પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીઓને પીઠ અને પગમાં દુખાવાની તકલીફ રહેતી હોય છે ત્યારે અલગ-અલગ પ્રકારના પિલો મદદરૂપ બની શકે છે
પ્રતીકાત્મક તસવીર
ગર્ભાવસ્થામાં પેટનું કદ મોટું થવાને લીધે રાત્રે સૂતી વખતે સ્ત્રીઓને તકલીફ પડે છે. છ મહિનાની પ્રેગ્નન્સી બાદ સૂતી વખતે કમ્ફર્ટ ન મળે તો પીઠ અને પગમાં દુખાવો થાય છે અને ઘણી સ્ત્રીઓને એ જીવનભર રહી જાય છે. તેથી ગર્ભાવસ્થા દરમિયાન એમ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ અને પ્રેગ્નન્સી પિલોનો ઉપયોગ કરવો જોઈએ એવી સલાહ ગાયનેકોલૉજિસ્ટ આપતા હોય છે. માર્કેટમાં મળતા અલગ-અલગ શેપના પ્રેગ્નન્સી પિલો ગર્ભવતી મહિલાઓને કઈ રીતે મદદ કરે છે એ નિષ્ણાત પાસેથી જાણીએ.
શા માટે ઉપયોગી?
ખારઘરમાં આવેલી મધરહુડ હૉસ્પિટલમાં કામ કરતાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. સુરભિ સૌરભ પ્રેગ્નન્સી પિલોના મહત્ત્વને સમજાવતાં જણાવે છે, ‘પહેલાં તો ગર્ભવતી મહિલાઓ માટે વધુ સુવિધાઓ નહોતી અને તેમને કમ્ફર્ટ અને સુવિધાઓ આપી શકે એવી પ્રોડક્ટ્સ પણ માર્કેટમાં નહોતી, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. પ્રેગ્નન્સી પિલો ગર્ભવતી મહિલાના જીવનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. પહેલાં અમારે તેમને કહેવું પડતું કે સૂતી વખતે બેત્રણ ઓશીકાંને પેટ અને પગની વચ્ચે પ્લેસ કરો અને પછી પોઝિશન ચેન્જ કરવી હોય તો ફરીથી ઓશીકાને પ્લેસ કરવા પડતાં હતાં. જોકે એમાં ઊંઘમાં ખલેલ પહોંચતી હતી. પ્રેગ્નન્સી પિલો આવ્યા બાદ અમારું કામ સરળ થયું અને સ્ત્રીઓને સૌથી વધુ કમ્ફર્ટ મળવા લાગી. પેટને કારણે તેઓ આખો દિવસ અસહજ ફીલ કરે, પણ સૂતી વખતે કમ્ફર્ટ મળવી જરૂરી છે. એ પેટ જ નહીં પણ પીઠ, પગ અને ઘૂંટણને યોગ્ય રીતે સપોર્ટ આપે છે અને આ સાથે એ આરામદાયક હોવાથી સારી ઊંઘ આવી જાય છે. એનો વધુ એક ફાયદો એ પણ છે કે એ બ્લડ-સર્ક્યુલેશનને સુધારે છે. સામાન્યપણે અમે ગર્ભવતી સ્ત્રીને ડાબા પડખે સૂવાની ભલામણ કરીએ છીએ જેથી ઍસિડિટી અને પાચન સંબંધિત સમસ્યાઓ ન થાય. છઠ્ઠાથી નવમા મહિના સુધીમાં પ્રેગ્નન્સી પિલોનો ઉપયોગ આઇડિયલ માનવામાં આવે છે. એના ઉપયોગથી બૅકપેઇનની સમસ્યામાં રાહત મળી જાય છે.’
ADVERTISEMENT
U-શેપના પિલો યુઝફુલ
માર્કેટમાં વિવિધ આકારના પ્રેગ્નન્સી પિલો મળી રહ્યા છે એમાંથી સૌથી ઉપયોગી પિલો વિશે વાત કરતાં ૧૫ કરતાં વધુ વર્ષનો અનુભવ ધરાવતાં ડૉ. સુરભિ કહે છે, ‘અત્યારે માર્કેટમાં C-શેપના પિલો મળે છે. સૂતી વખતે એ આખી બૉડીને સપોર્ટ આપવાની સાથે પીઠ અને પગના દુખાવામાં પણ સારો હોય છે. સોફા પર બેસતી વખતે પણ એનો ઉપયોગ કરી શકાય. U-શેપ પિલો કદમાં મોટો હોવાથી વારંવાર પડખું બદલીને સૂવામાં સારું પડે છે. એ પેટની સાથે પીઠ, માથું અને પગને ફુલ સપોર્ટ આપે છે. J-શેપ પિલો થોડી જગ્યા લે છે અને પીઠ અને પેટ માટે યોગ્ય સપોર્ટ આપે છે. ઓછી સ્પેસ હોય તો એ શ્રેષ્ઠ છે. બજેટ-ફ્રેન્ડ્લી ઑપ્શનની પસંદગી કરવી હોય તો બૉડી પિલો બેસ્ટ છે, પણ હું U-શેપ પિલો લેવાનું સજેસ્ટ કરીશ, કારણ કે એ પ્રેગ્નન્સી દરમિયાન તો કામ આવે જ છે અને બેબી આવ્યા બાદ તેને ફીડ કરાવવા માટે માતા અને બાળકને બહુ કમ્ફર્ટ આપે છે.’

