ડાયાબિટીઝ, બ્લડપ્રેશર અને કૉલેસ્ટરોલ લિવરને પણ એટલું જ ડૅમેજ કરે છે પરંતુ આ રોગના દરદીઓ લિવરની ચિંતા કરતા નથી. લિવરનું ધ્યાન રાખવા માટે શું ન કરવું એ પહેલાં સમજી લઈએ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
માણસ માત્ર ભેદભાવ કરે છે. બીજા માણસો સાથે જ નહીં, પરંતુ પોતાના શરીરનાં અંગો સાથે પણ. આજકાલ ડાયાબિટીઝ, બ્લડપ્રેશર અને કૉલેસ્ટરોલ જેવા પ્રૉબ્લેમ ખૂબ જ વધી ગયા છે એને કારણે લોકો પોતાના હાર્ટની ચિંતા ઘણી કરવા લાગ્યા છે. હાર્ટ-અટૅક આવશે તો શું થશે એ ભયે હાર્ટની કૅર પણ ચાલુ કરી દીધી હોય એવા ઘણા લોકો તમને આસપાસ જોવા મળે છે, પરંતુ લિવર ખરાબ થઈ જશે કે લિવરનું ધ્યાન રાખવું જરૂરી છે એવું કોઈ વિચારતું નથી. ડાયાબિટીઝ, બ્લડપ્રેશર અને કૉલેસ્ટરોલ લિવરને પણ એટલું જ ડૅમેજ કરે છે પરંતુ આ રોગના દરદીઓ લિવરની ચિંતા કરતા નથી. લિવરનું ધ્યાન રાખવા માટે શું ન કરવું એ પહેલાં સમજી લઈએ.
આલ્કોહોલ લિવરનો સૌથી મોટો શત્રુ છે. જેટલા પણ લોકો દારૂના રવાડે ચડે છે એમાંથી મોટા ભાગના લોકો પોતાનું જીવન લિવર ડિસીઝની સાથે પૂરું કરતા હોય છે. જેમને ફૅમિલીમાં આલ્કોહોલને કારણે વ્યક્તિનું લિવર ડૅમેજ થયું હોય તો એવી વ્યક્તિએ તો આલ્કોહોલને હાથ જ ન લગાડવો જોઈએ કારણ કે તેમને પણ આ રોગ થવાની શક્યતા ઘણી વધારે છે.
ADVERTISEMENT
આ સિવાય સ્મોકિંગ જેવી આદતોથી ૧૦૦ ટકા દૂર રહેવું જરૂરી છે કારણ કે સ્મોકિંગને લીધે શરીરમાં જમા થતાં ટૉક્સિન્સ લિવરની હાલત વધુ ને વધુ ખરાબ કરે છે. ઘણા લોકો પોતાની રીતે દવાઓ લઈ લેતા હોય છે જેને આપણે ઓવર ધ કાઉન્ટર મેડિસિન કહીએ છીએ. પેઇનકિલર્સ કે ઍન્ટિબાયોટિક્સ જેવી દવાઓ પણ લોકો લઈ લેતા હોય છે અને એ દવાઓની અસર લિવર પર થતી હોય છે. કોઈ પણ દવા, ભલે એ સામાન્ય વિટામિનની ગોળી પણ કેમ ન હોય, ડૉક્ટરને પૂછ્યા વગર લેવી જોઈએ નહીં.
ખાસ કરીને જે લોકો આલ્કોહોલ લેતા હોય છે તે જાણે છે કે આલ્કોહોલથી લિવર ડૅમેજ થાય છે છતાં તેઓ છોડી શકતા નથી એટલે લિવરને હેલ્ધી રાખવાનો ક્લેમ કરતી મેડિસિન્સ મેડિકલ સ્ટોર પરથી લઈ લેતા હોય છે, એમ સમજીને કે આ દવાઓને કારણે આલ્કોહોલથી થતું નુકસાન અટકાવી શકાય છે. પરંતુ હકીકતે એવું થતું નથી. આવી દવાઓ ખાતાં પહેલાં એક વાર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
આજે પણ આપણે ત્યાં જો કોઈ વ્યક્તિને કમળો થયો હોય તો તેને તાંત્રિક કે બાબા પાસે લઈ જવામાં આવે છે. આ પ્રકારની અંધશ્રદ્ધા દરદીને વધુ મુશ્કેલીમાં મુકતી હોય છે. કમળો લિવરને લાગતો એક રોગ છે જેને ઠીક કરવા ડૉક્ટરની જરૂર રહે છે. ઘરગથ્થુ ઉઈપાયો કે કોઈ અંધશ્રદ્ધાને લીધે દરદીની હાલત વધુ ખરાબ કરવા કરતાં તેને ડૉક્ટર પાસે લઈ જવો હિતાવહ છે એ વાત સૌ સ્વીકારે એ જરૂરી છે.


