ગૅજેટ-ફ્રીક ફ્રેન્ડ્સ કે ફૅમિલી મેમ્બર્સને મોબાઇલ, એની એક્સેસરીઝ કે સ્માર્ટ વૉચની જગ્યાએ આ વર્ષે કંઈક નવું આપો. કિચનમાં સ્માર્ટ પ્રેશર કુકરથી લઈને ઑફિસમાં બેસવાની સાચી રીત માટે સતત અલર્ટ આપતાં ગૅજેટ્સની ભેટ આપી શકાય છે
ટેક ટૉક
કંઈક એવી ગિફ્ટ આપીએ જે વ્યક્તિને હેલ્ધી અને હૅપી રાખે
ગૅજેટ-ફ્રીક ફ્રેન્ડ્સ કે ફૅમિલી મેમ્બર્સને મોબાઇલ, એની એક્સેસરીઝ કે સ્માર્ટ વૉચની જગ્યાએ આ વર્ષે કંઈક નવું આપો. કિચનમાં સ્માર્ટ પ્રેશર કુકરથી લઈને ઑફિસમાં બેસવાની સાચી રીત માટે સતત અલર્ટ આપતાં ગૅજેટ્સની ભેટ આપી શકાય છે
દિવાળી નજીક હોવાથી ફૅમિલી મેમ્બર્સને કોઈને કોઈ ગિફ્ટ આપવાની અને લેવાની રાહ જોવામાં આવી રહી હોય છે. દિવાળી હોવાથી ઘણા લોકો તેમના પેરન્ટ્સને નવો મોબાઇલ અથવા તો સ્માર્ટ વૉચ અથવા તો ટૅબ્લેટ ગિફ્ટ કરતા હોય છે. જોકે આ દિવાળીએ પેરન્ટ્સને હટકે ગિફ્ટ આપી શકાય છે. ટેક્નૉલૉજીને કારણે દુનિયાની દરેક વસ્તુ હવે સ્માર્ટ બની રહી છે. આથી ઘરજરૂરી અને હેલ્થને લગતી કેટલીક સ્માર્ટ વસ્તુ ગિફ્ટમાં આપી શકાય એ વિશે માહિતી જોઈએ. આ એવી ગિફ્ટ્સ છે જે કોઈને આપેલી સારી પણ લાગશે અને એનો સ્માર્ટ ઉપયોગ કરતાં લાઇફ પણ સરળ બનશે. તો આજે એવી જ કેટલીક ગિફ્ટ્સ પર એક નજર કરીએ જેને આ દિવાળીમાં આપી શકાય છે.
ADVERTISEMENT
સ્માર્ટ પ્રેશર કુકર
પ્રેશર કુકર વિશે દરેકને ખબર હશે, પરંતુ હવે સ્માર્ટ પ્રેશર કુકર પણ આવી ગયું છે. આ પ્રેશર કુકરની મદદથી ખાવાનું બળી જવાના ચાન્સ એકદમ ઓછા છે તેમ જ ભાત અથવા તો શાક કેટલી જલદી બની જશે એની પણ જાણ થઈ જશે. શાકમાં કેટલો મસાલો કેટલા પ્રમાણમાં નાખવાની સાથે એને કેટલા ટેમ્પરેચર પર કેટલી વાર રાખવું એ પણ એટલું જ જરૂરી છે. આથી સ્માર્ટ પ્રેશર કુકરમાં હવે ડિજિટલ સ્ક્રીન પણ આપવામાં આવી છે. એના પર પ્રેશર કેટલું છે અને કેટલી વારમાં ખાવાનું બની જશે એ દેખાડવામાં આવે છે. આ સાથે જ એમાં કેટલાંક અપગ્રેડેડ મૉડલ પણ છે જે બ્લુટૂથ અને વાઇફાઇથી કનેક્ટ થાય છે. આ પ્રેશર કુકરમાં મિનિમમ અને મૅક્સિમમ ટેમ્પરેચર વિશે નોટિફાઇ કરવામાં આવે છે. તેમ જ કુકરમાં સેન્સર આવેલું હોય છે અને એ મૅક્સિમમ ટેમ્પરેચર પર પહોંચતાં જ પ્રેશર કુકરને બંધ કરી દે છે, જેથી ખાવાનું બળી જવાનો પણ ડર નથી રહેતો.
સ્માર્ટ ક્લીનિંગ ડિવાઇસ
કોઈ પણ ઘરમાં જો કોઈ ઘર ગંદું રાખતા હોય તો એ માટે બે જ વ્યક્તિ જવાબદાર હોય છે. એક તો ટીનેજર, જેમને તેમનો રૂમ સાફ રાખવો બિલકુલ પસંદ નથી અને બીજા વૃદ્ધ પેરન્ટ્સ. તેમની ઉંમર થઈ ગઈ હોવાથી તેઓ રૂમને ચકાચક નથી રાખી શકતા. આ માટે કેટલાંક રોબોટિક ગૅજેટ્સ મળે છે. કચરો સાફ કરવા અને ઘરને પોતું મારવા માટે એમ બન્ને કામ માટે વિવિધ ડિવાઇસ ઉપલબ્ધ છે. આ માટે જરૂરિયાત અનુસાર ગૅજેટ્સને પસંદ કરીને એને ગિફ્ટ કરી શકાય છે. સાતથી દસ હજારથી લઈને એક લાખ સુધીનાં આ ગૅજેટ્સ મળતાં હોય છે. આ રોબોટ વિવિધ મૉડલ અને કંપની અનુસાર ઘરની કઈ વસ્તુ ક્યાં છે અને કેટલું મોટું છે એ મૅપ કરી દરરોજ એના સમયે ક્લીન કરી શકે છે.
બ્લુટૂથ સ્પીકરની જગ્યાએ વૉઇસ અસિસ્ટન્ટ
ઘણા લોકો તેમના પેરન્ટ્સને સમય પસાર કરવા અને તેમના ફેવરિટ સૉન્ગ સાંભળવા માટે બ્લુટૂથ સ્પીકર ગિફ્ટ કરતા હોય છે કે જેથી તેઓ મોબાઇલનાં ગીત જોરથી વગાડી શકે. જોકે આ માટે કેટલાક લોકો સા રે ગા મા પા કારવાં પણ ગિફ્ટ કરતા હોય છે. એના કરતાં સૌથી બેસ્ટ ચૉઇસ છે વૉઇસ અસિસ્ટન્ટ. આ માટે ઍલેક્સા અથવા તો ગૂગલ નેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. ગૂગલ નેસ્ટ બેટર ઑપ્શન છે, કારણ કે એની સર્ચ રેન્જ વધુ છે અને એ કોઈ પણ પ્રકારના અવાજને વધુ સાફ રીતે સમજી અને જવાબ આપી શકે છે. આ માટે વૃદ્ધ પેરન્ટ્સ માટે વૉઇસ અસિસ્ટન્ટ એક સારો ઑપ્શન છે જે વિવિધ રીતે તેમને ઉપયોગમાં આવી શકે છે.
પોસ્ચર કરેક્ટર
આ ગિફ્ટ ફક્ત પેરન્ટ્સને નહીં, પરંતુ ઑફિસમાં કામ કરતા અને એ પણ ખાસ કરીને કમ્યુટર પર અથવા તો લૅપટૉપ પર કામ કરનારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. પોસ્ચર કરેક્ટર એટલે કે આપણે ચોક્કસ બૉડી લૅન્ગ્વેજમાં બેસીને કામ કરવા માટે આપણને સતત અલર્ટ કરે છે. ખોટી રીતે બેસવાથી બૅકપેઇન અથવા તો જૉઇન્ટનો દુખાવો રહે છે. આ માટે પોસ્ચર કરેક્ટરનો ઉપયોગ કરી શકાય છે. પોસ્ચર કરેક્ટરમાં સેન્સર આપવામાં આવ્યું હોય છે જે યુઝરની બેસવાની સ્ટાઇલને રીડ કરે છે અને ત્યાર બાદ યુઝર જો ખોટી રીતે બેઠો હોય તો એને રિયલ ટાઇમમાં વાઇબ્રેશન દ્વારા અલર્ટ કરે છે. આથી આ ગૅજેટ્સ જે-તે વ્યક્તિને સાચી બેસવાની સ્ટાઇલ શીખવે છે. આજના જમાનામાં દરેક વ્યક્તિએ હેલ્ધી લાઇફ સ્ટાઇલ માટે આ ગૅજેટ્સ ગિફ્ટ કરવાં જ જોઈએ.