ચિંતા છે કે એ મોટો થાય તો એનું ચોકઠું કેવું દેખાશે?

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
મારા ૭ વર્ષના દીકરાના દૂધિયા દાંત પડવા લાગ્યા છે અને નવા દાંત આવવા લાગ્યા છે. આમ તો નવા દાંત સમયસર અને સારા જ આવી રહ્યા છે, પરંતુ મને એને જોઈને એવું લાગે છે કે બે દાંત વચ્ચે જગ્યા ખૂબ વધારે છે. એને કારણે બે દાંત વચ્ચે ખોરાક ફસાઈ જાય છે. ચિંતા છે કે એ મોટો થાય તો એનું ચોકઠું કેવું દેખાશે? અત્યારે તો બધા તેને ક્યુટ રૅબિટ કહે છે, પણ પછી મોટા થાય ત્યારે એ સારું નહીં લાગે. શું એને અત્યારથી બ્રૅસિસ પહેરાવી શકાય?
આવું મોટા ભાગનાં બાળકો સાથે થાય છે. દૂધિયા દાંત પડી જાય અને નવા દાંત આવે ત્યારે માતા-પિતાને એવી ચિંતા થઈ પડે છે કે જે દાંત આવી રહ્યા છે એ બરાબર છે કે નહીં. પહેલાં તો એ કે દરેક બાળક અલગ છે, એમ એના દાંત આવવાની પ્રોસેસ પણ અલગ જ હોવાની. તમારો પ્રશ્ન એ છે કે બાળકના દૂધિયા દાંત વચ્ચે જગ્યા ઘણી વધારે છે, પરંતુ એમાં ચિંતા કરવાનું કોઈ ખાસ કારણ નથી. ઊલટું એ સારું છે, કારણ કે દૂધિયા દાંત કરતાં પાકા દાંત થોડા મોટા આવે છે, તો એ આવે એટલે એ જગ્યા ભરાઈ જવાની છે. સમજવાનું એ છે કે દૂધિયા દાંત હતા ત્યારે બાળક સાવ નાનું હતું, પછી એ મોટું થાય એમ એનું ચોકટું પણ મોટું થાય અને એટલે એના જે નવા કાયમી દાંત આવે એ દૂધિયા દાંત કરતા મોટા જ હોવાના. હવે જો દૂધિયા દાંત વચ્ચે જગ્યા ન હોય તો તકલીફ થઈ શકે છે, કારણ કે પાકા દાંતને ઊગવા માટે જગ્યા ઓછી પડે અને પછી એ વાંકાચૂકા આવી શકે છે. જો દૂધિયા દાંત વચ્ચે જગ્યા ન હોય તો પણ ડેન્ટિસ્ટને બતાવવું, જેથી પાકા દાંત વ્યવસ્થિત આવવામાં મદદ મળી રહે, પરંતુ તમારા બાળકને જગ્યા છે એટલે ચિંતા નહી. બીજું એ કે જો એ જગ્યામાં ખોરાક ફસાતો હોય તો એની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. તેને બે વખત અને ખાસ રાત્રે બ્રશ કરવાની આદત પાડો. એવું બિલકુલ નથી હોતું કે દૂધિયા દાંતને સાચવવાની જરૂર નથી હોતી. ઊલટું એ પણ એટલું જ મહત્ત્વનું છે. આમ છતાં જ્યારે દૂધિયા દાંત પડીને નવા દાંત આવવાનું શરૂ થઈ ગયું હોય ત્યારે દર ૬ મહિને એક વખત ડેન્ટિસ્ટ પાસે રેગ્યુલર ચેક-અપ માટે ચોક્કસ જવું.