Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



તો શું ChatGPT હર મર્ઝ કી દવા છે, એમ?

05 February, 2023 12:27 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

જરાય નહીં, ઍટ લીસ્ટ એનો ઉપયોગ કરનારા તો એવું જ કહે છે. ચૅટજીપીટી એ કર્મચારી છે, પણ માલિક તો તમે જ છો. તમારી બુદ્ધિ પ્રમાણેનું આઉટકમ એ તમને આપશે. તમને કામ લેતાં આવડે તો એ આશીર્વાદ, નહીં તો અભિશાપ. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની દુનિયામાં..

તો શું ChatGPT હર મર્ઝ કી દવા છે

તો શું ChatGPT હર મર્ઝ કી દવા છે


AI, AI, AI.... Chat GPT, ChatGPT, Chat GPT... અત્યારે જે સ્તર પર આ શબ્દો સતત કાન પર પડી રહ્યા છે અને આંખ સામે આવી રહ્યા છે એ જોતાં ચોક્કસ એમ લાગે છે કે આવનારા થોડાક જ મહિનામાં લોકો પોતાનાં બાળકોનાં નામ ટેક્નૉલૉજીના આ નવા ખેરખાંઓ પરથી રાખવા માંડવાના છે. આપણે એ સ્વીકારવું રહ્યું કે ટેક્નૉલૉજીએ આપણા જીવનને સરળ કરવાનું કામ કર્યું છે, પરંતુ કામ સરળ થાય ત્યારે માણસ આળસુ થાય એ પણ આપણે જોયું છે. અત્યારે જે સ્તર પર જાત-જાતનાં અને ભાત-ભાતનાં એઆઇ ટૂલથી માર્કેટમાં ગરમાટો આવ્યો છે એ જોતાં આવનારા સમયમાં ઘરની મહિલાઓ ‘આજે સાંજે શું બનાવું?’ એવું ફોન કરીને તમને પૂછવાને બદલે ChatGPTને પૂછી લેશે. પ્રશ્નોના જવાબ માટે હવે વ્યક્તિઓ પર નહીં પણ આ એઆઇ ટૂલ પર નિર્ભર રહી શકાય એટલી સ્માર્ટનેસ સાથે મશીન જવાબ પણ આપતા થયા છે. ધારો કે તમારા મનમાં કોઈ સવાલ આવ્યો અને તેનો જવાબ શોધવા માટે ગુગલમાં જઈને દસ વેબસાઇટ ખંગાળવાનો સમય નથી તમારી પાસે તો તમે ગુગલ પર ચેટ જીપીટી ઓપન કરો. ઓપનઆઈ વેબસાઇટમાંથી તમને ડાબી બાજુએ ચેટ જીપીટીનું ઑપ્શન દેખાશે. તમારા કોઈ પણ ગુગલ અકાઉન્ટ અથવા તો ફેસબુક સાથે તેને લિન્ક કરીને એક ક્લીકમાં લોગ ઇન કરો અને પછી તમારા મનની મુંઝવણ ત્યાં આવડે એવી ભાષામાં લખી દો. ત્રીસ સેકેન્ડની અંદર તમને જવાબ મળશે. તમારું લેખનને લગતુ કોઈ પણ કામ ચપટી વગાડતા આ AI બેઝ્ડ સ્માર્ટ ચેટ બોક્સ કરી આપશે. કદાચ આ જ કારણે Chat GPTની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે ત્યારે મળીએ આપણાં એવાં ગુજરાતી ભાઈઓ-બહેનોને જેમણે આ નવા એઆઇ ટૂલ પાસેથી કામ લેવાનું શરૂ કરી દીધું છે. તેમનો પ્રત્યક્ષ અનુભવ શું કહે છે અને આવનારા દિવસોમાં Chat GPTના પરિણામો વિશે તેઓ શું વિચારે છે એ જાણીએ વિગતવાર. 

