શરીરનું તાપમાન જ્યારે ખૂબ વધુ હોય તો બહારનું તાપમાન ઓછું કરવાથી તેને ઠંડક આપવાથી પણ શરીરનું તાપમાન ઘટાડી શકાય છે.
ઑ .પી .ડી
પ્રતીકાત્મક તસવીર
મારું ૮ મહિનાનું બાળક છે. સીઝન બદલાય ત્યારે માંદું પડી જ જાય છે. માંડ અઠવાડિયા-દસ દિવસે ઠીક થાય છે. ખાસ તો રાતે તેને તાવ આવે ત્યારે તે ખૂબ રડે છે. દૂધ પીતું નથી અને રાત હોવાને લીધે બધા હેરાન-પરેશાન થઈ જાય છે. રાતે ડૉક્ટર ફોન ઉપાડે નહીં ત્યારે સમજાતું નથી કે જઈએ તો પણ ક્યા જઈએ. તેને વધુ તાવ આવી જાય કે મગજમાં તાવ ચડી જશે તો? આમ તો તાવ આવે ત્યારે પંખો, એસી બધું બંધ કરીને ધાબળા ઓઢાડવાનું કામ અમે કરીએ છીએ, પણ એનાથી તાવ તરત ઊતરતો નથી તે ખૂબ રડે છે. રાતે બાળકને તાવ આવે ત્યારે શું કરવું જોઈએ?
નાનું બાળક માંદું હોય એટલે બધા હેરાન-પરેશાન થાય એ નૉર્મલ છે. વળી તમે કહો છો કે બાળક રડે છે તો તેને તકલીફ થાય ત્યારે તે રડે તો ખરુંને. એના સિવાય તે શું કરી શકે? બીજું એ કે એ સમયે તે દૂધ નથી જ પીવાનું. જ્યારે તમને તાવ આવે છે ત્યારે તમે ખાઈ નથી જ શકતા તો બાળક કઈ રીતે ખાય? એ પણ સમજવું જરૂરી છે. તે દૂધ પીવાથી શાંત નહીં થાય. તેનો તાવ ઓછો થશે, તેની તકલીફ ઓછી થશે એટલે તે શાંત થશે. રાતે જ્યારે તાવ આવે ત્યારે ડૉક્ટરને ફોન કરવાને બદલે કે સીધા હૉસ્પિટલ દોડવાને બદલે સૌથી પહેલી તો વાત એ કે તમે ગભરાવ નહીં. તાવ ૧૦૨-૧૦૩-૧૦૪ સુધી હોય તો પણ દવા દ્વારા એકદમ કન્ટ્રોલમાં લઈ શકાય છે, માટે ચિંતા જેવું નથી. તમારા પીડિયાટ્રિશ્યનને પૂછીને તમે એક પૅરાસિટામૉલ ઘરમાં રાખો, જેનો ડોઝ પણ પૂછી રાખો અને જેવો બાળકને તાવ આવે એવો તરત જ એ પૅરાસિટામૉલ દવા આપી જ દેવી. જો બાળક અતિ ગરમ લાગે તો એને નવડાવી પણ શકાય. એનાથી તેને ઠંડી નહીં લાગે, ઊલટું એનું તાપમાન નીચે જશે અને જો નવડાવવાની હિંમત ન ચાલે તો બાળકને એસીમાં રાખો.
ADVERTISEMENT
ધાબળા ઓઢાડીને ગરમી પેદા કરવાની જરૂર નથી. શરીરનું તાપમાન જ્યારે ખૂબ વધુ હોય તો બહારનું તાપમાન ઓછું કરવાથી તેને ઠંડક આપવાથી પણ શરીરનું તાપમાન ઘટાડી શકાય છે. એસી એના શરીરના તાપમાનને નીચું લાવે છે. માટે ડરો નહીં કે બાળકને શરદી, તાવ છે તો એસી ચલાવવું કે નહીં, ઊલટું ચલાવવું જ જોઈએ. એનાથી તેને કમ્ફર્ટ લાગશે અને તે ઊંઘી જશે. પછી સવારે તમે તેને ડૉક્ટર પાસે લઈ જઈ શકો છો.