિત્રવર્તુળને તે વ્યક્તિ કોણ છે એનો ફોડ પાડવા નથી માગતા, પરંતુ કોઈ ખાસ તમારા જીવનમાં છે એટલું જ કહેવા માગો છો તો ઇશારામાં પોસ્ટ મૂકીને શૅર કરો છો. જેમ કે ગઈ કાલે ખાસ વ્યક્તિ સાથે ફિલ્મ જોઈ કે ડિનર કર્યું. તમે તે મનગમતી વ્યક્તિને ટૅગ પણ કરો તો પણ અન્યોને ખ્યાલ ન આવે કે શું રંધાઈ રહ્યું છે. ગિફ્ટ કે રોમૅન્ટિક મેસેજ પણ પોસ્ટ કરો તો પણ મિત્રો માથું ખંજવાળે કે આ પોસ્ટ કોના માટે મૂકી છે. આ આંખમિચોલીને સૉફ્ટ લૉન્ચ કહેવાય છે. જેવી રીતે ધીરે-ધીરે એક પછી એક પઝલના પીસ જોડાઈને એક ચિત્ર બહાર આવે છે. તો જ્યારે નામ સાથે તમારા સંબંધને સોશ્યલ મીડિયા પર જાહેર કરો એને હાર્ડ લૉન્ચ કહેવાય છે. આજે પેપર પર તમારા સંબંધો રજિસ્ટર્ડ હોય કે ન હોય, પરંતુ સોશ્યલ મીડિયા પર સંબંધનો ટૅગ ન હોય તો તમે રિલેશનશિપમાં નથી. સ્પાઉઝ વીઝા માટે અપ્લાય કરતી વખતે વીઝા-ઑફિસર પણ પેપર તપાસતાં પહેલાં તો તમારું સોશ્યલ મીડિયા અકાઉન્ટ ચેક કરે છે.
બ્રેડક્રમ્બિંગ, ઘોસ્ટિંગ અને ઝૉમ્બિંગમાં બહુ જ સમાનતા છે તો પણ અલગ છે
બ્રેડક્રમ્બિંગ શબ્દ સૌથી પહેલી વખત ૧૮૧૨માં જર્મન લેખક બ્રધર્સ ગ્રીમે કાલ્પનિક લોકકથા ‘હંસલ ઍન્ડ ગ્રેટલ’માં લખ્યો હતો જેમાં વાર્તામાં હંસલ નામનો છોકરો જંગલના રસ્તામાં ખોવાઈ ન જાય એ માટે નાના-નાના બ્રેડના ટુકડા એટલે કે બ્રેડ-ક્રમ્બ્સ આખા રસ્તામાં નાખતો જાય છે, પરંતુ તેની પાછળથી એ બ્રેડ પક્ષી ખાઈ જાય છે એટલે તે જંગલમાં ભૂલો પડે છે. હવે મૉડર્ન ટાઇમ્સમાં આ શબ્દનો સંબંધના સંદર્ભમાં અર્થ સમજીએ. બ્રેડક્રમ્બિંગને રિલેશનશિપમાં રૂપક તરીકે વાપરવામાં આવે છે. વ્યક્તિ સોશ્યલ મીડિયા પર કે મેસેજ કે પોસ્ટ દ્વારા વ્યક્તિમાં રસ બતાવે છે પરંતુ કમ્યુનિકેશનમાં બ્રેડક્રમ્બ્સની જેમ તૂટક-તૂટક ચીડવ્યા કરે છે. એમાં આગળ કંઈ થશે એવી કોઈ ચોખવટ નથી. ‘પ્યાર કા પંચનામા’ ફિલ્મ બ્રેડક્રમ્બિંગનું સારું ઉદાહરણ છે. એક પ્રકારનું ઍન્ટિસોશ્યલ અને મૅનિપ્યુલેટિવ ડેટિંગ બિહેવિયર સૂચવે છે.
જ્યારે ઘોસ્ટિંગમાં વ્યક્તિ અચાનક જ તમારી સાથે બોલવાનું બંધ કરી દે કાં તો તમારા કૉલ કે મેસેજ આપવાનું બંધ કરી દે અને તમને તેઓ આ વર્તન કરવા પાછળનું કારણ પણ નથી જણાવતા. કંગના રનૌતની ફિલ્મ ‘ક્વીન’ (૨૦૧૪) લગભગ બધાએ જ જોઈ હશે. કંગના રનૌતનાં લગ્ન તૂટી જાય છે અને તે વિજય એટલે કે રાજકુમાર રાવને ફોન કરે છે, મેસેજ કરે છે પણ તે જવાબ જ નથી આપતો. તો આ પરિસ્થિતિમાં રાજકુમારે કંગનાને ઘોસ્ટેડ કરી એમ કહેવાય. ઝોમ્બી વેસ્ટર્ન શબ્દ છે અને આ થીમ પર અઢળક ફિલ્મો બની છે. સાદી ભાષામાં ઝોમ્બી એટલે મરેલામાંથી જીવતા થવું. હવે સંબંધમાં ઝોમ્બિંગ એટલે વ્યક્તિ ઘોસ્ટિંગની જેમ કોઈ પણ કારણ આપ્યા વગર અચાનક જ વાત કરવાનું બંધ કરી દે એમ ૩ કે ૬ મહિના પછી અચાનક ફરી વાત કરવાનું શરૂ કરે અને એવી રીતે વર્તન કરે જાણે કંઈ થયું જ નથી. ફિલ્મ ‘ક્વીન’ના અંતમાં રાજકુમાર રાવ કંગનાને ફરી મનાવે છે, જાણે કંઈ બન્યું જ નથી.
ઘોસ્ટિંગ અને ઝોમ્બિંગ - વ્યક્તિ સાથે અચાનક જ કારણ વગર બોલવાનું બંધ કરી દે એને ઘોસ્ટિંગ કહેવાય અને ૩ કે ૬ મહિના પછી અચાનક જ વાત કરવાનું શરૂ કરી દે, જાણે કે કંઈ થયું જ નથી એને ઝોમ્બિંગ કહેવાય. કંગના રનૌતની ફિલ્મ ‘ક્વીન’માં આ બન્ને ઉદાહરણ જોઈ શકાય. રાજકુમાર રાવ અચાનક જ ફોન કે મેસેજ પર વાત કરવાનું બંધ કરી દે અને અંતે કંગના સાથે ફરી વાત કરવાનું શરૂ કરી દે, જાણે કે કંઈ થયું જ નથી.
બેન્ચિંગ
સ્પોર્ટના સંદર્ભમાં બેન્ચિંગને સમજીએ. ક્રિકેટમાં ૧૧ ખેલાડીઓ છે પરંતુ જો એમાંથી કોઈને પણ કંઈ થાય તો બૅકઅપ માટે ૧૨મો ખેલાડી બેન્ચ પર બેઠેલો જોવા મળે છે. એટલે કે એક ખેલાડી અવેજીમાં હોય છે. એવી જ રીતે સંબંધમાં વ્યક્તિ સામેની વ્યક્તિ સાથે કમિટમેન્ટ નથી કરતી કે તેમનો સંબંધ આગળ પણ નથી વધારતી. તેને જીવનમાં બૅકઅપ તરીકે રાખે છે કે જો તેમની મનગમતી વ્યક્તિ સાથે વાત ન બની તો બેન્ચ પર બેસેલી વ્યક્તિને ચાન્સ આપશે. ‘યે જવાની હૈ દીવાની’માં રણબીર કપૂર એટલે કે બનીના પાત્રને દીપિકા પાદુકોણ એટલે કે નૈના ગમે છે, પરંતુ બનીની પ્રાથમિકતા ટ્રાવેલિંગ અને ફોટોગ્રાફી છે. તે દીપિકાને હા કે ના નથી કહેતો એટલે નૈના રાહ જોતી બેન્ચ પર બેઠી હોય છે.
બેન્ચિંગ - વ્યક્તિને બૅકઅપ ઑપ્શન તરીકે રાખે છે. જો તેમની મનગમતી વ્યક્તિ સાથે વાત ન બની તો બૅકઅપ માટે બેન્ચ પર બેસેલી વ્યક્તિને ચાન્સ આપશે. એટલે વ્યક્તિ હા પણ નથી કહેતી અને ના પણ નથી કહેતી. ‘યે જવાની હૈ દીવાની’માં રણબીર કપૂર એટલે કે બનીના પાત્રને દીપિકા પાદુકોણ એટલે કે નૈના ગમે છે, પરંતુ બનીની પ્રાથમિકતા ટ્રાવેલિંગ અને ફોટોગ્રાફી છે. તે દીપિકાને હા કે ના નથી કહેતો એટલે નૈના રાહ જોતી બેન્ચ પર બેઠી હોય છે.
