ગૂગલે એના એઆઇ ચૅટબોટને રીબ્રૅન્ડ કરી ઍન્ડ્રૉઇડ માટે ઍપ્લિકેશન લૉન્ચ કરી : એના યુઝર જેમિનીનો ઉપયોગ ડિફૉલ્ટ વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ તરીકે પણ કરી શકશે
ટેક ટૉક
પ્રતીકાત્મક તસવીર
ગૂગલ દ્વારા એના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ચૅટબોટ બાર્ડને રીબ્રૅન્ડ કરીને જેમિની નામ આપવામાં આવ્યું છે. આ જેમિની એઆઇ યુઝર્સને તમામ રીતે મદદ કરવાની સાથે ઍન્ડ્રૉઇડ યુઝર્સ માટે ડિફૉલ્ટ વર્ચ્યુઅલ અસિસ્ટન્ટ પણ બની શકે છે. અત્યાર સુધી વર્ચ્યુઅલ અસિસ્ટન્ટની પણ લિમિટેશન હતી, પરંતુ ગૂગલે હવે આ લિમિટેશનને વધુ ઓછી કરી દીધી છે. જેમિની હવે યુઝર્સને તેમની વિચારક્ષમતા બહારની મદદ કરી શકે છે.
શું છે જેમિની? | જેમિની એક એઆઇ ચૅટબોટ છે જેનું પહેલાં નામ બાર્ડ હતું. આ જ્યારે ડેવલપમેન્ટમાં હતું ત્યારે એનું નામ બાર્ડ હતું, પરંતુ હવે એને ઑફિશ્યલી લૉન્ચ કરતાં નામ બદલી કાઢવામાં આવ્યું છે. જેમિનીનો ઉપયોગ ચૅટજીપીટીની જેમ કરી શકાય છે. જોકે જેમિનીનો ફાયદો એ છે કે એમાં ટેક્સ્ટ જ નહીં, પરંતુ ફોટો અપલોડ કરીને પણ સવાલ પૂછી શકાય છે. ઉદાહરણ તરીકે ઇન્સ્ટાગ્રામ માટે એક ફોટો માટે કૅપ્શન જોઈતી હોય તો એ ફોટો અપલોડ કરીને જેમિનીને એ ફોટોને યોગ્ય કૅપ્શન પૂછી શકાય છે. આ ફોટો ફીચર હજી સુધી દરેક ચૅટબોટમાં નથી આવ્યું.
ADVERTISEMENT
જેમિની ડિફૉલ્ટ અસિસ્ટન્ટ | ઍન્ડ્રૉઇડમાં અત્યાર સુધી ડિફૉલ્ટ તરીકે ગૂગલ અસિસ્ટન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય મોબાઇલ કંપનીએ પણ એમનું પોતાનું અસિસ્ટન્ટ બનાવ્યું છે. જોકે ઍન્ડ્રૉઇડ યુઝર માટે હવે એક વધુપડતું અસિસ્ટન્ટ આવી ગયું છે અને એ એકદમ પાવરફુલ પણ છે. ‘હે ગૂગલ’ અથવા તો હોમ બટનને લૉન્ગ પ્રેસ કરીને અસિસ્ટન્ટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ જેમિની હવે જવાબ આપશે. જોકે આ માટે એને ડિફૉલ્ટ અસિસ્ટન્ટ તરીકે પસંદ કરવું પડશે અને એ માટે એને ઍપ્લિકેશનના સેટિંગમાંથી સિલેક્ટ કરવું પડશે. આ અસિસ્ટન્ટ યુઝરને નૉર્મલ અસિસ્ટન્ટ કરતાં ખૂબ જ ઍક્યુરેટ અને મદદરૂપ જવાબ આપશે.
