આપણને બધાને ખબર છે કે એક હેલ્ધી લાઇફ માટે રાતની ૮ કલાકની ઊંઘ અનિવાર્ય છે
પ્રતીકાત્મક તસવીર
જ્યારે તમને પહેલેથી ખબર હોય કે આગામી અમુક દિવસે રાતઉજાગરા નિશ્ચિત છે ત્યારે એ પહેલાંના દિવસોમાં થોડા કલાકો વધુ સૂઈ જઈએ એ અવસ્થાને સ્લીપ-બૅન્કિંગ કહેવાય છે. પાશ્ચાત્ય દુનિયા માને છે કે આ રીતે તમે ઊંઘની અછતથી બગડતા તમારા પર્ફોર્મન્સને સુધારી શકો છો. જોકે ભારતીય વિજ્ઞાન આ રીતને સાચી માનતું નથી. રોજ ૬થી ૮ કલાકની ઊંઘ અત્યંત જરૂરી માનીએ એમ છતાં કોઈ પણ કારણસર જાગવું પડે તો એ અવસ્થામાં પણ હેલ્થ બગડે નહીં એ માટે શું કરી શકાય એ સમજવાનો પ્રયત્ન કરીએ
પૈસાની અછત થવાની છે કે ભવિષ્યમાં મોટા ખર્ચા આવવાના છે એવી ખબર પડે તો વ્યક્તિ તરત જ પૂર આવ્યા પહેલાં પાળ બાંધવાનું વિચારે છે. એટલે કે અછત આવે એ પહેલાં બૅન્ક હોય કે ઇન્વેસ્ટમેન્ટ, કોઈ પણ રીતે પૈસાની બચત કરે છે. પરંતુ શું પૈસાની જેમ આપણે ઊંઘની બચત પણ પહેલેથી કરી શકીએ ખરા? આજકાલ એક ટર્મ ઘણી પ્રચલિત થઈ રહી છે જેને કહેવાય છે સ્લીપ-બૅન્કિંગ. એટલે કે જેમને ખબર છે કે નજીકના ભવિષ્યમાં તેઓ કોઈ પણ કારણસર વ્યવસ્થિત ઊંઘ નહીં લઈ શકે કે જેમના ઉજાગરા નિશ્ચિત છે તેઓ એના આગળના ૧૦ દિવસો દરરોજ ૬૦-૯૦ મિનિટ વધુ સૂવે તો તેમની ઊંઘની એક બૅન્ક બને છે, એટલે કે હવે જ્યારે આગલું અઠવાડિયું તમે નાઇટ-શિફ્ટ કરશો કે કોઈ પણ કારણસર ઊંઘ પૂરી નહીં કરો તો પહેલેથી જે ઊંઘની બૅન્ક તમે તૈયાર કરી છે એ તમને મદદ કરશે, વગર ઊંઘની જે તકલીફો ઊભી થશે, જેને કારણે શરીર કે મગજ બરાબર નહીં ચાલે ત્યારે બૅન્ક કરેલી ઊંઘ તમને મદદ કરશે એવો ક્લેમ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
આવા દાવાઓ વચ્ચે સવાલ એ થાય કે સ્લીપ-બૅન્કિંગ શક્ય છે ખરું? શું ખરેખર એ કામ કરે? આ પ્રશ્નોના જવાબ આજે મેળવીએ.
જ્યારે ઊંઘી ન શકાય ત્યારે
આપણને બધાને ખબર છે કે એક હેલ્ધી લાઇફ માટે રાતની ૮ કલાકની ઊંઘ અનિવાર્ય છે. દરરોજ રાત્રે ૯-૧૧ વાગ્યાની વચ્ચે સૂઈ જ જવું જોઈએ અને પછીની ૬-૮ કલાકની ગાઢ નિદ્રા લઈએ તો હેલ્થ માટે અત્યંત આવશ્યક અને ઉપયોગી સાબિત થાય છે. એ સત્ય જાણતા હોવા છતાં કેટલા લોકો છે જે એનું પાલન કરી શકે છે? ઘણા લોકો કરી શકે એમ છે તોય કરતા નથી. અને ઘણા લોકો કરવા માગે છે પણ તેઓ મજબૂર છે એટલે કરી શકતા નથી. જો તમે મરજીથી ઊંઘતા ન હો અને ચાહીને તમારી ઊંઘને ખરાબ કરતા હો તો કોઈ તર્ક કરવાનો અર્થ નથી, પરંતુ જે લોકોને શિફ્ટમાં કામ કરવું પડે છે અથવા વધુપડતા કામને કારણે, એક્ઝામને કારણે, ઘરમાં કોઈ સાજુંમાંદું હોય ત્યારે કે ઘરમાં કોઈ પ્રસંગ હોય અને કામ વધી ગયું હોય ત્યારે તમારે રાતના ઉજાગરા નિશ્ચિત બની જવાના હોય ત્યારે કંઈ કરી શકાય ખરું? ત્યારે જે ઊંઘ ઓછી થાય છે એને કારણે વ્યક્તિની હેલ્થ પર જે અસર થાય છે એને કોઈ રીતે રોકી શકાય ખરું?
સાયન્સ શું કહે છે?
૨૦૨૩માં ૨૩ મેડિકલ સ્ટુડન્ટ્સ પર થયેલા એક સ્ટડી અનુસાર એ જોવા મળ્યું કે જે વિદ્યાર્થીઓની નાઇટ-શિફ્ટ હતી એમાંના જેઓ પહેલાં અમુક દિવસો વધુ સૂઈ ગયા હતા તેમના પર્ફોર્મન્સ જે વધુ નહોતા સૂતા તેમના કરતાં ઘણા સારા હતા. આ અભ્યાસ જર્નલ ઑફ ક્લિનિકલ સ્લીપ મેડિસિનમાં છાપવામાં આવ્યો હતો. એ પછીથી સ્લીપ-બૅન્કિંગને એક સાયન્ટિફિક સ્ટ્રૅટેજી માનવામાં આવી રહ્યું છે. ઊંઘની અછત થાય એ પહેલાં થોડી એક્સ્ટ્રા સ્લીપ લઈને એક બૅન્ક તૈયાર કરી શકાય એવો દાવો કરવામાં આવી રહ્યો છે. ઉજાગરા થવાના હોય એના થોડા દિવસ પહેલાં ૬૦-૯૦ મિનિટ દરરોજ વધુ કરવામાં આવતી ઊંઘ વ્યક્તિની અલર્ટનેસ, મૂડ અને રિકવરી બધામાં મદદ કરે છે એવું ઘણા વૈજ્ઞાનિકો માને છે.
પૂરતી નહીં થશે, બસ પ્રમાદ વધશે
આ વાતને પશ્ચિમી કન્સેપ્ટમાં ખપાવતાં જાણીતા લાઇફ-કોચ અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ઍમ્બૅસૅડર મિકી મહેતા કહે છે, ‘તમને આગલા ૧૦ દિવસ જમવાનું મળવાનું નથી એટલે શું દરરોજ તમે જમવામાં ૨-૨ રોટલી વધુ ખાવા લાગો છો? અને જો ખાવા લાગો તો તમારું શું થાય? તમને આગલા બે દિવસ પાણી પીવા નહીં મળે તો આજના દિવસે પાંચ લીટર પાણી પી શકાય ખરું? જ્યારે હેલ્થની વાત આવે, શરીરની વાત આવે ત્યાં અતિરેક વર્જિત છે એ સમજવું. આયુર્વેદ કહે છે કે જરૂર કરતાં અડધો કલાક પણ તમે વધુ સૂવો તો શરીરમાં પ્રમાદ એટલે કે આળસ વધે છે. જો તમને ખબર પડે કે આગલા ૧૦ દિવસ તમારી નાઇટ-શિફ્ટ છે તો એની પહેલાંના દિવસોમાં જો તમે વધુ સૂઈ ગયા તો ખૂબ આળસ વધશે, મેટાબોલિઝમ સ્લો થશે, ઇમ્યુન-સિસ્ટમ કૉમ્પ્રોમાઇઝ થશે. વધુ સૂવાને કારણે લોહીનું પરિભ્રમણ ઘટે છે, શ્વાસ પર અસર થાય છે, હૃદય ધીમું કામ કરે છે એટલે શરીરમાં જે ઊર્જાનો અસ્ખલિત પ્રવાહ છે એ અસરગ્રસ્ત થાય છે. એ ઊર્જા ઘટે એટલે વ્યક્તિ જેવું કરી શકવી જોઈએ એવું કામ કરી ન શકે. આમ તમને જરૂરત નથી ત્યારે અડધો કલાક કે એનાથી પણ વધુ કલાકો સૂઈ શકાય નહીં. એવું કરવું બિલકુલ યોગ્ય નથી.’
