જો તમારી સ્કિન એકદમ સાફ હોય અને યુરિનનો રંગ સફેદ જેવો હોય તો એનો અર્થ એ કે તમે જેટલું પાણી પીઓ છો એટલું બરાબર છે.
પ્રતીકાત્મક તસવીર
હું ૬૮ વર્ષનો છું. મને ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર છે. મારું વજન પણ વધુ છે અને મને હાલમાં સ્ટોનની સમસ્યા આવેલી. જોકે એ સર્જરી કરવી પડે એટલી ખરાબ નહોતી. દવાઓ દ્વારા સારું થઈ ગયું, પરંતુ હવે મને ડૉક્ટરે કહ્યું છે કે તમારે પાણીનો મારો રાખવો. એ રાખવાથી ફરી કિડનીની સમસ્યા નહીં આવે. હા, હું માનું છું કે પાણી ઓછું પીતો હતો. હજી પણ કેટલું પીવું જોઈએ એ બાબતે સ્પષ્ટતા નથી. મને એવી ખબર હતી કે કિડનીની તકલીફ હોય એ લોકો ઓછું પાણી પીએ. શું દરેક વ્યક્તિ માટે પાણીનો ઇન્ટેક અલગ-અલગ હોય?
આમ તો આપણા શરીરમાં તરસ એક સારું માપદંડ છે. શરીરને પાણીની જરૂર પડે એટલે તરસ લાગે છે, પરંતુ જો તમને તરસ ઓછી લાગતી હોય કે તમે સતત બીઝી રહેતા હો અને તરસ લાગી છે એ તરફ ધ્યાન ન જાય એવું રહેવાને કારણે પાણી ઓછું પીતા હો તો થોડું સચેત રહેવું જરૂરી છે. પાણી પીવાનું માપદંડ કેટલું હોવું જોઈએ એ સમજીએ તો સામાન્ય રીતે દર ૩૦ કિલોએ ૧ લિટર પાણી પીવું જોઈએ. આમ જો વ્યક્તિ ૬૦ કિલોની હોય તો બે લિટર પાણી પીવાનું. આ સિવાય જો વ્યક્તિ વધુ એક્સરસાઇઝ કરતી હોય કે વધુ પ્રમાણમાં પ્રોટીન ખાતી હોય તો જરૂરી છે કે પાણી બે લિટરથી વધુ પીએ. પાણી પીવા સિવાય હજી એક બાબતે ધ્યાન આપવું જરૂરી છે અને એ છે યુરિનનો રંગ. જો તમારી સ્કિન એકદમ સાફ હોય અને યુરિનનો રંગ સફેદ જેવો હોય તો એનો અર્થ એ કે તમે જેટલું પાણી પીઓ છો એટલું બરાબર છે.
જે વ્યક્તિને ડાયાબિટીઝ કે હાઈ બ્લડ-પ્રેશર કે ઓબેસિટી જેવી સમસ્યા પહેલેથી હોય અને તેને પાણી ઓછું પીવાની પણ સમસ્યા હોય તો આવી વ્યક્તિને કિડની ડિસીઝ થવાની શક્યતા ઘણી વધુ રહે છે. ડાયાબિટીઝ, હાઈ બ્લડ-પ્રેશર, ઓબેસિટી આ કારણો કિડનીના પ્રૉબ્લેમ્સ માટે ખાસ જાણીતાં છે. આ રોગો હોય તો ક્રૉનિક કિડની ડિસીઝ થઈ શકે છે. આ રોગો વર્ષો સુધી કિડનીની નસો પર અસર કરતા રહે છે અને લાંબા ગાળે કિડની ડિસીઝ કે કિડની ફેલ્યર માટે જવાબદાર બને છે. હવે આ રોગો ધરાવતા લોકોને પાણી ઓછું પીવાની આદત હોય તો કે ખૂબ જ વધુ પીવાની આદત હોય તો બન્ને કેસમાં કિડની ડૅમેજ થવાનું રિસ્ક વધી જાય છે. માટે આ રોગોવાળી વ્યક્તિએ તો પોતાની પાણીની જરૂરિયાત સમજવી અને એ પ્રમાણે જ પાણી પીવું જોઈએ. નહીંતર ક્રૉનિક કિડની ડિસીઝ થઈને કિડની ફેલ્યર થવાનું રિસ્ક ઘણું વધી જાય છે.


