તમારા શરીરમાં અત્યારે કૅલ્શિયમ ભલે પૂરતું હોય, પણ જેવો મેનોપૉઝ શરૂ થાય એટલે તરત જ ૩-૬ મહિનાની અંદર આ સ્રોત ખાલી થઈ જાય છે.
પ્રતીકાત્મક તસવીર
હું હવે ૪૦ પૂરાં કરીશ. બે મહિના પહેલાં મને પગમાં ફ્રૅક્ચર આવેલું. એ સમયે ફિઝિયોએ મને કહ્યું કે મારે કૅલ્શિયમ સપ્લિમેન્ટ ખાવાનાં શરૂ કરી દેવાં જોઈએ, કારણ કે ૪૦ વર્ષ પછી સ્ત્રીઓએ હાડકાની ચિંતા કરવી જોઈએ. ટીવી પર અઢળક જાહેરખબરો પણ આવું જ કહે છે. મને એ નથી સમજાતું કે પુરુષો અને સ્ત્રીમાં હાડકાની હેલ્થને લઈને આ ફરક કેમ છે? બીજું એ કે મને બીજી કોઈ તકલીફ નથી, તો પણ મારે સપ્લિમેન્ટ શા માટે લેવાં જોઈએ? શું આ ફક્ત ટ્રેન્ડ છે કે ખરેખર એની આવશ્યકતા છે.
ઘણી સ્ત્રીઓને સપ્લિમેન્ટની વાત કરીએ એટલે મનમાં નકાર આવી જાય છે. ઘણી સ્ત્રીઓ એ પણ કહે છે કે હું દૂધ લઉં છું, ટમેટાં ખાઉં છું અને નટ્સ પણ પૂરા પ્રમાણમાં ખાઉં છું તો પછી મારે સપ્લિમેન્ટની શું જરૂર. આ બધાના જવાબ મેળવતાં પહેલાં આજની પરિસ્થિતિ સમજવા જેવી છે. એક સમય હતો કે આપણાં દાદી-નાનીને મેનોપૉઝ ૫૫-૬૦ વર્ષની ઉંમરે આવતું, જે ખૂબ સારી ઉંમર છે. જ્યાં સુધી તમારા પિરિયડ્સ ચાલુ છે ત્યાં સુધી તમારી અંદર ઇસ્ટ્રોજન હૉર્મોનનું પ્રમાણ જેટલું હોવું જોઈએ એટલું અકબંધ રહેશે. આ હૉર્મોનનું વધુ પ્રમાણ સ્ત્રીના શરીરમાં જ હોય છે. પુરુષોમાં આ હૉર્મોન એટલું નથી હોતું. જેવું આ હૉર્મોનનું પ્રમાણ ઘટે સ્ત્રીના શરીરમાંથી કૅલ્શિયમ ઘટી જાય છે. હવે અનેક કારણસર સ્ત્રીનો મેનોપૉઝનો સમય જલદી આવી રહ્યો છે. જો તમારા પિરિયડ્સ નાની ઉંમરથી શરૂ થાય છે તો મેનોપૉઝ જલદી આવી જાય છે. તમારા શરીરમાં અત્યારે કૅલ્શિયમ ભલે પૂરતું હોય, પણ જેવો મેનોપૉઝ શરૂ થાય એટલે તરત જ ૩-૬ મહિનાની અંદર આ સ્રોત ખાલી થઈ જાય છે. જો તમે ૪૦ની ઉંમરથી કૅલ્શિયમ લેતાં હો તો એનું રિઝર્વ જલદી ખાલી નહીં થાય.
બીજું એ કે ખાલી સપ્લિમેન્ટથી પણ કામ નહીં ચાલે. ૪૦ પર પહોંચ્યાં પછી તમારે સ્ટ્રેંગ્થ વધારવા માટે વેઇટ ટ્રેઇનિંગ કરવી જ પડશે. અહીં વાત જિમમાં જઈને ૨૦-૨૫ કિલો ઉપાડવાની નથી થતી, પણ શરૂઆત તમે ૧-૨ કિલોથી ઘરે પણ કરી શકો છો. વજનથી સ્નાયુઓને એટલા મજબૂત બનાવો કે એ હાડકાને મજબૂતી આપી શકે. ધીમે-ધીમે સ્ટ્રેંગ્થ વધારો. એ લાંબા ગાળે ઘણા ફાયદેમંદ સાબિત થાય છે. આમ, ૪૦ પછી દરેક સ્ત્રીએ કૅલ્શિયમ સપ્લિમેન્ટ લેવાનાં એ પણ ડૉક્ટરને પૂછીને અને એની સાથે-સાથે વ્યવસ્થિત ટ્રેઇનર પાસે વેઇટ ટ્રેઇનિંગ શરૂ કરવી. તમે સમજો કે એનાથી તમારું વર્તમાન જ નહીં, ભવિષ્ય સારું થશે. હાડકાને સંભાળવા જરૂરી છે.
ADVERTISEMENT
વિભૂતિ કાણકિયા

