‘બેસન અને સત્તુ બન્ને હાઈ પ્રોટીન છે. એટલે ખાસ કરીને શાકાહારીઓ માટે એ પ્રોટીનનો એક સારો સોર્સ છે.
પ્રતીકાત્મક તસવીર
અનેક રાજ્યોમાં સત્તુને સમર-ડ્રિન્ક તરીકે છૂટથી પીવામાં આવે છે. હવે તો હેલ્થ-કૉન્શિયસ લોકો પ્રોટીન પીણા તરીકે સત્તુ વાપરતા થઈ ગયા છે. જોકે ચણામાંથી જ બનતું સત્તુ ચણાના લોટથી કઈ રીતે જુદું પડે છે એ જાણીએ. કેમ ચણાનો લોટ ભારે પડે છે, પણ સત્તુ પચવામાં હલકું છે? નિષ્ણાત પાસેથી જાણીએ કે બળબળતી ગરમીમાં ઠંડક જોઈતી હોય તો સત્તુનું ડ્રિન્ક કેમ બેસ્ટ છે
શું તમને ક્યારેય એવો પ્રશ્ન થયો છે કે સત્તુ અને બેસનમાં ફરક શું છે? કારણ કે બન્ને બને તો ચણામાંથી જ છે. સત્તુ બનાવવા માટે શેકેલા ચણાનો ઉપયોગ થાય છે, જ્યારે બેસન બનાવવા માટે ચણાની દાળનો ઉપયોગ થાય છે. એટલે બન્નેમાં ઉપયોગ તો ચણાનો જ થાય છે પણ બન્નેને બનાવવાની પ્રક્રિયા અલગ છે. એટલે જ બન્નેના સ્વાદ અને પૌષ્ટિકતામાં પણ ફરક આવી જાય છે. સત્તુ ઇન્ડિયન ટ્રેડિશનલ સુપરફૂડ છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહારમાં વર્ષોથી પારંપરિક વ્યંજનોમાં સત્તુનો ઉપયોગ થાય છે. જોકે છેલ્લાં અમુક વર્ષોમાં સત્તુની બોલબાલા વધી છે. સત્તુની તાસીર ઠંડી હોવાથી ગરમીમાં સત્તુનું શરબત પીવાથી પણ શરીરને ટાઢક મળે છે. ગરીબોના પ્રોટીન તરીકે ઓળખાતા સત્તુનો ઉપયોગ જિમ જતા લોકો પણ કરતા હોય છે.
શેકેલા ચણાને ફોતરાં સાથે ઘંટીમાં દળવાથી જે બને એ સત્તુ. ચણા શેકાઈ જવાથી એનું પ્રોટીન પચવામાં હલકું બની જાય છે.
ADVERTISEMENT
સત્તુ અને બેસન : શું બેટર છે?
બેસન અને સત્તુ બને ચણામાંથી જ બને છે પણ એમ છતાં સત્તુમાં પોષક તત્ત્વો વધુ હોય છે. એની પાછળનું કારણ શું છે એ વિશે માહિતી આપતાં ડાયેટિશ્યન અપેક્ષા ઠક્કર કહે છે, ‘બેસન અને સત્તુ બન્ને હાઈ પ્રોટીન છે. એટલે ખાસ કરીને શાકાહારીઓ માટે એ પ્રોટીનનો એક સારો સોર્સ છે. સૌથી પહેલાં બન્નેની ન્યુટ્રિશનલ વૅલ્યુની વાત કરીએ તો બેસનમાં દર ૧૦૦ ગ્રામ સર્વિંગમાં ૧૦-૧૨ ગ્રામ પ્રોટીન હોય છે, જ્યારે સત્તુમાં ૨૦ ગ્રામની આસપાસ પ્રોટીન હોય છે. ફાઇબર કન્ટેન્ટની વાત કરીએ તો બેસનમાં ૩-૫ ગ્રામની આસપાસ હોય છે, જ્યારે સત્તુમાં એ ૧૦-૧૧ ગ્રામ જેટલું હોય છે. અહીં નોંધવા જેવી બાબત એ છે કે સત્તુમાં બેસન કરતાં વધુ ફાઇબર હોય છે, પણ એમ છતાં એ પચાવવામાં બેસન કરતાં સરળ હોય છે. તમે જોયું હશે કે ઘણા લોકોને ખાસ કરીને ગરમીની સીઝનમાં બેસન ખાવાથી ગૅસની તકલીફ થતી હોય છે. બીજી બાજુ સત્તુ એક ક્લાસિક સમર-ડ્રિન્ક છે, જે તમારી-ગટ હેલ્થ અને ડાઇજેસ્ટિવ સિસ્ટમ બન્નેને સારી રાખે છે. બેસન કરતાં સત્તુનો ન્યુટ્રિશનલ પ્રોફાઇલ સારો હોવાનું એક કારણ એ પણ છે કે તમે જ્યારે ચણાને રોસ્ટ કરો ત્યારે એમાં રહેલા જે ઍન્ટિ- ન્યુટ્રિશનલ ફૅક્ટર હોય એ પણ નીકળી જાય. બીજું એક કારણ એ પણ છે કે સત્તુમાં ચણાનાં ફોતરાંને પણ દળી નાખવામાં આવતાં હોવાથી એમાં રહેલી ન્યુટ્રિશન-વૅલ્યુ પણ સત્તુમાં ઍડ થાય છે. એટલે જ સત્તુનો લોટ થોડો દરદરો હોય છે, જ્યારે બેસન એકદમ સૉફ્ટ હોય છે. સત્તુમાં આયર્ન, કૅલ્શિયમ, ફૉસ્ફરસ, મૅગ્નેશિયમ જેવાં મિનરલ્સ પણ હોય છે.’
સત્તુ કઈ રીતે ફાયદો પહોંચાડે?
સત્તુ આપણી હેલ્થ માટે કઈ રીતે ફાયદાકારક છે અને કયા લોકોએ તકેદારી રાખીને એનો ઉપયોગ કરવો જોઈએ એ વિશે અપેક્ષા ઠક્કર કહે છે, ‘સત્તુ ડ્રિન્ક ખાસ કરીને અમે ડાયાબિટીઝના પેશન્ટ્સને પીવા માટે કહીએ છીએ. આનાં ઘણાં કારણો છે. એક તો સત્તુ લો ગ્લાયસીમિક ઇન્ડેક્સ ધરાવતું ફૂડ છે. એટલે એનું સેવન કરવાથી તમારી શુગર એકદમથી સ્પાઇક થતી નથી જે મેંદો ખાવાથી થઈ શકે છે. બીજું એ કે ડાયાબેટિક પેશન્ટની ડાયટમાં પ્રોટીન સારું હોય તો શુગર ઑટોમૅટિકલી કન્ટ્રોલમાં આવે. સત્તુ હાઈ પ્રોટીન તો છે જ પણ સાથે-સાથે એમાં ઍબ્સૉર્પ્શન ફૅક્ટર પણ સારું હોય છે. સત્તુના ડ્રિન્કનો ઉપયોગ ગરમીની સીઝનમાં વધુ થાય છે, કારણ કે સત્તુમાં કૂલિંગ પ્રૉપર્ટીઝ હોય છે. એટલે નૉર્થના સ્ટેટમાં એનો ઉપયોગ હીટ-સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચવા માટે કરવામાં આવે છે. બેસન અને સત્તુ બન્ને ગ્લુટન-ફ્રી છે, પણ સત્તુ બેસન કરતાં પણ પચાવવામાં સારું હોય છે. એટલે ગ્લુટન-ફ્રી ડાયટ માટે સત્તુ એક સારી ચૉઇસ છે. સત્તુ ઓવરઑલ ખૂબ સારું છે, પણ જેમને બેસનથી ઍલર્જી હોય અથવા ઇરિટેબલ બોવલ સિન્ડ્રૉમ (IBS) હોય એ લોકોએ પણ સત્તુ ખાતાં પહેલાં થોડી તકેદારી રાખવી જોઈએ. એ લોકોએ સત્તુનો યુઝ કરતાં પહેલાં એનું થોડા પ્રમાણમાં સેવન કરીને એક વાર ચેક કરી લેવું જોઈએ. એ સિવાય ઓક્ઝલેટ નામનું એક ઍન્ટિ-ન્યુટ્રિયન્ટ હોય છે જે તમે ચણાને સરખી રીતે રોસ્ટ ન કર્યા હોય તો એમાં રહી જાય અને એ કિડની સ્ટોનવાળા લોકોને ત્રાસ કરી શકે છે.’
સત્તુ કઈ રીતે વાપરવું?
સત્તુને આપણે આપણી ડેઇલી ડાયટમાં કઈ રીતે સામેલ કરી શકીએ અને એને કઈ રીતે ઉપયોગમાં લેવાથી એમાં રહેલાં પોષક તત્ત્વોનો આપણને મૅક્સિમમ ફાયદો મળી શકે એ વિશે અપેક્ષા ઠક્કર કહે છે, ‘સત્તુ એક વર્સટાઇલ ઇન્ગ્રીડિયન્ટ છે. સત્તુનો મૅક્સિમમ ફાયદો ઉઠાવવો હોય તો ડ્રિન્ક તરીકે એનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તમે એને લિક્વિડ ફૉર્મમાં લો તો એનું ઍબ્સૉર્પ્શન ફાસ્ટ થાય. તમે સત્તુનું ડ્રિન્ક રેડી કરીને એને તમારા બ્રેકફાસ્ટ પછી અને લંચ પહેલાંનો જે સમય છે એમાં લઈ શકો. તમે સત્તુનાં પરાઠાં પણ બનાવીને ખાઈ શકો. તમે ઇચ્છો તો સત્તુના લોટનાં પરાઠાં બનાવી શકો અથવા નૉર્મલ પરાઠાંમાં સત્તુનો સ્ટફિંગ તરીકે યુઝ કરી શકો. આને તમે બ્રેકફાસ્ટ, લંચ, ડિનર ગમે તેમાં લઈ શકો. તમે સત્તુનું સૂપ, પૅનકેક્સ, લાડવા પણ બનાવી શકો. પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોવાના નાતે તમે સત્તુનું મિલ્કશેક પણ વર્કઆઉટ પછી પી શકો છો. કોઈ પણ વસ્તુને તમે કઈ રીતે પ્રિપેર કરો છો એ પણ મહત્ત્વનું છે. જેમ કે સત્તુનું ડ્રિન્ક બનાવીએ તો એમાં આપણે જીરું, ફુદીનો, લીંબુ મિક્સ કરીએ જેથી એની કૂલિંગ ઇફેક્ટ ડબલ થઈ જશે. બીજી બાજુ આપણે બેસનની કઢી બનાવીએ તો એમાં છાશ નાખીએ તો એ કૂલિંગ ઇફેક્ટ આપશે, પણ સાથે-સાથે એમાં મરચું અને ગરમ મસાલા પણ પડશે જેથી એની કૂલિંગ ઇફેક્ટ છે એ ચેન્જ થઈ જશે.’