ઍન્ડ્રૉઇડ ઍપ્લિકેશન | ગૂગલ દ્વારા સૌથી પહેલાં આ ઍપ્લિકેશન અમેરિકા અને ત્યાર બાદ લેટિન અમેરિકા, આફ્રિકા, એશિયા પૅસિફિક અને કૅનેડામાં લૉન્ચ કરવામાં આવી છે. આ ઍપ્લિકેશન હજી દુનિયાભરના દરેક દેશ માટે લૉન્ચ કરવામાં નથી આવી અને એ સમય જતાં લૉન્ચ કરવામાં આવશે. આ ઍપ્લિકેશનને યુઝર પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટૉલ કરી શકે છે. ઍન્ડ્રૉઇડ યુઝર માટે એ પણ એક ફાયદો છે કે તેમના દેશમાં ઍપ્લિકેશન લૉન્ચ ન કરવામાં આવી હોય તો પણ તેઓ .apk ફાઇલને ડાઉનલોડ કરીને એનો ઉપયોગ કરી શકે છે. આ ઍપ્લિકેશન ઇન્સ્ટૉલ કર્યા બાદ એના સેટિંગમાં ડિજિટલ અસિસ્ટન્ટ પર ક્લિક કરવું. એના પર ક્લિક કર્યા બાદ ગૂગલ અસિસ્ટન્ટની જગ્યાએ જેમિનીને પસંદ કરવું. એ પસંદ કરતાં જ યુઝરને એકદમ પાવરફુલ અસિસ્ટન્ટ તેમની આંગળીના ટેરવે મળી શકશે. જો યુઝરને આ પસંદ ન પડે તો તેઓ ફરી ડિફૉલ્ટ અસિસ્ટન્ટ તરીકે ગૂગલનો ઉપયોગ કરી શકે છે. એવું નથી કે એક વાર જેમિનીને પસંદ કર્યા બાદ એ જ રહેશે.
ઍપલ યુઝર કેવી રીતે ઉપયોગ કરી શકશે? | આઇફોન યુઝર માટે ગૂગલે હાલમાં કોઈ અલગ ઍપ્લિકેશન નથી બનાવી. આ માટે યુઝર વેબ બ્રાઉઝરમાં જઈને જેમિનીનો વેબસાઇટ દ્વારા ઉપયોગ કરી શકે છે. આ સાથે જ આઇઓએસની ગૂગલ ઍપમાં પણ તેમણે જેમિનીનો સમાવેશ કર્યો છે. ગૂગલ ઍપને ઓપન કરી એમાં જેમિની ટોગલ પર ક્લિક કરી એનો ઉપયોગ કરી શકાય છે. ઍન્ડ્રૉઇડ યુઝર માટે સ્પેશ્યલ ઍપ્લિકેશન છે, પરંતુ આઇઓએસ માટે હજી રાહ જોવી પડશે.
ગૂગલે શું વૉર્નિંગ આપી? | ગૂગલે એની ચૅટબોટ જેમિનીને લઈને યુઝરને એક વૉર્નિંગ આપી છે. ગૂગલ બાય ડિફૉલ્ટ યુઝર દ્વારા જે પણ વસ્તુ કે સવાલ પૂછવામાં આવ્યો હોય એને સ્ટોર કરે છે જેથી એમની સર્વિસને વધુ અસરકારક બનાવે. જોકે યુઝર પોતાની ઇન્ફર્મેશનને ઍક્સેસ ન આપવા માગતો હોય તો સેટિંગમાં જઈને ઍક્ટિવિટીને બંધ કરી દેવી. આ સાથે જ ગૂગલે આપેલી વૉર્નિંગમાં તેમણે લખ્યું છે કે ક્યારેય પણ ચૅટબોટમાં પર્સનલ અને કૉન્ફિડેન્શિયલ ઇન્ફર્મેશન ઍડ ન કરવી. ઉદાહરણ તરીકે બૅન્ક-અકાઉન્ટ નંબર અથવા તો પાસવર્ડ વગેરે માહિતીનો આ ચૅટબોટમાં ક્યારેય સમાવેશ ન કરવો. આથી યુઝરની પ્રાઇવસી અને સિક્યૉરિટી હવે યુઝરના હાથમાં છે.