કૉન્ટૅક્ટ લેન્સ પહેરતા હો તો કઈ કાળજી રાખવી મસ્ટ છે
પ્રતીકાત્મક તસવીર
જનરલી કૉન્ટૅક્ટ લેન્સ પહેર્યા પછી આંખમાં થોડું ઇરિટેશન થાય તો પણ થોડી વારમાં સરખું થઈ જશે એમ વિચારીને ધ્યાન આપતા નથી, પણ આવી બેદરકારી ક્યારેક ભારે પડી શકે છે. તાજેતરમાં ટીવી-ઍક્ટ્રેસ જાસ્મિન ભસીનને એક ઇવેન્ટમાં જતાં પહેલાં કૉન્ટૅક્ટ લેન્સ કનડી રહ્યા હતા, પણ થોડાક કલાકો સુધી એને અવગણતાં તેનો કૉર્નિયા ડૅમેજ થઈ ગયો. આવું તમારી સાથે ન થાય એ માટે સમજી લો કૉન્ટૅક્ટ લેન્સ પહેરતા હો તો કઈ કાળજી રાખવી મસ્ટ છે
આપણી આંખો ખૂબ જ સેન્સિટિવ હોય છે એટલે એની વિશેષ કાળજી રાખવી જરૂરી બની જાય છે. આપણે થોડી પણ બેદરકારી દાખવીએ તો એની મોટી કિંમત ચૂકવવી પડે છે. તાજેતરમાં અભિનેત્રી જાસ્મિન ભાસિન સાથે કંઈક એવું જ થયું. એક ફંક્શનમાં જવા માટે તેણે કૉન્ટૅક્ટ લેન્સ પહેર્યા હતા. એ પછીથી તેને આંખમાં થોડું ડિસકમ્ફર્ટ લાગવા માંડ્યું, પણ તેણે એ તરફ વધુ ધ્યાન ન આપ્યું. થોડું ડિસકમ્ફર્ટ ધીમે-ધીમે તીવ્ર દુખાવામાં પરિણમ્યું એમ છતાં તેણે જેમ-તેમ ઇવેન્ટ પૂરી કરી. જોકે ઇવેન્ટ પૂરી થઈ ત્યાં સુધીમાં તો તેને ઝાંખું દેખાવાનું શરૂ થઈ ગયું હતું. ત્યાર બાદ તાત્કાલિક ડૉક્ટર પાસે જવા પર ખબર પડી કે તેની આંખોનો કૉર્નિયા (આંખની આગળના ગોળાકાર ભાગને પ્રોટેક્ટ કરતો પારદર્શક ટિશ્યુ) ડૅમેજ થઈ ગયો છે. સદ્નસીબે સારવાર બાદ તેને સારું થઈ ગયું છે પણ આપણી સાથે આવું ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આજે એક્સપર્ટ પાસેથી જાણીએ કે ચોમાસામાં કૉન્ટૅક્ટ લેન્સ પહેરતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ, કૉન્ટૅક્ટ લેન્સની કાળજી કઈ રીતે રાખવી જોઈએ જેથી કૉર્નિયા ડૅમેજ થવાનું જોખમ ઘટી જાય. અને જો કૉર્નિયા ડૅમેજ થયો હોય તો એવા કેસમાં ડૉક્ટર કઈ સારવાર આપતા હોય છે એ વિશે આજે નિષ્ણાત પાસેથી જાણીએ.
ADVERTISEMENT
લેન્સ-હૅન્ડલિંગ સારું હોવું જોઈએ
કૉર્નિયલ ડૅમેજ ન થાય એ માટે કૉન્ટૅક્ટ લેન્સની સંભાળ કઈ રીતે રાખવી જોઈએ અને એને પહેરતી વખતે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ એ વિશે માહિતી આપતાં ઑપ્ટોમેટ્રિસ્ટ તેમ જ આઇ કન્સલ્ટન્ટ ઍન્ડ સ્પેશ્યલિટી કૉન્ટૅક્ટ લેન્સ પ્રૅક્ટિશનર ડૉ. પૂજા વાઢર કહે છે, ‘જો આપણે કૉન્ટૅક્ટ લેન્સને સરખી રીતે હૅન્ડલ ન કરીએ કે પછી પ્રૉપર હાઇજીન મેઇન્ટેન ન કરીએ તો ઘણાં કૉમ્પ્લીકેશન્સ આવી શકે છે. જેમ કે કૉર્નિયાની સપાટી પર લિસોટા પડવા, અલ્સર થવું, કૉર્નિયામાં બળતરા, સોજો થઈ શકે છે. વધુ ઇગ્નૉર કરવામાં આવે તો કૉર્નિયલ પર્ફોરેશન એટલે કે કૉર્નિયામાં કાણું પણ પડી શકે. લેન્સ પર જો બૅક્ટેરિયલ, ફંગલ અથવા જીવાણુ હોય તો એ આંખમાં ઇન્ફેક્શન, આંખોમાં સતત અને તીવ્ર દુખાવો વગેરે જેવી સમસ્યા કરી શકે છે. એટલે લેન્સને સ્પર્શ કરતાં પહેલાં તમારે સાબુ અથવા હૅન્ડવૉશથી હાથ સાફ કરી લેવા જોઈએ. લેન્સને ક્લીન અને ડિસઇન્ફેક્ટન્ટ કરવા માટે હંમેશાં કૉન્ટૅક્ટ લેન્સ સોલ્યુશનનો ઉપયોગ કરવો જોઈએ અને એ સોલ્યુશનને દર ૩-૬ મહિને બદલવું જોઈએ. તમે જે લેન્સ પહેરો છો એને પણ સમય-સમય પર તમારા ડૉક્ટરના કહેવા મુજબ રેગ્યુલર બેઝિસ પર બદલતા રહેવા જોઈએ. લેન્સને ક્લીન કેસ (લેન્સની ડબ્બી)માં સ્ટોર કરવા જોઈએ અને કેસને પણ દર ૩-૬ મહિને બદલવા જોઈએ. આપણે જે લેન્સ વાપરીએ એ ક્યારેય બીજા વ્યક્તિને પહેરવા માટે ન આપવા જોઈએ. લેન્સને સાફ કરવા માટે ક્યારેય નળના પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે એમાં બૅક્ટેરિયા હોઈ શકે છે. લેન્સ કાઢ્યા વગર રાત્રે સૂવું ન જોઈએ. આઇડિયલી દિવસમાં આઠ કલાકથી વધુ સમય માટે લેન્સ ન પહેરવા જોઈએ, કારણ કે એનાથી તમારી આંખની કીકીને જે ઑક્સિજન મળવો જોઈએ એ પૂરતા પ્રમાણમાં મળતો નથી. એટલે જો આટલી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો કૉર્નિયલ ડૅમેજનું જોખમ ઘટાડી શકાય છે.
ચોમાસામાં આ રીતે કાળજી રાખો
કૉન્ટૅક્ટ લેન્સ પહેરીને ચોમાસામાં બહાર ટ્રાવેલ કરતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ જેથી તમારી આંખને નુકસાન ન પહોંચે એ વિશે સલાહ આપતાં ડૉ. પૂજા વાઢર કહે છે, ‘તમારી આંખમાં પાણી, વધારે પડતી હવા કે ધૂળ ન જાય એનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. શક્ય હોય તો તમારે સનગ્લાસ પહેરીને બહાર જવું. તમારે હંમેશાં લેન્સ કેસ અને સોલ્યુશનની બૉટલ સાથે રાખવાં. એટલે કદાચ કંઈ આંખમાં જાય અને ડિસકમ્ફર્ટ થાય તો તમે તરત લેન્સ કાઢીને એમાં મૂકી શકો. હમણાં ચોમાસું ચાલુ છે તો જો આંખમાં પાણી જાય અને રેડનેસ થઈ જાય તો તમારે તરત લેન્સ કાઢવી નાખવા જોઈએ. તમારે એમ ન વિચારવું જોઈએ કે થોડી વારમાં એ આપોઆપ ઠીક જઈ જશે. ઘણી વાર એ પાણીની અંદર માઇક્રોઑર્ગેનિઝમ હોય છે જે તમારી આંખ અને લેન્સની વચ્ચે ફસાઈ જાય. એ ઇન્ફેક્શનમાં કન્વર્ટ થઈને તમારા કૉર્નિયાને ખરાબ કરી શકે છે. આંખમાં દુખવાનું શરૂ ન થાય ત્યાં સુધી આપણને એ ખબર ન પડે પણ ત્યાં સુધીમાં તો કૉર્નિયાને નુકસાન થઈ ચૂક્યું હોય. એટલે પહેલાંથી જ તમારી આંખ થોડી લાલ થાય કે આંખમાં કંઈ ખૂંચે છે એવું લાગે એ જ ક્ષણે તમે લેન્સ કાઢી નાખો એ સારું છે. એ સિવાય ચોમાસામાં આઇ ઇન્ફેક્શનનું જોખમ પણ વધુ હોય છે. ભેજ અને આર્દ્રતાવાળા હવામાનમાં બૅક્ટેરિયા, વાઇરસ અને ફંગસનું જોખમ વધી જાય છે. એટલે જો તમને આંખમાં ઇન્ફેક્શન થયું હોય અને એની સારવાર ચાલી રહી હોય તો એ સમયગાળામાં પણ કૉન્ટૅક્ટ લેન્સ ન પહેરવા જોઈએ.’
ડૅમેજ થાય તો સારવાર શું?
કૉર્નિયા ડૅમેજ થયું તો એવા કેસમાં ડૉક્ટર કઈ સારવાર આપે છે એ વિશે જણાવતાં ડૉ. પૂજા વાઢર કહે છે, ‘તમારા કૉર્નિયામાં શું સમસ્યા થઈ છે અને કેટલી હદ સુધી ડૅમેજ થયું છે એના આધાર પર ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. સામાન્ય કૉર્નિયા ડૅમેજના કેસમાં દવા અને આંખમાં નાખવાનાં ટીપાંથી સારવાર થઈ શકે. આંખમાં થોડું વધારે ડૅમેજ થયું હોય તો બૅન્ડેજ કૉન્ટૅક્ટ લેન્સ આવે એ લગાડવામાં આવે, જે કૉર્નિયાને પ્રોટેક્ટ કરે; કારણ કે આપણે જેટલી વાર આંખ પટપટાવીએ એટલી વાર એ ઘસાય. એટલે ઘસારો ન આવે એ માટે સારવાર દરમિયાન યુઝ થાય. એ સિવાય તમારો કૉર્નિયા વધુપડતો ડૅમેજ થઈ ગયો હોય તો પછી છેલ્લા ઉપાય તરીકે કૉર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે.’
વર્ષમાં એક વાર આઇ ચેકઅપ જરૂરી
હંમેશાં કૉન્ટૅક્ટ લેન્સ ઑનલાઇન પરથી ડાયરેક્ટ ખરીદવા કરતાં ઑપ્ટોમેટ્રિસ્ટ પાસે જઈને એ ખરીદવા જોઈએ એમ જણાવતાં ડૉ. પૂજા વાઢર કહે છે, ‘ઑપ્ટોમેટ્રિસ્ટ સૌથી પહેલાં તો તમારી આંખ ચેક કરીને એ પછી જ તમારી જરૂરિયાતના હિસાબે યોગ્ય લેન્સ આપશે. પ્રૉપર ફિટ થાય એવા લેન્સ આપશે જેથી લેન્સ પહેરતી વખતે ડિસકમ્ફર્ટ, આઇ ઇરિટેશન કે વિઝનનો પ્રૉબ્લેમ ન થાય. બીજું એ કે ઑપ્ટોમેટ્રિસ્ટ તમને હંમેશાં સારી ક્વૉલિટીના લેન્સ ઑફર કરશે જે પહેરવામાં એકદમ સુરક્ષિત હોય અને અસરકારક રીતે કામ કરતા હોય. તેમ છતાં જો કૉન્ટૅક્ટ લેન્સ પહેર્યા પછી તમને ડિસકમ્ફર્ટ જેવું લાગતું હોય કે આંખમાં રેડનેસ (આંખ લાલ થવી), દુખાવો કે ઝાંખું દેખાવા લાગે તો તરત ડૉક્ટર પાસે જવું. એ સાથે જ ઓછામાં ઓછું વર્ષમાં એક વાર તો ડૉક્ટર પાસે જઈને આંખોની તપાસ કરાવી જ લેવી જોઈએ. એટલે આગળ જતાં તમને કોઈ સમસ્યા થવાની હોય તો એનો અંદાજ આઇ ચેકઅપથી આવી જાય. એ સિવાય તમારા શરીરમાં ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ, થાઇરૉઇડની સમસ્યા હોઈ શકે એ પણ આઇ ચેકઅપથી જાણી શકાય છે.’