ઇટ્સ ઇનક્રેડિબલ
જે સ્તર પર Chat GPTના યુઝર્સના નંબર્સ બહાર આવી રહ્યા છે એ જ એની સક્સેસ-સ્ટોરી અને ઉપયોગિતાનું જીવંત ઉદાહરણ છે. ટેક્નો-માર્કેટિંગ કંપની ટાઇટન માસ્ટરમાઇન્ડ્સના ફાઉન્ડર નીરજ શાહ આવતી કાલે ચૅટજીપીટીનો ઉપયોગ સ્માર્ટ્લી કેવી રીતે કરવો એની એક વર્કશૉપ લઈ રહ્યા છે અને દોઢ કલાકની વર્કશૉપ માટે તેમને અદભુત રિસ્પૉન્સ મળ્યો છે. ‘આ એટલું પાવરફુલ છે કે હું આમાંથી પૈસા કમાવા માંડ્યો છું’ એમ જણાવીને નીરજભાઈ કહે છે, ‘હું તો બે મહિનાથી સતત મારાં ઘણાં બધાં કામ Chat GPTથી કરી રહ્યો છું. એની ઇફેક્ટિવનેસ અને પ્રૉમ્પ્ટનેસ જોયા પછી જ મને લાગ્યું કે આવનારા સમયમાં કન્ટેન્ટને લગતા ઘણા બધા પ્રશ્નોનું આ વન સ્ટૉપ સૉલ્યુશન છે. મારી માર્કેટિંગ પોસ્ટ, ઈ-મેઇલ સીક્વન્સિસ, મારા બ્લૉગ્સ, વેબ-કન્ટેન્ટ, વૉટ્સઍપ મેસેજ, ઇન્સ્ટાપોસ્ટ વગેરે બધું જ હું આ એઆઇ ટૂલનો ઉપયોગ કરીને બનાવતો થયો છું. ઇન ફૅક્ટ, બિઝનેસ વર્કશૉપના કેસ-સ્ટડી, રિસર્ચવર્ક માટેનું ટુ ધ પૉઇન્ટ કન્ટેન્ટ વગેરે બધું જ આ એક ટૂલ મને થાળીમાં પીરસી દે છે; પરંતુ બંધુ આનો સાચો ઉપયોગ કરતાં તમને આવડવું જોઈએ. જેટલી સ્પેસિફિક માહિતી સાથે જેટલું બહેતર તમે ઇનપુટ આપશો એટલું જ એક્સેલન્ટ આઉટકમ તમને એમાંથી મળશે. Chat GPTની વર્કશૉપ માટે પણ મારે સ્ક્રિપ્ટ બનાવવી હતી તો એનો જવાબ મેં તેને જ પૂછ્યો અને મને મસ્ત કન્ટેન્ટ મળી ગયું. ધારો કે મારે મારા ટાર્ગેટ કસ્ટમરને મારા કોઈ એક કોર્સમાં જૉઇન કરવા માટે એન્કરેજ કરવા માટે એક ઈ-મેઇલ લખવી છે કે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોઈએ છે કે પછી વૉટ્સઍપ મેસેજ જોઈએ છે તો તમને આ એઆઇ ટૂલ ત્રણેયના જુદા-જુદા મેસેજ ફ્રેમ કરીને આપશે. ધારો કે તમને એ ન ગમે તો તમારી પસંદ મુજબના નવા બીજા પર્યાયો પણ આપશે. ડિસેમ્બર મહિનાથી મારી લિન્ક્ડઇન પોસ્ટ, વેલકમ ઈ-મેઇલ, લીડ મૅગ્નેટ્સ, ક્લાયન્ટ માટે બિઝનેસ સ્ટ્રૅટેજી બનાવી આપે છે. હમણાં રીસન્ટ્લી અમારા એક ફૅમિલી ફંક્શન માટે મારા દીકરાને સ્કૂલમાં રજા પાડવાની હતી. એ જ દિવસે તેનું ત્યાં ઍન્યુઅલ ફંક્શન હતું તો એના માટેની ઍપ્લિકેશન મેં ચૅટજીપીટી પર લખી હતી. યુ નો, આ એક ટૂલે ફૉર્મલ વસ્તુઓ કે જેનું ફૉર્મેટ ફિક્સ હોય એને લખવામાં વેડફાતો સમય બચાવી લીધો.’




નીરજ શાહ, કિંજલ શાહ અને રૂપક શાહ

એના પ્રેમમાં પડી જશો


ભાઈંદરમાં રહેતા અને બોરીવલીમાં પોતાની ડિજિટલ વિજ્ઞાપન નામની કંપની ચલાવતા કિંજન શાહે અત્યાર સુધીમાં ચૅટજીપીટીનો સેંકડો વાર ઉપયોગ કરી લીધો છે. તે કહે છે, ‘હું જેટલી વાર ચૅટજીપીટી વાપરું છું એટલો જ હું વધારે એના પ્રેમમાં પડી રહ્યો છું. માણસ વિચારી શકે એટલું તો એણે કરવાનું શરૂ કરી દીધું જ છે. બેશક, એનાથી લોકોનું કામ છીનવાઈ જશે એ વાત સાથે હું સહમત નથી. જોકે અત્યારે મારાં ઍડ કૅમ્પેન્સથી લઈનપ્રેસ-નોટ બનાવવા સુધીના પહેલાથી છેલ્લા કામમાં કન્ટેન્ટમાં હું ચૅટજીપીટી પર આધાર રાખતો થઈ ગયો છું. મારું કામ સ્મૂધ થયું છે અને અત્યારે જ્યારે ટાઇમક્રન્ચમાં આપણે જીવતા હોઈએ ત્યારે આ મારા માટે અસિસ્ટન્ટની જેમ કામ કરે છે. અફકોર્સ, આ ટૂલ પરની આપણી ડિપેન્ડન્સી આવનારા સમયમાં આપણને લાચાર જ કરશે, કારણ કે લોકો જાતે વિચારવાનું જ બંધ કરી દેશે કે એક કમાન્ડ આપવાથી કામ થાય છે તો હું શું કામ મગજનું દહીં કરું?’ 

કામ વધશે હવે!
તમે સ્ક્રિપ્ટ આપો અને એ સ્ક્રિપ્ટના આધારે વિડિયો બનીને તમારી સામે આવી જાય. એ વિડિયોમાં વપરાયેલી ઇમેજિસ, સાઉન્ડ, બૅકગ્રાઉન્ડ મ્યુઝિકથી લઈને બધું જ એઆઇની રહેમનજર તળે થયું હોય પછી શું જોઈએ જીવનમાં? આજે જ્યારે ડિજિટલ માર્કેટિંગમાં વિડિયો કન્ટેન્ટ બૂમ ચાલી રહી છે ત્યારે એઆઇથી વિડિયો એડિટરની નોકરી તો નહીં જાય છે? જવાબમાં વિડિયો કન્ટેન્ટ જ પ્રોડ્યુસ કરતી કંપની ફૅબ્યુલસ મીડિયાના માલિક રૂપક શાહ કહે છે, ‘આ નવું એઆઇ ટૂલ આવવાથી અમારું કામ જશે નહીં પણ વધશે એ નક્કી છે. અત્યારે પણ વધી જ ગયું છે. કોઈ પણ ટૂલ લૉન્ચ થવાથી તમને એ આવડી નથી જતું, પણ એને વાપરતાં આવડવું જોઈએ અને એને વાપરવા માટેની સ્ક્લ્સિ પણ સતત શીખતા રહેવું પડે. જેમ કે અત્યારે મેં એક વિડિયો લિન્ક્ડઇન પર પોસ્ટ કર્યો છે ડોમેસ્ટિક વાયલન્સનો સિરિયસ ટૉપિક લઈને. એની સ્ક્રિપ્ટ ચૅટજીપીટી પર બનાવી એ પછી વિડિયો બનાવવા માટે પાંચ બીજાં જુદાં-જુદાં એઆઇ ટૂલ વાપર્યાં અને જે કામ પહેલાં હું ત્રણ કલાકમાં કરતો હતો એ મેં વીસ મિનિટમાં પૂરું કર્યું. કારણ કે મેં આ દુનિયામાં ખૂબ ખણખોદ કરી છે અને એને શીખ્યો છું એટલે મને આ ટૂલનો ઉપયોગ કરતાં પણ આવડ્યું અને હવે એમાં ફાવટ પણ આવી છે. જોકે આ ટૂલ કામ ત્યારે જ કરે છે જ્યારે તમે સ્માર્ટ્લી એની પાસે કામ કરાવો. ઇન ફૅક્ટ, એ કેવી રીતે કામ કરે છે એ શીખવવાના ટ્રેઇનિંગ પ્રોગ્રામ અમે લૉન્ચ કર્યા છે. એટલે બન્યું એવું કે અમારા માટે પણ કામના નવા ઍવેન્યુ ખૂલ્યા છે. કોઈ પણ એઆઇ ટૂલની ઉપયોગિતા તમને એ વાપરતાં કેટલું આવડે છે એના પર છે.’

માર્કેટિંગનો નવો યુગ
સમય બદલાય અને ટેક્નૉલૉજી બદલાય એમ ઘણું બધું બદલાતું હોય છે. વિવિધ એઆઇ ટૂલની એન્ટ્રી સાથે માર્કેટિંગની રીતભાતો બદલાવાની શરૂ થઈ ગઈ છે. ડિજિટલ માર્કેટિંગ ફીલ્ડમાં કામ કરતો રાજ મહેતા કહે છે, ‘એક સમયે એક ઈ-મેઇલ ડ્રાફ્ટ કરવામાં ધારો કે મને વીસ મિનિટ લાગતી હતી એ કામ ચૅટજીપીટીની કૃપાથી હવે માત્ર પાંચ મિનિટમાં થાય છે. મારી સેલ્સ-પીચ લખવામાં હું ચૅટજીપીટીનો ઉપયોગ કરું છું. હું જે લોકોનાં ઇન્સ્ટા-અકાઉન્ટ હૅન્ડલ કરું છું તેમની પોસ્ટમાં મને ચૅટજીપીટી કામ આવે છે. આજે મારાં તો બધાં કામ ચૅટજીપીટીથી જ શરૂ થાય છે એમ કહીશ તો અતિશયોક્તિ નથી. ઊલટાનું આ નવા એઆઇ ટૂલથી મારી કામ કરવાની સ્પીડ વધી છે, ફાલતુ વાતોમાં સમય નથી જતો તો હું નવું વિચારી શકું છું, વધારે ઇનોવેટિવ થયો છું. જ્યાં મારી વિચારધારા અટકી જાય ત્યાં હું આ ટૂલની હેલ્પ લઉં છું. આજે તમે કોઈ ફ્રેન્ડ કે કલીગ પાસે જાઓ તો તમારે ઘણી વાર તેના સમય મુજબ રાહ પણ જોવી પડે. અહીં ફિંગરટિપ પર મને સજેશન મળી જાય છે. એ તમારી નીડને સમજીને જવાબ આપે છે અને તમે વધુ ઇલૅબરેટ કરીને પૂછો તો એના ઉત્તરો પણ વધુ ઇલૅબરેટ ફૉર્મમાં હોય છે. જોકે એનો એવો અર્થ જરાય નથી કે એ તમારી જગ્યા છીનવી લેશે. કૉપીરાઇટર, લેખક, ઍડ કૉન્સેપ્ચ્યુલાઇઝેશન કરનારા લોકોની વૅલ્યુ વધશે. તેમનો પોતાનો સમય બચશે. તેમની ક્રીએટિવિટીને 
ખુલ્લું આસમાન મળશે. ચૅટજીપીટી ધારો કે તમને એકથી સોની માહિતી આપી દે પછી તમારે સીધું ૧૦૧થી જ વિચારવાનું શરૂ કરવાનું રહેશે. એટલે તમને વધુ ઍડ્વાન્સ કરશે આ ટેક્નૉલૉજી. હ્યુમન ઇન્ટેલિજન્સને એ બીટ કરી જાય એવું હું નથી માનતો. અફકોર્સ, હજી તો હું માત્ર દસ ટકા જ ચૅટજીપીટીને એક્સપ્લોર કરી શક્યો છું. ધીમે-ધીમે એની અંદર વધુ ડીપ જતાં કયા નવા ખજાના મળશે એની મને પણ નથી ખબર, પરંતુ દસ ટકાના વપરાશમાં જ મને એ બેસ્ટ ઍપ લાગી છે.’