પહેલાં નહીં, પછી
રાતની ૮ કલાકની ગાઢ નિદ્રા અત્યંત જરૂરી છે એ માની લઈએ પણ એવા સંજોગો જેમાં ઉજાગરા થવાના જ છે એને ટાળી શકાય એમ છે જ નહીં ત્યારે કરવું શું? એ ઊંઘ જે પૂરી થઈ નથી એની પૂર્તિ કઈ રીતે કરી શકાય કે ત્યારે શરીરને જે ડૅમેજ થયું છે એને કઈ રીતે સુધારી શકાય? એ પ્રશ્નોના જવાબમાં મૂળભૂત વાત સમજાવતાં મિકી મહેતા કહે છે, ‘હું કોઈ વ્યક્તિને ૧૦ લાફા મારવાનો છું તો એ લાફા માર્યા પછી તેને ઠીક કરવા માટે ગાલ પસવારી શકાય, પરંતુ શું પહેલાં ગાલ પસવારવો બરાબર છે? ઊંઘ અપૂરતી થઈ, ઉજાગરા થયા એ પછી તમે વધુ કલાકો સૂઓ એ યોગ્ય ગણાશે, કારણ કે શરીર અછતમાં છે અને ત્યારે એને તમે જે આપો છો એ ગ્રહણ કરશે. એનાથી પ્રમાદ ઉત્પન્ન નહીં થાય. આમ જો અપૂરતી ઊંઘની પૂર્તિ કરવી હોય તો બૅન્ક ન બનાવાય. જ્યારે ઊંઘની અછત ઊભી થાય એ પછી એ અછતને પૂરી કરાય. બીજું એ કે આ સમયે સમય કાઢીને યોગનિદ્રા, પ્રાણાયામ અને ધ્યાન તમને ખૂબ મદદરૂપ થશે. ઊંઘની ખામીની મગજ અને મન પર જે અસર થાય છે એને આ રીતે નહીંવત્ કરી શકાય છે કે રોકી પણ શકાય છે.’
અપૂરતી ઊંઘમાં યોગનિદ્રા બનશે ઉપયોગી
સાયન્સ મુજબ રાતની છ-આઠ કલાકની ઊંઘ અનિવાર્ય છે પરંતુ આપણા ઋષિઓથી માંડીને આપણા વડા પ્રધાન સુધી ઘણી વ્યક્તિઓ છે જે ખૂબ ઓછા કલાક સૂએ છે. ઘણા યોગીઓ વર્ષો સુધી સૂતા નથી એવા કિસ્સાઓ આપણે સાંભળ્યા જ છે. તો એ લોકો પોતાની ઊંઘની પૂર્તિ કઈ રીતે કરે છે? આ પ્રશ્નનો જવાબ આપતાં MD ફિઝિશ્યન અને સાયન્ટિફિક સ્પિરિચ્યુઆલિટીના રિસર્ચર ડૉ. મયંક શાહ કહે છે, ‘જ્યારે તમારી ઊંઘ પૂરી નથી થતી ત્યારે યોગનિદ્રા અત્યંત મદદરૂપ સાબિત થઈ શકે છે. આમ તો એ બધાએ જ કરવી જોઈએ. એનાં ચાર સ્ટેજ છે. પહેલો પડાવ શારીરિક સેશન છે. બીજો મેન્ટલ રિલૅક્સેશન હોય છે. ત્રીજી પરિસ્થિતિ એ છે નિદ્રા, જે ઇન્દ્રિયોને શાંત કરીને પ્રાપ્ત થાય છે. એટલે કે એ સમયે એક પણ ઇન્દ્રિય કાર્યરત નથી તો એ નિદ્રા છે. અને યોગનિદ્રાનું ચોથું સ્ટેજ છે પ્રજ્ઞા એટલે કે જ્ઞાન. અમુક લોકો ફિઝિકલ-મેન્ટલ રિલૅક્સેશનને જ યોગનિદ્રામાં મહત્ત્વ આપે છે, પરંતુ એ અધૂરું છે. કોઈ ગુરુ પાસે આ શીખીને પછી જ એને પ્રૅક્ટિસ કરી શકાય. એ બધી જ વ્યક્તિઓને મદદરૂપ થાય છે. એટલે પહેલાં શીખો અને પછી નિયમિત પ્રૅક્ટિસ કરો.’

