તમારે પહેલાં એ સમજવાનું છે કે તમારું બૅલૅન્સ ભાગ્યે જ જાય છે કે વારંવાર આવું થઈ રહ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
મારી ઉંમર ૭૨ વર્ષની છે. મને આર્થ્રાઇટિસ નથી. હું હમણાં પાર્કમાં ગયો ત્યારે એક વખત પડી ગયો હતો. બીજી વખત હમણાં ઘરમાં જ ફસડાઈ પડ્યો. મારા છોકરાઓ કહે છે કે હું લાકડી વાપરું, પણ મને અત્યારથી લાકડી વાપરવામાં શરમ લાગે છે. બન્ને વાર જ્યારે હું પડ્યો ત્યારે થોડું બૅલૅન્સ ડગમગ થયું અને પડ્યો, પરંતુ જો મારાં હાડકાં સારાં હોય તો બૅલૅન્સ જવા પાછળનાં કયાં કારણો હોઈ શકે? મારે લાકડી નથી જ વાપરવી, પણ ઘરમાં બધાને કઈ રીતે સમજાવું કે હું હવે નહીં પડું.
તમારી જે સમસ્યા છે એ મોટા ભાગના વડીલોને પજવતી હોય છે. બૅલૅન્સ જાય એ પાછળ આમ તો ઘણાં કારણો જવાબદાર હોય છે. સામાન્ય ચક્કર આવવાથી લઈને હાથ-પગની નબળાઈ સુધીનાં કોઈ પણ કારણો આ બૅલૅન્સ ખોરવાવા પાછળ જવાબદાર હોઈ શકે છે. નાની ઉંમરે જો બ્લડ પ્રેશર ઘટી જાય, શુગર એકદમ ઘટી જાય, નબળાઈ આવી જાય, શરીરમાં પાણી ઓછું થઈ જાય, મગજમાં કોઈ તકલીફ થાય, તાવ વધુ આવી ગયો હોય જેવાં અનેક કારણો છે, જેને લીધે બૅલૅન્સ ખોરવાઈ શકે છે, પરંતુ આ કારણોને લીધે ક્યારેક બૅલૅન્સ જાય છે. અમુક કારણો એવાં છે જેને લીધે વ્યક્તિ એકાદ વાર નહીં, વારંવાર બૅલૅન્સ ગુમાવે છે. તમારે પહેલાં એ સમજવાનું છે કે તમારું બૅલૅન્સ ભાગ્યે જ જાય છે કે વારંવાર આવું થઈ રહ્યું છે.
બૅલૅન્સ ખરાબ થવા પાછળનાં કારણોમાં એક મુખ્ય કારણ છે ઉંમર. જે લોકો મોટી ઉંમરે પણ એકદમ હેલ્ધી છે એવા લોકોનું બૅલૅન્સ એ લોકો જુવાન હતા ત્યારે જેવું હતું એવું તો નથી જ રહેતું. બાકીના ઉંમરલાયક લોકોને કોઈ ને કોઈ લાંબા ગાળાનો રોગ તો હોય જ છે જેની એ દવાઓ લેતા રહે છે, એને કારણે પણ બૅલૅન્સ પર અસર પડતી હોય છે. બાકી અંદરના કાનની તકલીફ હોય, જોવામાં કશો પ્રૉબ્લેમ હોય, પગ અને પગનાં તળિયાંમાં નમ્બનેસ આવી જાય કે ન્યુરોપથીની તકલીફ હોય, લોહીના પરિભ્રમણની તકલીફ હોય કે પછી નર્વસ સિસ્ટમના રોગો જેમ કે મલ્ટિપલ સ્ક્લેરોસિસ, પાર્કિન્સન્સ ડિસીઝ કે અૉલ્ઝાઇમર્સ ડિસીઝ જેવા રોગોની શરૂઆત હોય તો પણ બૅલૅન્સની તકલીફ થઈ શકે છે. આમ, અઢળક કારણો છે. પહેલાં તો એ કે તમે ડૉક્ટરને મળીને બધાં કારણોની તપાસ કરાવી જુઓ. બાકી રહી વાત લાકડીની તો એનો છોછ ન રાખો. જેમ દેખાય નહીં તો વ્યક્તિ ચશ્માં પહેરે એમ બૅલૅન્સ ન રહે તો માણસ લાકડી પકડે. એમાં કશું ખોટું નથી. પડો અને વાગે અને મોટા ફ્રૅક્ચર આવે એના કરતાં લાકડી ખૂબ સારી.

