Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > ઘર ભલે નોખાં કર્યાં, ભાણાં અમારાં એક છે

ઘર ભલે નોખાં કર્યાં, ભાણાં અમારાં એક છે

Published : 16 August, 2026 08:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંયુક્ત કુટુંબથી વિભક્ત પરિવાર સુધી બદલાતી જીવનશૈલી, વૃક્ષોની ઘટતી સુરક્ષા, રાજકીય વિરોધ, ધર્મના સંઘર્ષ અને સ્ત્રીની મુક્તિ જેવા અનેક સામાજિક મુદ્દાઓ પર કાવ્ય અને વિચારોથી કરાયેલી અર્થસભર રજૂઆત.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સંયુક્ત કુટુંબ પરંપરા અને વિભક્ત કુટુંબ વાસ્તવિકતા વિશે અવારનવાર ચર્ચા થતી રહે છે. બન્ને પ્રથાના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. આજથી ચાર-પાંચ દાયકા પહેલાં ગમે એટલો મોટો પરિવાર હોય એકસાથે જ રહેતો. નાની ૨૦૦ સ્ક્વેરફીટની ઓરડીમાં બાર-ચૌદ જણ સાથે રહેતા હોય એ સામાન્ય ગણાતું. આજે ૩ જણના પરિવારને ૫૪૦ સ્ક્વેરફીટનો ફ્લૅટ પણ નાનો લાગે છે. સમય સાથે જિંદગી જીવવાના માપદંડો બદલાતા રહે છે. કિશોર જીકાદરા સમયની વિષમતા આલેખે છે...
ક્યાં અને ક્યારે સરી ગઈ હાથમાંથી?


કેમ શોધું આજને ગઈ કાલમાંથી?

આંખ સામે એક પંખી ભસ્મ થાતું
એક પંખી થાય બેઠું રાખમાંથી

જિંદગીમાં નાનાં-મોટાં તોફાનો આવતાં રહે છે. કોઈ માત્ર ડાળખીને નુકસાન કરીને નીકળી જાય તો કોઈક આખા વૃક્ષને ધરમૂળથી ઉખાડી નાખે. આ વર્ષે ચોમાસામાં સેંકડો વૃક્ષો ધરાશાયી થયાં. મનસ્વી કૉન્ક્રીટીકરણ અને આડેધડ પેવર બ્લૉક્સને કારણે વૃક્ષનાં મૂળિયાં કાચાં પડે છે. અબજો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ આપતી નગરપાલિકા માટે સડકના નિર્માણ કે દુરસ્તી માટે વૃક્ષની સલામતી નામનો કોઈ વિષય જ અસ્તિત્વમાં હોતો નથી. અણઘડ અને અભણ માનસિકતાની આ સચોટ નિશાની છે. આડેધડ કામ પતાવી નાખવાનો અભિગમ નિષ્ઠાપૂર્વક અભિગમથી ૧૦ જોજન આગળ ચાલે છે. હોતા હૈ, ચલતા હૈ ટાઇપ જીવનશૈલી આપણને સહર્ષ કે સખેદ માફક આવી ગઈ છે. અનિલ ચાવડા આપણી નાગરિકતાને પડકારે છે...
એક નાના કાંકરે આખી નદી ડહોળાય નૈં
પણ શું એનાથી જરાઅમથું વમળ પણ થાય નૈં?
આવું કહેતાં-કહેતાં આખી જિંદગી જીવી ગયો
`આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નૈં
અમુક સમય પછી ઉદાસી પણ કોઠે પડી જતી હોય છે. અમુક સમય પછી આંસુ પણ નીકળતાં બંધ થઈ જાય છે. અમુક સમય પછી અન્યાય સામે વિરોધનો જોસ્સો પણ ઓગળી જતો હોય છે. પ્રત્યેક દેશ પાસે એક સક્ષમ વિરોધ પક્ષ હોવો જોઈએ જે શાસકને સારું કામ કરવા મજબૂર કરે. આ વિરોધ પક્ષનું કામ રસ્તો દેખાડવાનું હોય છે, રસ્તા પર ભૂવા સર્જવાનું નહીં. લોકસભા અને રાજ્યસભામાં જે પ્રકારના ઉધામા, ભવાડા, દેકારા, હોંકારા, પડકારા અને મચ્છી માર્કેટવેડા થાય છે એ જોઈને આપણું ઑલરેડી નતમસ્તક માથું વધારે ૩૦ ડિગ્રી નીચે વળી જાય છે. કોઈ પાસે સત્તાનાં સમીકરણ છે તો કોઈ પાસે ધર્મનાં સમીકરણ. ખલીલ ધનતેજવી મુદ્દાની વાત કરે છે...
એક તો આ જિંદગી ઓછી મળી
એમાં જીવનભરની ખામોશી મળી
નીકળ્યો’તો માણસોને શોધવા
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી
આપણા દેશની પ્રગતિમાં સૌથી વધારે પ્રતિરોધક બાબત હોય તો એ ધર્મ છે. ધર્મનો સંઘર્ષ ધર્મના સંવાદને તળિયે બેસાડી દે છે. જે શક્તિ વિકાસ માટે ખર્ચાવી જોઈએ એ વાડાઓ ઊભા કરવામાં ખર્ચાય છે. આ વાડાઓનું વિસ્તરણ આખરે વિનાશક પુરવાર થાય છે. સારાં કાર્યો પણ થાય છે એની ના નહીં, પણ થોડી ખરાબ કેરી આખા કરંડિયાની કેરી બગાડી નાખે છે. ચિનુ મોદી સચ્ચાઈ શોધે પણ છે અને ઝંખે પણ છે... 
એક જણ સાચું રડે તો બહુ થયું
મૌન ક્યાં આખી સભાનું જોઈએ?
એક પરપોટો ઘણો સુંદર હતો
પણ હવાને ચાલવાનું જોઈએ
પરપોટામાં કેદ થયેલી હવા મુક્ત થવા ઝંખે છે. પાંજરામાં કેદ થયેલું પંખી ઊડવા ઝંખે છે. ઘર-પરિવારની જવાબદારીઓ કરતાં પણ વિશેષ પુરુષની જોહુકમીથી દબાયેલી અને દુણાયેલી સ્ત્રી મુક્તિનો શ્વાસ લેવા ઝંખે છે. જેનો કોઈ વાંક ન હોય તેણે સજા ભોગવવી પડે એ નિયતિની કઈ ચાલ છે એ સમજાતું નથી. આ પીડાને જો ગણિતના માધ્યમથી રજૂ કરવી હોય તો નયન દેસાઈ પાસે જવું પડે...
લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે
શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે
લાસ્ટ લાઇન
શબ્દો ભલે જુદા રહ્યા, ગાણાં અમારાં એક છે
આંખ જુદી છે છતાં, ચશ્માં અમારાં એક છે
રાત છો જુદી રહી, વ્હાણાં અમારાં એક છે
તાણા છો જુદા રહ્યા, વાણા અમારા એક છે
એકને ચૂંટી ખણો તો ચરચરે વાંસો બીજો
ઘાવ છે બરડે જુદા, ચીરા અમારા એક છે
કોઈએ તિલક કર્યાં ને કોઈ દાઢી રંગતું
કાશ! કે હું કહી શકું : મનખા અમારા એક છે
હિન્દ-પાકિસ્તાન સરખાં દૂરનાં અંતર રહ્યાં
ઘર ભલે નોખાં કર્યાં, ભાણાં અમારાં એક છે
- અશ્વિન ચંદારાણા
Whatsapp-channel Whatsapp-channel

16 August, 2026 08:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK