Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > આ વાંચીને કાંદાનાં ફોતરાં ફેંકી દેવાનું મન નહીં થાય

આ વાંચીને કાંદાનાં ફોતરાં ફેંકી દેવાનું મન નહીં થાય

28 February, 2024 10:59 AM IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

જે ગુણ કાંદાના છે એ જ કાંદાના છીલકાંનાં છે. આયુર્વેદમાં કાંદાને પૌષ્ટિક ગણવામાં આવ્યા છે.

કાંદાના ફોતરાંની તસવીર

હેલ્થ ઇઝ વેલ્થ

કાંદાના ફોતરાંની તસવીર


થોડાક દિવસ પહેલાં જ કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટ્રીએ ડુંગળીનાં ફોતરાંમાંથી સ્વીટનર બનાવવાની જાહેરાત કરી હતી. એક સ્ટાર્ટ-અપ દ્વારા સ્વીટનર બનાવવાનું કામ થશે જે આ વર્ષના અંત સુધીમાં માર્કેટમાં આવી જશે. આ સ્વીટનર માર્કેટમાં આવશે ત્યારની વાત ત્યારે, પણ અત્યારેય કાંદાનાં છીલકાં અનેક કામોમાં આવી શકે એમ છે એ જાણશો તો નવાઈ પામશો

કાંદામાંથી અત્યારે સરકાર શુગર કાઢવાની કવાયત કરી રહી છે. વાત એમ છે કે ઝીરો-શુગર હોવા છતાં ચીજોને સ્વીટનેસ આપી શકે એવી પ્રોડક્ટ્સ બનાવવામાં અત્યારે કાંદાનો કચરો વાપરવાની વાત થઈ રહી છે. સરકારના કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટે ૨૦૨૨ની સાલમાં આ માટે કેટલાક સ્ટાર્ટ-અપ્સને ઇનોવેટિવ આઇડિયાઝ રજૂ કરવાનું કહેલું. કેટલીક એન્ટ્રીઝમાંથી કર્ણાટકના મૅન્ગલોરમાં ઝેસ્ટીવન નામનું સ્ટાર્ટ-અપની પસંદગી થઈ છે અને એને સરકાર તરફથી પ્રાઇઝ મની તરીકે ૭૫,૦૦૦ રૂપિયા અને પ્રોજેક્ટની શરૂઆતની મદદરૂપે પાંચ લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવી છે. આ સ્ટાર્ટ-અપ કાંદાના છીલકાંમાંથી સ્વીટનર બનાવશે જે સરકારને વેચશે અને કેન્દ્રિય ભંડાર સ્ટોર્સમાં એ વેચાશે. આ સ્વીટનર ન્યુટ્રાસ્યુટિકલ્સ એટલે કે ન્યુટ્રિશન સપ્લિમેન્ટ્સ તરીકે વેચાશે. કૅરેમલાઇઝેશનની પ્રક્રિયા દ્વારા કાંદાના છીલકાંમાંથી સ્વીટનેસ એક્સ્ટ્રૅક્ટ કરવાની પ્રોસેસ કરીને એમાંથી સ્વીટનર બનાવવામાં આવશે. જે ફાઇનલ પ્રોડક્ટ હશે એ લિક્વિડ, દાણા, ક્યુબ્સ, પૅચ અને પાઉડર એમ દરેક ફૉર્મમાં બનશે. ભારતમાં ડાયાબિટીઝના લગભગ ૧૦.૧ કરોડ દરદીઓ છે ત્યારે સ્વીટનેસની બાબતમાં સરકાર સેફ અને સસ્તો વિકલ્પ તૈયાર કરવા માટે મથી રહી છે અને એ જ પ્રયાસના ભાગરૂપે અન્યન પીલમાંથી સ્વીટનર બની રહ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે નૅચરલ પ્રોડક્ટ્સમાંથી મળતી સ્વીટનેસને અલગ તારવીને સ્વીટનર બનાવવાની પ્રક્રિયા ટૉક્સિસિટી ચેક્સમાંથી પાર ઉતરેલી હોય એ બહુ જરૂરી છે. એટલે આ સ્વીટનર કેટલું હેલ્ધી હશે એ તો એ પ્રોડક્ટ આવ્યા પછી જ ખબર પડશે. આ સમાચર પરથી એક સવાલ જરૂર થાય કે જેને આપણે કચરામાં ફેંકી દેતા આવ્યા છીએ એ કાંદાના છીલકાં શું એટલાં સ્વીટ હોય છે? શું એ હેલ્ધી હોય છે? સ્વીટનર સિવાય એ બીજા કોઈ કામમાં આવે છે? અમે આયુર્વેદ નિષ્ણાત અને ન્યુટ્રિશનિસ્ટ બન્ને પાસેથી આ સવાલો જાણવાની કોશિશ કરી. 


ડાયાબિટીઝ માટે બેસ્ટ
જે ગુણ કાંદાના છે એ જ કાંદાના છીલકાંનાં છે. આયુર્વેદમાં કાંદાને પૌષ્ટિક ગણવામાં આવ્યા છે. સંસ્કૃતમાં પલાંડુ અને કસ્તૂરી તરીકે ઓળખાતી ડુંગળી બળ વધારનારી હોય છે. એ સ્નિગ્ધ, દીપક અને કફ કરે છે. લાલ ડુંગળી શીતળ, સ્નિગ્ધ, અગ્નિદીપક, પચવામાં થોડીક ભારે, ઉષ્ણ અને વૃષ્ય છે. આયુર્વેદ નિષ્ણાત ડૉ. સંજય છાજેડ કહે છે, ‘કાંદા એ શુગર કન્ટ્રોલ માટે બહુ જ અક્સીર ઔષધિ છે. જે ગુણ કાંદાના છે એ જ એના છીલકાંના છે. એવું અનેક સંશોધનોમાં જોવા મળ્યું છે કે જો તમે એક મીલમાં ૫૦ ગ્રામ કાંદા ચાવીને ખાઓ તો એનાથી શુગર ૨૦થી ૨૫ પૉઇન્ટ જેટલું ઓછું થઈ શકે છે. મધુમેહ ઉપરાંત કાંદાના છીલકા સેક્સ ટૉનિક તરીકે બહુ જાણીતા છે. એમાં જે કેમિલ્સ છે એ વૃષ્ય છે. આયુર્વેદમાં ડાયાબિટીઝ અને આ માટે દવાના સ્વરૂપમાં અન્યન સીડ્સ વાપરવામાં આવે છે. ઍન્ટિ-બૅક્ટેરિયલ ગુણ પણ હોવાથી એ અનેક પ્રકારના ઇન્ફેક્શન્સ સામે રક્ષણ આપવાનું કામ કરે છે.’

ઇન્ફેક્શન સામે રક્ષણ 
ઍન્ટિ-બૅક્ટેરિયલ પ્રૉપર્ટીની વાત સાથે સહમત થતાં જુહુના ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, ‘એમાં સલ્ફર અને પૉલિફિનૉલ્સ બહુ સારી માત્રામાં છે એટલે જ સ્તો કોરોનામાં પણ લોકોને કાંદા, લસણ અને આદુંવાળી ચીજો ખાવાનું કહેવામાં આવતું હતું. તમે જોયું હોય તો કાંદા-લસણ એ હંમેશાં ગરીબોનું રક્ષાકવચ રહ્યું છે. જેમના ભોજનમાં ભરપૂર આ ચીજો હોય તેમનું શરીર કુદરતી રીતે જ બહારથી આક્રમણ કરતા ઇન્ફેક્શન્સ સામે લડી શકે છે.’


કાંદાની અનોખી વાત કરતાં ડૉ. સંજય ઉમેરે છે, ‘કાંદા કાપીને ઘરમાં ખુલ્લા મુકશો તો એ આસપાસના બૅક્ટેરિયાને ખેંચી લે છે. જૂના જમાનામાં કાંદાના છીલકાને ગ્રહબાધા નષ્ટ કરવાના કામમાં વપરાતા. એટલે જ નવું બાળક ઘરમાં જન્મ્યું હોય તો એની આસપાસમાં કાંદાના છીલકા રાખવાનું કહેવાતું. આ આસપાસના બૅક્ટેરિયલ આક્રમણને ખાળવા માટે જ હશે.’

કાંદાના છીલકાંની ચા 
એની ઍન્ટિ-ઇન્ફ્લમેટરી ક્ષમતા, સલ્ફર, ફૉસ્ફરસ, નાઇટ્રોજન અને પોટૅશિયમ કન્ટેન્ટને કારણે એ રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. આ માટે અનેક લોકો ગ્રીન ટીમાં પણ એનો ઉપયોગ કરે છે એમ જણાવતાં યોગિતા ગોરડિયા કહે છે, ‘ડુંગળીનાં ફોતરાંમાંથી ગ્રીન ટી બનાવીને પીવાથી સીઝનલ ફ્લુ સામે રક્ષણ મળે છે. ગરમ પાણીમાં કાંદાના છોતરાં ઉકાળીને પી શકાય છે. એ માટે પહેલાં છોતરાંને બરાબર ચોખ્ખા પાણીથી સાફ કરવા. ફોતરાં ત્યાં સુધી ઉકળવા જ્યાં સુધી પાણીનો રંગ બદલાવાનું શરૂ ન થાય.’ ગ્રીન ટી બે રીતે લઈ શકાય. ફોતરાં ઉકાળેલા પાણીને સહેજ ઠરવા દેવું અને ચપટીક સિંધવ, કાળાં મરી અને હળદર નાખીને પણ લઈ શકાય અને જો સ્વીટ પીવી હોય તો એમાં એક ચમચી મધ નાખીને લઈ શકાય. 

ફોતરાંનું સેવન કેટલું?
કાંદાના છીલકાં અનેક રીતે ફાયદાકારક છે, પરંતુ એને રૂરીનમાં ભોજનમાં ક્યાંય વાપરી શકાય એમ નથી. એને કારણે એનું પ્રોસેસિંગ કરીને કોઈ ચીજ બનાવવામાં આવે એ વધુ હિતાવહ છે. યોગિતાબહેન કહે છે, ‘ફોતરાંમાં ઘણાં ન્યુટ્રિઅન્ટ્સ છે, પણ તમે એની ચા બનાવીને પીઓ તોપણ કેટલી માત્રામાં પી શકો? માત્ર ચા પીવાથી બધા ગુણોનો ફાયદો મળી જાય એવું નથી. હા, ફોતરાં સાવ જ વેસ્ટમાં નાખતાં હો એનાં કરતાં ક્યારેક એનો યુઝ કરી લો તો ફાયદામાં જ રહેશો.’

અન્યન પીલ શુગર હેલ્ધી હશે?
કાંદામાંથી સ્વીટનર બનાવવાની વાત કેટલે અંશે હેલ્ધી હશે એ વિશે મત આપતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘એક વાત સમજી લો, શુગર કોઈ પણ ચીજમાંથી બનાવી શકાય કેમ કે દરેક વનસ્પતિમાં વધતેઓછે અંશે શુગર રહેલી છે. બ્રાઝિલમાં મોટા પાયે બીટરૂટમાંથી જ શુગર બને છે અને આફ્રિકામાં તો મેઝ એટલે કે મકાઈમાંથી જ સીરપ તૈયાર કરવામાં આવે છે. આપણે ત્યાં એને મેઝ સીરપ તરીકે પણ યુઝ કરીએ છીએ. જ્યાં સુધી આવી ઑલ્ટરનેટિવ શુગર કેટલી હેલ્ધી છે એનો સવાલ થતો હોય તો એટલું સમજી લો કે કોઈ પણ પ્રકારનું પ્રોસેસિંગ કરીને અલગ તારવેલી શુગર કદી હેલ્ધી ન હોય. વનસ્પતિને નૅચરલ ફૉર્મમાં તમે લો તો એમાંથી મળતી શુગર પૂરતી છે. જ્યારે એમાંથી શુગર અલગ તારવવામાં આવે છે ત્યારે એમાં કોઈ ન્યુટ્રિશન રહેતું નથી.’

કાંદાનાં છીલકાંના ઉપયોગો
કાંદાના છીલકાંની પેસ્ટ એલોવેરા સાથે સ્કૅલ્પ પર લગાવાથી ખોડો દૂર થાય છે. 
કાંદાના છીલકાંને બાળી,  એમાંથી કાળો પાઉડર મેંદી સાથે મેળવીને વાળમાં લગાવવાથી એ નૅચરલ કાળો રંગ મળે છે. મેંદીથી ઑરેન્જ રંગ આવે છે જ્યારે કાંદાનો કાળો પાઉડર ઉમેરવાથી નૅચરલ શેડ આવે છે.
તમારાં ઘરમાં કૂંડાં હોય તો ડુંગળીનાં છીલકાંમાંથી બનાવેલું ખાતર પ્લાન્ટને ઉત્તમ પોષણ પૂરું પાડે છે. ફોતરાંને પલાળી રાખો અને એક-બે દિવસ પછી એ પાણી પ્લાન્ટને આપો.

Whatsapp-channel Whatsapp-channel

28 February, 2024 10:59 AM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK