ત્વચાનું ધ્યાન રાખવા માટે દિનચર્યામાં સામેલ કરો આ વિશેષ ટિપ્સ
પ્રતીકાત્મક તસવીર
ઉનાળાની ઋતુ હોય કે શિયાળાની, દરેક ઋતુમાં ત્વચાની સમસ્યાઓ ઉદ્ભવતી જ હોય છે. લગભગ દરેક વ્યક્તિને શિયાળામાં શુષ્ક ત્વચાની ફરિયાદ હોય છે તો ઉનાળામાં તેલયુક્ત ત્વચાની ફરિયાદ હોય છે. ઋતુ કોઈપણ હોય ત્વચા સંભાળ માંગી જ લે છે.
ઉનાળાની ઋતુમાં ત્વચા પર એલર્જી, બળતરા, શુષ્કતા વગેરેની સમસ્યા ખૂબ જ સામાન્ય છે. તડકો, પ્રદૂષણ, ભેજ અને ધૂળ-માટી ત્વચાની કુદરતી ચમક અને ભેજને શોષી લે છે. જેને કારણે ત્વચા નિર્જીવ દેખાય છે. ટેનિંગ, ડ્રાય પેચ, સેબેસીયસ ગ્રંથીઓ, પિગમેન્ટેશન, ખીલ, સનબર્ન, પરસેવાથી થતી ખંજવાળ જેવી અનેક સમસ્યાઓ ગરમીમાં ઉદ્ભવે છે. ગરમીની ઋતુમાં લોકો ત્વચા બાબતે વધુ ચિંતિત હોય છે. ત્યારે જો કેટલીક સામાન્ય બાબતોનું ધ્યાન રાખીને ત્વચાની સંભાળ રાખવામાં આવે તો કોઈ મુશ્કેલી ઉભી થતી નથી. ઉનાળાની ઋતુમાં તમારે તમારી ત્વચાની પહેલા કરતા વધુ કાળજી લેવાની જરૂર છે. તેમજ બદલાતા હવામાન સાથે તમારી દિનચર્યા, ત્વચા સંભાળની દિનચર્યા બધું જ અપડેટ કરવું પડશે. ગરમીની ઋતુને ધ્યાનમાં રાખીને અમે તમને કેટલીલક ‘સ્કિન કૅર ટિપ્સ’ જણાવી રહ્યાં છીએ જેને તમારે તમારી દિનચર્યામાં સામેલ કરવાની જરૂર છે.
ADVERTISEMENT
તમારી જાતને હાઇડ્રેટેડ રાખો
ઉનાળામાં સૌથી મહત્વની વાત, પાણી પીવો. પુષ્કળ પાણી પીવો. તમારા સ્વાદ અને પસંદગી અનુસાર પાણીનું સ્વરૂપ પણ બદલી શકાય છે. ઉદાહરણ તરીકે : નારિયેળ પાણી, ગરમ પાણી, આદુનું પાણી, વગેરે. દર બે કલાકે એક ગ્લાસ પાણી પીવું એવો ઉનાળામાં નિયમ બનાવી લો. પાણીનું સેવન તમારા શરીરમાંથી ટૉક્સિન બહાર કાઢશે, ત્વચામાં ભેજ જળવાઈ રહેશે. એટલે ત્વચા તાજગીથી ભરપૂર રહેશે.
આહારમાં વધુ ફળો અને શાકભાજી લો
તમારે ખાવા-પીવાની દિનચર્યામાં સુધારો કરવો જોઈએ. દિવસ દરમિયાન તળેલું ખાવાથી ત્વચા તૈલયુક્ત થઈ જાય છે અને તેની ચમક પણ ઓછી થઈ જાય છે. એટલે જ આજથી તમારા આહારમાં ફળો અને શાકભાજીનું સેવન વધારવું. કારણકે, ઉનાળાની ઋતુમાં બ્યુટી પ્રોડક્ટ્સના વપરાશ સાથે હેલ્ધી ડાયટ ફૉલો કરવું વધું જરૂરી છે.
ફેસ વૉશ બદલતા રહો
ત્વચાને સારી રાખવી હોય તો સમયાંતરે ફેસ વૉશ બદલતાં રહેવું જોઈએ, એવું ડૉક્ટરો પણ કહે છે. આમપણ ચહેરાને સ્વચ્છ રાખવો એ સ્કિન કૅરનું પ્રથમ પગલું છે. ત્વચાની સંભાળના શ્રેષ્ઠ પરિણામ માટે, સૌ પ્રથમ ક્લિન્ઝિંગ (Cleanse)થી શરુઆત કરો. કારણ કે ઉનાળાની ઋતુ ગરમ અને ભેજવાળી હોય છે. હવામાં ભેજ હોવાને કારણે આ ઋતુમાં ચહેરો વધુ તૈલીય લાગે છે. તેથી, તમારે તમારી ત્વચા અનુસાર તમારા ક્લીનઝરને પસંદ કરવું અથવા બદલવું પડશે. જેમ આપણે ઋતુ પ્રમાણે કપડાં બદલીએ છીએ, એ જ વાત આપણા સૌંદર્ય ઉત્પાદનોને પણ લાગુ પડે છે.
સનસ્ક્રીન લગાડવાનું ભુલતા નહીં
ઉનાળામાં સનસ્ક્રીન ભૂલથી પણ ભૂલી શકાય નહીં. તમારા ચહેરા, હાથ, પગ અથવા શરીરના અન્ય કોઈપણ ભાગ માટે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ મહત્વપૂર્ણ છે. યુવી કિરણોના વધુ પડતા સંપર્કથી ત્વચાને માત્ર ટેન જ નહીં, પણ તે નિસ્તેજ અને નિર્જીવ પણ બને છે. સૂર્યના કિરણોને કારણે થતો સનટેન એટલો ખતરનાક છે કે તે સરળતાથી અને ઝડપથી જતો નથી. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોના વધુ પડતા સંપર્કમાં ક્યારેક ત્વચાનું કેન્સર અને અકાળ વૃદ્ધત્વ થઈ શકે છે. એટલે યુવી કિરણોથી બચવા સનસ્ક્રીનનો ઉપયોગ કરો. ઓછામાં ઓછા 30 SPF વાળી સનસ્ક્રીન વાપરો. દિવસમાં બે વખત તમારા શરીરના બધા ખુલ્લા ભાગો પર સનસ્ક્રીન લગાડો.
એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર વસ્તુઓનો ઉપયોગ કરો
એન્ટીઑકિસડન્ટથી ભરપૂર ક્રીમ, મોઇશ્ચરાઇઝર અથવા સીરમ ત્વચાને બળતરાથી બચાવવાનું કામ કરે છે. એવા સીરમ, મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન પસંદ કરો જે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય. ઉદાહરણ તરીકે, વિટામિન ‘સી’ તમારી ત્વચાને કુદરતી નુકસાન એટલે કે પ્રદૂષણ અથવા પર્યાવરણ કે પ્રદુષણથી થતા નુકસાનથી બચાવે છે, કરચલીઓ દેખાતી નથી અને ત્વચામાં કોલેજનનું ઉત્પાદન વધારે છે.
ઓછો મેક-અપ કરો
ઉનાળાની ઋતુમાં બહુ મેક-અપ કરવાની ઇચ્છા નથી થતી. પરંતુ તેમ છતાં જો તમારે કરવો પડે તો થોડો ઓછો મેક-અપ કરો. કારણકે આ પરસેવાવાળા અને ભેજવાળા હવામાનમાં ત્વચાને શ્વાસ લેવાની જરૂર પડે છે અને જો મેક-અપના લેયર લગાડશો તો રોમછિદ્રો બંધ થઈ જશે. જેને કારણે ખીલ, ત્વચા કાળી પડવી વગેરે સમસ્યા થઈ શકે છે. જો મેક-અપ જરૂરી હોય તો ફાઉન્ડેશનને બદલે SPF અને હળવા ફેસ પાવડર સાથે મોઇશ્ચરાઇઝર લગાવો. બસ, એનાથી વધુ કંઈ નહીં.
ત્વચાને એક્સ્ફોલિએટ કરો
ગરમીમાં ત્વચા સ્વસ્થ રાખવા માટે કે કોઈપણ પ્રકારની બળતરા અને સનબર્નથી રક્ષણ મેળવવા માટે સતત કાર્યરત રહે છે. એટલે ત્વચાને એક્સ્ફોલિએટ કરીને તેમાં મદદ કરો. એક્સ્ફોલિયેશન મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને `રેડિયન્ટ લુક` આપે છે.
આ માટે તમે હોમમેઇડ સ્ક્રબનો પણ ઉપયોગ કરી શકો છો. પાણીમાં દરિયાઈ મીઠું મિક્સ કરીને પેસ્ટ બનાવો, તેને સ્ક્રબ કરો. કે પછી ચોખાના લોટમાં એલોવેરા જેલ મિક્સ કરીને હળવા હાથે ઘસો. આ રીતે એક્સ્ફોલિયેશન માસ્ક ઘરે બનાવી શકાય છે.
ટોનરનો ઉપયોગ કરો
ઉનાળામાં સારું સ્કિન ટોનર સ્કિનનો બેસ્ટ ફ્રેન્ડ માનવામાં આવે છે. સારું સ્કિન ટોનર ત્વચાને તેલ મુક્ત અને સ્વચ્છ રાખે છે. આ સાથે તે ખુલ્લા છિદ્રોને પણ ઘટાડે છે. ટોનર લગાવતી વખતે ટી-ઝોન પર ધ્યાન આપો. કારણ કે આ ચહેરાનો તે ભાગ છે જ્યાંથી સૌથી વધુ તેલ નીકળે છે.
સ્કિન ટોનર લગાવવાનો શ્રેષ્ઠ સમય સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા છે.
રુના પુમડામાં ટોનરના થોડા ટીપાં લો, ચહેરા અને ગરદનને સારી રીતે સાફ કરો અને તમારા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોઈ લો.
મોઇશ્ચરાઇઝર અપડેટ કરો
જો તમે પણ વિચારો છો કે ઉનાળામાં ચહેરા પર આટલું તેલ હોય છે પછી મોઇશ્ચરાઇઝરની જરૂર શું છે? તો તમે ભૂલ કરી રહ્યા છો! ઉનાળામાં પણ ત્વચાને એટલી જ માત્રામાં ભેજની જરૂર હોય છે. ફક્ત, મોઇશ્ચરાઇઝર હળવું હોવું જોઈએ.
પૂરતી કસરત કરો
ઉનાળામાં ત્વચા અને સ્વાસ્થ્ય બંનેને સ્વસ્થ રાખવા માટે કસરત કરવી જરૂરી છે. શારીરિક પ્રવૃત્તિ શરીરના રક્ત પરિભ્રમણને યોગ્ય રાખે છે, જેનો સીધો અર્થ એ છે કે ત્વચાના કોષોને વધુ ઓક્સિજન મળે છે. અને જ્યારે શરીરને સારો ઓક્સિજન મળે છે, ત્યારે તે કોઈપણ પેશીઓના કોઈપણ પ્રકારના નુકસાન સામે સરળતાથી લડી શકે છે.
પૂરતો આરામ કરો
આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે સમયની જરૂર છે. તેથી તમારું શેડ્યૂલ ગમે તે હોય આરામ કરવા માટે પૂરતો સમય ફાળવવાનો પ્રયાસ કરો. શેડ્યૂલ ગમે તેટલું વ્યસ્ત કે ચુસ્ત હોય પરંતુ સમય કાઢીને અડધો કલાક આરામ કરો. આ જરૂરી છે કારણકે ઉનાળામાં દિવસો લાંબા હોય છે, જેના કારણે આપણે લાંબા સમય સુધી કામ કરતા રહીએ છીએ. સૂર્યના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી સુસ્તી આવી જાય છે. એટલે પૂરતી ઉંઘ લેવી અને આરામ કરવો જરુરી છે.
ઠંડા પાણીથી સ્નાન કરો
ઉનાળામાં ગરમ પાણીથી સ્નાન કે સ્ટીમ બાથ લેવાનું ટાળવું જોઈએ. તે ત્વચાને નિર્જીવ કરી શકે છે. તેના બદલે નવશેકા પાણીથી સ્નાન કરો. ઠંડુ પાણી ઉનાળામાં તાજગી આપવા ઉપરાંત ત્વચાના છિદ્રોને બંધ રાખે છે અને ખીલને બહાર આવતા અટકાવે છે.
આ પણ વાંચો : Summer Special : ગરમીમાં ઠંડક આપતી ‘છાશ’ના છે અઢળક લાભ
ઉનાળાની ઋતુમાં ત્વચાની સંભાળમાં આટલું ધ્યાન રાખશો એટલે બસ.


