‘સવાઈ માતા’ એટલે જે મા ન હોવા છતાં તેના જેટલું અથવા તેના કરતાં પણ વધારે વાત્સલ્ય આપે. આજે આપણી વચ્ચે કેટલાક લોકો એવા પણ છે જેમને આવી માતાઓ પાસેથી એવાં વાત્સલ્ય, સહકાર, સહારો, હૂંફ અને માર્ગદર્શન મળ્યાં છે કે...
સવાઈ માતા
‘સવાઈ માતા’ એટલે જે મા ન હોવા છતાં તેના જેટલું અથવા તેના કરતાં પણ વધારે વાત્સલ્ય આપે. આજે આપણી વચ્ચે કેટલાક લોકો એવા પણ છે જેમને આવી માતાઓ પાસેથી એવાં વાત્સલ્ય, સહકાર, સહારો, હૂંફ અને માર્ગદર્શન મળ્યાં છે કે તેમનું જીવન જ બદલાઈ ગયું છે અને એને લીધે તેમણે તેમને સવાઈ માતાનું બિરુદ આપ્યું છે. માતાનું સ્થાન જગતમાં તો કોઈ લઈ જ ન શકે એ વાત ૧૦૦ ટકા સાચી છે, પરંતુ એવાં કેટલાંક ઉદાહરણો છે જેમાં કોઈ માતાની સમકક્ષ જઈને એવું કંઈક કરી જાય છે કે સંતાન તેને સવાઈ માતા તરીકે સન્માન આપવા માંડે...
મારી નાનીને જ મારી મા માનું છું
મૂળ મુંબઈનાં પરંતુ હાલ સુરત રહેતાં મીતા અગ્રાવત કહે છે, ‘વર્ષો પહેલાંની વાત છે. હું ૩ મહિનાની હતી ત્યારે મારી મમ્મી રસોડામાં રસોઈ કરી રહી હતી. સ્ટવ ફાટી જવાને લીધે તે ઘણી દાઝી ગઈ હતી. ત્યાર બાદ તે મને દૂધ પીવડાવી શકે એવી સ્થિતિમાં નહોતી. ૩ મહિનાની બાળકી માના દૂધ વગર કેવી રીતે રહી શકે? હું રડતી રહેતી હતી. ત્યારે મારાં નાની તરત મને તેડવા આવ્યાં. તેઓ પહેલી ગાડીએ મને તેમના ગામમાં લઈ ગયાં. ત્યાં તેઓ બકરી શોધી લાવ્યાં અને મને રોજ એનું દૂધ પિવડાવતાં. આમ કરતાં-કરતાં તેમણે મને મોટી કરી. મારી સગી માતા હોવા છતાં મારાં નાનીએ જ મારી બધી જવાબદારી પોતાના માથે લઈ લીધી હતી. મને ભણાવવાથી લઈને પરણાવવા સુધીની બધી જવાબદારી તેમણે જ નિભાવી હતી. ત્યાં સુધી કે મારી સુવાવડ પણ તેમણે જ કરાવી હતી. એક મા તેની દીકરી માટે જે કરે છે એના કરતાં પણ વધારે મારાં નાનીએ મારા માટે કર્યું છે. મેં મારાં જન્મદાત્રી મમ્મીને આજ સુધી મમ્મી નથી કહ્યું, પરંતુ મારાં નાનીને જ હું મમ્મી કહીને બોલાવતી હતી. જ્યારે મારો વારો આવ્યો તેમની સેવા કરવાનો ત્યારે તેઓ અમને છોડીને જતાં રહ્યાં. એ પળ મારા માટે ખૂબ જ આઘાતજનક રહી હતી. હું લાંબા સમય સુધી એ આઘાતમાંથી બહાર આવી શકી નહોતી. આજે તેઓ હયાત નથી, પરંતુ મારા માટે તો તે હંમેશાં મારી મમ્મી કરતાં વધારે જ રહેશે.’
મારાં સાસુ મારા માટે મા કરતાં પણ વિશેષ
સામાન્ય રીતે દીકરાનાં લગ્ન બાદ કિચનનો કારભાર વહુને સોંપી દેવામાં આવે છે અને સાસુ કિચનના ભારથી મુક્ત થાય છે, પરંતુ ઘાટકોપરમાં રહેતી વીરા ફૅમિલીના કેસમાં એનાથી ઊલટું છે. આ ફૅમિલીની પુત્રવધૂ રિદ્ધિ વીરા કહે છે, ‘હું જૉબ કરું છું અને સવારે ૬ વાગ્યાની આસપાસ મારે ઘરેથી નીકળી જવું પડે છે. જૉબ પરથી આવ્યા બાદ હું મારા PhDના અભ્યાસ માટે જાઉં છું. એટલે મેં નક્કી કરેલું કે હું સવારે જલદી ઊઠીને મારું ટિફિન બનાવીશ અને ઘરનું જેટલું કામ થાય એટલું કરીને નીકળીશ. જોકે હું ઊઠું એ પહેલાં જ મારાં સાસુ હિનામમ્મી ઊઠી જાય છે અને મારું ટિફિન પણ તૈયાર કરી નાખે છે. હું તેમને રોજ ના પાડું, પણ તેઓ કહે છે કે તું આખો દિવસ બહાર હોય છે અને તારું આખું શેડ્યુલ ટાઇટ હોય છે તો તું પછી કિચનનું ટેન્શન કેમ લે છે; હું છુંને, સંભાળી લઈશ; હું તો ઘરે જ છું, બપોરે પણ આરામ કરી શકું; જો તારા બદલે મારી દીકરી હોત તો શું હું તેને ટિફિન ન બનાવી આપું? મારાં સાસુનું વર્ષીતપ ચાલુ છે છતાં તેઓ ઘરનું બધું કામ જાતે કરે છે અને મને કંઈ કરવા દેતાં નથી. રજાના દિવસમાં હું વિચારું કે આજે ઘરે છું તો હું રસોઈ બનાવી દઈશ તો તરત આવીને મને ટોકે અને કહે કે આજે તો રજા છે, એક દિવસ તને આરામ કરવા મળે છે તો પછી વહેલી શું કામ ઊઠે છે; હું છું ત્યાં સુધી બધું સંભાળી લઈશ, તારે ચિંતા કરવાની જરૂર નથી. એટલું જ નહીં, જ્યારે હું લગ્ન કરીને આવી ત્યારે મારું વજન વધારે હતું તો હું નર્વસ રહેતી. ત્યારે તેમણે મને કહ્યું કે એમાં શું નર્વસ થવાનું, શરીર છે તે વધે અને ઘટે. હું વજનની ચિંતા ન કરું એ માટે તેમણે મને ૬ મહિના સુધી રોજ અલગ-અલગ લો કૅલરીની અને હેલ્ધી ડિશ બનાવીને ખવડાવી જેનાથી મારું વજન ૧૦ કિલો ઘટી શક્યું. હવે તમે કહો કે આજે કઈ સાસુ આટલું બધું કરે? રજાના દિવસોમાં પણ જો મારા હસબન્ડ કામસર બિઝી હોય અને હું ઘરમાં બોર થતી હોઉં તો મારાં સાસુ તરત આવીને મને કહે કે બેટા ચલ, આપણે બે જણ બહાર ડિનર પર જઈ આવીએ. અહીં સુધી કે અમે સાસુ-વહુ પિકનિક પર, શૉપિંગ કરવા, ફરવા પણ સાથે જ જઈએ છીએ. ઘરના કામમાં જ નહીં, દરેક વાતમાં મારાં સાસુ મને ખૂબ જ સપોર્ટ કરે છે. ધાર્મિક બાબતોનું જ્ઞાન પણ તેમણે જ મને આપ્યું છે. મારાં મમ્મી કરતાં પણ તેઓ મને વધારે લાડ કરે છે. તેઓ મારા માટે ખરેખર સવાઈ માતા સમાન છે.’
જો તેઓ ન હોત તો હું આજે ક્યાંય ન હોત
સ્ટ્રીટ પરથી સ્ટેજ પર લાવનાર નિશામાની હું હંમેશાં ઋણી રહીશ એમ જણાવીને મુલુંડની રિશુ કનોજિયા ભાવવિભોર થઈને કહે છે, ‘હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવું છું. મારા પપ્પાની એટલી કમાણી નહોતી કે એનાથી એક જણનો પણ ખર્ચ નીકળી શકે. અધૂરામાં પૂરું, એ સમયે મને થાઇરૉઇડ પણ થયો. નજરની સામે બધું અંધકાર જેવું થઈ ગયું હતું. ત્યારે મારી લાઇફમાં નિશા સોની આવ્યાં. તેઓ એક નામાંકિત ટ્રસ્ટનાં ટ્રસ્ટી હોવાની સાથે સિંગર અને કોરિયોગ્રાફર પણ છે. તેમણે મારામાં સંગીત શીખવાની ધગશ જોઈ અને મને સંગીત
શીખવવાનું શરૂ કર્યું. તેમને જ્યારે ખબર પડી કે મને થાઇરૉઇડ છે ત્યારે પોતે ખર્ચ ઉપાડીને મારી ટ્રીટમેન્ટ કરાવી અને મારી હેલ્થની કન્ડિશન એટલી હદે સારી કરી દીધી કે હું સૂરમય ગીત ગાઈ શકું. આ સાથે મને સ્કૂલની ફી ભરવામાં પણ તેમણે મદદ કરી. આજે હું કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. તેમણે મને માત્ર ગાતાં જ નહીં, સ્ટુડિયો સંભાળતાં પણ શીખવ્યું છે. આ સિવાય તેમનામાં જે કોઈ આવડત છે એ તમામ મને શીખવી રહ્યાં છે. મને સ્ટેજ પર ગાવાની તક મળી છે જેના માટે હું તેમની ઋણી છું. એક સાવ સામાન્ય અને ગરીબ ઘરની દીકરી જેને ખાવાનાં પણ ફાંફાં હતાં તેને આજે ભણાવીને આત્મનિર્ભર કરવાનું કામ નિશામાએ કર્યું છે. માત્ર માતાની જ નહીં, પિતા તરીકેની ફરજ પણ તેમણે પૂરી કરી છે. ખરેખર તે મારી સવાઈ માતા છે.’
