ઘણા લોકો ઝઘડા કે ટીકા વખતે તરત જવાબ આપી શકતા નથી અને પછી કલાકો બાદ યોગ્ય જવાબ યાદ આવે છે. શું આ નબળાઈ છે કે બાળપણના અનુભવની અસર? જાણો મગજની આ પ્રતિક્રિયા પાછળનું મનોવિજ્ઞાન અને આત્મવિશ્વાસ વધારવાના રસ્તાઓ.
પ્રતીકાત્મક તસવીર
જોકે એના થોડા સમય પછી તમારી પાસે બીજા ૧૦ જવાબ તૈયાર હોય છે અને તમને એમ થયા કરે છે કે મારે તેને આમ કહેવું જોઈતું હતું, આવો જવાબ આપવાનો હતો, હું તેને આટલું તો સંભળાવી જ શકત; પણ ત્યાં સમય પતી ગયો હોય છે. ઘણા લોકો એવા હોય છે જેઓ પરિસ્થિતિનો જવાબ એ જ ક્ષણે આપી શકે છે, પણ અમુક લોકોને તાત્કાલિક રિપ્લાય સૂઝતો જ નથી. આવું થવા પાછળ તમારા બાળપણમાં તમને મળેલું વાતાવરણ જવાબદાર છે જે વિશે આજે વિસ્તારથી સમજીએ
નાનપણથી શ્રેયાને ઝઘડા પસંદ નથી. તે એક શાંત બાળક રહી છે. કોઈ ઝઘડા કરતું હોય તો તે તરત જ તેનાથી દૂર ભાગી જાય. બધાને લાગતું કે તે ઘણી સમજદાર છે કારણ કે લોકોએ તેને ક્યારેય લડતાં, ઝઘડતાં કે સામું બોલતાં સાંભળી જ નથી. અમારી દીકરી એકદમ સરળ અને સમજદાર છે એવું માતા-પિતા પણ માનતાં. એને કારણે શ્રેયા પણ એ જ સમજવા લાગી કે તે પોતે એવી જ છે. લગ્ન થયા પછી જ્યારે પાર્ટનર સાથે ઝઘડા થતા ત્યારે પણ તે ચૂપ રહેતી, ખાસ જવાબ નહોતી આપતી. બસ, દડ-દડ આંસુ સરી પડતાં. શ્રેયાની આ હાલત જોઈને તેની બેસ્ટ ફ્રેન્ડ મેઘા ચિડાઈ ગઈ અને તેણે કહ્યું, ‘શ્રેયા, તને ગુસ્સો નથી આવતો? આ તારાં સાસુ કંઈ પણ બોલે છે, તારો પતિ પણ તારી પાસેથી જ અપેક્ષા રાખે છે. બધા મળીને તને દબાવે છે. આવું ચૂપચાપ સાંભળી કેવી રીતે લે છે તું?’ શ્રેયા મેઘાથી એકદમ નજીક હતી અને પોતાની દરેક વાત તેને કહેતી હતી એટલે તેણે કહ્યું, ‘ખબર નહીં યાર! જ્યારે તે લોકો બોલે છે કે ઝઘડે છે ત્યારે મને કોઈ જવાબ જ સૂઝતો નથી. હું એકદમ સ્તબ્ધ બની જાઉં છું.’ પહેલાં તો એ જ સ્વીકારતાં સમય લાગી જાય છે કે આ લોકો મને સંભળાવી રહ્યા છે. ત્યારે મારા માટે એ વાત એટલી ભારે થઈ પડે છે કે તેમને જવાબ દેવાનું સૂઝતું જ નથી. બધું પતી જાય પછી ઘણાબધા જવાબ મારા મગજમાં આવે છે. તેણે મને કહ્યું કે આમ તો મારે આવું કહી દેવાનું હતું. કોઈએ મને એવો પ્રશ્ન પૂછ્યો ત્યારે મૂંગા રહેવાને બદલે મારે આટલું તો તેને સંભળાવવાનું જ હતું. જો અત્યારે મારી પાસે કેટલા વ્યવસ્થિત જવાબ છે. તેમને એ સમયે મેં જવાબ આપ્યા હોત તો બોલતી બંધ થઈ ગઈ હોત તે બધાની; પણ યાર, સૂઝતું જ નથી ત્યારે. જ્યારે સૂઝે છે ત્યારે મોડું થઈ ગયું હોય છે. આવું કેમ થાય છે? મને નથી ગમતું આવું. મને પણ લોકોને જવાબ આપવા છે. મને ખુદ માટે સ્ટૅન્ડ લેવું છે. મને મારા બધા પ્રૉબ્લેમ્સ માટે લડવું છે, પણ એવું થતું કેમ નથી એ મને નથી સમજાતું. શું હું નબળી છું?
ADVERTISEMENT
આવું કેમ થાય છે?
આવી હાલત એકલી શ્રેયાની નથી, ઘણા લોકોની હોય છે. ઑફિસમાં રાહુલને ૧૦ વર્ષ થઈ ગયાં છતાં કોઈ પણ ખોટા કારણથી બૉસ સંભળાવે; પણ રાહુલથી તેમને એમ નથી કહેવાતું કે મેં બરાબર કામ કર્યું છે, તમે એક વાર જુઓ તો ખરા. રાહુલ જેવા લોકો નીચું મોઢું રાખીને સાંભળી લે છે અને પાછળથી કુડકુડાય છેઽ દુખી થાય છે. સતત તેમના મગજમાં સંવાદ ચાલે છે કે બૉસે આમ કહ્યું તો મારે તેમને આમ કહેવાનું હતું અને બૉસ હવે આમ કહેશે તો હું તેમને આ રીતનો જવાબ આપીશ. આવા અઢળક પ્લાનિંગ છતાં ફરીથી આવી કોઈ ક્ષણ આવે તો પણ એ શક્ય બનતું નથી. આવું કેમ થાય છે? એની પાછળની સાઇકોલૉજીને અનલૉક કરતાં ‘વૉટ હૅપન્ડ ટુ મી વર્સસ વૉટ રૉન્ગ વિથ મી’નાં લેખિકા અને સાઇકોલૉજિસ્ટ ડૉ. રિરી ત્રિવેદી કહે છે, ‘આ વર્તન પાછળ તે વ્યક્તિનો ચાઇલ્ડહુડ ટ્રૉમા જવાબદાર છે. નાનપણમાં જે ઘરમાં ખૂબ ઝઘડા થતા હોય, સતત બાળક મૂંઝાતું હોય, કશું બોલી ન શકે, બોલવા જાય તો તેને વઢ પડે અને ચૂપ રહે તો તેને લાગે કે આ બેસ્ટ રસ્તો છે ઝઘડાઓ ટાળવાનો તો મગજને આદત પડી જાય છે કે વિપરીત પરિસ્થિતિમાં બોલવાનું નથી, બોલીશું તો માર પડશે, બોલીશું તો ઝઘડા થશે, બોલીશું તો પરિસ્થિતિ વણસી જશે. આવાં ઘણાં ઘર છે જેમાં બાળકો મૂંગાં થઈ જાય છે. ઘણાં બાળકો તેમનાં ઇમોશન્સ એક્સપ્રેસ નથી કરી શકતાં, કારણ કે એ એક્સપ્રેસ કરવું સેફ નથી હોતું. કશું કહેવા ગયા કે એક્સપ્રેસ કરવા ગયા અને એનો જવાબ સીધો થપ્પડના રૂપે તમને મળ્યો. જ્યારે તમારી નબળાઈઓને મજાક બનાવવામાં આવતી હતી ત્યારે શરીર એક સર્વાઇવલ પૅટર્ન શીખી લે છે અને મોટા થઈને પણ એ પૅટર્નને જ મગજ પકડી રાખે છે. એટલે જ્યારે પણ વિપરીત પરિસ્થિતિ આવે છે ત્યારે આ એકસરખું જ રીઍક્શન આવે છે.’
સાઇકોલૉજી સમજો
આ વાતને વધુ વિસ્તારથી સમજાવતાં ડૉ. રિરી ત્રિવેદી કહે છે, ‘કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં સર્વાઇવલ માટે કે ટકી રહેવા માટે વ્યક્તિ ૪ રીતે રીઍક્ટ કરે છે, જેમાં પહેલું છે ફાઇટ એટલે કે વ્યક્તિ એમાં સામે લડત આપે છે. બીજી પરિસ્થિતિ છે ફ્લાઇટ એટલે કે વ્યક્તિ પોતાને બચાવવા માટે ત્યાંથી ભાગી જાય છે. ત્રીજી પરિસ્થિતિ હોય છે ફોનની જેમાં વ્યક્તિ ખુશામત કરવા લાગે, સામેવાળી વ્યક્તિની હામાં હા કહે કારણ કે આ રીતે તે તેનાથી બચવા માગતી હોય છે અને ચોથી પરિસ્થિતિ હોય છે ફ્રીઝની, જેમાં વ્યક્તિ સ્તબ્ધ થઈ જાય છે. તેને સમજાતું નથી કે તેણે કઈ રીતે રીઍક્ટ કરવું એટલે તે એકદમ નમ્બ અવસ્થામાં મુકાઈ જાય છે એટલે કે જડ થઈ જાય છે. જે લોકોએ આ ચોથી અવસ્થાને વારંવાર અનુભવી હોય છે તે લોકોના શરીરને આ પ્રકારના રીઍક્શનની આદત પડી જાય છે એટલે વયસ્ક બન્યા પછી પણ વિકટ પરિસ્થિતિમાં શરીર એવી જ રીતે રીઍક્ટ કરે છે એટલે વ્યક્તિને બોલવું હોય છે પણ સૂઝતું નથી, બોલાતું નથી. એ સમયે બધી જ પ્રોસેસ જાણે કે થંભી જાય છે.’
ફાયદો કે નુકસાન?
જેને નાનપણમાં રીઍક્શનરૂપે ન બોલવાની આદત પડી હોય, એવું બને કે તે વ્યક્તિ જ્યારે મોટી થાય અને ત્યારે તે ઝઘડે નહીં, સામા જવાબ ન આપે, માથાકૂટમાં પડે નહીં એટલે તેને દુનિયા સમજદારમાં ખપાવે છે. તે પોતે પણ ખુદને પરિપક્વ સમજવા લાગે છે. આમ પણ ઝઘડાઓથી લાભ થતો નથી એ તો આપણે બધા જ જાણીએ છીએ. ન બોલવામાં ૯ ગુણ જો સાચી વાત હોય તો ગુસ્સામાં બોલાયેલાં વાક્યોનો જવાબ ન આપીએ એ તો સારું જ ગણાયને? આવું કરવાથી વ્યક્તિને લાભ પણ થાય છે. તેના બધા સંબંધો સરસ રીતે જળવાઈ રહે છે. તો તેને લાગે છે કે આ રીતે તો ઘણો ફાયદો થયો છે, પણ ખરેખર આ પરિસ્થિતિમાં શું સમજવાનું છે? એનો જવાબ આપતાં ડૉ. રિરી ત્રિવેદી કહે છે, ‘ફાયદો બહાર દેખાય છે, નુકસાન સમજવા માટે અંદર જવાનું છે. જો તમે સમજદારી સાથેની ચુપ્પી અપનાવી હોય તો એ વાત તો નક્કી છે કે તમને આ વાતનો કોઈ રંજ ન હોવો જોઈએ, પરંતુ આવી વ્યક્તિઓ અંદરથી દુખી રહેતી હોય છે. મનમાં તેમને ગુસ્સો ભરેલો છે એટલે તેમનું મન અશાંત રહે છે અને સતત બોલ્યા કરે છે. મગજમાં એ જ સીન રિપીટ થયા કરે છે કે તેણે મને આમ કીધું તો મેં તેને આવો જવાબ આપ્યો. તેને હું આમ સંભળાવી દઉં, પેલું સંભળાવી દઉં એમ થયા કરે છે. રાત્રે ઊંઘ નથી આવતી. જેવું મન ખાલી પડે એટલે એ જ વિચાર અને એ જ ઉકળાટ તેને ઘેરી વળે છે. ચૂપ રહીને તમે બીજાને શાંતિ આપી દીધી, પણ ખુદની શાંતિનું શું? ખુદના ગુસ્સાને તમે ક્યા સુધી દબાવ્યા કરશો? એ પ્રશ્ન ખુદને પૂછો.’
નજીકના લોકો સામે બોલી નથી શકાતું
આ જવાબ ન આપી શકવાની તકલીફ જરૂરી નથી કે બધી જ જગ્યાએ કે દરેક વ્યક્તિ સામે થતી હોય છે. જેમ કે કોઈ દુકાનવાળો તમારી સાથે માથાકૂટ કરે તો તમે સહજતાથી તેને જવાબ આપી શકો, પણ તકલીફ એકદમ નજીકના સંબંધોમાં પડે છે. ખાસ કરીને જીવનસાથી, માતા-પિતા કે બાળકો. આ સંબંધોને તમે સામે ચાલીને હક આપો છો કે તેઓ તમને હર્ટ કરી શકે. અહીં એનો અર્થ એમ છે કે આ સંબંધો સામે તમે ઇમોશનલી નબળા રહેવાનું પસંદ કરો છો. અહીં તમારા ગાર્ડ્સ એટલે કે બચાવ માટેનાં હથિયાર તમે ખુશી-ખુશી નીચે મૂકી દીધેલાં હોય છે. એટલે આવા લોકો સાથેના ઝઘડામાં તમને આ પરિસ્થિતિનો અનુભવ વધુ થાય છે. તેમની સામે તમે ચૂપ થઈ જાઓ છો અને પાછળથી તમને સૂઝે છે કે આવું કહી દેવાની જરૂર હતી.
બદલાવની શું જરૂર?
ફ્રીઝ થઈ જવું કે કોઈ કહે ત્યારે કશું સૂઝવું નહીં એ અવસ્થા બાળપણમાં વારંવાર બની એટલે શરીરને આદત પડી ગઈ એ પ્રકારનો રિસ્પૉન્સ આપવાની. હવે જો એનો ઉપાય કરવો હોય તો એ આદતને બદલવી જરૂરી છે. સૌથી પહેલાં તમારે એ સમજવું જરૂરી છે કે આ એક પ્રૉબ્લેમ છે. ખાસ કરીને વયસ્ક બની ગયા પછી તમારે ઘણી જગ્યાએ તમારા હક માટે લડવું જરૂરી બને છે. લડવું એટલે ઝઘડવાનો જ સંદર્ભ નથી અહીં. તમારે તમારા માટે સ્ટૅન્ડ લેવું પડે છે. કોઈ તમારું શોષણ કરી રહ્યું હોય તો ખુદને બચાવવા માટે પણ જવાબ આપવો જરૂરી છે. કોઈ તમને ખોટું સમજતું હોય તો સાચી વાત યોગ્ય રીતે મૂકવી અને એ જ સમયે મૂકવી જરૂરી છે. એટલે પહેલાં તો સ્વીકારો કે તમને આ તકલીફ છે અને એમાં બદલાવની જરૂર છે. આ પ્રૉબ્લેમમાં થેરપી ઘણું સારું કામ કરે છે. એ શરીરની રિસ્પૉન્સની પ્રક્રિયાને બદલે છે, જેમાં વિઝ્યુઅલાઇઝેશન અને ટૅપિંગ પદ્ધતિ ઘણી મદદરૂપ થાય છે.
