અલાર્મના સાઉન્ડથી જાગવાથી શરીરમાં અચાનક બ્લડ-પ્રેશર વધવાનું અને હાર્ટ રેટમાં અનિયમિતતા આવવાનું જોવા મળ્યું છે. અલબત્ત, ભલે આ થોડીક મિનિટો માટેનો જ બદલાવ હોય છે, પરંતુ સફાળા જાગવાને કારણે થતો એડ્રિનલિન રશ શરીરની વ્યવસ્થાને ડિસ્ટર્બ કરે છે.
પ્રતીકાત્મક તસવીર
સવારે વહેલા ઊઠવું આપણી હેલ્થ માટે જેટલું સારું છે એટલું જ અગત્યનું છે આપણે જાગીએ છીએ કઈ રીતે એ, કેમ કે જાગ્યાની ક્ષણે મન અને હૃદય જે સ્થિતિ અનુભવે છે એની અસર આખા દિવસ પર પડતી હોય છે. મીઠી ઊંઘ બગાડીને પથારીમાંથી ઊભા થવા મજબૂર થવું પડે એ માટે જો તમે પણ જાતજાતની ટૅક્ટિક્સ વાપરતા હો તો આ જરૂર વાંચી લેજો
બ્રાહ્મ મુહૂર્તમાં જાગવાના ફાયદા વિશે હવે તો બધા જ જાણે છે, પણ બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠી જવું અને જીવનને અર્થસભર બનાવે એવી ઍક્ટિવિટીમાં જોતરાવું બોલવા જેટલું સહેલું નથી. પહેલાંના સમયમાં જીવનશૈલી જ એવી હતી કે વ્યક્તિ સમયસર સૂતી અને સમયસર જાગતી, પણ બદલાયેલી લાઇફસ્ટાઇલના દોરમાં વહેલા ઊઠવું અઘરું છે. વાત માત્ર વહેલા ઊઠવાની જ નથી, તમે નક્કી કરેલા આઠ કલાક પછી ચોક્કસ સમયે ઊઠવાની વાત પણ છે. જોકે આજે વાત કરવી છે જાગવા માટે વપરાતા અલાર્મની. જ્યારે ચોક્કસ સમયે ઊઠવાની આદત ન હોય ત્યારે એક હૅબિટ ફૉર્મ કરવા માટે અલાર્મ મૂકવું જોઈએ એવું આપણે માનીએ છીએ; પણ અલાર્મ કેવું હોવું જોઈએ જે ખરેખર તમારી સવારને સુધારે, બગાડે નહીં એ બાબતે આપણે સભાન નથી.
અભ્યાસો શું કહે છે?
સવારે ઊઠીને ફ્લાઇટ કે ટ્રેન પકડવાની હોય તો અલાર્મની જરૂર પડે જ, પણ એ વખતે પણ અલાર્મ જો તમને લાઉડ મ્યુઝિક સાથે સફાળા જગાડી દે એવું હોય તો એનાથી પણ શરીર પર માઠી અસર પડે છે. અલાર્મ મૂકવાથી શરીર પર થતી અસરો વિશે વિદેશી અભ્યાસુઓએ ઘણાં સંશોધનો કર્યાં છે. જપાનની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ હેલ્થના નિષ્ણાતોએ કરેલા અભ્યાસ મુજબ અલાર્મના સાઉન્ડથી જાગવાથી શરીરમાં અચાનક બ્લડ-પ્રેશર વધવાનું અને હાર્ટ રેટમાં અનિયમિતતા આવવાનું જોવા મળ્યું છે. અલબત્ત, ભલે આ થોડીક મિનિટો માટેનો જ બદલાવ હોય છે, પરંતુ સફાળા જાગવાને કારણે થતો એડ્રિનલિન રશ શરીરની વ્યવસ્થાને ડિસ્ટર્બ કરે છે. આ બદલાવ સ્ટ્રેસનું નિર્માણ કરે છે અને જાગતાંની સાથે જ સ્ટ્રેસ-હૉર્મોન્સ વધવાથી મહત્ત્વના અવયવોની કાર્યક્ષમતાને નબળી પાડે છે.
ADVERTISEMENT
એ જ રીતે બ્રિટનની લોફબોરો યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે ધમાકેદાર અવાજથી અચાનક જાગવું એ શરીર અને મન માટે ખતરનાક છે. જે રીતે પથારીમાં પડતાં જ ઊંઘ નથી આવી જતી એ જ રીતે અચાનક જ ઊંઘ ઊડી જતી નથી. ઊંઘમાંથી જાગ્રત અવસ્થામાં આવવાના પણ તબક્કા હોય છે; પણ અલાર્મને કારણે એ તબક્કા ગુપચાઈ જાય છે અને શરીરની કુદરતી સૂવા-ઊઠવા, ખાવા-પીવા અને આરામ કરવાની સર્કાડિયન રિધમ પણ ખોરવાય છે. સ્કૉટલૅન્ડના નિષ્ણાતોનું કહેવું છે કે ઊંઘમાં અચાનક અલાર્મ સાંભળવાથી બૉડીમાં કૉર્ટિઝોલ અને એડ્રિનલિન જેવાં હૉર્મોન્સ વધે છે અને એનાથી હૃદય પર અચાનક દબાણ આવે છે. આને કારણે ઘણા લોકો ઊઠે ત્યારે જ માથાનો દુખાવો ફીલ કરે છે.
હાર્ટ પર ખરેખર અસર?
સવારે એક આંચકા સાથે જાગવાથી મન અને શરીરના સામાન્ય લયમાં ખલેલ પડે છે, પણ શું એ ખરેખર હૃદય માટે નુકસાનકારક છે? એ વાતનો જવાબ આપતાં એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલના અનુભવી કાર્ડિયોલૉજિસ્ટ ડૉ. મૌલિક પારેખ કહે છે, ‘શરીરમાં કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝિશન સ્મૂધ હોવું જરૂરી છે. ઊંઘમાંથી તમે જાગો ત્યારે એક ચોક્કસ સ્મૂધનેસ, સુકૂન સાથે એ ટ્રાન્ઝિશન થવું જરૂરી છે. ઊંઘમાંથી જાગવાની પ્રક્રિયા તો ખાસ, કેમ કે વ્યક્તિ સંપૂર્ણ આરામની સ્થિતિમાંથી ઍક્ટિવ થવાની હોય છે. એવા સમયે જો સડન ટ્રાન્ઝિશન થાય તો એનાથી એડ્રિનલિન રશ થાય અને શરીરમાં સ્ટ્રેસ-હૉર્મોન કૉર્ટિઝોલની માત્રા વધે. મેડિકલ ભાષામાં કહીએ તો હાયર કૉર્ટિઝોલ લેવલ વારંવાર થતું હોય એ કાર્ડિયોવૅસ્ક્યુલર હેલ્થ માટે સારું નથી. અચાનક જ સ્ટ્રેસ-હૉર્મોન વધે એને કૉર્ટિઝોલ સર્જ કહેવાય. એને કારણે શરીરમાં ફ્લાઇટ ઑર ફાઇટ મોડ ઑન થઈ જાય. મતલબ કે અચાનક જ સર્વાઇવલ માટે વ્યક્તિ સફાળી ચોકન્ની થઈ જાય છે. એને કારણે હાર્ટબીટ્સ વધી જાય, સ્ટ્રેસ-લેવલ વધે, થોડીક વાર માટે બ્લડ-પ્રેશર વધી જાય, ઍન્ગ્ઝાયટી જેવાં લક્ષણો દેખાય એવું બને. ડેફિનેટલી આ તમામ કન્ડિશન્સ હાર્ટ માટે સારી નથી. વારંવાર આવું થવું એ કાર્ડિયોવૅસ્ક્યુલર ડિસીઝને આમંત્રણ આપવા જેવું છે.’
વધુ માત્રામાં સ્ટ્રેસ-હૉર્મોન કૉર્ટિઝોલ પેદા થાય તો એ હૃદય માટે લાંબા ગાળે જોખમી રહે છે. એ જ વાતને જરા અલગ રીતે સમજીએ તો બીજી કોઈ પણ પ્રકારની એવી ઍક્ટિવિટી કે જેમાં વ્યક્તિને અચાનક શૉક મળતો હોય કે તે ચોંકી જતી હોય કે તેના પેટમાં ફાળ પડતી હોય એ પણ હાર્ટ માટે હેલ્ધી નથી જ.
શું કરી શકાય?
કુદરતી રીતે જ જાગીએ એ સૌથી શ્રેષ્ઠ છે એટલે કુદરતી અલાર્મનો ઉપયોગ કરવો. સવારના સૂર્યનો પ્રકાશ, પક્ષીઓનો કલરવ, કૂકડાનો અવાજ એ કુદરતી અલાર્મ છે. પલંગને એવી રીતે મૂકો કે સવારનો સૂર્યપ્રકાશ સીધો તમારા પલંગ પર આવે. એનાથી તમારી આરામથી ઊંઘ ઊડશે અને તમે સવારે પ્રસન્નતા અનુભવશો. અલાર્મ મૂકવું જ પડે તો એના ટોનની કાળજીપૂર્વક પસંદગી કરો. તમારી પસંદનું કોઈ પણ સૉફ્ટ ગીત, વાંસળીનો કુદરતી અવાજ, વીણા, પક્ષીઓનો કલરવ કે ધોધ વગેરે વગાડો. મોટેથી સંગીત સાથે ગીત વગાડશો નહીં. એ પણ ધ્યાનમાં રાખો કે સ્વર એવો હોવો જોઈએ કે ધીમે-ધીમે અવાજ ઊંચો થાય. એટલે કે એનો અવાજ શરૂઆતમાં નીચો હોવો જોઈએ અને ધીમે-ધીમે વધવો જોઈએ. અલાર્મની જરૂરિયાત જ ન પડે એ માટે રોજ સૂવાનો અને જાગવાનો સમય નિશ્ચિત રાખો અને કુદરતી રીતે જ ચોક્કસ સમયે આંખ ઊઘડી જાય એ માટે રાતે સૂતાં પહેલાં જ મનમાં ઑટોસજેશન આપી રાખો. અલાર્મ માટે મોબાઇલને તકિયા પાસે રાખીને સૂઈ જવું નહીં. એમ કરવાથી રેડિયેશનનો ખતરો રહે છે, જે કૅન્સરનું કારણ બની શકે છે. પરંતુ મોબાઇલ કે અલાર્મ ક્લૉક પથારીથી એટલા પણ દૂર ન રાખવા કે જેથી બંધ કરવા માટે તમારે પરાણે પથારીમાંથી ઊઠવું જ પડે. ઊંઘમાં જ જાગીને ચાલવાથી શરીરને વધુ નુકસાન થઈ શકે છે.

