Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > બાળકની સંભાળમાં પર્ફેક્શન નહીં, પાર્ટનરશિપ બહુ જરૂરી

બાળકની સંભાળમાં પર્ફેક્શન નહીં, પાર્ટનરશિપ બહુ જરૂરી

Published : 11 September, 2026 01:07 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

નવી મમ્મી પપ્પા બાળકની સંભાળમાં સક્રિય ભાગ લે એવી અપેક્ષા રાખે છે, પરંતુ પપ્પા પહેલ કરે ત્યારે ટોકવાથી તેમનો આત્મવિશ્વાસ તૂટે છે. આવી સ્થિતિમાં બન્ને કેવી રીતે વાતચીત કરે જેથી ટીમ તરીકે કામ કરી શકે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બાળક રડતું હોય અને પપ્પા ખુશીથી કહે કે તું આરામ કર, હું ડાયપર બદલી નાખું છું. પપ્પા બાળકને સાફ કરીને નવું ડાયપર પહેરાવે છે. એવામાં મમ્મી આવીને તરત ડાયપર ચેક કરે છે અને કહે છે કે ‘આ શું? ડાયપર કેટલું ઢીલું બાંધ્યું છે? લીક થઈ જશે. લાવો, હું ફરીથી કરી દઉં. તમને કંઈ સરખું કરતાં જ નથી આવડતું.’
પપ્પા બાળકને નવડાવીને કબાટમાંથી કપડાં કાઢીને પહેરાવે છે જેથી બહાર જઈ શકાય, પણ મમ્મી બાળકને જોઈને તરત બોલે છે, ‘આ શું પહેરાવ્યું છે? આ ટી-શર્ટ સાથે આ પૅન્ટ થોડું પહેરાવાય? રંગ જ મૅચ નથી થતો. આ હવામાનમાં આટલાં પાતળાં કપડાં પહેરાવાય? ઠંડી લાગી જશે. તમે ક્યારેય સરખી પસંદગી નથી કરતા.’
બાળક અચાનક રડવા લાગે છે. પપ્પા બાળકને તેડીને હીંચકો આપવાનો કે પોતાની રીતે શાંત પાડવાનો પ્રયાસ કરે છે. બાળક બે મિનિટ વધારે રડે એટલે મમ્મી તરત દોડી આવીને બાળકને  તેના હાથમાંથી ખેંચી લે છે અને કહે છે, ‘તમારાથી તે છાનું જ નથી રહેતું. તમે ખોટી રીતે તેડ્યું છે. લાવો મને આપી દો, મારા વગર તે શાંત નહીં થાય.’
મમ્મી આરામ કરી શકે એ માટે પપ્પા બૉટલથી દૂધ પિવડાવવાનું શરૂ કરે છે. મમ્મી બાજુમાં બેસીને સતત સૂચનાઓ આપ્યા કરે છે, ‘બૉટલ આટલી ત્રાંસી કેમ રાખી છે? બાળકની ગરદન સરખી પકડો. પીવડાવ્યા પછી તરત ઓડકાર કેમ ન કરાવ્યો? તમે બહુ ઉતાવળ કરો છો.’
પપ્પા બાળક સાથે ફ્લોર પર બેસીને થોડી મસ્તી કે રમતો રમે છે, જેમાં કદાચ થોડાં રમકડાં વેરવિખેર થાય છે. મમ્મી રૂમમાં આવીને રમતમાં ભાગ લેવાને બદલે કહે છે, ‘આખો રૂમ વેરવિખેર કરી નાખ્યો. આવી રમત ન રમાય, બાળક પડી જશે. તેને આટલું હસાવશો તો હીચકી આવી જશે.’
ન્યુ પેરન્ટ્સ બન્યા હોય તેમની વચ્ચેનો આ સામાન્ય સંવાદ છે જે ડે-ટુ-ડે બેઝિસ પર તેમની વચ્ચે થતો હોય છે. એવામાં નવી મમ્મીઓ બાળકની સંભાળમાં પાર્ટનર પર કેમ સતત કન્ટ્રોલ રાખવાનો પ્રયત્ન કરે છે? સતત ટોક-ટોક કે ભૂલો કાઢવાથી પપ્પાના આત્મવિશ્વાસ અને બાળકની સંભાળ લેવાની ઇચ્છા પર શું અસર થાય છે? પતિ-પત્ની એકબીજાની લાગણી દુભાવ્યા વિના ચિંતાઓ કેવી રીતે વ્યક્ત કરી શકે અને એક હેલ્ધી પેરન્ટિંગ પાર્ટનરશિપ કેવી રીતે બનાવી શકે? આ તમામ સવાલોના જવાબ આપણે સાઇકોલૉજિસ્ટ અને કાઉન્સેલર પૂર્વી શાહ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ.

