ઉંમર સાથે અમુક સમસ્યા ધીમે-ધીમે આવી જતી હોય છે અને ધીમે-ધીમે એ ડેવલપ થાય છે અને એક દિવસ અચાનક જ વિઝનની તકલીફ રૂપે સામે આવે છે
પ્રતીકાત્મક તસવીર
હું ૭૦ વર્ષનો છું અને હાલમાં મૅક્યુલર ડીજનરેશનનું નિદાન થયું છે. અચાનક એવું લાગવા માંડ્યું કે વિઝન એકદમ શાર્પ નથી. કલર બરાબર ઓળખાતા નથી. દૃશ્યમાં વચ્ચે કાળું ધાબું દેખાય. સાઇડમાં બરાબર દેખાય છે, પણ સીધું જોવામાં તકલીફ ચાલુ થઈ એટલે હું તાત્કાલિક ડૉક્ટર પાસે ગયો. ત્યાં તેમણે મારું નિદાન કર્યું કે મને ડ્રાય મૅક્યુલર ડીજનરેશન છે. ગૂગલ કર્યું પણ રોગ સમજાતો નથી. મારા મિત્રને આ રોગ હતો તો તેની દૃષ્ટિ જતી રહી. શું મારે પણ આવું થઈ શકે? ડૉક્ટરે આનો કોઈ ખાસ ઇલાજ છે નહીં એમ કહ્યું. શું એ સાચું છે?
ઉંમર સાથે અમુક સમસ્યા ધીમે-ધીમે આવી જતી હોય છે અને ધીમે-ધીમે એ ડેવલપ થાય છે અને એક દિવસ અચાનક જ વિઝનની તકલીફ રૂપે સામે આવે છે. લગભગ ૮૦ ટકા લોકોને આ પ્રકારનું એટલે કે ડ્રાય મૅક્યુલર ડીજનરેશન થાય છે અને એમાંથી ૨૦ ટકા લોકોને ભવિષ્યમાં અંધાપાની સમસ્યા સતાવી શકે છે. ડ્રાય મૅક્યુલર ડીજનરેશન આ રોગનું શરૂઆતી સ્ટેજ છે. જે મૃત કોષો મૅક્યુલામાં જમા થાય છે, આ કોષો ઉંમરની સાથે વધતા જ જાય છે અને એ મૅક્યુલાને વધુ ને વધુ પાતળો બનાવતા જાય છે. આ ખૂબ ગંભીર પરિસ્થિતિ નથી, કારણ કે આ પ્રોસેસ ઘણી ધીમી છે. આ મૃત કોષો ધીમે-ધીમે આગળ વધે છે અને મૅક્યુલાના કેન્દ્રબિંદુ ફોવિઆ સુધી પહોંચવામાં એને ઘણી વાર લાગે છે. જ્યારે એ ફોવિઆ સુધી પહોંચે ત્યારે વ્યક્તિને અંધાપો આવી શકે છે. ત્યાં સુધી કોઈ ખાસ ચિહ્નો દેખાતાં નથી અને દૃષ્ટિને કોઈ ખાસ હાનિ પહોંચતી પણ નથી.
ડ્રાય મૅક્યુલર ડીજનરેશનનો કોઈ ખાસ ઇલાજ છે નહીં, પરંતુ જો એને શરૂઆતમાં જ પકડી શકાય તો વ્યક્તિને અમુક વિટામિન અને મિનરલ્સના હાઈ ડોઝવાળી સ્પેશ્યલ દવાઓ આપવામાં આવે છે. તમે જે પ્રિસ્ક્રિપ્શન મોકલ્યું છે એમાં જણાય છે કે તમને ડૉક્ટરે આ જ દવાઓ લખી છે. આ દવાઓ રેગ્યુલર લેજો, જેથી આ પરિસ્થિતિને આગળ વધતા અને અંધાપા સુધી પહોંચતા અટકાવી શકાય છે. જોકે શરૂઆતમાં તો આ દવાઓ પણ જરૂરી નથી હોતી. વ્યવસ્થિત હેલ્ધી ડાયટ, એક્સરસાઇઝ અને હેલ્ધી લાઇફસ્ટાઇલ વડે થોડો ફાયદો થઈ શકે છે. કોશિશ કરો કે એક હેલ્ધી લાઇફસ્ટાઇલ તમે અપનાવો. એનાથી ઘણાં સારાં રિઝલ્ટ મળશે અને તમારો રોગ અંધાપા સુધી પહોંચતા અટકી શકશે.


