Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > આ ઍક્ટરે મિડલ-એજમાં અનુભવેલો ADHDનો પ્રૉબ્લેમ શું છે?

આ ઍક્ટરે મિડલ-એજમાં અનુભવેલો ADHDનો પ્રૉબ્લેમ શું છે?

07 June, 2024 07:45 AM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ADHD એટલે કે અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવ ડિસઑર્ડર વિશે આપણે ત્યાં કોઈ જાતની જાગૃતિ નથી

ફહાદ ફાસિલ

ફહાદ ફાસિલ


ADHD એટલે કે અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવ ડિસઑર્ડર વિશે આપણે ત્યાં કોઈ જાતની જાગૃતિ નથી. સાઇકિયાટ્રિસ્ટોનું માનવું છે કે જો આ બાબતમાં અવેરનેસ લાવવામાં આવે તો વ્યક્તિની પ્રોડક્ટિવનેસની સાથોસાથ તેની ફૅમિલી અને ફાઇનૅન્શિયલ લાઇફમાં સ્ટેબિલિટી ચોક્કસપણે આવે

ફિલ્મ ‘પુષ્પા : ધ રાઇઝ’ યાદ છેને? હીરો પુષ્પાને બધા વચ્ચે અપમા​નિત કરનારો પેલો IPS ઑફિસર ભંવરસિંહ શેખાવત પણ યાદ હશે? ભંવરસિંહનું કૅરૅક્ટર કરનારા ઍક્ટર ફહાદ ફાઝિલે હમણાં સ્વીકાર કર્યો કે તે અત્યારે અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવ ડિસઑર્ડર (ADHD)ની તકલીફથી પીડાય છે જે દૂર કરવાનો કોઈ ઇલાજ નથી. ADHDને કારણે ફહાદ ફાઝિલને જે ડાયલૉગ આપવામાં આવતા હતા એ ડાયલૉગ બોલવાને બદલે તે ભળતા-સળતા જ ડાયલૉગ બોલતો. પોતાને ADHD છે એટલે આ તકલીફ છે એટલે પોતે આવી ભૂલ કરે છે એ વાતથી બેખબર એવા ઍક્ટર ફહાદને યુનિટની સામે શરમજનક અવસ્થામાં મુકાવું પડ્યું હતું. સામાન્ય રીતે નાનાં બાળકોમાં જ જોવા મળતી ADHD નામની માનસિક સમસ્યા જ્યારે મિડલ-એજમાં થાય ત્યારે કેવા-કેવા હેવોક સર્જી શકે છે એ વિશે ચર્ચા કરીએ.શું છે ADHD?


અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવ ડિસઑર્ડર નામની આ તકલીફ બ્રેઇનના નેટવર્કિંગ સાથે જોડાયેલી છે, જે એક વાર ઍક્ટિવ થાય એ પછી માણસની જિંદગીની નૉર્મલ લાઇફ તહસનહસ થવા માંડે છે. જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘મૂડસ્વિંગ્સની માત્રા અતિશય વધી જવાની સાથે રેસ્ટલેસનેસ આવવી, વાતો ભુલાઈ જવી, પોતે શું કર્યું છે એ સુધ્ધાં ભુલાઈ જવું અને ટાઇમ મૅનેજમેન્ટની બાબતમાં પણ અત્યંત ખરાબ રીતે બેદરકારી આવવી એ તકલીફો પુરવાર કરી શકે કે વ્યક્તિને ADHDનો પ્રૉબ્લેમ હોઈ શકે છે. અફકોર્સ, એની મેડિકલ ટેસ્ટ પણ હોય છે એટલે પૂરતી ક્લિનિકલ તપાસ વિના સીધું આવું તારણ ન કાઢી શકાય; પણ ADHDને જો કન્ટ્રોલ કરવાનો પ્રયાસ ન થાય તો મિડલ-એજ પર આવેલો આ પ્રૉબ્લેમ તન, મન અને ધન એમ દરેક ક્ષેત્રમાં નુકસાનકર્તા બની શકે છે.’

ADHD ક્યારેય અચાનક નથી આવતો, એ બાળપણથી જ હોય છે એવી સ્પષ્ટતા સાથે સાઇકિયાટ્રિસ્ટ ડૉ. વિજય નાગેચા કહે છે, ‘બને કે નાનપણમાં એ વાતને નજરઅંદાજ કરવામાં આવી હોય અને ખબર ન પડી હોય. હાઇપરઍક્ટિવ બાળક કે પછી ફોકસ ન કરતા બાળકને આપણે હંમેશાં હળવાશથી લઈ લેતા હોઈએ છીએ. સમય જતાં આ પ્રૉબ્લેમ જો દબાવવામાં આવે અને એ પછી મિડલ-એજમાં જ્યારે બૉડીમાં હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ શરૂ થાય ત્યારે એ ફરીથી બહાર આવે અને એની ખબર પડે.’


વિદેશની વ્યવસ્થા

આપણે ત્યાં ADHDને બહુ ગંભીરતાથી જોવામાં નથી આવતો, પણ અમેરિકા આ બાબતમાં બહુ અવેર છે. અમેરિકામાં નાનપણથી જ પીડિયાટ્રિશ્યન આ બાબત પર ધ્યાન આપે છે. મોટા ભાગના સાઇકિયાટ્રિસ્ટની ઑફિસના વેઇટિંગ એરિયામાં ADHDનું એક નાનકડું ચેકલિસ્ટ પડ્યું હોય, જે તમારે નવરાશના સમયમાં ભરી લેવાનું અને ડૉક્ટરને મળવા જતી વખતે સાથે લેતા જવાનું. એ ચેકલિસ્ટમાં ૧૬ પૉઇન્ટ આપ્યા હોય. જો એમાંથી આઠ પૉઇન્ટમાં તમારો જવાબ હકારમાં હોય તો ડૉક્ટર તમારી અન્ય સારવાર કે કન્સલ્ટેશન ઉપરાંત ADHDનું કન્સલ્ટેશન પણ કરે. ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘અમેરિકામાં આ સિસ્ટમ જોયા પછી એક સમયે મેં પણ મારા ક્લિનિકમાં આ રીત અપનાવી હતી, જેની પાછળનું કારણ મારો ભૂતકાળ પણ હતો. મને પોતાને ADHD છે. જોકે મારે સ્વીકારવું રહ્યું કે ક્લિનિકમાં આવતા કોઈએ એ ચેકલિસ્ટ પર નજર સુધ્ધાં કરી નહીં. ઊલટું એવું સજેશન આપ્યું કે વેઇટિંગમાં રહેલા પેશન્ટ્સ માટે મારે પઝલ કે પછી ક્રૉસવર્ડ રાખવી જોઈએ, જેથી એ લોકોનું નૉલેજ વધે અને ટાઇમપાસ પણ થાય.’

કેવી રીતે ખબર પડે?

બહુ સામાન્ય લક્ષણોથી તમને ADHD વિશે અંદાજ આવી શકે. ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘મને રસ્તાઓ ક્યારેય યાદ નથી રહેતા. મેં ત્રણ કલાકની ફિલ્મ જોઈ હોય તો હું બહાર આવીને બે-ચાર મિનિટ એ ફિલ્મ વિશે બોલી શકું, પણ આખી વાત મારાથી ન થઈ શકે. કેટલીક વખત લોકોને એવું લાગે કે હું ધૂની છું, પણ હકીકતમાં મારું એ બિહેવિયર ADHDના કારણે હોય છે. હું હોઉં ત્યાં પણ મનથી હું ક્યાંય દૂર નીકળી ગયો હોઉં. મારાથી કોઈ કામ લાંબું ન થઈ શકે કે લાંબો સમય ન થઈ શકે. એટલે જ હું કવિતા કે ગઝલ લખી શકું, પણ નવલકથા ન લખી શકું. મને ડીટેલિંગ યાદ જ ન રહે. હું ગમે એટલા પ્રયાસ કરું તો પણ મારાથી એ ન થઈ શકે, જે ADHDને કારણે છે. આ ડિસઑર્ડર સહન કરતા હોય તેઓ વધારે લંબાણપૂર્વક વાત કરવાનું પણ ટાળે. તેમની એક વાત બીજી વાતમાં મર્જ થતી રહે અને અસંબદ્ધ ચર્ચાઓ કર્યા કરે.’

ADHD જોખમી નથી કે પછી એના કારણે જોખમ ઊભાં થાય એવી સંભાવના નથી, પણ જો એની તમને ખબર હોય તો અને એનાથી તમે વાકેફ હો તો. ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘એની મેડિસિન છે જ અને બહુ અસરકારક મેડિસિન છે, પણ મારી પ્રૅક્ટિસના દશકાઓના અનુભવ પછી હું કહીશ કે આપણે ત્યાં ADHDને ક્યારેય કોઈએ ગંભીરતાથી લીધો નથી. ૯૯.૯૯ ટકા લોકો એને સ્વભાવના ભાગરૂપે જ જુએ છે, જેને કારણે વ્યક્તિગત આર્થિક કે સામાજિક વિકાસમાં ઘણી રુકાવટ જોવા મળતી રહે છે.’

ડૉ. વિજય નાગેચા પણ આ જ વાત આગળ વધારતાં કહે છે, ‘અમેરિકામાં દર ૧૦૦એ ત્રણથી ચાર ટકા ADHD વ્યક્તિ જોવા મળ્યાના આંકડા મળે છે, પણ આપણે ત્યાં એવું કોઈ તારણ હજી સુધી નીકળ્યું નથી. એનું કારણ પણ એ જ છે કે આપણે એને સ્વભાવ સમજીએ છીએ.’

મિડલ-એજ અને ADHD

નાની ઉંમરે દેખાતા આ ડિસઑર્ડરને ટૅકલ કરવાનું કામ પ્રમાણમાં સરળ હોઈ શકે છે, પણ જો એ મોટી ઉંમરે દેખાય તો ખરા અર્થમાં ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે. ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘ADHDથી આવનારા ધૂનીપણા કે નિષ્ફિકરાઈની સીધી આડઅસર જો કોઈ હોય તો એ વ્યક્તિગત સંબંધોની છે. તમારી પ્રિય વ્યક્તિ તમારા માટે હેરાન થતી હોય અને તમને એની અસર સુધ્ધાં ન થતી હોય તો તમે સમજી શકો કે લાગણીઓ પર કેવી અસર થાય. બીજું એ કે ADHDને કારણે વ્યક્તિનું ફોકસ સતત ડાઇવર્ટ થતું રહે. આજે તે શૅરબજારમાં કામ કરવા માગતી હોય અને પંદર જ દિવસમાં તે રેડિમેડ ગાર્મેન્ટ્સ ઇન્ડસ્ટ્રીનો સર્વે કરવા માંડે. પરિણામે લોકો તેને ગંભીરતાથી લેવાનું બંધ કરી દે, જેની અસર વ્યક્તિના મન પર પડે અને વ્યક્તિ ધીમે-ધીમે ડિપ્રેશન તરફ આગળ વધવા માંડે.’

મિડલ-એજ પર પહોંચ્યા પછી દેખાયેલા ADHDમાં વ્યક્તિ કરતાં પણ તેના ફૅમિલી કે આપ્તજનોએ વધારે સજાગ રહેવું જોઈએ એવું મેડિકલ એક્સપર્ટ્સ કહે છે. તે જે નિર્ણય લે છે એમાં કન્સિસ્ટન્સી નથી એ વાતને વેધક શબ્દોમાં કહેવાને બદલે તેને જો પ્રેમથી સમજાવવામાં આવે તો એની અસર સકારાત્મક આવી શકે. ડૉ. મુકુલ ચોકસી કહે છે, ‘ADHD હોય તે વ્યક્તિનું ઇમોશનલ ક્વૉશન્ટ (EQ) અને ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ (IQ)

પણ બહુ મહત્ત્વનું કામ કરે છે. મારી જ વાત કરું તો મારો IQ સારો હતો એટલે હું સરળતા સાથે મેડિકલ ફીલ્ડમાં આવી શક્યો, પણ જો મારો IQ નબળો હોત તો હું સ્કૉલર ન હોત અને કોઈ જગ્યાએ કારકુન હોત. મતલબ કે ADHD હોય એ વ્યક્તિના ફૅમિલી-મેમ્બર જો આ વાત બરાબર રીતે જાણી શકે તો તેઓ પોતાની વ્યક્તિનું હૅન્ડલિંગ સ્મૂધલી કરી શકે અને નહીંવત્ નુકસાન સાથે આજીવન તેને સારું જીવન આપી શકે.’

કેવી તકલીફો વધી જાય?

અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવ ડિસઑર્ડર(ADHD) ધરાવતી વ્યક્તિમાં અટેન્શન-લેવલ ઓછું હોય છે તો સાથોસાથ તે અતિ સક્રિય માનસિકતા પણ ધરાવતી હોય છે. બાળકમાં આવું હોય તો એ સામાન્ય ગણવામાં આવે છે, પણ જો એ ​મિડલ-એજ વ્યક્તિમાં જોવા મળે તો તે મોટા ભાગે ડી-ફોકસ રહેવા માંડે છે. સારા-ખોટા અને સારા-ખરાબની સભાનતા પણ ગુમાવી બેસે અને એને લીધે તે સોશ્યલ સર્કલમાંથી તો કટ થાય જ છે, સાથોસાથ આર્થિક ક્ષેત્રમાં પણ પોતાનું હિત-અહિત જોઈ શકતી નથી. ADHDને કારણે તેનામાં પ્રોડક્ટિવિટી પણ મહત્તમ માત્રામાં ઘટે છે, જેને લીધે તેને સામાજિક અને આર્થિક બન્ને બાબતોમાં સતત નુકસાન જોવું પડે છે અને એને કારણે તેને માન​સિક અસર પણ જોવા મળે એવી સંભાવના વધી જાય છે.

અટેન્શન પ્લીઝ!

આ સમસ્યા ધરાવતી વ્યક્તિને અન્ય પાસેથી અટેન્શન ઓછું કે પછી સંપૂર્ણપણે મળતું બંધ થઈ જાય તો ADHDની ઇન્ટેન્સિટીમાં વધારો થવાની શક્યતા રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

07 June, 2024 07:45 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK