જેમને બૅક-નેકનો પ્રૉબ્લેમ હોય તે ડ્રાઇવિંગ ન કરે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરે એવું પણ થઈ શકે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ આખું જે રીતે ખોદી નાખ્યું છે એમાં જે લોકો ટ્રાવેલ કરે છે ખાસ કરીને પોતે ડ્રાઇવ કરે છે કે રિક્ષામાં બેઠા રહેવું પડે છે તેમણે ખરાબ રસ્તાઓ પર દિવસના ઍવરેજ ૨-૪ કલાક ઓછામાં ઓછા કાઢવા પડે છે; જેને કારણે પીઠ, કમર, ગરદન, ખભા આ બધા સ્નાયુઓની તકલીફના કેસ ઘણા વધ્યા છે. મુંબઈના ટ્રાફિકને બદલી શકાતો નથી અને એના રોડ્સની પરિસ્થિતિ ક્યારે બદલાશે એ વિશે કંઈ કહી ન શકાય. આ પરિસ્થિતિમાં બૅક અને નેકને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે ટ્રેન પસંદ કરો. નજીકમાં જ જવું હોય તો ઑટોમાં જવાને બદલે ચાલીને જાઓ. જો અફૉર્ડ કરી શકતા હો તો સેડાનની બદલે SUV ગાડી ચલાવો કારણ કે ગાડી જેટલી જમીનથી ઊંચી, બૅક અને નેકની તકલીફ એટલી ઓછી. એટલા માટે જ રિક્ષા અને નાની ગાડી કરતાં બસ પણ વધુ સારું માધ્યમ છે ટ્રાવેલ કરવા માટે. જેમને બૅક-નેકનો પ્રૉબ્લેમ હોય તે ડ્રાઇવિંગ ન કરે અને પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરે એવું પણ થઈ શકે.
જે લોકોએ ડ્રાઇવિંગ કરવું ખૂબ જરૂરી છે તેમણે તેમના બૅક અને નેકના સ્નાયુઓને સ્ટ્રૉન્ગ રાખવા જરૂરી છે. એ માટે બૅક અને નેકની અલગથી એક્સરસાઇઝ કે અમુક સ્ટ્રેચ કરવા જરૂરી છે જેને લીધે એની સ્ટિફનેસ દૂર થાય અને એ સ્નાયુ સશક્ત બને. આ એક્સરસાઇઝ કોઈ નિષ્ણાત પાસે જઈને શીખવી હિતાવહ છે જે દરરોજ વગર ચૂકે ઓછામાં ઓછો અડધો કલાક કરવી જોઈએ. આ સિવાય ડ્રાઇવિંગ દરમિયાન સ્ટિફનેસ ન આવે એ માટે તમારું પૉશ્ચર એકદમ વ્યવસ્થિત રાખો જેમાં તમારાં ઘૂંટણ તમારા સાથળથી ઉપર ન જતા રહે એનું ધ્યાન રાખો અને તમારી ગરદન આગળ તરફ ઝૂકેલી ન રાખો. આ સિવાય બૅક અને નેકને સંપૂર્ણ ટેકો મળે એ જરૂરી છે. દોઢ કલાકથી વધુ લાંબું ડ્રાઇવિંગ હોય તો દર કલાકે ૫ મિનિટનો બ્રેક લો. વાહન પરથી નીચે ઊતરો અને સૂર્યનમસ્કારની બીજી પોઝિશન, જેને હસ્તઉત્તાનાસન કહે છે જેમાં આપણે આળસ મરડતા હોઈએ એ પ્રકારે હાથ ઉપર લઈને પાછળની તરફ ઝૂકવામાં આવે છે. એ પાંચેક વખત કરી શકાય. સિગ્નલ પર જ્યારે ઊભા રહો ત્યારે નેકને જમણી-ડાબી બાજુએ ફેરવવું અને સમય હોય તો જમણીથી ડાબી અને ડાબીથી જમણી તરફ ફેરવવું. ખભા ઉપર-નીચે દસેક વાર કરવા. સતત ડ્રાઇવિંગથી જ્યારે પણ કમર, પીઠ કે ગરદનનો અસહ્ય દુખાવો થાય ત્યારે પ્રોફેશનલ મદદ લેવી.
ADVERTISEMENT
- ડૉ. વિભૂતિ કાણકિયા
( ડૉ. વિભૂતિ કાણકિયા અનુભવી ફિઝિયોથેરપિસ્ટ છે. )