કફિંગ સીઝન
શિયાળા પહેલાં શરદ ઋતુ એટલે પાનખર ઋતુ આવે. કફિંગ (cuffing) એટલે હાથકડી કે બાંધવું. તો આ ઠંડીની ઋતુમાં લોકો બહારની પ્રવૃત્તિઓ છોડીને ઇન્ડોર પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થાય છે તેમ જ આ તહેવારની ઋતુ હોય છે એટલે લોકો એકલતા પણ અનુભવે છે. તો આજની જનરેશન-ઝી માટે કફિંગ સીઝન એટલે ટૂંકા સમય માટે એકલતા ન લાગે તેથી તેઓ સમય પૂરતા પાર્ટનર શોધીને ઉનાળો આવે ત્યાં સુધી અલગ થવાનું નક્કી કરતા હોય છે. અમુક કફિંગ સીઝન પર્મનન્ટ સંબંધોમાં પણ પરિણમતા હોય છે. આ કન્સેપ્ટ વેસ્ટર્ન છે, પરંતુ હિન્દી ફિલ્મમાં પણ આની ઝલક જોવા મળી છે. ‘લવ આજ કલ’ (૨૦૦૯)માં સૈફ અલી ખાન એટલે કે જય અને દીપિકા પાદુકોણ એટલે કે મીરાને ખ્યાલ છે કે આ સંબંધ ટૂંક સમય માટે છે અને પછી પોતપોતાના રસ્તે જવાનું છે તો પણ સંબંધમાં જોડાય છે. તેમને કફિંગ સીઝન પાર્ટનર તરીકે ઓળખાવી શકાય. અમેરિકાની ક્રિસમસ મૂવીઝમાં, કોરિયન અને ચાઇનીઝ ડ્રામામાં આ થીમની ભરમાર છે; જેના કારણે આ શબ્દ ગ્લોબલી પૉપ્યુલર છે.
કફિંગ સીઝન - તહેવારની સીઝનમાં એકલતા ન લાગે એટલે ટૂંક સમય માટે પાર્ટનર સાથે કમિટમેન્ટ કરે છે અને સીઝન પૂરી થતાં બન્ને પોતપોતાના રસ્તે નીકળી જાય છે. ‘લવ આજ કલ’ (૨૦૦૯)માં સૈફ અલી ખાન એટલે કે જય અને દીપિકા પાદુકોણ એટલે કે મીરાને ખ્યાલ છે કે આ સંબંધ ટૂંક સમય માટે છે અને પછી પોતપોતાના રસ્તે જવાનું છે તો પણ સંબંધમાં જોડાય છે. તેને કફિંગ સીઝન પાર્ટનર તરીકે ઓળખી શકાય.
ફ્લીબૅગિંગ
જેન-ઝીમાં ભાગ્યે જ એવું કોઈ હશે જેણે બ્રિટિશ લેખક, ડિરેક્ટર અને ઍક્ટર ફીબી વોલર બ્રિજની કૉમેડી સિરીઝ ‘ફ્લીબૅગ’ નહીં જોઈ હોય. મોટા ભાગના યુવાનો ફીબીના પાત્ર સાથે પોતાની સરખામણી કરવા લાગ્યા હતા. ફિલ્મનું મુખ્ય પાત્ર ફીબી વોલર બ્રિજ એટલે કે ફ્લીબૅગ હંમેશાં પોતાના માટે યોગ્ય ન હોય તેવી વ્યક્તિના પ્રેમમાં પડે અને સંબંધનો અંત બહુ જ જલદી આવે. એવું નહીં કે એક વાર ટૉક્સિક સંબંધમાંથી બહાર આવ્યા પછી વ્યક્તિ અન્ય ટૉક્સિક સંબંધમાં નહીં સપડાય. વારંવાર ખરાબ રિલેશનશિપનું પુનરાવર્તન કરવાની પૅટર્નને ફ્લીબૅગિંગ કહેવામાં આવે છે. તેથી આવા સંબંધોને વર્ણવવા લોકો ફ્લીબૅગિંગ શબ્દનો ઉપયોગ કરતા હોય છે. ‘કૉકટેલ’ (૨૦૧૩)માં દીપિકા પાદુકોણ એટલે કે વેરોનિકાનું પાત્ર વારંવાર ખોટી વ્યક્તિના પ્રેમમાં પડે છે.
ફ્લીબૅગિંગ - ફ્લીબૅગિંગ શબ્દ બ્રિટિશ કૉમેડી સિરીઝના મુખ્ય પાત્ર પરથી આવ્યો છે. આ મુખ્ય પાત્ર વારંવાર જે વ્યક્તિ અનઅવેલેબલ હોય કે ટૉક્સિક હોય તેના જ પ્રેમમાં પડે છે. એક સંબંધ ખરાબ રીતે તૂટે તો પણ એમાંથી શીખવાને બદલે પૅટર્ન રિપીટ કરે છે એને ફ્લીબૅગિંગ કહેવાય છે. ‘કૉકટેલ’ (૨૦૧૩)માં દીપિકા પાદુકોણ એટલે કે વેરોનિકાનું પાત્ર વારંવાર ખોટી વ્યક્તિના પ્રેમમાં પડે છે. તેને ખ્યાલ છે કે ગૌતમ મીરાના પ્રેમમાં છે તો પણ ગૌતમની રાહ જોતી રહે છે.
વોકફિશિંગ
વોકફિશિંગ શબ્દ સમજવા ૨૦૨૨માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ અમ્મુ શ્રેષ્ઠ ઉદાહરણ છે. મુખ્ય પાત્ર અમ્મુનો હસબન્ડ પોલીસ-ઇન્સ્પેક્ટર છે જે મહિલાઓને અત્યાચારથી બચાવવા અને તેમના સશક્તીકરણ માટે ખાસ ટીમ બનાવે છે અને પોતાની પત્ની સાથે પશુ જેવો વ્યવહાર કરે છે. વોક શબ્દ આજની જાગૃત જનરેશન પરથી લેવામાં આવ્યો છે અને એમાં ટ્વિસ્ટ એ છે કે લોકો જાગૃત હોવાનો માત્ર ડોળ કરે છે, હોતા નથી. ટૂંકમાં હાથી કે દાંત દિખાને કે ઔર ઔર ચબાને કે ઔર, એને વોકફિશિંગ કહેવાય છે. સોશ્યલ મીડિયા પર વ્યક્તિ પોતે પ્રોગ્રેસિવ અને ફેમિનિસ્ટ હોવાનો દેખાડો કરે અને તેનું વર્તન તેના વિચારોથી એકદમ વિરોધી હોય. ઑનલાઇન જે ફાઇનૅન્શિયલ સ્કૅમ થાય અને લોકો ફસાય એવી રીતે ઑનલાઇન ખોટી પ્રોફાઇલ જોઈને લોકો પ્રેમમાં પડે એને વોકફિશિંગ કહેવાય.
વોકફિશિંગ - સાદી ભાષામાં હાથી કે દાંત દિખાને કે ઔર ઔર ચબાને કે ઔર એને વોકફિશિંગ કહેવાય છે. વ્યક્તિ પોતે પ્રોગ્રેસિવ અને ફેમિનિસ્ટ હોવાનો દેખાડો કરે અને તેનું વર્તન તેના વિચારોથી એકદમ વિરોધી હોય. વોકફિશિંગ સમજવા ૨૦૨૨માં રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ ‘અમ્મુ’ શ્રેષ્ઠ ઉદાહરણ છે. મુખ્ય પાત્ર અમ્મુનો હસબન્ડ પોલીસ-ઇન્સ્પેક્ટર છે જે મહિલાઓને અત્યાચારથી બચાવવા અને તેમના સશક્તીકરણ માટે ખાસ ટીમ બનાવે છે અને પોતાની પત્ની સાથે પશુ જેવો વ્યવહાર કરે છે.
ડ્રાય ડેટિંગ અને DTR
આ એક એવો ટ્રેન્ડ છે જે કદાચ બધાનું ધ્યાન વિવિધ કારણોસર ખેંચે. ડ્રાય ડેટિંગનો અર્થ લગભગ ડ્રાય ડે જેવો જ થાય છે. યુવાનો પાર્ટનર સાથે અર્થસભર ક્નેક્શન શોધવા કે એકબીજાને ઓળખવા માટે આલ્કોહોલ વિનાની ડેટ પર જાય છે જેથી એકબીજાની હેલ્ધી હૅબિટ્સને પણ જાણી શકે. DTR - ડિફાઇન ધ રિલેશનશિપ એટલે કે સંબંધને નામ આપો - જે મોટા ભાગની આધુનિક રિલેશનશિપની સમસ્યા છે. કહી શકાય કે સિચુએશનશિપ કે બેન્ચિંગ કે ઝોમ્બિંગ પહેલાંનું પગથિયું છે. ‘શુદ્ધ દેશી રોમૅન્સ’ ફિલ્મની થીમ આ ટર્મને સારી રીતે સમજાવે છે. પાર્ટનર કેટલો કન્ફ્યુઝ્ડ છે અને તેને સંબંધને વ્યાખ્યાયિત જ નથી કરવો કે તેઓ ફ્રેન્ડ્સ છે કે ફ્રેન્ડ્સ કરતાં કંઈક વધારે છે કે તેઓ લવર્સ છે.
આ પ્રકારની ટર્મિનોલૉજીઝના ઓવરડોઝથી યંગસ્ટર્સની લવ-લાઇફ પર કેવી અસર પડી શકે છે?
મનીષા ઠક્કર, મૅરેજ-કાઉન્સેલર, રિલેશનશિપ કોચ
૧૭ દેશોમાં ઑનલાઇન અને હૈદરાબાદ, લંડન અને ઘાટકોપરમાં ઑફલાઇન પ્રૅક્ટિસ કરતાં ૧૩ વર્ષનાં અનુભવી મૅરેજ-કાઉન્સેલર, રિલેશનશિપ કોચ અને લાઇફ કોચ મનીષા ઠક્કર કહે છે, ‘પ્રેમ શાંતિ અને ફ્રીડમ છે. દરેક શબ્દની અસર થતી હોય છે, કારણ કે કમ્યુનિકેશન કૅન હીલ અને કમ્યુનિકેશન કૅન કિલ. મારી પાસે એટલાબધા ટીનેજર્સ આવે છે જેમની લવ-લાઇફને શબ્દોમાં વ્યાખ્યાયિત કરેલી છે જેમાં મોટા ભાગના આ વ્યાખ્યાયિત સંબંધોમાં એક તરફનો પાર્ટનર ઇમોશનલી બંધાઈ જાય છે અને બીજો પાર્ટનર નથી બંધાતો. મારી પાસે કાઉન્સેલિંગ માટે આવતા ટીનેજર્સ કરીઅરથી ભટકી જાય છે. તેમનો પ્રૉબ્લેમ એ છે કે તેઓ સિચુએશનશિપમાં હતાં અને ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડ સિરિયસ થઈ ગયાં અને તેઓ હવે ઇમોશનલી બ્લૅકમેઇલ કરી રહ્યાં છે. જે શબ્દથી સંબંધ શરૂ કર્યો છે એ અંત સુધી રહેતો નથી અને કંઈક બીજું થઈ જાય છે. ટૂંકમાં સંબંધો ક્યારેય સરળ નથી હોતા. પ્રાચીન સમયમાં રાજાને ૧૦૦ રાણીઓ હતી ત્યારે અને રાજાને એક રાણી હતી ત્યારે પણ સમસ્યા તો હતી જ. મારો આ એક કેસ છે જેના વિશે વાત કરું તો તે યંગ ગર્લ દસમા ધોરણમાં છે અને તેના મલ્ટિપલ પાર્ટનર રહી ચૂક્યા છે. મેં તેને સવાલ પૂછ્યો કે તને એવું નથી લાગતું કે લોકો તને યુઝ કરી રહ્યા છે? તેણે બહુ પૉઝિટિવ વાત કહી કે એ લોકો મને યુઝ નથી કરી રહ્યા, હું મારો પર્ફેક્ટ પાર્ટનર શોધી રહી છું. આજે મોટેરાઓના સંબંધોમાં લગ્ન પછી ૩-૪ પરણેતર સંબંધો હોય છે એમાં ખોટું કોણ? મોટેરાઓ જેન-ઝીને લઈને જજમેન્ટલ છે અને માને છે કે કળિયુગ છે એટલે કંઈ પણ ચાલે. પરંતુ આપણે કળિયુગમાં જીવીએ છીએ, જેન-ઝી નહીં. જેન-ઝી ધર્મ અને અંધશ્રદ્ધામાં નહીં પરંતુ અધ્યાત્મ અને વાસ્તવિકતામાં માને છે. તેમની પાસે કોઈના સંબંધમાં ઇન્ટરફિયર કરવાનો કે ગૉસિપ કરવાનો સમય નથી. લોકો જે કામ લગ્ન પછી કરે છે એ બધું જેન-ઝી લગ્ન પહેલાં કરીને તેમના સંબંધોમાં સ્પષ્ટતા લાવે છે.’