રોકટોક પાછળની ચિંતા સમજો



પેરન્ટિંગ એવી વસ્તુ છે જે ક્યારેય કોઈ સ્કૂલમાં શીખવવામાં આવતી નથી. તમે એટલાં પુસ્તકો વાંચી લો, પણ વાસ્તવિકતામાં સામે આવતા પડકારો એકદમ અણધાર્યા અને નવા હોય છે. આ નવી જવાબદારી વચ્ચે સૌથી મોટો ડર એ વાતનો હોય છે કે મારાથી અજાણતાં પણ મારા બાળકને કોઈ નુકસાન ન થઈ જાય. બાળક સાથે સતત જોડાયેલી હોવાથી મમ્મી એક પ્રકારની ઍન્ગ્ઝાઇટી અને હાઇપ વિજિલન્સના મોડમાં આવી જાય છે. તે બાળકની શ્રેષ્ઠ સંભાળ ઇચ્છે છે, પણ મનમાં એવો ડર ઘર કરી જાય છે કે પાર્ટનર કદાચ આ કામ બરાબર નહીં કરી શકે. પરિણામે તે દરેક નાની બાબતમાં માઇક્રો-મૅનેજમેન્ટ કરવા લાગે છે અથવા પપ્પાને કામ કરતાં અટકાવે છે. મનોવિજ્ઞાનમાં આ વર્તણૂકને મૅટર્નલ ગેટકીપિંગ કહેવામાં છે. આ વર્તન પાછળ મમ્મીનો કોઈ ખરાબ ઇરાદો કે ઈગો નથી હોતો; પણ એ ન્યુરોબાયોલૉજિકલ ફેરફારો, ડરની સ્વાભાવિક લાગણી અને સામાજિક ઘડતરનું પરિણામ છે. પપ્પા જ્યારે બાળકની સંભાળ પોતાની અલગ પદ્ધતિથી લે છે ત્યારે મમ્મીના મનમાં અસુરક્ષા અને ચિંતા ટ્રિગર થાય છે. કામ જ્યારે મમ્મીની ચોક્કસ રીત મુજબ જ થાય ત્યારે જ તે માનસિક રીતે શાંતિ અનુભવે છે. આપણો સમાજ બાળકના ઉછેર અને સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી અજાણતાં જ મમ્મીના માથે થોપી દે છે. આ સામાજિક દબાણને કારણે મમ્મીને લાગે છે કે બાળકના ઉછેરમાં થતી કોઈ પણ ભૂલ તેની પોતાની નિષ્ફળતા ગણાશે. આથી તે બાળકની સંભાળને પોતાની સેલ્ફ-વર્થ સાથે જોડી દે છે જેને કારણે પેરન્ટિંગ તેના માટે એક ઇનવિઝિબલ કૉમ્પિટિશન જેવું બની જાય છે. મમ્મી બાળક સાથે આખો દિવસ વિતાવતી હોવાથી બાળકના રડવાના, ભૂખના કે અણગમાના સંકેતો તરત પકડી લે છે; જ્યારે પપ્પા પોતાની રીતે બાળકને સમજવાનો પ્રયત્ન કરે છે ત્યારે મમ્મીને તેમની આ ધીમી પ્રક્રિયા બેદરકારી કે અણઆવડત લાગે  છે. તેને ડર લાગે છે કે પપ્પાની પદ્ધતિથી બાળક હેરાન થશે અને આ ડર જ તેને વચ્ચે પડીને ટોકવા માટે મજબૂર કરે છે.


રોકટોકની અસર

કોઈ પણ વ્યક્તિની દરેક નાની વાતમાં સતત ભૂલો કાઢવામાં આવે ત્યારે તેનું મનોબળ તૂટી જાય છે. આકરી ટીકા અને નકારાત્મકતાથી બચવા માટે પપ્પા અજાણતાં જ પોતાની જાતને બચાવવાના મોડમાં લાવી દે છે અને બાળકની સંભાળથી અંતર બનાવવાનું શરૂ કરે છે. વારંવારની ટીકાથી પપ્પાના મનમાં એવી ભાવના ઘર કરી જાય છે કે હું ગમે એટલો સારો પ્રયાસ કરું, એનાથી મમ્મીને સંતોષ નહીં જ થાય. આ હતાશાને કારણે પપ્પા પહેલ કરવાનું કે મદદ કરવાનું સાવ બંધ કરી દે છે અને પેરન્ટિંગમાં એક પૅસિવ (નિષ્ક્રિય) ભૂમિકા અપનાવી લે છે. દરેક ક્ષણે માઇક્રો-મૅનેજમેન્ટ થવાથી પપ્પાને લાગે છે કે તેના પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તેના પર કોઈ ભરોસો નથી. પેરન્ટિંગ એવી વસ્તુ છે જે ભૂલો કરીને અને અનુભવથી જ શિખાય છે, પરંતુ સતત ટોકવાથી પપ્પાને બાળકને એકલા સંભાળવાનો જરૂરી આત્મવિશ્વાસ ક્યારેય મળતો નથી. આ પરિસ્થિતિ માત્ર પપ્પાના વ્યક્તિગત માનસિક સ્તર પર જ નહીં, પતિ-પત્નીના સંબંધો પર પણ ઊંડી નકારાત્મક અસર પાડે છે. સંબંધમાં બરાબરીની ભાવના ખતમ થવા લાગે છે. પપ્પાના પ્રયાસોની કદર કે પ્રશંસા થવાને બદલે માત્ર ભૂલો જ ગણાવાતી હોવાથી તેના મનમાં સતત અન્યાય અને અણગમાની લાગણી ભરાતી જાય છે.


પતિ-પત્ની આ વાતો કેવી રીતે કહી શકે?

ખોટી રીત : તમે ક્યારેય સરખું નથી કરતા.
સાચી રીત : જો ડાયપર થોડું ટાઇટ રાખશો તો કદાચ વધુ કમ્ફર્ટેબલ રહેશે.
ખોટી રીત : લાવો હું કરી દઉં.
સાચી રીત : તમને મદદ જોઈએ તો કહેજો, નહીં તો તમે એક વાર ટ્રાય કરો.
ખોટી રીત : તમારાથી બાળક શાંત જ નથી થતું.
સાચી રીત : કદાચ અત્યારે તેને મારી પાસે આવવું છે. પછી તમે ફરી પ્રયાસ કરજો.
ખોટી રીત : આ શું પહેરાવ્યું છે?
સાચી રીત : બહાર ઠંડી છે એટલે કદાચ ઉપર એક લેયર વધુ રાખીએ તો સારું રહેશે.
ખોટી રીત : આખો રૂમ વેરવિખેર કરી નાખ્યો.
સાચી રીત : રમત પૂરી થાય પછી બન્ને મળીને રમકડાં ગોઠવી દઈશું.
વ્યક્તિની ટીકા કરવાને બદલે પરિસ્થિતિ વિશે વાત કરો. તમે ખોટા છો એવું કહેવાને બદલે આ રીતે કરીએ તો વધુ સારું રહેશે કહો.

પેરન્ટિંગમાં પાર્ટનરશિપની ટિપ્સ

૧. એક ટીમ તરીકે કામ કરવું : બાળકનો ઉછેર ત્યારે જ શ્રેષ્ઠ રીતે થાય છે જ્યારે પતિ-પત્ની એકબીજા સામે ઊભા રહેવાને બદલે એક મજબૂત ટીમ બનીને કામ કરે. કોઈ એક વ્યક્તિએ બધો જ બોજ પોતાના માથે લઈ લેવાની જરૂર નથી.
૨. વાસ્તવિક અને કાલ્પનિક ડર વચ્ચેનો તફાવત : મમ્મીએ એ સમજવાની જરૂર છે કે કઈ બાબત બાળકની સુરક્ષા માટે ખરેખર જોખમી છે અને કયો માત્ર મનનો અકારણ ડર કે વહેમ છે. જ્યારે મમ્મી આ ફરક સમજી લેશે ત્યારે પોતાની ચિંતાને કારણે વાતનું વતેસર બનાવવાનું અને પપ્પાને દરેક વાતમાં રોકવાનું આપોઆપ ઓછું થઈ જશે.
૩. કામની વહેંચણી અને સંપૂર્ણ જવાબદારી સોંપવી : મમ્મીએ પપ્પાને નાની-નાની સૂચનાઓ આપીને પોતાની પદ્ધતિ થોપવાને બદલે અમુક કામોની સંપૂર્ણ જવાબદારી પપ્પાને સોંપી દેવી જોઈએ. પદ્ધતિ અલગ હોવી એ ખતરો નથી આ વાત સ્વીકારીને મમ્મીએ થોડા પાછળ હટવું જોઈએ જેથી તે પોતે પણ સતત સતર્કતા અને ચિંતામાંથી મુક્ત થઈને રિલૅક્સ થઈ શકે.
૪. ભૂલો ગણાવવાને બદલે પોતાનાં ટ્રિગર્સ સમજવાં : સામેવાળાની 
ભૂલો કાઢીને એને સુધારવા દોડવા કરતાં બન્ને પાર્ટનરે પોતાની જાતને પૂછવું જોઈએ કે કઈ બાબત તેમને અસુરક્ષિત કે અસ્વસ્થ કરી રહી છે. આંતરિક ચિંતાને શાંત કરવાથી બહારની પરિસ્થિતિઓને કન્ટ્રોલ કરવાની વૃત્તિ ઘટી જાય છે.
૫. ટીકા નહીં, હેલ્ધી ફીડબૅક 
અને યોગ્ય સમયની પસંદગી : વાતચીત કરતી વખતે ભાષા, 
અવાજનો ટોન અને સમયનું ધ્યાન રાખવું જરૂરી છે. કોઈ પણ મુદ્દે ચર્ચા ત્યારે ન કરવી જ્યારે બન્ને થાકેલા કે ગુસ્સામાં હોય. બન્ને શાંત હોય એવા સમયે શાંતિથી બેસીને સમસ્યાઓ ઉકેલવાનો સમય નક્કી કરવો. ફીડબૅક એવી રીતે આપવો જે સામેવાળાને અપમાનજનક ટીકા ન લાગે, પણ મદદરૂપ સૂચન લાગે.
૬. નાની જીતની કદર અને પરસ્પર પ્રશંસા : એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ કે બન્ને પ્રથમ વાર જ મમ્મી-પપ્પા બન્યાં છે, કોઈ પહેલેથી શીખીને નથી આવ્યું. ટીકા કરવાથી કંઈ સુધરવાનું નથી. એકબીજાના નાના-મોટા પ્રયાસોની કદર કરવી અને નાની-નાની બાબતોમાં પણ એકબીજાની પ્રશંસા કરવી અને સપોર્ટ આપવો એ જ સફળ પેરન્ટિંગની ચાવી છે.

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2026 01:07 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK