Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

સવારે ભૂખ જ નથી લાગતી?

Published : 01 October, 2026 11:21 AM | Modified : 01 October, 2026 11:21 AM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

ઊઠીને બ્રેકફાસ્ટ કરવાની ઇચ્છા થવી એ હેલ્થની નિશાની છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને સવારે ઊઠ્યા પછી કલાકો સુધી ભૂખ લાગતી જ નથી. તેઓ નાસ્તો કરવાનો પ્રયત્ન કરે તો ઊબકા કે ભારેપણું અનુભવાય છે. જો તમારી પણ મૉર્નિંગ ઍપેટાઇટ સતત ગાયબ રહેતી હોય તો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


 ડીટૉક્સના ભ્રમમાંથી બહાર આવો: આજકાલ સવાર પડતાં જ મેટાબૉલિઝમ ઝડપી બનાવવાના કે શરીરને ડીટૉક્સ કરવાના નામે જાત-જાતના ઉપાયો શોધવામાં આવે છે; પરંતુ આપણા શરીરને સક્રિય કરવા માટે લીંબુપાણી, ઍપલ સાઇડર વિનેગર કે બજારમાં મળતા કોઈ ફૅન્સી પાઉડરના ચમત્કારની જરૂર નથી. સાચી તંદુરસ્તી કોઈ પીણાંમાં નહીં, તમારી રોજિંદી જીવનશૈલીના સુધારામાં વસેલી છે.

ઊઠીને બ્રેકફાસ્ટ કરવાની ઇચ્છા થવી એ હેલ્થની નિશાની છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને સવારે ઊઠ્યા પછી કલાકો સુધી ભૂખ લાગતી જ નથી. તેઓ નાસ્તો કરવાનો પ્રયત્ન કરે તો ઊબકા કે ભારેપણું અનુભવાય છે. જો તમારી પણ મૉર્નિંગ ઍપેટાઇટ સતત ગાયબ રહેતી હોય તો એની પાછળનાં કારણો શું છે? ક્યાં ગરબડ હોઈ શકે અને શું સુધારવાની જરૂર છે એ બન્ને સમજી લઈએ



સવારે ઊઠીને નાસ્તો કરવાનો સમય થાય પણ પેટમાંથી ‘ભૂખ લાગી છે’ એવો એક પણ સંકેત ન મળે. ઘણા લોકો માટે આ રોજની વાત છે. કોઈ સીધા ચાના કપથી દિવસ શરૂ કરે છે, કોઈ બપોર સુધી કંઈ ખાધા વગર રહે છે તો કોઈને લાગે છે કે કદાચ તેનું મેટાબૉલિઝમ જ નબળું થઈ ગયું છે. જોકે સવારની ભૂખ ન લાગવી હંમેશાં કોઈ એક જ કારણ તરફ ઇશારો કરતું નથી. રાત્રે કેટલા વાગ્યે અને શું ખાધું, ઊંઘ કેટલી થઈ, સ્ટ્રેસ કેટલું છે અને તમારી દિનચર્યા કેટલી નિયમિત છે આ બધું તમારી સવારની ભૂખને અસર કરી શકે છે. સવારે ઊઠતાંની સાથે જ ભૂખ કેમ નથી લાગતી અને ક્યારે આ સામાન્ય બાબત છે તથા ક્યારે એના પર ધ્યાન આપવાની જરૂર છે એ વિશે આપણે ડાયટિશ્યન શ્રદ્ધા ગડિત પાસેથી જાણીએ.


ભૂખ ન લાગવાનું કારણ સમજો
સવારની ભૂખ એ કોઈ એવી બાબત નથી જેની સાથે તમારે લડવું પડે. એ શરીરનો એવો સંકેત છે જેને સમજવો જરૂરી છે. જો ક્યારેક ભૂખ ન લાગે તો ગભરાઈ જવાની જરૂર નથી. જો તમને સહજ રીતે જ મોડો નાસ્તો કરવાની ટેવ હોય અને તમે એકદમ સ્વસ્થ અનુભવતા હો તો કદાચ એ જ તમારી દિનચર્યા હોઈ શકે છે, પરંતુ જો તમારી ભૂખમાં અચાનક બદલાવ આવ્યો હોય તો એના પર ધ્યાન આપો. કોઈ સપ્લિમેન્ટ કે ટ્રેન્ડી મૉર્નિંગ ડ્રિન્ક તરફ દોડતાં પહેલાં તમારી જાતને આટલા સવાલો પૂછો.

 મેં ગઈ કાલે રાત્રે કેટલા વાગ્યે ડિનર કર્યું હતું?
  શું મને સારી ઊંઘ આવી હતી?
  શું હું તનાવમાં છું?
  શું હું મોડી રાત્રે કંઈક નાસ્તો કરું છું?
  શું મારા દિવસની શરૂઆત માત્ર ચાથી જ થાય છે, બીજું કશું નહીં?
  શું મને ઍસિડિટી, પેટ ફૂલવું (બ્લોટિંગ), કબજિયાત કે ઊબકા જેવું લાગે છે?
આ સરળ પ્રશ્નો ઘણી વાર તમને કોઈ જટિલ ડાયટ-ચાર્ટ કરતાં પણ ઘણુંબધું સમજાવી દેશે. સારું પોષણ એટલે શરીર પર જબરદસ્તીથી કોઈ દિનચર્યા થોપવી નહીં, તમારા શરીરની જરૂરિયાતોને સમજવી અને એની સાથે તાલ મિલાવીને એક અનુકૂળ રૂટીન બનાવવું. તેથી કાલે સવારે માત્ર એટલું જ ન પૂછતા કે મારે નાસ્તામાં શું ખાવું જોઈએ? સૌપ્રથમ એ પૂછો કે મને ભૂખ કેમ નથી લાગી? આ સવાલનો જવાબ કદાચ તમારા નાસ્તા કરતાં પણ વધુ મહત્ત્વનો સાબિત થશે.


ભૂખ ન લાગવાનાં કારણો
૧. મોડું અને ભારે ડિનર ઃ જો તમે રાત્રે ૧૦.૩૦ કે ૧૧ વાગ્યે ભારે ભોજન લો છો તો સૂવાના સમયની નજીક જ ખાવાથી રાત્રે પાચનતંત્ર સક્રિય રહે છે અને કેટલાક લોકોને સવારે ભૂખ ઓછી લાગવી, પેટ ભરેલું લાગવું કે અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. એમાંય જો સાથે મીઠાઈ, નમકીન, બિસ્કિટ કે અન્ય હાઈ કૅલરીવાળો ખોરાક ઉમેરાય તો આ અસર વધુ જોવા મળી શકે છે. એટલે સવારે ૮ વાગ્યાની ભૂખ સુધારવા મથવા કરતાં પહેલાં રાત્રે ૯ વાગ્યાનું ધ્યાન રાખો. ડિનર થોડું વહેલું પૂરું કરવાનો પ્રયત્ન કરો. દાળ-શાક સાથે એક-બે રોટલી, પનીર સાથે વેજિટેબલ સૂપ કે દહીં સાથે મગની દાળની ખીચડી જેવો સંતુલિત અને પ્રમાણસર ખોરાક રાત્રિના ખૂબ ભારે ભોજન કરતાં વધુ અનુકૂળ રહી શકે છે.
૨. માનસિક તનાવ અને ઉતાવળ ઃ સવારની ભૂખ પર તમારા મનની સ્થિતિની પણ અસર પડી શકે છે. એ દિવસ યાદ કરો જ્યારે તમારી કોઈ મહત્ત્વની પરીક્ષા કે ઑફિસ-પ્રેઝન્ટેશન હતું. શું એ સવારે તમને નાસ્તાનો વિચાર પણ આવ્યો હતો? તનાવ ભૂખ પર સીધી અસર કરી શકે છે. કેટલાક લોકો તનાવમાં વધુ ખાઈ લે છે, જ્યારે કેટલાકની ભૂખ સાવ ઘટી જાય છે. જો તમે ઊઠતાંવેંત ઈ-મેઇલ, વૉટ્સઍપ મેસેજ કે નોટિફિકેશન્સ તપાસવા લાગો તો શરીર બરાબર જાગે એ પહેલાં મન દોડવા માંડે છે. એટલે સવારે થોડી ક્ષણો શાંતિથી વિતાવો. 
૩. અપૂરતી ઊંઘ ઃ જો તમે રાત્રે એક વાગ્યે સૂઓ, સવારે ૭ વાગ્યે ઊઠો અને સ્વસ્થ અનુભવવા માટે બે કપ કડક ચાની જરૂર પડે તો માત્ર ભૂખ જ નહીં, આખી જીવનશૈલી પર ધ્યાન આપવાની જરૂર છે. ઊંઘની અછત અને અનિયમિત ઊંઘ ભૂખ અને તૃપ્તિ સાથે સંકળાયેલાં હૉર્મોન્સ તથા ખાવાની પસંદગીઓને અસર કરી શકે છે. એથી સૂવાનો સમય થોડો વહેલો કરો અને સૂવા-ઊઠવાનો સમય નિયમિત રાખવાનો પ્રયત્ન કરો. પોષણ એટલે માત્ર થાળીમાં શું છે એ નહીં. તમે કેવી રીતે ઊંઘો છો, ક્યારે જમો છો અને કેવી જીવનશૈલી જીવો છો એ પણ તમારા સ્વાસ્થ્યનો જ ભાગ છે.
૪. સવારની ચા ઃ મોટા ભાગના ભારતીયો માટે સવારના એક કપ ચા ન મળે ત્યાં સુધી દિવસ શરૂ થતો નથી. ચા પીવામાં ખરાબી નથી, પણ જો તમારો નાસ્તો માત્ર બે કપ ચા જ હોય અને તમે બપોર સુધી ભૂખ્યા રહેતા હો તો આ પૅટર્ન પર ધ્યાન આપવું જરૂરી છે. કૅફીન કેટલાક લોકોમાં થોડા સમય માટે ભૂખ ઓછી કરી શકે છે અને સંવેદનશીલ લોકોને ખાલી પેટે ચા ઍસિડિટી કે રિફ્લક્સ જેવી તકલીફ આપી શકે છે. જો ખાલી પેટે ચા અનુકૂળ ન આવતી હોય તો સાથે કંઈક હળવું અને પૌષ્ટિક લઈ શકાય. જેમ કે થોડાં ડ્રાયફ્રૂટ્સ, એક નાનું ફળ, થોડા પૌંઆ કે ફળ સાથે દહીં. આનો હેતુ અચાનક મોટો નાસ્તો ઠાંસવાનો નથી પરંતુ શરીરને યોગ્ય શરૂઆત આપવાનો છે.

શું પરાણે નાસ્તો કરવો જોઈએ?
બિલકુલ નહીં. નાસ્તો એ કોઈ સજા નથી. જો સવારે ઊઠતાંની સાથે જ તમને ઊબકા જેવું લાગતું હોય તો પરાણે નાસ્તો કરવો એ ઉપાય નથી. જો તમને શરૂઆતથી જ સવારે થોડા મોડા નાસ્તો કરવાની આદત હોય, તમે દિવસભર ઊર્જાવાન અનુભવતા હો, તમારું વજન યોગ્ય હોય અને કોઈ તકલીફ ન હોય તો એ તમારી સ્વાભાવિક દિનચર્યાનો ભાગ હોઈ શકે છે. જોકે પહેલાં તમને સવારે સરસ ભૂખ 
લાગતી હોય અને હવે અચાનક ભૂખ લાગતી બંધ થઈ ગઈ હોય; ખાસ કરીને વજન ઘટવું, સતત ઊબકા, પેટમાં અસ્વસ્થતા કે ભારે થાક જેવાં લક્ષણો સાથે હોય તો એને માત્ર નબળું મેટાબૉલિઝમ માનીને નજરઅંદાજ ન કરો.

સતત ૭ દિવસ માટે આ પાંચ બાબતો અજમાવી જુઓ
૧. રાતનું ડિનર થોડું વહેલું પૂરું કરો : જો તમને સવારે ભૂખ ન લાગતી હોય તો બધું એકસાથે બદલવાનો પ્રયત્ન ન કરો. જો તમે સામાન્ય રીતે રાત્રે ૧૦.૩૦ વાગ્યે જમતા હો તો એને ૯ કે ૯.૩૦ વાગ્યા સુધી લાવવાનો પ્રયાસ કરો.
૨. ડિનર પછીની બિનજરૂરી નાસ્તાની આદત બંધ કરો : જો સાચે જ ભૂખ લાગી હોય તો ચોક્કસ ખાઓ, પરંતુ જો તમે ફક્ત ટીવી જોતાં-જોતાં બિસ્કિટ કે નમકીન ખાઈ રહ્યા હો તો એ આદત બદલવાનો પ્રયત્ન કરો. સવારે ઊઠીને થોડું પાણી પીઓ. 
૩. ઊંઘવાનો સમય સુધારો : સૂવાના સમયને ફક્ત વીસથી ૩૦ મિનિટ વહેલો કરવો એ પણ એક સારી શરૂઆત છે.
૪. સવારે થોડું ચાલો કે હલનચલન કરો : દસથી ૧૫ મિનિટનો મૉર્નિંગ વૉક કે હળવું સ્ટ્રેચિંગ રાખી શકાય. ભારે વર્કઆઉટ કરવાની જરૂર નથી.
૫. હળવો નાસ્તો કરીને શરૂઆત કરો : સવારે પરાણે પેટ ભરીને નાસ્તો ન કરો. ફળો અને ડ્રાયફ્રૂટ્સ, પૌંઆ, દહીં અથવા નાનો પૂડલો જેવા તમને અનુકૂળ હોય એવા હળવા ખોરાકથી શરૂઆત કરો. જેમ-જેમ ભૂખ ઊઘડતી જાય એમ-એમ એનું પ્રમાણ અને પોષક સંતુલન વધારો.

Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 11:21 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK