વર્ષ બદલાય એટલે માઇન્ડને અચાનક જ એવું ફીલ થવા લાગે કે આખા વર્ષમાં શું કર્યું? જે રહી ગયું છે એ નવા વર્ષમાં કેવી રીતે કરવું? આની મથામણમાં માઇન્ડ એક પ્રકારનું સ્ટ્રેસ ફીલ કરવા લાગે છે અને નવા વર્ષના ગોલ્સ સાઇડમાં જ રહી જાય છે.
પ્રતીકાત્મક તસવીર
ઘણી વાર એવું બને છે કે રાત્રે સૂતી વખતે આપણે લાંબું લિસ્ટ બનાવીએ છીએ કે કાલે તો સવારે વહેલા ઊઠીને આટલાં કામ પતાવી જ દેવાં છે, પણ સવાર પડતાં જ એ ઉત્સાહ ક્યાંક ઓગળી જાય છે. વર્ષોથી પેન્ડિંગ પડેલાં કામો, અધૂરાં છોડેલાં પુસ્તકો, કબાટના કોઈ ખૂણે પડેલાં જિમનાં શૂઝ અને ડાયરીમાં લખેલા અધૂરા સંકલ્પો અધૂરા જ રહી જાય છે. જોકે જ્યારે કૅલેન્ડર બદલાય અને નવું વર્ષ આવીને ઊભું રહે ત્યારે એવું લાગે કે જૂનાં કામો તો કરવાનાં જ છે અને સાથે ધારેલાં બીજાં નવાં કામો પણ કરવાં પડશે. આને કારણે સતત સ્ટ્રેસ ફીલ થયા રાખે છે. સાઇકોલૉજીની દુનિયામાં નવા વર્ષના શરૂઆતના થોડા દિવસ માઇન્ડ રીસેટના હોય છે. જો આ દિવસોમાં તમે અમુક ચોક્કસ આદતોને વિકસાવવાની કોશિશ કરી તો આખા વર્ષ દરમિયાન તમે ધારેલા ગોલ્સ પૂરા કરવામાં સફળ થશો અને સ્ટ્રેસ પણ ફીલ નહીં થાય. આ દિવસો દરમિયાન માઇન્ડને રીસેટ કઈ રીતે કરી શકાય, ગયા વર્ષનું સ્ટ્રેસ કઈ રીતે દૂર કરી શકાય એનાં પ્રૅક્ટિકલ સૉલ્યુશન શું છે એ વિશે નિષ્ણાત પાસેથી જાણીએ.
કારણભૂત છે આ પરિબળો
ADVERTISEMENT
સૌપ્રથમ માનસિક રીતે શું ચાલી રહ્યું છે એ સમજવું શા માટે જરૂરી છે એ વિશે જણાવતાં મુલુંડની સાઇકોલૉજિસ્ટ અને હિપ્નોથેરપિસ્ટ સિદ્ધિ મારુ કહે છે, ‘ગયા વર્ષમાં અધૂરાં રહેલાં કામો મગજમાં ઓપન લૂપ્સ તરીકે રહે છે. સાઇકોલૉજીમાં એને ઝિગર્નિક ઇફેક્ટ કહેવાય છે. આ કારણે નવું વર્ષ શરૂ થતાં જ માણસને એવું લાગે છે કે બધું એકસાથે માથે ચડી રહ્યું છે. જ્યારે નવું વર્ષ આવે છે ત્યારે લોકો મોટા પ્લાન બનાવે છે, પણ માનસિક ઊર્જા ઓછી હોય છે. પરિણામે પ્લાન બને છે પરંતુ એક્ઝિક્યુશન થતું નથી. એનું મુખ્ય કારણ છે આપણા મગજમાં ચાલતો બૅકગ્રાઉન્ડ નૉઇઝ. અધૂરાં રહી ગયેલાં કાર્યો માત્ર ફાઇલ, નોટબુક કે મોબાઇલની નોટ્સમાં નથી હોતાં; એ આપણા મગજમાં એક સતત ચાલતા ઘોંઘાટ જેવાં હોય છે. જ્યારે તમે નિરાંતે બેઠા હો ત્યારે પણ મગજનો એક હિસ્સો તમને ટોકતો રહે છે કે કંઈક બાકી છે. આ અનિશ્ચિતતા માનસિક તનાવમાં વધારો કરે છે. આ પરિસ્થિતિમાં આપણે ઘણી વાર અવૉઇડન્સ બિહેવિયર એટલે કે કામ ટાળવાની વૃત્તિ અપનાવી લઈએ છીએ. આપણને લાગે છે કે આ આપણી આદત છે, પણ વાસ્તવમાં એ તનાવ સામેનો મગજનો એક પ્રતિભાવ છે. જ્યારે કોઈ કામ આપણને પહાડ જેવું અઘરું લાગે ત્યારે આપણું મગજ આપણને બચાવવા માટે એનાથી દૂર ભાગે છે.’
મોટિવેશનથી નહીં, ડિસિપ્લિનથી આવશે ચેન્જ
આપણે હંમેશાં કામ કરવા માટે મોટિવેશનની રાહ જોઈએ છીએ. મોબાઇલમાં અને લોકો પાસેથી મોટિવેશન મળે ત્યારે શરૂઆત થશે એવી ધારણા અપનાવવી સૌથી મોટી ભૂલ છે એમ જણાવતાં સિદ્ધિ કહે છે, ‘મોટિવેશન દરિયાની ભરતી જેવું છે. એ આવે અને જાય. સાચું પરિવર્તન સિસ્ટમ કે શિસ્તથી આવે છે. આપણે એવું માનીએ છીએ કે પહેલાં આત્મવિશ્વાસ આવશે પછી અમે કામ કરીશું, પણ વાસ્તવિકતા એ છે કે પહેલાં હંમેશાં ક્રિયા આવે છે અને એમાંથી જન્મેલો સંતોષ આત્મવિશ્વાસ અને મોટિવેશનને જન્મ આપે છે.’
નિર્ણય લેવાની ક્ષમતાને મજબૂત બનાવો
રીસેટ-પ્રોસેસમાં તમે કેવા નિર્ણય લો છો એ મહત્ત્વનું બની જાય છે ત્યારે આ ક્ષમતાને કેવી રીતે કેળવવી જોઈએ એ સમજાવતાં સિદ્ધિ કહે છે, ‘જો આપણે આ નવા વર્ષે ખરા અર્થમાં માઇન્ડ રીસેટ કરવું હોય તો ડિસિઝન ફટીગ એટલે કે નિર્ણય લેવાના થાકને સમજવો પડશે. સવારથી સાંજ સુધી શું પહેરવું, શું જમવું, કયું કામ પહેલાં કરવું એવા અસંખ્ય નાના નિર્ણયો આપણી માનસિક શક્તિ ખર્ચી નાખે છે. પરિણામે જ્યારે મહત્વના નિર્ણયો લેવાના હોય ત્યારે આપણું મગજ થાકી ગયું હોય છે. આ માટે એક સરળ ઉકેલ છે. રૂટીનને ફિક્સ કરો. એક દિવસ અગાઉ રાત્રે જ નક્કી કરી લો કે મારે શું પહેરવું છે, શું ખાવું છે અને કયું કામ પહેલાં કરવું છે અને જેટલા ઓછા નાના નિર્ણયો લેવા પડશે એટલી વધુ મેન્ટલ સ્ટ્રેન્ગ્થ તમે તમારા ગોલ્સ અને ડ્રીમ્સને પૂરાં કરવા પાછળ વાપરી શકશો.’
શરૂઆતના દિવસો મહત્ત્વના
જેમ મોબાઇલ હૅન્ગ થાય ત્યારે આપણે એને રીસેટ કરીએ છીએ એમ આપણું મગજ નવા વર્ષના શરૂઆતના દિવસોને જીવનના રીસેટ બટન તરીકે જુએ છે ત્યારે શા માટે આ દિવસો મહત્ત્વના ગણાય છે એ સવાલનો જવાબ આપતાં સિદ્ધિ કહે છે, ‘આપણું મગજ ભૂતકાળની બધી આળસ અને નિષ્ફળતાઓને જૂના વર્ષના ખાતામાં નાખી દે છે. આ દિવસોમાં આપણને એવો અહેસાસ થાય છે કે આપણો જૂનો સૉફ્ટવેર અપડેટ થઈ ગયો છે અને હવે આપણે નવી રીતે જીવવા માટે તૈયાર છીએ. જો તમે આ દિવસોમાં નાની એવી પણ શિસ્ત જાળવી લો જેમ કે રોજ ૧૫ મિનિટ ચાલવું કે બુક વાંચવી તો મગજને વિશ્વાસ બેસી જાય છે કે હા, આ કામ હું કરી શકું છું. આ દિવસોમાં મળતું અચીવમેન્ટ માઇન્ડને ફીલ ગુડ કરાવે છે અને એ લૂપ બને છે. સતત આઠ-દસ દિવસ સુધી આપણે ધારેલાં કાર્યોમાં નાની-નાની સફળતા મળે તો મગજને એની આદત થવા લાગે છે અને પછી એ કામ કરવું બોજ લાગવાને બદલે મજા આવવા લાગે છે. આ દિવસોમાં આપણી સેલ્ફ-ઇમેજ બદલાય છે. આપણે પોતાને એવું કહેવાનું શરૂ કરીએ છીએ કે હું જે કામ હાથમાં લઉં છું એને પૂરું પણ કરી શકું છું. આ ઓળખનો બદલાવ બહુ મહત્ત્વનો હોય છે. જો શરૂઆતમાં આપણે આળસ કરીએ તો મગજ ફરીથી જૂની પૅટર્નમાં જતું રહે છે કે તું આવો જ છે, તું બદલાઈશ જ નહીં. પણ જો આ દિવસોમાં નાના ચેન્જિસને અપનાવશો તો નવી ઓળખ બનાવશો. શરૂઆતના દિવસ એ ડેમો-પિરિયડ નથી પણ ફાઉન્ડેશન છે. જો તમે આ સમયગાળો સાચવી લો તો બાકીનું આખું વર્ષ મગજ તમારી સાથે લડવાને બદલે તમને સાથ આપવાનું શરૂ કરશે.’
પ્રૅક્ટિકલ રીસેટ જરૂરી
- આપણે એટલી સ્પીડમાં દોડી રહ્યા છીએ કે આપણને રસ્તામાં આવતા ખાડાઓ પણ દેખાતા નથી. વ્યાવહારિક રીતે રીસેટ થવાની સૌથી પહેલી શરત એ છે કે તમારા શરીર અને શ્વાસને શાંત કરો. જ્યારે તમે ગભરાટમાં હો ત્યારે મગજ ક્યારેય સાચો રસ્તો નથી બતાવી શકતું. શાંતિ કોઈ લક્ઝરી નથી, પણ કામ શરૂ કરવા માટેની અનિવાર્યતા છે.
- પછી બીજું મહત્ત્વનું સ્ટેપ છે બ્રેઇન ડમ્પ. આપણા મગજની ક્ષમતા વિચારોને પ્રોસેસ કરવાની છે, એને સ્ટોર કરવાની નહીં. મગજમાં ચાલી રહેલા તમામ વિચારો, અધૂરાં કામ, ચિંતા અને પ્લાન્સને કાગળ પર ઉતારો. જે ક્ષણે તમે આ વિચારોને કાગળ પર જુઓ છો એ ક્ષણે મન હળવું ફીલ કરે છે કારણ કે હવે એને બધું યાદ રાખવાની મહેનત નહીં કરવી પડે. આ જ પ્રકારે મગજની મેમરીને સમયાંતરે સાફ કરતા રહેવું જરૂરી છે. આ સાથે રૂટીન સેટ હશે તો તમારી એનર્જી પણ બચશે.
- આપણે ઘણી વાર નવા વર્ષના પહેલા દિવસે જ નક્કી કરી લઈએ છીએ કે આજથી હું બધું જ બદલી નાખીશ. આપણે રાતોરાત સુપરહ્યુમન બનવા માગીએ છીએ પણ જીવન સ્વિચ નથી કે પાડો એટલે તરત પ્રકાશ થઈ જાય. પ્રૅક્ટિકલ રીસેટનો અર્થ એ છે કે તમે સ્વીકારો કે પરિવર્તન ધીમે-ધીમે આવશે. બધું એકસાથે સુધારવા જશો તો વધુ થાકી જશો.
- જ્યારે પતંગની દોરી કપાઈ જાય ત્યારે એ ક્યાં જશે એ નક્કી નથી હોતું, એ જ હાલત આપણા મનની છે. ગ્રાઉન્ડેડ થવું એટલે હવામાં ઊડતા વિચારોને બદલે વર્તમાનમાં પાછા આવવું. પોતાની ક્ષમતાઓ અને મર્યાદાઓને ઓળખીને શાંત ચિત્તે કામ શરૂ કરવાથી પરિવર્તન આવશે.
- આપણે પણ જવાબદારીઓ, અપેક્ષાઓ અને તનાવના દબાણ હેઠળ `સંકોચાઈ` ગયા છીએ. રીસેટ એટલે એ દબાણને હટાવવું જોઈએ જેથી આપણું મન ફરી એના ઓરિજિનલ, ક્રીએટિવ અને શાંત સ્વરૂપમાં પાછું આવી શકે.
- ઘણી વાર આપણે શારીરિક રીતે કામ શરૂ કરી દઈએ છીએ પણ માનસિક રીતે તૈયાર હોતા નથી, એટલે જ કામ ભાર લાગે છે. શરૂઆતના દિવસ મેન્ટલ ક્લૅરિટી માટે જ હોય છે. જો તમારો રોડમૅપ ક્લિયર હશે તો કામ કરવું બોજ નહીં પણ એ એક ક્રિયા બની જશે. દર વર્ષે વર્ષ તો બદલાય જ છે, પણ આપણી આદતો અને વિચારવાની રીત જૂની જ હોય છે. જો તમે આ દિવસોનો ઉપયોગ કરીને તમારી સિસ્ટમ અપડેટ કરી લેશો તો ૨૦૨૬ માત્ર કૅલેન્ડરનું નવું વર્ષ નહીં રહે, પણ તમારા જીવનનું એક નવું પ્રકરણ બની જશે.
સાત ગોલ્ડન ટિપ્સ લાઇફ-ચેન્જિંગ સાબિત થશે
ટુ-ડૂ લિસ્ટ નહીં પણ પ્રોસેસ-લિસ્ટ બનાવો : મોટા ગોલ્સ રાખવાને બદલ ૧૫ મિનિટમાં શું કરી શકાય એ લખો. જો વેઇટલૉસ તમારો ગોલ હોય તો ૧૫ મિનિટ વર્કઆઉટ કરવું એ એક પ્રોસેસ છે. નાની-નાની જીત મગજને ફીલ ગુડ કરાવે છે અને ફરી-ફરી એ કરવાનું મન થાય છે.
ડિજિટલ ડીટૉક્સથી શરૂ કરો : સવારે ઊઠ્યા પછીની ૩૦ મિનિટ અને રાતે સૂતા પહેલાંની ૩૦ મિનિટ ફોન કે કોઈ પણ ઇલેક્ટ્રૉનિક ડિવાઇસથી દૂર રહો. આ ડીટૉક્સ તમારા ગોલ્સને અચીવ કરવામાં મદદ કરશે.
બ્રેઇન ડમ્પ : રોજ રાતે એક ડાયરીમાં તમારા મનમાં ચાલતા અધૂરા વિચારો, ચિંતા અને કામ લખો. મગજને ખાલી કરશો તો નવા વિચારો માટે જગ્યા થશે.
ડિસિઝન ફટીગને દૂર કરો : તમારાં કપડાં, જમવાનું મેનુ અને કસરતનો સમય આગલી રાત્રે જ નક્કી કરી લો. સવારે ઊઠીને શું કરું એ વિચારવામાં તમારી કીમતી માનસિક ઊર્જા ન બગાડો.
પાંચ મિનિટનો રૂલ અપનાવો : જે કામ કરવામાં આળસ આવતી હોય એને માત્ર પાંચ મિનિટ માટે કરવાનું છે એવું મનને મનાવો. મોટા ભાગે સંઘર્ષ કામને શરૂ કરવામાં જ હોય છે, એક વાર શરૂ થયા બાદ એ ફ્લોમાં આવી જાય છે અને પૂરું પણ થાય છે.
આસપાસનું વાતાવરણ બદલો : તમારા વર્ક-સ્ટેશનને સાફ રાખો. સફાઈ માનસિક સ્વચ્છતા લાવવામાં મદદ કરે છે. આનાથી તમારી ક્રીએટિવિટી અને પ્રોડક્ટિવિટી પણ વધે છે.
સ્વ-સ્વીકાર કરો : જો કોઈ દિવસે નક્કી કરેલું કામ ન થાય તો પોતાની જાતને કોસવાને બદલે એવું વિચારો કે માણસ માત્ર ભૂલને પાત્ર. ક્યારેક તો નાની-મોટી ભૂલ થાય. એને સ્વીકારીને ફરીથી શરૂઆત કરો. કન્સિસ્ટન્સી પર્ફેક્શન કરતાં મહત્ત્વની છે.