સુનીલ ઉપાધ્યાય

કાંદિવલી-વેસ્ટમાં રહેતા ડિજિટલ માર્કેટિંગના ફીલ્ડમાં ઍક્ટિવ ફોરમ ધ્રુવ પણ ચૅટજીપીટીની સ્માર્ટનેસ પર આફરીન છે. તે કહે છે, ‘તમારા કમાન્ડ મુજબ તમને એ કન્ટેન્ટ આપે, પણ ધારો કે તમે એમાં આૉપ્શન માગો કે વધુ સ્પેસિફિક જવાબ માગો તો એ પણ જાણે સામે કોઈ માણસ બેઠું હોય એમ જવાબ આપે. જુઓ, આપણે ઑટોમૅટેડ ચૅટ ઘણાં વર્ષોથી વાપરીએ છીએ, પરંતુ જે રીતે ચૅટજીપીટી પર્સનલાઇઝેશન સાથે બહુ જ કન્વિન્સિંગ રીતે જવાબો આપે છે એ ખરેખર આપણા કામને સરળ 
બનાવનારું છે. ધારો કે મારે સોશ્યલ મીડિયા પર ટીનેજ ઇશ્યુ પર એક પોસ્ટ લખવી છે જેમાં કરન્ટ કેસ-સ્ટડી પણ હોય તો એ તમને ઘડીની છઠ્ઠી સેકન્ડે ચૅટજીપીટી જાતે રિસર્ચ કરીને આપી દેશે. તમારે યુનિક પોસ્ટ બનાવવી હોય તો તમે એને જેટલું વધારે સ્પેસિફિકલી પૂછો એટલો બહેતર જવાબ આપશે એ તમને. એ અત્યાર સુધીનો ઇન્ટરનેટની દુનિયામાં મળેલો 
બેસ્ટ હેલ્પિંગ હૅન્ડ છે એમ કહીશ તો ચાલે. બસ, તમને એની સાથે કમ્યુનિકેટ કરતાં આવડવું જોઈએ.’

તમને મર્યાદિત કરી શકે?
ધારો કે અત્યારે આર્કિટેક્ટની દુનિયામાં કયાં નવાં ઇનોવેશન્સ ચાલે છે એ તમારે શોધવું હતું અને તમે ગૂગલ પર ગયા. પાંચ-પંદર વેબસાઇટ ખોલી, બહુબધા આર્ટિકલ વાંચ્યા અને બહુબધો સમય ઇન્વેસ્ટ કર્યા પછી તમે કોઈક કન્ક્લુઝન પર આવ્યા. હવે ધારો કે ચૅટજીપીટી આ જ વાત તમને ટૂંકમાં કહી દે તો? અત્યારે આ જ થઈ રહ્યું છે. સૉફ્ટવેર આર્કિટેક્ટ સુનીલ ઉપાધ્યાય કહે છે, ‘અત્યારે અમે પણ ટ્રાયલ ઍન્ડ એરર બેઝ પર એનો ઉપયોગ કરી રહ્યા છીએ. ફર્સ્ટ હૅન્ડ એક્સ્પીરિયન્સ ખરેખર ખૂબ 
ઇમ્પ્રેસિવ છે એમાં કોઈ ડાઉટ નથી. એમાં વધારે ફોકસ્ડ વેમાં તમે તમને જોઈતી માહિતી મેળવી શકતા હો છો. તમારો અનુભવ ટાઇમ-સેવિંગવાળો અને એન્હૅન્સ થયેલો હોય છે જે પર્સનલાઇઝેશન ગૂગલ નથી 

ફોરમ ધ્રુવ

આપતું તમને. પ્લસ, બીજું એ તમને તમારી સર્ચમાં આગળ તમારે શું જોઈતું હશે એનો પણ અંદાજ લગાવીને એના ઑપ્શન પણ આપે છે. આટલો સેગ્મેન્ટેડ ડેટા ખરેખર જો વાપરતાં આવડે તો એક આશીર્વાદથી ઓછો નથી. જોકે આ જ વાત એનો ડ્રૉબૅક પણ છે. જો તમે ઝીણવટપૂર્વક જોશો તો સમજાશે કે એઆઇ તમારા હૉરાઇઝનને લિમિટેડ પણ કરી નાખે છે. તમારા ત્રણ વખતના ઇન્ટરેસ્ટને જોઈને તમને એ જ દિશામાં સજેશન આપ્યા કરશે, પણ આપણે માણસ છીએ અને હ્યુમન ઇન્ટરેસ્ટ સમય અને સંજોગો અનુસાર બદલાતા રહે છે એ સેન્સિબિલિટી એઆઇ કેળવી શકશે કે નહીં ખબર નથી. એ તમારા બિહેવિયરને યાદ રાખે છે અને એને અનુરૂપ માહિતી તમને આપ્યા કરે છે. અત્યાર સુધી એઆઇનો ઉપયોગ કૉર્પોરેટ હાઉસિસ અને મોટી-મોટી માર્કેટિંગ કંપનીઓ કસ્ટમર્સની બિહેવિયર પૅટર્ન આઇડેન્ટિફાય કરવા માટે કરતી હતી જે દિશા હવે પર્સનલાઇઝ્ડ અનુભવ આપવા માંડી છે. આવનારા સમયમાં એનાથી આપણો ખર્ચ પણ વધશે અને ધીમે-ધીમે એના માટેની ડિપેન્ડન્સી પણ વધી જ છે જે આપણે જોઈ રહ્યા છીએ.’

જોખમ તો છે જ

ભરત દેસાઈ

સાઇબર ક્રાઇમના ઑફિશ્યલ કોર્સિસ કરીને સાઇબર સિક્યૉરિટી માટે અવેરનેસ લાવવા માટે સક્રિય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ભરત દેસાઈ જ્યારથી ચૅટજીપીટી લૉન્ચ થયું ત્યારથી એનો ઉપયોગ કરી રહ્યા છે. લીગલ ઍગ્રીમેન્ટથી લઈને પોતાની દીકરી માટે કવિતાઓ, સોશ્યલ મીડિયા પોસ્ટ, ઈ-મેઇલ ડ્રાફ્ટિંગ એમ બધું જ તેઓ કરી ચૂક્યા છે. તેઓ કહે છે કે અત્યારે જે સારું લાગે છે એ આવનારા સમયમાં બહુ જ મોટી સંખ્યામાં લોકો પાસેથી તેમનું કામ ટેકઓવર કરી શકે એ સંભાવના જરાય નકારવા જેવી નથી. ભરતભાઈ કહે છે, ‘લગભગ દસેક વર્ષમાં એવું બનશે કે તમારા મનગમતા સિંગરના અવાજમાં મનગમતા ઍક્ટર ડાન્સ કરતા હશે. એઆઇ બધા જ અવાજ કૉપી કરી શકશે. એઆઇ ગમતા ઍક્ટરની સ્ટાઇલને અડૉપ્ટ કરીને ઍનિમેશન ક્રીએટ કરી શકશે. ઘણા દેશોમાં આજે ‘ઇન્ટરનેટ ઑફ થિન્ગ્સ’નો કન્સેપ્ટ ચાલુ થઈ ગયો છે; જેમાં આખું ઘર, ઘરની મોટા ભાગની સામગ્રીઓ નેટ બેઝ્ડ ચાલતી હોય. અત્યારે સૌથી મોટું જોખમ આપણે વહોરી રહ્યા છીએ આપણી પ્રાઇવસી વેચવાનું. દરેકેદરેક બાબત આજે પબ્લિક છે. તમે એક ફોટો પોસ્ટ કર્યો અથવા તો તમે એક ઍપ ડાઉનલોડ કરી એટલે તમારા ફોટોથી લઈને કૉન્ટૅક્ટ બુક, તમારી પર્સનલ વાતો, પ્રેફરન્સ બધું જ તમે થર્ડ પાર્ટીને આપી દીધું છે. એઆઇ ઍડ્વાન્સ્ડ થયા પછી આ ડેટાનો કેવો ભયંકર ઉપયોગ થઈ શકે એનો આપણે અંદાજ લગાવી શકીએ એમ નથી.’
આ વાત સાથે માર્કેટિંગ ટ્રેઇનર નીરજ શાહ એકદમ સહમત છે. તેઓ કહે છે, ‘હજી તો માત્ર શરૂઆત થઈ છે. ગૂગલ પણ ઘણાં ડેવલપમેન્ટ્સ સાથે તૈયાર છે. ઇન ફૅક્ટ, ૨૦૧૮માં જ ગૂગલનાં કેટલાંક ઇનોવેશન્સ હતાં જેને કંપનીએ એના ડેન્જરસ રિપરકેશનને કારણે પબ્લિક સુધી નથી આવવા દીધાં. એઆઇમાં જે ડેવલપમેન્ટ થયાં છે એ બહુ જ જુદી દુનિયા તરફ આપણને લઈ જશે. રાહ જુઓ, હજી કંઈક બહુ મોટા બદલાવો સાથે એઆઇ ટૂલ આવી રહ્યાં છે.’

 

Whatsapp-channel Whatsapp-channel

05 February, 2023 12:27 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK