વાંચવામાં ભલે થોડુંક અટપટું લાગે, પણ બે પેઢીઓના માતૃસ્વરૂપમાં આવેલા બદલાવોને સમજવા માટે આ અટપટાપણાને સમજવું જરૂરી છે. આજની પેઢીની મમ્મીઓ જ્યારે સંતાનો સાથે પોતાનું પણ ધ્યાન રાખવાની બાબતમાં સભાન છે અને એમાં તેમના પાર્ટનરનો પણ પૂરો સહયોગ મળતો થયો છે
મારી મમ્મી અને મમ્મીની મમ્મી
દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે આખી દુનિયામાં મધર્સ ડે ઊજવવામાં આવે છે. આપણે ત્યાં પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી આ ટ્રેન્ડ ચાલુ થયો છે અને એનાથી સારી વાત એ થઈ કે એ નિમિત્તે યુવાનો પોતાની મમ્મીને સ્પેશ્યલ ફીલ કરાવતા થયા. ગિફ્ટ્સ, સેલિબ્રેશન, સરપ્રાઇઝિસ મેળવીને ખુશ થતી મિડલએજની મમ્મીઓ પોતાની મમ્મીને પણ એ દિવસે સ્પેશ્યલ ફીલ કરાવતી થઈ. નિમિત્ત ગમે એ હોય, મૂળ આપણે ખુશ થઈને સ્વજનોને ખુશી આપીએ એ મહત્ત્વનું છે. જોકે બદલાયેલા જમાના સાથે માતાનું સ્વરૂપ પણ બદલાયું છે. આજથી બે પેઢી જૂની મમ્મી અને આજની મમ્મીઓના દૃષ્ટિકોણથી લઈને વ્યવહાર અને અપેક્ષાઓ ધરમૂળથી બદલાયાં છે. માતા તરીકે સંતાનો માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેતી એક સ્ત્રી જૂના જમાનાની મા છે તો માતા તરીકે સંતાનોની સારસંભાળ રાખવાની સાથે પોતાના મોજશોખ અને કારકિર્દીને પણ પ્રાધાન્ય આપતી આજના જમાનાની મા છે. ખરેખર માતૃત્વની દુનિયા જમાના સાથે કેટલી બદલાઈ છે એ જાણવા માટે અમે કેટલીક દીકરીઓ સાથે તેમની મમ્મી અને તેમની મમ્મીની મમ્મી વિશે વાત કરી ત્યારે શું જાણવા મળ્યું એ જાણીએ.