Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > હાર્ટ-અટૅકના કેટલાક સાઇલન્ટ સંકેતને તમે અવગણવાની ભૂલ કરતા નહીં

હાર્ટ-અટૅકના કેટલાક સાઇલન્ટ સંકેતને તમે અવગણવાની ભૂલ કરતા નહીં

Published : 09 December, 2025 01:03 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

સ્ટ્રેસ અને થાકના નામે અવગણવામાં આવતી શારીરિક અસ્વસ્થતાઓ હાર્ટ તરફથી મળતાં રેડ સિગ્નલ્સ પણ હોઈ શકે છે અને જો ધ્યાન આપવામાં ન આવે તો હાર્ટ-અટૅક સુધી વાત ક્યારે પહોંચી જશે એનો અંદાજ પણ નહીં આવે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ફાસ્ટ લાઇફસ્ટાઇલમાં કોઈને શાંતિથી સમય વિતાવવાનો સમય મળતો નથી. પરિણામે આપણું શરીર જ્યારે કોઈ નાની ફરિયાદ કરે છે ત્યારે મોટા ભાગના લોકોનો જવાબ તૈયાર જ હોય છે: ‘આ તો થયા કરે’, ‘થાકને કારણે હશે’ અથવા તો ‘ચાર-પાંચ દિવસ જોઉં, પછી દવા લઈશ.’ છાતીમાં થોડી અકળામણ થાય તો તરત જ એને ગૅસ કે ઍસિડિટીનું લેબલ લગાવી દઈએ છીએ. શ્વાસ થોડો વધારે ચડે તો માની લઈએ છીએ કે કદાચ આજે ફિઝિકલ ઍક્ટિવિટી કે કામનો બોજ વધુ હતો. આ રીતે આપણે શરીરની મહત્ત્વની ચેતવણીઓને સતત અવગણીએ છીએ. જોકે અમેરિકાના પ્રખ્યાત કાર્ડિયોલૉજિસ્ટે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જે લક્ષણોને આપણે સ્ટ્રેસ, થાક કે પાચનતંત્રની સામાન્ય સમસ્યા માનીએ છીએ એ હકીકતમાં હૃદયની અંદર ચાલી રહેલી ગંભીર સમસ્યાઓની સાઇલન્ટ વૉર્નિંગ હોઈ શકે છે. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પાંચ એવા સંકેતોની ચર્ચા કરી છે જે મોટા ભાગના લોકો ધ્યાનમાં લેતા નથી. એમાં ત્વચામાં દેખાતા ફેરફાર, માથાનો દુખાવો, પેટમાં અકળામણ, શરીરમાં દુખાવો અને અનિદ્રા જેવી સમસ્યાઓ પર તેમણે વાત કરી છે ત્યારે ખરેખર આવા સંકેતો હૃદયના ખરાબ સ્વાસ્થ્યની ચેતવણી આપે છે એ નિષ્ણાત  પાસેથી જાણીએ.

શું છે ઍક્ચ્યુઅલ લક્ષણો?



હાર્ટ-અટૅક આવવાની સાઇલન્ટ વૉર્નિંગ વિશે વાત કરતાં હૃદયરોગ અને ડાયાબિટીઝના સ્પેશ્યલિસ્ટ MD ફિઝિશ્યન ડૉ. દિલીપ પટેલ કહે છે, ‘અમેરિકન કાર્ડિયોલૉજિસ્ટે હાર્ટ-અટૅક માટે કારણભૂત જે પાંચ સાઇલન્ટ સિમ્પ્ટમ્સ જણાવ્યાં છે એ બધા જ લોકોને અનુભવ થાય એ જરૂરી નથી. તેમણે ત્વચાના ફેરફારોનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ સામાન્ય ડ્રાયનેસ અને ખંજવાળ હાર્ટ-અટૅકનું સીધું લક્ષણ નથી. એ લાંબા સમય સુધી રહે તો ઇન્ફ્લમેશન એટલે કે સોજા થાય છે અને એ સમયે અમુક લોકોમાં હાર્ટ-અટૅકનું જોખમ ઊભું થાય છે, પણ આ સિમ્પ્ટમ પણ રૅર જોવા મળે છે. એટલે એને કૉમન ન ગણી શકાય. હાર્ટ-અટૅકનું મુખ્ય લક્ષણ છાતીમાં અકળામણ અને દુખાવો છે જ; પણ આ સાથે પેટમાં દુખાવો, ગૅસ કે ઍસિડિટી થવી, ડાબી સાઇડના જડબામાં દુખાવો થવો, ડાબા હાથમાં દુખવું, પગમાં સોજા આવવા આ બધાં લક્ષણો અનુભવાય તો સમજી જવું નજીકના સમયમાં હાર્ટ-અટૅક આવશે. આવું થવા પાછળનાં પણ અમુક કારણો છે. સૌથી મેઇન તો ખરાબ લાઇફસ્ટાઇલ. આજકાલ લોકોને કામનું એટલું પ્રેશર હોય છે જેને કારણે સતત સ્ટ્રેસમાં રહેતા હોય છે. જન્ક ફૂડનું સેવન, શારીરિક કસરતોનો અભાવ શરીરનાં ફંક્શન્સને પ્રભાવિત કરે છે અને ભવિષ્યમાં હાર્ટ-અટૅક જેવી ગંભીર સમસ્યાને નોતરે છે. હાર્ટ-અટૅક આવવાનો છે એ કેટલા સમય પહેલાં ખબર પડે એ સવાલ પણ લોકોને ઉદ્ભવતો હોય છે, પણ હકીકત એ છે કે આવાં લક્ષણો હાર્ટ રિલેટેડ સમસ્યા વધી રહી હોવાનું સૂચવે છે. જનરલી તો કેટલાક દિવસો કે અઠવાડિયાંઓ પહેલાં જોવા મળે છે, પણ જો એના પર ધ્યાન આપવામાં ન આવે તો અટૅક આવી શકે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં અસામાન્ય અને લાંબા સમય સુધી થાક લાગવો હૃદયની સમસ્યાનો સંકેત હોઈ શકે છે. જ્યારે તમે ફિઝિકલ ઍક્ટિવિટી કરો ત્યારે વારંવાર શ્વાસ ચડી જાય તો એ હાર્ટ-અટૅકનું સાઇલન્ટ લક્ષણ છે.’


એક્સ્ટ્રા કૅરની જરૂર

હાર્ટ-અટૅક ન આવે એ માટે કેવા લોકોને એક્સ્ટ્રા કૅરની જરૂર છે એ વિશે વાત કરતાં ડૉ. દિલીપ પટેલ કહે છે, ‘ઓબેસિટીથી પીડાતા લોકોને હાર્ટ-અટૅકનું જોખમ વધુ રહેલું હોય છે. આ ઉપરાંત જેને બ્લડપ્રેશર અને ડાયાબિટીઝની સમસ્યા હોય તેમને ખાસ કાળજી રાખવાની જરૂર છે. હાર્ટ-અટૅક આવી ગયો હોય અને સદ્નસીબે બચી ગયા હોય એવા લોકોને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. રેગ્યુલર બ્લડપ્રેશર, શુગર, કૉલેસ્ટરોલ અને હાર્ટબીટ ચેક કરાવવી જરૂરી છે. ડૉક્ટરે આપેલી લોહી પાતળું કરવાની દવા નિયમિત લેવી. ડાયટમાં મીઠું અને સાકરના પ્રમાણને ઓછું કરી નાખવું. ઑઇલી ફૂડ, જન્ક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડથી અંતર જાળવવું જરૂરી છે. જો તમારું વજન હાઇટ અને ઉંમર કરતાં વધુ હોય તો તાત્કાલિક ઓછું કરવું જેથી બીજા 
હાર્ટ-અટૅકની સંભાવના ઓછી થઈ જાય છે. હળવી કસરત અને વૉકિંગને રૂટીનનો ભાગ બનાવવો. સ્ટ્રેસ હૃદયના સ્વાસ્થ્યને સીધી અસર કરે છે. તેથી યોગ અને મેડિટેશનની રેગ્યુલર પ્રૅક્ટિસ કરવી. આમ તો અનિદ્રા હાર્ટ-અટૅકનું કારણ ન બને પણ ક્રૉનિક હોય તો હાર્ટ-હેલ્થને ખરાબ કરી શકે છે. તેથી સાતથી આઠ કલાકની પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. સ્ત્રીઓમાં મેનોપૉઝ પછી હાર્ટ-અટૅકનું જોખમ વધી જાય છે, પરિવારમાં નાની ઉંમરે હાર્ટ-અટૅક આવ્યો હોય તો તેની ફૅમિલીને પણ રિસ્ક હોઈ શકે છે. જેનું બ્લડશુગર લેવલ સામાન્ય લોકો કરતાં બેથી ચારગણું વધુ રહેતું હોય તેને સાઇલન્ટ હાર્ટ-અટૅક આવવાની શક્યતા વધી જા છે. આલ્કોહોલ અને તમાકુનું સેવન હૉર્મોનલ ઇમ્બૅલૅન્સનું કારણ બને છે. એને લીધે બ્લડપ્રેશર અને હાર્ટ-ફંક્શન્સમાં ખલેલ પહોચે છે અને અંતે હાર્ટ-અટૅક જેવી જીવલેણ સમસ્યામાં પરિવર્તિત થાય છે. ક્રૉનિક કિડની ડિસીઝ ધરાવતા લોકોને હૃદયરોગનું જોખમ સૌથી વધુ હોય છે.’


હાર્ટને હેલ્ધી રાખવા આટલું કરો

સૌથી પહેલાં ડાયટને સુધારવી બહુ જ જરૂરી છે. તાજાં સીઝનલ ફળો અને શાકનો સમાવેશ કરશો તો એમાં રહેલાં વિટામિન્સ અને ફાઇબર હૃદયને સ્વસ્થ રાખે છે. આ સાથે બ્રાઉન રાઇસ, બાજરી જેવાં ફાઇબરયુક્ત અનાજ અને રાજમા, મસૂર અને અડદની દાળ જેવા કઠોળમાં પ્રોટીન હોવાથી એ પોષણ પણ આપશે અને કૉલેસ્ટરોલને ઘટાડવામાં મદદ કરશે.

દરરોજ ઓછામાં ઓછા અડધા કલાક સુધી બ્રિસ્ક વૉક કરો. એ હૃદયના સ્વાસ્થ્ય માટે અસરકારક ઉપાય છે. અઠવાડિયામાં એકાદ-બે વાર સાઇક્લિંગ, જૉગિંગ અને સ્વિમિંગ જેવી મૉડરેટ ઇન્ટેન્સિટીવાળી એક્સરસાઇઝ કરવાનું રાખો.

દર છ મહિને ECG, કૉલેસ્ટરોલ, બ્લડપ્રેશર, બ્લડશુગરની ટેસ્ટ કરાવો. આ ટેસ્ટ તમારી હાર્ટની હેલ્થ કેવી છે એ દર્શાવશે.

Whatsapp-channel Whatsapp-channel

09 December, 2025 01:03 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK